સિદી સમુદાય : સૌરાષ્ટ્રમાં રહેતા સિદીઓ, સૌરાષ્ટ્ર બહાર કેમ આદિવાસી મટી જાય છે?

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી ગુજરાતી

"મારા પિતાની નબળી આર્થિક સ્થિતિને કારણે મારે 1989 માં 10 ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો હતો. એસટીનો દરજ્જો હોત તો હું આજે સરકારી નોકરી કરતો હોત. મને એ વાતનું એટલું દુ:ખ થયું કે મેં પુત્રને ભણાવીને આગળ લાવવાનું નક્કી કરી લીધું હતું."

"મારો દીકરો ઓઝેફ ફાર્મસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. એના માટે મારે ડૉનેશન આપવું પડ્યું છે. જો અમને એસટી શ્રેણીના લાભો મળતા હોત તો ઓઝેફ આજે એમબીબીએસમાં અભ્યાસ કરતો હોત."

આ શબ્દો છે ભરુચના ઝગડિયા તાલુકાના રતનપુર ગામના યુનુસભાઈ સિદીના.

"મેં 75 ટકા માર્ક્સ સાથે સંસ્કૃત વિષયમાં બી.એ. કર્યું છે અને હાલ એમ.એ. કરી રહી છું. મને એસટી સર્ટિફિકેટ મળ્યું હોત તો હું ખાતરીપૂર્વક કહું છું કે હું સરકારી નોકરી મેળવીને જ રહેત. મારું મોસાળ રાજકોટમાં છે. મારા મામા પાસે એસટી સર્ટિફિકેટ છે પણ અમને અહીં એસટી શ્રેણીમાં સમાવવાની ના પાડવામાં આવે છે."

મહેસાણાની શ્રીમતી એ. એસ. ચૌધરી મહિલા આર્ટ્સ અને હોમ સાયન્સ કૉલેજમાં ભણતાં બેચરાજી તાલુકાના માત્રાસણ ગામનાં સિદી ચાંદબીબી અબ્દુલભાઈ પણ કંઈક આવી રીતે પોતાની વ્યથા વ્યક્ત કરે છે.

આ બંને વેદનાઓ વ્યક્ત થવાનું કારણ એ કે સદીઓ પહેલાં દક્ષિણ આફ્રિકાથી જૂનાગઢમાં આવીને વસેલો અને ધમાલ નૃત્યને લઈને દેશવિદેશમાં જાણીતો સિદી આદિવાસી સમુદાય આજે આખા ગુજરાતમાં ફેલાયો છે.

દરમિયાન વિચિત્રતા એવી સર્જાઈ છે કે આજે માત્ર સૌરાષ્ટ્રમાં વસતા સિદી આદિવાસીઓને જ અતિ પછાત એવી એસટી શ્રેણીમાં સમાવવામાં આવે છે. સૌરાષ્ટ્ર બહાર વસતા સિદીઓને એસટીના લાભોમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

મહેસાણામાં રહેતા સલીમભાઈ સિદી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, "સરકારના ઠરાવ પ્રમાણે, સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં વસતા સિદીઓને જ એસટી કૅટેગરીમાં સમાવવામાં આવે છે. અમે અહીં જાતિનું પ્રમાણપત્ર મેળવવા જઈએ ત્યારે અધિકારી ઠરાવ જોઈને જ ના પાડી દે છે કે તમને એસટીનું પ્રમાણપત્ર મળવાપાત્ર નથી."

"સિદી માટે જ કેમ આવું છે? સાબરકાંઠા કે બનાસકાંઠાના આદિવાસી અન્ય જિલ્લામાં જઈ વસે તો તેમના માટે આવાં નિયંત્રણો નથી. તેમને સરળતાથી એસટી સર્ટિફિકેટ મળી જાય છે."

તેઓ આ વિચિત્રતા અંગે પ્રશ્ન ઉઠાવતાં કહે છે કે, "અમે ભલે બહારથી આવીને વસ્યા પરંતુ સદીઓથી અમે ગુજરાતી જ છીએ. સિદી એટલે આદિવાસી. તો વિસ્તાર પ્રમાણે આવો ભેદ કેમ? સૌરાષ્ટ્રના સિદી શેડ્યુલ ટ્રાઇબ છે પણ મહેસાણામાં અમને શેડ્યુલ ટ્રાઇબ ગણવામાં આવતા નથી અને અન્ય પછાત જ્ઞાતિ- ઓબીસીનું સર્ટિફિકેટ આપવામાં આવે છે."

સિદીઓના આદિવાસી સ્ટેટસ અંગેના નૉટિફિકેશન પત્ર પ્રમાણે, ગુજરાત સરકાર માત્ર સૌરાષ્ટ્ર પ્રાંતના સિદીઓને જ આદિવાસી તરીકે માન્યતા આપે છે.

આ કારણે સૌરાષ્ટ્ર બહાર વસવાટ કરતા સિદીઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતાં કોઈ પણ લાભો અને યોજનાઓ મળવાપાત્ર નથી.

સીદી આદિવાસી ગુજરાતમાં કેમ વસ્યા?

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, 2011 ની વસ્તીગણતરી પ્રમાણે, સૌરાષ્ટ્રના છ જિલ્લાઓ જૂનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલીમાં સિદીઓની વસ્તી 8,611 હતી. સીદી સમાજના આગેવાનોના કહેવા પ્રમાણે આજે સિદી સમાજની વસ્તી 2 લાખ જેટલી છે. જેમાંથી 50,000 જેટલા સિદી મોટેભાગે સૌરાષ્ટ્ર બહાર કચ્છ, અમદાવાદ, મહેસાણા, વડોદરા, સુરત અને બનાસકાંઠામાં સ્થાયી થયા છે.

મૂળ નૉટિફિકેશન પ્રમાણે, સૌરાષ્ટ્રના છ જિલ્લાઓ જૂનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલીના સિદીઓને એસટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. વર્ષો જતાં નવા જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને બોટાદ બન્યા. આજે સૌરાષ્ટ્રના આ 11 જિલ્લાઓમાં રહેતા સિદીઓને STનો દરજ્જો મળ્યો છે. પરંતુ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સિદીઓ એસટી કૅટેગરીમાં સ્થાન મળવાને પાત્ર નથી.

આફ્રિકન મૂળના સિદી લોકો સદીઓ પહેલાં ભારતના પશ્ચિમ દરિયાકાંઠે ઊતર્યા હતા. તેમને આરબ વેપારીઓ, પોર્ટુગીઝો કે દરિયાઈ વેપારીઓ લાવ્યા હતા. વર્ષો, દાયકાઓ અને સદીઓ બાદ ગુજરાત સિદીઓની માતૃભુમિ બની ગયું અને ગુજરાતી માતૃભાષા. ગુજરાતનાં રિવાજો અને પરંપરાઓ તેમણે આત્મસાત કરી લીધાં.

આજે ઘણા એવા સિદી છે જે માત્ર એક જ ભાષા બોલી અને સમજી શકે છે - ગુજરાતી. દૂધમાં સાકરની જેમ સિદીઓ ગુજરાતની સંસ્કૃતિ સાથે ભળી ગયા છે. ગુજરાતના નૃત્ય, ગરબામાં સિદીઓનું આફ્રિકાનું ધમાલ નૃત્ય પણ સામેલ થઈ ગયું છે અને વિશ્વભરના લોકોમાં આકર્ષણ જમાવી રહ્યું છે.

લોકમાન્યતા પ્રમાણે, આશરે 300 વર્ષ પહેલાં પોર્ટુગીઝોએ જૂનાગઢના નવાબને ગુલામ તરીકે સિદી ભેંટ આપ્યા હતા.

સરકારના નૉટિફિકેશનને જોતાં એવું માનવું રહ્યું કે પાંચ દાયકા પહેલાં સુધી માત્ર સૌરાષ્ટ્રમાં જ સિદીઓનો વસવાટ હતો અને મહદ્અંશે ગીર અભ્યારણ્યની આસપાસ વસવાટ હતો તેથી તેમને એસટી તરીકેનો દરજ્જો અપાયો હતો.

છેલ્લા કેટલાક દાયકાઓથી અન્ય સમાજની જેમ સિદીઓએ પણ સ્થાળાંતર કર્યું છે અને પેઢીઓથી જયાં રહેતા હતા તે જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાંથી નીકળીને ગુજરાતના અન્ય વિસ્તારોમાં જઈ વસ્યા છે.

રોજગારીના વધુ સારા સ્રોત મેળવવા માટે અન્ય સમુદાય જેવું જ આ સ્થાળાંતર ગણાય. પરંતુ સિદીઓના સ્થાળાંતરથી તેમની ઓળખની સમસ્યા વધુ જટિલ બની છે.

'સરકાર અમને સિદી આદિવાસી કહે છે પણ એસટી ગણતી નથી'

દુકાન અને સ્વતંત્ર વ્યવસાય ધરાવતા ભરુચના ઝગડિયા તાલુકાના રતનપુર ગામમાં યુનુસભાઈ સિદી કહે છે, "ગુજરાત સરકાર અવારનવાર સિદીઓના ધમાલ નૃત્યનું આયોજન કરે છે. એમાં સરકાર તરફથી અમને આપવામાં આવતા પત્રમાં સિદી આદિવાસી લખવામાં આવે છે. ડાંગ અને ડેડિયાપાડામાં થતા આદિવાસી મહોત્સવમાં અમારા ગામની નૃત્યમંડળી પણ ભાગ લે છે."

તેઓ પોતાના સમુદાયની સમસ્યાઓ અંગે આગળ વાત કરતાં જણાવે છે કે, "રતનપુર, સુરત, અમદાવાદ અને મહેસાણાના સિદીઓએ મામલદાર, કલેક્ટર અને છેક ગાંધીનગર સુધી રજુઆત કરી છે, પરંતુ તે નિષ્ફળ રહી છે. અમને એવો જવાબ મળ્યો છે કે માત્ર સૌરાષ્ટ્રના સિદીઓને જ એસટીમાં લેવાની જોગવાઈ છે, તમે એસટીમાં નથી આવતા."

યુનુસભાઈ કહે છે કે તેમના રતનપુર ગામનું સિદી ગોમા ગ્રૂપ ધમાલ નૃત્યમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે.

ગુજરાતમાં દર વર્ષે યોજાતા આદિવાસી ગુજરાત મહોત્સવમાં તેમને સરકાર આદિવાસી તરીકે જ રજૂ કરે છે. તો પણ કેમ ST શ્રેણીમાં નથી તેમને નથી સમાવી લેવાતા, તેનું તેમને સંતોષ થાય એવું કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું નથી.

તેઓ ભૌગોલિક સમસ્યા કઈ રીતે સામાજિક સમસ્યા બની રહી છે તે અંગે વાત કરતાં કહે છે કે, "વિચિત્રતા એ છે કે અમારી બહેન-દીકરીનાં લગ્ન સૌરાષ્ટ્રમાં થાય તો તેને ત્યાં એસટીનો લાભ મળે છે પરંતુ સૌરાષ્ટ્રની દીકરીનાં લગ્ન અહી થાય છે તો તેને મળતા એસટીના લાભો બંધ થઈ જાય છે અને તે એસટીમાંથી ઓબીસીમાં આવી જાય છે."

"હું એસટી પણ મારા પુત્રને એસટી સર્ટિફિકેટ નથી મળતું"

સલીમભાઈ સિદી કહે છે, "મારા પિતાજી સામાજિક આગેવાન હતા. સૌરાષ્ટ્ર બહાર વસતા સિદીઓના એસટી દરજ્જાને લઈને મારા પિતાજી 1985 થી પ્રયત્નો કરતા હતા અને તેમાં આંશિક સફળતા પણ મળી છે. મારા પિતાજીના ઘણા પ્રયત્નોને અંતે મહેસાણા જિલ્લામાં સિદીના 49 પરિવાર વસે છે અને તેમાંથી 10 જેટલા પરિવારોને એસટી સર્ટિફિકેટ મળ્યાં છે. સૌરાષ્ટ્ર બહાર મહેસાણા સિવાય કોઈ અન્ય જિલ્લામાં સિદીને એસટી કૅટગરીમાં સમાવવામાં આવ્યા નથી."

પ્રશ્નના જવાબમાં સલીમભાઈ કહે છે, "અન્ય જિલ્લાની વાત જવા દો, મહેસાણા જિલ્લામાં પણ જેમને એસટી સર્ટિફિકેટ મળ્યાં છે તેમનાં દીકરા-દીકરીઓને પણ એસટી સર્ટિફિકેટ નથી આપતાં."

કારણ એવું ધરવામાં આવે છે કે 2020 ના ઠરાવ મુજબ પરિશિષ્ટ 1માં સૌરાષ્ટ્રના સાત જ જિલ્લાના સિદીઓને આદિવાસી ગણવાનું કહેવાયું હોઈ તેમને એસટી સર્ટિફિકેટ મળવાપાત્ર નથી.

સલીમભાઈ કહે છે કે, "મારી દલીલ માત્ર એ છે કે મારી પાસે આદિવાસી હોવાનું પ્રમાણપત્ર છે તો મારા પુત્રને આદિવાસી ગણવામાં વાંધો શું છે?"

એના જવાબમાં તેમને અધિકારીઓ કહે છે કે તેઓ આદિવાસી છે પણ તેમના પુત્ર આદિવાસી છે એવો પુરાવો ક્યાં છે?

તેઓ તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષા અંગે ટિપ્પ્ણી કરતાં કહે છે કે, "આવી સમજ બહારની ઉડાઉ વાતો અમારે સાંભળવી પડે છે અને આવાં બહાનાં આગળ ધરીને અમારી અરજીને ફગાવી દેવામાં આવે છે."

'વિધાનસભામાંથી ખરડો પસાર કરવો પડે'

તાલાળાના મોરુકા ગામના સિદી આગેવાન યુનુસ રાયકા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "1950થી સૌરાષ્ટ્રના સિદીઓને જ આદિજાતિનો દરજ્જો મળ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યારે અમારા સમાજની 17-18 હજાર જેટલી વસ્તી હશે."

નૉટિફિકેશનમાં સુધારા માટેના પ્રયત્ન અંગે વાત કરતાં તેઓ કહે છે, "અમારા સમાજમાં આગેવાનો બહુ ઓછા છે. પેટિયું રળવામાંથી ઊંચા આવે ત્યારે આગેવાની કરે ને? તો પણ અમે રાજ્યપાલ સહિત આદિજાતિ વિકાસ કમિશનર, સચિવ, ધારાસભ્યો અને સંસદસભ્યોને આ મુદ્દે રજુઆત કરી છે. મને એવું કહેવામાં આવ્યું છે કે એ લાંબી પ્રક્રિયા છે, જૂના નૉટિફિકેશનમાં ફેરફાર કરવા માટે વિધાનસભામાંથી ખરડો પસાર કરવો પડે. આઇએએસ કક્ષાના મોટા અધિકારીઓ ઉપલા વર્ગનું સાંભળે છે અમારું કોણ સાંભળે?"

સૌરાષ્ટ્રમાં સિદીઓની સ્થિતિ અંગે વાત કરતાં યુનુસ રાયકાએ કહ્યું, "સૌરાષ્ટ્રમાં નોકરીમાં સિદીઓ સંતોષકારક માત્રામાં છે. વનવિભાગ, પોલીસ અને આર્મીમાં ઘણા સિદીના જવાનો છે. પોલીસભરતીમાં દોડમાં તો અમારા છોકરા આસાનીથી નીકળી જાય છે પણ લેખિત પરીક્ષા પાસ કરવી અઘરી પડે છે. તેઓ ટ્રેનિંગ માટેના 25 હજાર રૂપિયા ક્યાંથી કાઢે?"

સિદી સમાજમાં શિક્ષણ વિશે વાત કરતાં તેઓ આગળ જણાવે છે કે તેમના સમાજમાં શિક્ષણનું પ્રમાણ નહિવત્ છે. તેમનો પુત્ર જર્મની અને કૅનેડા મિકેનિકલ ઇજનેરીમાં ભણવા ગયો છે અને તેમના સિદી સમાજમાંથી વિદેશમાં ભણવા ગયા હોય એવો તે પહેલો વિદ્યાર્થી છે.

ક્યાં કેટલા સિદી વસે છે?

સલીમભાઈ સિદી કહે છે, 'જે તે વખતે બધા સિદી ગીરના જંગલમાં રહેતા હતા. ત્યાંથી રોજીરોટીની તલાશમાં બહાર નીકળતા ગયા. મારા પિતાની ઉંમર 85 વર્ષ છે. મારા દાદા સૌરાષ્ટ્ર મૂકીને ઉત્તર ગુજરાત તરફ રોજીરોટી માટે આવ્યા હતા. એવી રીતે કેટલાય પરિવારો રોજીરોટી માટે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, બરોડા અને સુરત જિલ્લામાં વસ્યા છે. સૌરાષ્ટ્ર બહાર સૌથી વધુ સિદી કચ્છમાં વસે છે. ત્રીજા નંબરે અમદાવાદ અને સુરત આવે છે."

તેઓ કહે છે કે 2011 ના વસતી ગણતરીના આંકડાઓ પણ શંકા પેદા કરે છે. કેમ કે એકલા તાલાળા તાલુકામાં જ 1200 જેટલાં મકાનો છે. જાંબુર, હડમતિયા, પાણીકોઠા, શિરવણ, સુરવા જેવાં ઘણાં ગામો છે, જેમાં 50-100 પરિવાર રહે છે. જામનગરમાં 800 જેટલા પરિવાર રહે છે. જૂનાગઢ શહેર, રાજકોટ શહેરમાં પણ ઘણા સિદીઓ રહે છે. એક સર્વેનો આંકડો તો એવો હતો કે ગુજરાતમાં સિદીઓની અઢી લાખ જેટલી વસ્તી છે.

રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસમંત્રી નિમિષાબહેન સુથારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "બે વખત સિદી સમાજના આગેવાનો મને મળવા આવ્યા હતા. સર્વે કરાવીને વિગતની તપાસ કરવામાં આવશે."

યુનુસભાઈ સિદી કહે છે, "અમારી ત્રીજી પેઢી એસટી દરજ્જા માટે લડી રહી છે પરંતુ અમે લગભગ આશા છોડી દીધી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો