એવો એક દેશ જેણે પોતાનાં પરમાણુ હથિયારો જાતે જ નષ્ટ કર્યાં

    • લેેખક, ઍન્જેલ બરમૂડેજ
    • પદ, બીબીસી સંવાદદાતા

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ ફ્રેડરિક વિલિયમ ડી ક્લાર્કે 1993ના માર્ચની 24 તારીખે એક એવી વાતની પુષ્ટિ કરી જેને ઘણાં વરસો સુધી અફવા માનવામાં આવતી હતી.

એમણે દુનિયાને એમ જણાવ્યું કે એમનો દેશ એક ગુપ્ત પ્રોજેક્ટ પર કામ કરતો હતો અને એણે (દેશે) પરમાણુ હથિયાર બનાવી લીધાં છે.

સંસદમાં અપાયેલા એ ભાષણમાં રાષ્ટ્રપતિએ દેશ અને દુનિયાને જણાવી દીધું કે દક્ષિણ આફ્રિકાએ છ પરમાણુ બૉમ્બ બનાવી નાખ્યા છે.

એમણે એવો વિશ્વાસ પણ આપ્યો કે એ બૉમ્બ નષ્ટ કરી દેવાયા છે અને સેનાની જરૂરિયાત માટે દેશનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ 1991માં દક્ષિણ આફ્રિકા સંયુક્ત રાષ્ટ્રની એનપીટી (ન્યૂક્લિયર નૉન-પ્રોલિફ્રેશન ટ્રીટી)નો સભ્ય બની ગયો હતો.

ડી ક્લાર્કે સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ એજન્સી ઇન્ટરનેશનલ ઍટમિક એનર્જી ઑર્ગેનાઇઝેશન (આઇએઇએ)ને પરમાણુ-મથક સુધી જવાની ખુલ્લી છૂટ પણ આપી, જેથી તેમના દાવાની પૂરતી તપાસ કરી શકાય.

એમણે કહેલું કે એજન્સી દક્ષિણ આફ્રિકાનાં બધાં પરમાણુ-મથકોની મુલાકાત લઈને એમણે કરેલા દાવાની ખરાઈ કરી શકે છે.

આ ઘોષણા થવા સાથે જ ડી ક્લાર્કે દક્ષિણ આફ્રિકાને પરમાણુ હથિયાર બનાવનારા દેશોના નાના સમૂહમાં સામેલ કરી દીધો. સાથે જ, દક્ષિણ આફ્રિકા એકમાત્ર એવો દેશ બની ગયો જેણે એનપીટીના સભ્ય બન્યા પહેલાં પરમાણુ હથિયારનો સંપૂર્ણ ત્યાગ કર્યો હોય.

1990ના દાયકામાં યુક્રેન પણ પોતાની પાસેનાં પરમાણુ હથિયારોનો નાશ કરવા માટે સંમત થયો હતો, પણ એ હથિયારો એને પૂર્વ સોવિયત સંઘ પાસેથી વારસામાં મળ્યાં હતાં.

પરંતુ સવાલ એ છે કે દક્ષિણ આફ્રિકાએ પરમાણુ બૉમ્બ બનાવ્યા કઈ રીતે? અને એનો નાશ કરવાનો નિર્ણય શા માટે કર્યો?

શાંતિપૂર્ણ ઉદ્દેશ માટે પરમાણુ કાર્યક્રમ

દક્ષિણ આફ્રિકાએ 1948માં કાયદો બનાવીને ઍટમિક એનર્જી બોર્ડની સ્થાપના કરી હતી. એનો હેતુ પરમાણુ ઊર્જા અંગેની સંભાવનાઓ શોધવાનો હતો.

1960ના દાયકાની શરૂઆતનાં વરસોમાં દક્ષિણ આફ્રિકાએ શોધ અને વિકાસની પ્રવૃત્તિઓ શરૂ કરી અને પાટનગરના શહેર પ્રિટોરિયાથી લગભગ 40 કિલોમીટરના અંતરે પેલિન્ડાબા પરમાણુ પ્લાન્ટ સ્થાપ્યો.

પરમાણુ કાર્યક્રમના આ આરંભિક ચરણમાં એનો હેતુ શાંતિપૂર્ણ હતો. દક્ષિણ આફ્રિકા પાસે યુરેનિયમનો ભંડાર પણ છે. આ અતિમહત્ત્વની ખનીજના સંવર્ધનની રીતો શોધવાના પ્રયોગો પણ શરૂ કરાયા હતા.

યુરેનિયમ સંવર્ધન તકનીક જ પરમાણુ હથિયાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

1960ના દાયકામાં મળેલી પ્રારંભિક સફળતાથી ઉત્સાહમાં આવીને સરકારે ઔદ્યોગિક સ્તરે કામ કરવા માટે એક પાઇલટ પ્લાન્ટ સ્થાપ્યો.

1970માં તત્કાલીન વડા પ્રધાન બી.જે. વોર્સ્ટરે સંસદને આ યોજનાઓ વિશે માહિતી આપી હતી અને કહેલું કે દેશનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે છે.

દક્ષિણ આફ્રિકા પાસે યુરેનિયમના સમૃદ્ધ ભંડારો હતા અને એ સમજતો હતો કે ભવિષ્યમાં સંવર્ધિત યુરેનિયમ વડે આર્થિક ફાયદો મેળવી શકાય એમ છે.

એની સાથોસાથ દેશના નાગરિક-હેતુઓ માટે પણ પરમાણુ વિસ્ફોટકોના વિકાસની સંભાવનાઓ ચકાસવાનું શરૂ કરી દેવાયું હતું.

1974માં એક રિપોર્ટમાં જ્યારે એમ કહેવાયું કે હથિયારો બનાવવામાં સફળતા મળી શકે એમ છે, તો સરકારે એ ગુપ્ત પરિયોજનાને મંજૂરી આપી દીધી.

જોકે, આ પહેલ વહેલી તકે સૈન્ય ઉદ્દેશો માટે પરમાણુ હથિયાર બનાવવામાં બદલાઈ ગઈ. પરંતુ શા માટે?

સુરક્ષા માટેનું હથિયાર

ડી ક્લાર્કે 1993માં પોતાના ભાષણમાં એવું કહેલું કે દક્ષિણ આફ્રિકાએ મર્યાદિત યુદ્ધકૌશલ્ય ધરાવતાં પરમાણુ હથિયાર બનાવવાનો નિર્ણય 1974ની શરૂઆતમાં કર્યો હતો. એનું કારણ, દક્ષિણ આફ્રિકામાં સોવિયત સૈન્યના ફેલાવાના કારણે ઊભો થયેલો ભય હતો.

કૉમ્યુનિસ્ટ વિચારધારાવાળા દેશોના સંગઠન વૉરસા પૅક્ટને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા પણ દક્ષિણ આફ્રિકાનું પરમાણુ હથિયાર બનાવવાનું એક કારણ બન્યું.

આફ્રિકાની બદલાઈ રહેલી સુરક્ષાસંબંધી પરિસ્થિતિએ પણ દક્ષિણ આફ્રિકાના નિર્ણયને પ્રોત્સાહિત કર્યો.

પોર્ટુગલ આફ્રિકામાં પોતાની વસાહતો છોડીને જતો રહ્યો હતો. મોઝામ્બિક અને અંગોલા આઝાદ થઈ ગયા હતા. અહીં છેડાયેલાં ગૃહયુદ્ધોએ આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચ્યું હતું. ડાબેરી અને મૂડીવાદી શક્તિઓ વચ્ચે શીતયુદ્ધનાં એંધાણ વર્તાતાં હતાં. ક્ષેત્રીય સુરક્ષાની હાલત ખૂબ અસ્થિર બની ગઈ હતી.

અંગોલામાં ક્યૂબાના સૈનિકોની સંખ્યા વધી રહી હતી. દક્ષિણ આફ્રિકાને લાગતું હતું કે એને રક્ષણાત્મક હથિયારોની આવશ્યકતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેશ એકલો પડી ગયો હતો.

રાષ્ટ્રપતિએ સંસદમાં કહેલું કે હુમલો થાય તો દેશ વિદેશી મદદ પર આધાર રાખી શકે એમ નહોતો.

બીજી તરફ રંગભેદની નીતિને કારણે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે દક્ષિણ આફ્રિકા એકલું પડી ગયું હતું અને અધૂરામાં પૂરું હથિયાર ખરીદવા પર પણ પ્રતિબંધ મુકાઈ રહ્યા હતા.

આવાં કારણોથી પણ દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિ નાજુક હતી અને એ જ સમયે પરમાણુ ઊર્જાના ક્ષેત્રે પણ દક્ષિણ આફ્રિકા એકલું પડતું જતું હતું.

અમેરિકાએ પરમાણુ હથિયારો સાથે જોડાયેલી માહિતીઓનું દક્ષિણ આફ્રિકા સાથે આદાનપ્રદાન કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 1978માં અમેરિકાએ એક કાયદો પાસ કરી દીધો હતો, જેના અંતર્ગત એ દેશોને પરમાણુ તકનીક નહોતી આપી શકાતી જે એનપીટી (પરમાણુ અપ્રસાર સંધિ)નો સભ્ય નહોતા.

શીતયુદ્ધના દોરમાં દુનિયા બે ભાગમાં વહેંચાયેલી હતી અને દક્ષિણ આફ્રિકાને એ દોરની બે મહાશક્તિઓ -અમેરિકા અને રશિયા-માંથી કોઈનું સમર્થન પ્રાપ્ત થયું નહોતું.

1977માં જ્યારે દક્ષિણ આફ્રિકા ભૂમિગત પરમાણુ પરીક્ષણની તૈયારી કરતો હતો ત્યારે અમેરિકા અને સોવિયત સંઘે સાથે મળીને એને અટકાવ્યો હતો.

છૂપો ભય

આ સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાની સરકાર એવા નિર્ણય પર પહોંચી કે એણે પોતાના રક્ષણ માટે પરમાણુ બૉમ્બ બનાવવા જોઈએ, અને એપ્રિલ 1978માં દક્ષિણ આફ્રિકાએ ત્રણ ચરણની પરમાણુ પ્રતિરોધક રણનીતિને મંજૂરી આપી દીધી.

એમાંનું પહેલું ચરણ હતું કે દેશની પરમાણુ ક્ષમતાઓ વિશે અનિશ્ચિતતા જાળવી રાખવી એટલે કે ના તો એનો સ્વીકાર કરવો કે ના તો એને નકારવી.

બીજું ચરણ દક્ષિણ આફ્રિકા પર આફતજન્ય સ્થિતિ ઊભી થાય ત્યારે અમલમાં મૂકવાનું હતું.

આ સ્થિતિમાં એવું નક્કી કરવામાં આવ્યું કે અમેરિકા જેવી મહાસત્તાને અંગત ધોરણે એ જણાવી દેવાય કે દક્ષિણ આફ્રિકા પાસે પરમાણુ હથિયાર છે. એનાથી આવનારા સંકટને દૂર કરવામાં આંતરરાષ્ટ્રીય સહાય મળી શકે એમ હતી.

જો તો પણ આફત ઊભી જ રહે તો નક્કી કરાયું હતું કે દક્ષિણ આફ્રિકા સાર્વજનિક રીતે સ્વીકારી લેશે કે એની પાસે પરમાણુ હથિયાર છે. સાથે એ પણ નક્કી થયું કે બૉમ્બનું ભૂમિગત પરીક્ષણ કરી લેવાશે.

જોકે નક્કી એમ થયું હતું કે દક્ષિણ આફ્રિકા બૉમ્બનો આક્રમક ઉપયોગ નહીં કરે, કેમ કે એનાથી ખૂબ મોટા પાયે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા થઈ શકે એમ હતી.

આ વ્યૂહરચનાનો અમલ કરવા માટે દક્ષિણ આફ્રિકાએ ઓછામાં ઓછા સાત પરમાણુ બૉમ્બ બનાવવાના હતા.

પહેલો 1982માં બનાવી લીધો હતો, પરંતુ સાતમો બનાવ્યો જ નહીં.

હકીકતમાં દક્ષિણ આફ્રિકાની આ વ્યૂહરચના પહેલા ચરણથી આગળ જ ન વધી શકી.

અનુમાન એવું કરાય છે કે એ બૉમ્બની ક્ષમતા એટલી જ હતી જેટલી અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર ફેંકેલા બૉમ્બની હતી અને એને વિમાનમાંથી લૉન્ચ કરવાના હતા.

દક્ષિણ આફ્રિકાના ઍટમિક એનર્જી કૉર્પોરેશનના પૂર્વ નિર્દેશક વાલ્ડો સ્ટંફે 1995માં રજૂ કરેલા રિપોર્ટમાં લખ્યું હતું કે દક્ષિણ આફ્રિકાએ ક્યારેય કોઈ પરીક્ષણ નથી કર્યું, પરંતુ એવું માની લેવા માટે કોઈ કારણ નથી કે તેઓ કામ નથી કરતા.

હથિયારોનો જાતે નાશ કરવો

પણ દક્ષિણ આફ્રિકાએ પોતાના પરમાણુ બૉમ્બનો નાશ કરવાનો નિર્ણય કેમ કર્યો?

રાષ્ટ્રપતિ ડી ક્લાર્ક અનુસાર એનાં કારણ 1980ની આંતરરાષ્ટ્રીય રાજકીય સ્થિતિમાં છે.

સંસદમાં પોતાના ભાષણમાં એમણે અંગોલામાં સંઘર્ષવિરામ, ક્યૂબાના 50 હજાર સૈનિકોની અંગોલામાંથી ઘર-વાપસી અને નામિબિયાની આઝાદી માટે ત્રણ પક્ષોની સમજૂતીનો ઉલ્લેખ કર્યો હતો. એ ઉપરાંત એમણે બર્લિનની દીવાલ તોડી નાખવાનો, શીતયુદ્ધ સમાપ્ત થયું હોવાનો અને સોવિયત બ્લૉકના તૂટી જવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રાષ્ટ્રપતિએ કહેલું કે આ પરિસ્થિતિમાં પરમાણુ કાર્યક્રમ અટકાવવો જરૂરી જ નહોતો બલકે વાસ્તવમાં એ દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય સંબંધો માટે પણ અવરોધક બની ગયો હતો.

2017માં પૂર્વ દક્ષિણ આફ્રિકન રાષ્ટ્રપતિએ ધ એટલાન્ટિકને આપેલા ઇન્ટરવ્યૂમાં પરમાણુ બૉમ્બનો વિરોધ કરવાનાં પોતાનાં કારણો જણાવ્યાં હતાં.

એમણે કહેલું કે, "મેં અનુભવ્યું હતું કે જે યુદ્ધ ગ્રામીણ ક્ષેત્રોમાં લડાવાનું હતું એમાં આ પ્રકારના બૉમ્બનો ઉપયોગ કરવાનું કોઈ કારણ નહોતું. એવું વિચારવું જ પીડાદાયક હતું કે આપણે એક આખેઆખા શહેરનો માત્ર થોડા કલાકોમાં જ નાશ કરી શકીએ છીએ. શરૂઆતથી જ મારો વ્યક્તિગત મત હતો, જેમાં હું બૉમ્બને મારા ગળાના ફંદારૂપે જોઈ રહ્યો હતો."

"તમારી પાસે કોઈ એવી વસ્તુ હતી જેનો ઉપયોગ કરવાનો તમારો કોઈ ઇરાદો નહોતો, વાસ્તવમાં જેનો ઉપયોગ કરવો બર્બર હતો, નૈતિકરૂપે જેના ઉપયોગનો બચાવ ના કરી શકાય."

આ બધાં કારણે જ્યારે 1998માં ડી ક્લાર્ક સત્તા પર આવ્યા તો એમણે પરમાણુ કાર્યક્રમને વિરામ આપવાનું શરૂ કર્યું. એમાં બનાવી દેવાયેલા બૉમ્બનો નાશ કરવાનું સામેલ હતું. પરમાણુ પ્લાન્ટને બંધ કરવાના હતા. એ પ્લાન્ટમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા યુરેનિયમનું સંવર્ધન થતું હતું, એને એ સ્તરે લાવી દેવાયું જેનાથી બૉમ્બ ન બનાવી શકાય.

એની સાથોસાથ સરકારે એનપીટીના સભ્ય બનવાની પ્રક્રિયા આરંભી. દેશમાં આંતરિક રાજકીય સુધારા પણ શરૂ થયા અને રંગભેદ નાબૂદ કરાયો.

રાજકીય બદલાવોમાં શાસનધુરા નેલ્સન મંડેલાના હાથમાં જતી રહી.

શો પાઠ શીખ્યા?

સંસદમાં આપેલા ભાષણમાં ડી ક્લાર્કે કહેલું કે દક્ષિણ આફ્રિકાના નિર્ણયથી બીજા દેશો પણ પરમાણુ હથિયાર છોડી દેવા (નાશ કરવા) તૈયાર થશે.

ધ એટલાન્ટિકને અપાયેલા ઇન્ટરવ્યૂમાં એમણે ઉત્તર કોરિયાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

એમણે કહેલું કે ઉત્તર કોરિયાને બૉમ્બ બનાવતા અટકાવવાના પ્રયાસોમાં આંતરરાષ્ટ્રીય સમુદાયે પ્રતિબંધો પર ભાર મૂક્યો અને એના બદલામાં પ્રોત્સાહક રાશિ પર ભાર ન મુકાયો.

1995ના પોતાના રિપોર્ટમાં દક્ષિણ આફ્રિકાના પરમાણુ ઊર્જા કૉર્પોરેશનના પૂર્વ નિર્દેશક વાલ્ડો સ્ટંફે દક્ષિણ આફ્રિકાના અનુભવોમાંથી શીખી શકાય એવા વ્યાવહારિક પાઠોનો ઉલ્લેખ કર્યો હતો.

પરમાણુ વિશેષજ્ઞ વાલ્ડો સ્ટંફે દુનિયાને ચેતવી હતી કે ના તકનીક કે ના પરિણામ ભોગવવાની બીક, કોઈ પણ દેશને પરમાણુ કાર્યક્રમમાં આગળ વધતો ન રોકી શકે.

એમણે કહેલું કે યુરેનિયમ સંવર્ધનની અને અતિ ઉત્તમ બૉમ્બ બનાવવાની તકનીક ભલે ઉચ્ચસ્તરની હોય, પરંતુ એક વિકાસશીલ ઔદ્યોગિક દેશ એને પ્રાપ્ત કરી શકે છે. જ્યાં સુધી એમાં રોકાણનો પ્રશ્ન છે, તો દક્ષિણ આફ્રિકાએ પોતાના પરમાણુ કાર્યક્રમ માટે દસ વર્ષમાં વીસ કરોડ ડૉલરનો ખર્ચ કરવાનો હતો.

એમણે એમ પણ કહેલું કે રાજકીય રૂપે એકલા પાડી દેવાની રીત કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં તો પ્રભાવક રહે છે, પણ કેટલાક ખાસ મામલામાં એ નુકસાનકારક વધારે સાબિત થાય છે.

સ્ટંફે લખ્યું છે કે 1978માં અમેરિકાએ દક્ષિણ આફ્રિકાના ન્યૂક્લિયર રિઍક્ટરને ચલાવવા માટેના જરૂરી ઈંધણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને દેશ પર આર્થિક પ્રતિબંધ પણ લાગુ કરી દીધો હતો. પરંતુ એનાથી અમેરિકાની દક્ષિણ આફ્રિકા પર જે કંઈ અસર હતી એ પણ ભૂંસાઈ ગઈ.

સ્ટંફે કહેલું કે, "એનો અર્થ એ હતો કે ક્ષેત્રની બહારની કોઈ મહાસત્તાનું દબાણ પરમાણુ હથિયાર વિકસાવતા કોઈ પણ દેશ પર મર્યાદિત સીમા સુધી જ કામ કરે છે. અંતે પૂર્ણ પરમાણુ અપ્રસાર માટે ક્ષેત્રીય તણાવને જ ઓછો કરવો જોઈએ."

તેમણે જણાવ્યું હતું કે, "દક્ષિણ આફ્રિકાની બાબતે એવું જ થયું હતું અને પૂર્વ કે દક્ષિણ એશિયા કે પછી કોરિયાઈ દ્વીપકલ્પમાં પણ એવું જ થવું જોઈએ."

છેલ્લે સ્ટંફે લખ્યું છે કે એનપીટી અનુસાર જે પરમાણુ અપ્રસારના લક્ષ્યને નિર્ધારિત કરાયું છે એ વ્યૂહાત્મક કે તકનીકી નિર્ણયોથી પ્રાપ્ત કરી શકાય એમ નથી, એના માટે દેશના નેતાઓમાં રાજકીય ઇચ્છાશક્તિ હોવી ખૂબ જરૂરી છે.

જોકે એનાથી થોડી શીખ તો જરૂર લઈ શકાય કે જેને ઉત્તર કોરિયા જેવી પરમાણુશક્તિ કે પછી ઈરાન (જેના વિશે કહેવાય છે કે એની પાસે બૉમ્બ હોઈ શકે.) પર લાગુ કરી શકાય.

પરંતુ સાચું એ છે કે દક્ષિણ આફ્રિકાની વાત અલગ છે અને પરમાણુ હથિયારોના ઇતિહાસમાં પણ એની અલગ જગ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો