You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પંચમહાલ: ભયંકર આગમાં પણ ન ડગી આ હિન્દુ અને મુસલમાનની દોસ્તી
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
"અમારા માટે ધર્મ પછી આવે છે, પહેલાં અમારી મિત્રતા. અમે હિન્દુ-મુસ્લિમના ભેદમાં નથી માનતા, અમારા માટે અમારી દોસ્તી પહેલાં છે."
તાજેતરમાં જ પંચમહાલના ઘોઘંબાની જીએફએલ કંપનીમાં સર્જાયેલી હોનારતમાં ઈજાગ્રસ્ત થયેલા અમિતકુમારની સેવા કરી રહેલા કાસીમ ખાનના આ શબ્દો છે.
હાલોલ બસસ્ટૅન્ડની સામે આવેલી મા સર્જિકલ હૉસ્પિટલમાં હાલ 25 વર્ષીય અમિતકુમાર સારવાર મેળવી રહ્યા છે.
16 ડિસેમ્બરના રોજ ઘોઘંબાની જીએફએલ કંપનીમાં લાગેલી આગમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 15 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા છે. જે તમામ હાલ આ હૉસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.
હૉસ્પિટલના બર્ન્સ વૉર્ડમાં સારવાર લઈ રહેલા આ કામદારોના ચહેરા પર હજુ પણ એ ઘટનાનું દર્દ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
તેમના શરીરની સાથે-સાથે આ ઘા તેઓ જિંદગીભર માનસ પર ઈને જીવશે તેવું પ્રતીત થાય છે.
જોકે, હૉસ્પિટલનાં આ ભયાવહ દૃશ્યો વચ્ચે એક એવું દૃશ્ય છે કે જેણે લોકોનાં દિલ જીતી લીધાં છે.
આ દૃશ્ય છે, હિન્દુ અને મુસ્લિમ યુવક વચ્ચેની મિત્રતાના. એકબીજાને 'ભાઈ'થી સંબોધતા કાસીમ ખાન અને અમિતકુમાર બન્ને કોમ વચ્ચેની પ્રેમભાવના અકબંધ હોવાનું જીવિત ઉદાહરણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કઈ રીતે શરૂ થઈ હતી મિત્રતા?
અમિત અને કાસીમ બન્ને મૂળ ઉત્તર પ્રદેશના ફારૂકાબાદના વતની છે.
અમિતકુમારના પાડોશમાં એક મુસ્લિમ પરિવાર રહેતો હતો અને કાસીમ આ મુસ્લિમ પરિવારના જમાઈ થાય છે.
કાસીમની સાસરીમાં અવરજવર હોવાથી બન્ને વચ્ચે પરિચય કેળવાયો હતો અને સમય જતાં બન્ને સારા મિત્રો બની ગયા હતા.
વર્ષ 2020માં જ કાસીમ નોકરીની શોધમાં ગુજરાત આવ્યા હતા અને ઘોઘંબાની જીએફએલ કંપનીમાં જોડાયા હતા. જ્યારે, નોકરી શોધી રહેલા અમિતને તે નવેમ્બર 2021માં અહીં લઈ આવ્યો હતો.
બન્ને સાથે કામ કરે છે અને એક જ રૂમમાં રહે છે અને જોડે જમવાનું બનાવીને જમે છે.
કાસીમ ખાને બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "અમારા માટે ધર્મ પછી આવે છે, પહેલાં અમારી દોસ્તી. અમે હિન્દુ-મુસ્લિમના ભેદમાં નથી માનતા. અમારી મિત્રતામાં માનીએ છીએ."
અમિતકુમાર કહે છે કે, "આજે પણ ગામમાં અમારા પરિવારો સાથે હળીમળીને રહે છે. એકબીજાનાં ઘરેથી લોટ, શાકભાજી જેવી ચીજોની આપ લે પણ કરે છે, અમારાં મનમાં ક્યારેય એવું નથી આવ્યું કે અમે એકબીજાથી અલગ છીએ."
આગથી કઈ રીતે બચ્યાં અમિતકુમાર?
16 ડિસેમ્બરના રોજ જે પ્લાન્ટમાં આગ લાગી હતી, અમિતકુમાર તે પ્લાન્ટમાં રોજની જેમ સવારે આઠ વાગ્યે કામ પર લાગી ગયા હતા.
અમિતકુમારના જણાવ્યા પ્રમાણે, "આશરે 10 વાગ્યે એક ધડાકો સંભળાયો અને કંઈ જ દેખાતું ન હતું. ચારેય બાજુ ધુમાડો હતો અને તે સતત વધી રહ્યો હતો."
તેઓ આગળ કહે છે કે "મને એમ જ કે હું બહાર નહીં નીકળી શકું, પણ મેં હિંમત ભેગી કરી અને અંદાજ લગાવીને દાદરા તરફ જવાનો પ્રયત્ન કર્યો. જોકે થોડે આગળ પહોંચ્યો અને હું પડી ગયો હતો."
આ દરમિયાન આગ વિકરાળ થઈ ગઈ અને અમિતકુમાર ઊભા થઈ શકે તેવી હાલતમાં પણ ન હતા.
એ પળોને વર્ણવતાં તેઓ કહે છે કે, "ગૂંગળામણ અને ડર વચ્ચે હું માંડ-માંડ ગોઠણ ભરીને સીડી પરથી નીચે ઊતર્યો અને ત્યાં મને મેઇન ગેટ સહેજ ખુલ્લો દેખાયો."
તેમના જણાવ્યા પ્રમાણે, "ગેટ દેખાતા જ મને થોડી રાહત થઈ અને હું એ જ રીતે ગોઠણ ભરીને ગેટ સુધી પહોંચ્યો અને પ્લાન્ટની બહાર નીકળ્યો."
બહાર નીકળતા જ પોતાના શરીરને જોતા તેમને ખ્યાલ આવ્યો કે તેમનાં કપડાં સળગેલાં હતાં અને તેઓ હાથ અને મોઢાના ભાગે દાઝ્યા પણ હતા.
તેઓ વધુમાં કહે છે કે, "હું મારી જાતને જોતાં-જોતાં આગળ જ વધી રહ્યો હતો. એવામાં મારા ભાઈ કાસીમે મને બૂમ પાડી. એ મારી પાસે આવ્યો અને મને પ્રાઇવેટ વાહનમાં બેસાડીને અહીં હૉસ્પિટલમાં લઈ આવ્યો."
અમિતકુમાર જ એકમાત્ર એવી વ્યક્તિ ન હતી કે જેમણે પ્લાન્ટની બહાર આવવા આટલો સંઘર્ષ કર્યો હોય.
હૉસ્પિટલમાં હાલ સારવાર મેળવી રહેલા તમામ લોકોએ આ જ પ્રકારે પોતાની જિંદગી બચાવવા માટે સંઘર્ષ કર્યો છે અને હવે હૉસ્પિટલના બિછાને આવી પહોંચ્યા છે.
એ દુર્ઘટના જેણે સાત લોકોના જીવ લીધા...
પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલના ઘોઘંબાસ્થિત જીએફએલ કંપનીના પ્રવેશ પાસે જ એમપીપી-3 પ્લાન્ટ આવેલો છે.
આ પ્લાન્ટમાં 16 ડિસેમ્બરના રોજ સવારે 25 જેટલા લોકો કામ કરી રહ્યા હતા. ત્યારે 10 વાગ્યાની આસપાસ બૉઇલર ફાટવાથી આગ લાગી હતી.
આ હોનારતમાં અત્યાર સુધીમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે અને 16 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ફાયરબ્રિગેડ દ્વારા ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
આગ કાબૂમાં આવી એ બાદ બે મૃતદેહોને તરત જ બહાર કાઢી લેવાયા હતા, જ્યારે વધુ ત્રણ મૃતદેહો મોડી સાંજે મળી આવ્યા હતા.
જ્યારે બીજા દિવસે બપોરે અમુક કલાકોના અંતરે અન્ય બે મૃતદેહો મળી આવ્યા હતા.
ઘટનાને પગલે ગ્રામજનોએ કંપની પર પથ્થરમારો કર્યો હોવાના સમાચારો પણ સામે આવ્યા હતા.
આ ઘટના માટે જવાબદાર કોણ?
સાત જિંદગીઓના ભોગ લેનારી આ હોનારત અંગે અત્યાર સુધી જિલ્લા કલેક્ટર કે પોલીસ તરફથી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.
બીબીસીએ આ અંગે માહિતી મેળવવા માટે જિલ્લા કલેક્ટર તેમજ એસપીનો સંપર્ક કર્યો હતો, પરંતુ થઈ શક્યો ન હતો.
જોકે એક પોલીસ અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.
કંપની તરફથી શું આપવામાં આવી રાહત?
જીએફએલ કંપનીના પ્રૅસિડેન્ટ જિગ્નેશ શાહે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "કંપની આ અકસ્માતને લઈને દિલગીર છે."
તેમના જણાવ્યા પ્રમાણે, "કંપનીએ સુરક્ષાનાં તમામ પગલાં લીધાં હોવા છતાં આ અકસ્માત સર્જાયો છે."
પીડિતોને આપવામાં આવનારી સહાય અંગે તેમણે કહ્યું કે "મૃતકોના પરિવારજનોને 20 લાખ રૂપિયા, કાયમી ખોડખાપણ થઈ હોય તેવા કામદારોને સાત લાખ રૂપિયાની સહાય આપશે અને સાથે જ ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ કંપની ઉપાડી રહી છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો