You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડેસમંડ ટૂટૂ : જ્યારે ક્રોધિત ભીડમાં ઘૂસીને ટૂટૂએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો
દક્ષિણ આફ્રિકામાં રંગભેદને ખતમ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અને નોબલ પુરસ્કાર વિજેતા આર્કબિશપ ડેસમંડ ટૂટૂનું 90 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે.
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ કહ્યું કે ડેસમંડ ટૂટૂનું નિધન "દક્ષિણ આફ્રિકાના શાનદાર લોકોની એક આખી પેઢી પ્રત્યે શોકનો એક અધ્યાય" છે.
તેમણે કહ્યું કે મુક્ત દક્ષિણ આફ્રિકા બનાવવામાં મુખ્ય પાદરી ડેસમંડ ટૂટૂનું મોટું યોગદાન હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટૂટૂના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
નરેન્દ્ર મોદીએ લખ્યું કે "વિશ્વમાં અસંખ્ય લોકો માટે તેઓ માર્ગદર્શન આપતો એક પ્રકાશ હતા. માનવીય ગરિમા અને સમાનતા પર તેઓ જે રીતે ભાર મૂકતા તે હંમેશાં યાદ રહેશે."
રાષ્ટ્રપતિ રામફોસાએ ડેસમંડ ટૂટૂને એક પ્રતિષ્ઠિત આધ્યાત્મિક નેતા, રંગભેદ વિરોધી કાર્યકર્તાઓ અને માનવાધિકારના વૈશ્વિક પ્રચારક ગણાવ્યા અને કહ્યું કે તેઓ દેશ અને દુનિયામાં દક્ષિણ આફ્રિકાની સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાં સામેલ રહ્યા છે.
તેમણે ટૂટૂને એક બેજોડ દેશભક્ત, સિદ્ધાંતો ધરાવતા અને વ્યાવહારિક નેતા ગણાવ્યા જેમણે બાઇબલની એ ભાવનાને ચરિતાર્થ કરી કે કામ કર્યા વગર ધર્મનો કોઈ અર્થ નથી.
ડેસમંડ ટૂટૂનું નિધન દક્ષિણ આફ્રિકાના રંગભેદી સરકારના અંતિમ રાષ્ટ્રપતિ રહેલા એફદબલ્યૂ ડી ક્લાર્કના મૃત્યુના થોડાં અઠવાડિયાંમાં જ થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્લાર્કનું નિધન 85 વર્ષની ઉંમરે 11 નવેમ્બરે થયું હતું.
કોણ હતા ડેસમંડ ટૂટૂ?
ડેસમંડ ટૂટૂ દુનિયામાં રંગભેદના વિરોધના પ્રતીક રહેલા નેલ્સન મંડેલાના સમકાલીન હતા.
તેઓ વંશ આધારે ભેદભાવ અને અલગતાવાદની નીતિને ખતમ કરવાના આંદોલન પાછળની મુખ્ય પ્રેરક શક્તિઓમાં સામેલ હતા.
1948થી 1991 વચ્ચે દક્ષિણ આફ્રિકામાં લઘુમતી શ્વેત લોકોનું શાસન હતું ત્યારે દક્ષિણ આફ્રિકાનો અંતરાત્મા કહેવાતા ડેસમંડ ટૂટૂનો તે દરમિયાન દેશમાં પ્રભાવ હતો.
ગોરા શાસકો ત્યાંના બહુમતી અશ્વેત લોકો સામે વંશના આધારે વિભાજનકારી ભેદભાવપૂર્ણ નીતિઓ અપનાવતા હતા. ડેસમંડ ટૂટૂએ એવી નીતિનો વિરોધ કર્યો.
તે સમયથી અત્યાર સુધી કેટલીક ક્ષેત્રીય વિખવાદમાં તેઓ સમાધાનનો અવાજ બન્યા.
પોતાની સત્યનિષ્ઠા અને ઇમાનદારીને કારણે આર્કબિશપ ડેસમંડ ટૂટૂને દક્ષિણ આફ્રિકાની નૈતિક ધુરા તરીકે જોવામાં આવતા.
તેઓ દેશ અને દુનિયામાં દક્ષિણ આફ્રિકાની સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાં સામેલ હતા.
જ્યારે નોબલ પુરસ્કાર મળ્યો
રંગભેદ વ્યવસ્થા ખતમ કરવામાં તેમના સંઘર્ષને જોતાં તેમને 1984માં નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
1970ના દાયકામાં એક યુવા પાદરી તરીકે તેઓ દક્ષિણ આફ્રિકાની રંગભેદી સરકારના મુખ્ય ટીકાકારોમાં સામેલ હતા.
1980ના દાયકાના મધ્યમાં જ્યારે દક્ષિણ આફ્રિકામાં લઘુમતી શ્વેત શાસન કરતા હતા તે દરમિયાન ટૂટૂ તેમની વિરુદ્ધ નાનાં શહેરોમાં જઈને પ્રચાર કરતા હતા.
એક વાર ટોળાએ એક પોલીસવાળાને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર શંકા હતી કે તે ગુપ્ત રીતે પોલીસનું કામ કરી રહ્યો છે. તો ગુસ્સે થયેલા ટોળા વચ્ચે ઘૂસીને ટૂટૂએ એ વ્યક્તિને બચાવી હતી.
1986માં ડેસમંડ ટૂટૂ કેપટાઉનના આર્કબિશપ બન્યા અને લગભગ તેના એક દાયકા બાદ તેમણે એ ટ્રૂથ ઍન્ડ રિકંસિલિએશન કમિશનની અધ્યક્ષતા કરી જે રંગભદી સરકારના સમયમાં થયેલા અપરાધોની તપાસ કરવા માટે નીમવામાં આવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો