You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'રસાયણઉદ્યોગના હબ' ગણાતા ગુજરાતને ઔદ્યોગિક અકસ્માતોથી કેટલું મોટું જોખમ?
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી ગુજરાતી
ઔદ્યોગિક હબ ગણાતા ગુજરાતના પંચમહાલના ઘોઘંબામાં ગુરુવારે સવારે ગુજરાત 'ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ'ની ફેકટરીમાં બ્લાસ્ટને કારણે છ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
બ્લાસ્ટ ઘોઘંબા તાલુકાના રણજિતનગર ગામમાં ફ્લોરોસ્પેશિયાલિટી અને રેફ્રિજરેન્ટ બનાવતી જીએફએલ કંપનીની ફેકટરીમાં થયો હતો.
થોડા દિવસો અગાઉ નવેમ્બર 2021માં સુરતની પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી 'રાણી સતી' નામની મિલમાં ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓએ ફોમયુક્ત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. એ વખતે મિલમાં રહેલા રસાયણને કારણે આગ વધુ ફેલાઈ શકે એમ હતી અને એટલે ફોમયુક્ત પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો.
ઑક્ટોબર 2021માં સુરતની કડોદરા જીઆઈડીસીમાં 'વીવા પૅકેજિંગ મિલ'માં ભીષણ આગ લાગી હતી. એ આગમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ આગમાંથી 100થી વધુ લોકોને બચાવવામાં આવ્યા હતા.
આગ એટલી ભયાનક હતી કે જીવ બચાવવા ફસાયેલા લોકોને ત્રીજા-ચોથા માળેથી કૂદકા મારવા પડ્યા હતા.
ગુજરાત રસાયણઉદ્યોગનું હબ ગણાય છે. જોકે, ગુજરાતની રસાયણ-ફેકટરીઓમાં છાશવારે દુર્ઘટનાના સમાચાર આવતા જ રહે છે.
ગુજરાત મોટી હોનારતનું જોખમ ધરાવતી ફેકટરીઓમાં નંબર-1
ગુજરાત સરકારના શ્રમ અને રોજગારમંત્રાલયના ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ઍન્ડ હૅલ્થ ડિપાર્ટમેન્ટ પ્રમાણે, સમગ્ર દેશમાં મોટી હોનારતનું જોખમ ધરાવતી કુલ ફેકટરીઓ પૈકી અડધાથી વધુ ગુજરાત એકલામાં છે.
દેશમાં મોટી હોનારતનું જોખમ ધરાવતી કુલ ફેકટરીઓ 1,435 છે જ્યારે ગુજરાતમાં આવી ફેકટરીઓની સંખ્યા 570 છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોટી હોનારતનું જોખમ ધરાવતી આવી ફેકટરીઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મળીને 900 જેટલી છે.
બાકીનાં તમામ રાજ્યોની આ શ્રેણીની ફેકટરીઓનો સરવાળો કરવામાં આવે તો પણ તે આ બે રાજ્યોની ફેકટરીઓ કરતાં અડધો પણ થતો નથી.
મોટી હોનારતનું જોખમ ધરાવતી ફેકટરીઓ ગુજરાતમાં ક્યાંક્યાં?
ગુજરાતમાં મોટી હોનારતનું જોખમ ધરાવતી મેજર ઍક્સિડન્ટ હેઝાર્ડ (એમએએચ) ફેકટરીઓ ધરાવતા ટોચના ત્રણ જિલ્લાઓ ભરૂચ, વડોદરા અને મોરબી છે. આવી ફેકટરીઓ ભરુચમાં 98, વડોદરામાં 82 અને મોરબીમાં 61 છે.
કચ્છમાં આ પ્રકારની 56 ફેકટરીઓ, અમદાવાદમાં 53, વલસાડમાં 43, સુરતમાં 34, ગાંધીનગરમાં 31, રાજકોટમાં 24, ખેડામાં 15 અને મહેસાણામાં 13 છે.
બનાસકાંઠા, ગીર સોમનાથ, પાટણ, પોરબંદર, તાપી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લામાં આવી એક-એક ફેકટરી છે.
ગુજરાત સરકારના ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ઍન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ પ્રમાણે, ભરૂચમાં કુલ 2,571 અને વડોદરામાં 4,115 ઔધોગિક એકમોની નોંધણી થયેલી છે. સૌથી વધુ અમદાવાદમાં 9,829 ફેકટરીઓની નોંધણી થયેલી છે.
ઔધોગિક વિસ્તારો અને રહેણાક વચ્ચેનું અંતર
સીઈપીટી નરોડા કૉમન ઍફ્લુઅન્ટ ટ્રીટમૅન્ટ પ્લાન્ટ એન્વીરો પ્રોજેક્ટ લિમીટેડના ચૅરમૅન શૈલેષ પટવારી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે :
"હાઈકોર્ટે 1995માં સ્પષ્ટ કહ્યું હતું કે જીઆઈડીસીથી 500 મીટરનું અંતર છોડીને રહેણાકને મંજૂરી આપવી જોઈએ. અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના ધ્યાને અમે વારંવાર આ બાબત લાવ્યા છીએ પરંતુ તેઓ ઉલ્લંઘન કરે છે અને ઉદ્યોગોની એકદમ બાજુમાં રહેણાક ઇમારતો ઊભી કરી દેવાઈ છે. મહાનગરપાલિકાએ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી અને કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કર્યું છે."
જીસીસીઆઈના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂકેલા શૈલેષ પટવારીએ બનાવેલી હેઝાર્ડસ વેસ્ટની લૅન્ડફિલ સાઇટે ઘણા ઍવૉર્ડ પણ મેળવ્યા છે.
તેઓ કહે છે, "સૌપ્રથમ તો જોખમી પ્રકારના રસાયણઉદ્યોગોને રહેણાક વિસ્તારમાંથી દૂર કરવા જોઈએ. જેથી બ્લાસ્ટ જેવો અકસ્માત સર્જાય તો આસપાસની વસ્તી પ્રભાવિત ન થાય."
"પહેલાં જીઆઈડીસી અમદાવાદથી 20-22 કિલોમિટર દૂર હતું. પછી શહેરમાં જેમજેમ વસ્તી વધતી ગઈ તેમ કૉર્પોરેશને ઉદ્યોગોની બાજુમાં રહેણાક ઇમારતોના પ્લાન મંજૂર કરીને ત્યાં વસ્તી વસાવી."
"રણજિતનગરમાં આવેલી રાસાયણિક ઉદ્યોગની ફેકટરી રહેણાકથી ઘણી દૂર છે એટલે વાંધો નથી આવ્યો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણબોર્ડે જોખમી રસાયણોની ફેકટરીઓને વસ્તીથી દૂર ખસેડવી જોઈએ."
આ મુદ્દે બીબીસી ગુજરાતીએ અમદાવાદના કલેક્ટર સંદિપ સાગલેનો મત મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કલેક્ટરે મિટિંગમાં વ્યસ્ત હોવાનું કહ્યું હતું અને વાત કરવા માટે અસમર્થતતા બતાવી હતી.
જ્યારે ઔદ્યોગિક સલામતી અને આરોગ્યનિયામકની કચેરીના ડાયરેક્ટર પી.એમ. શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, 'આ કાયદાના પાલન કરાવવાની જવાબદારી અમારા કાર્યક્ષેત્રમાં આવતી નથી.'
ગુજરાતમાં ગત વર્ષે થયેલા આવા કેટલા અકસ્માતો થયા?
ગુજરાત સરકારના આંકડા અનુસાર વર્ષ 2020માં ગુજરાતમાં ફેકટરીઓમાં અકસ્માતમાં કુલ 212 કામદારોએ જીવ ગુમાવ્યા હતા.
જેમાં સૌથી વધુ 79 કામદારો રસાયણો અને રાસાયણિક ઉત્પાદનોની ફેકટરીઓના હતા.
જ્યારે કાપડઉદ્યોગમાં અકસ્માતોમાં 43 કામદારોએ જીવ ગુમાવ્યા હતા. ધાતુ અને ખનીજની ફેકટરીઓમાં અકસ્માતમાં 40 કામદારોનાં, જ્યારે પેપર મિલોમાં થયેલા અકસ્માતમાં 14 કામદારોનાં મોત થયાં હતાં.
આ દરમિયાન સૌથી વધુ ઔદ્યોગિક અકસ્માતો સુરતમાં થયા હતા. ગુજરાત સરકારના શ્રમ અને રોજગારમંત્રાલયના આંકડા પ્રમાણે 2020ના વર્ષમાં ફેક્ટરીઓમાં અકસ્માતની કુલ 167 ઘટનાઓ નોંધાઈ હતી.
2020ના વર્ષમાં સુરતમાં સૌથી વધુ 28 હોનારત થઈ હતી અને તે પછીના ક્રમે ભરૂચ અને મોરબીમાં 22-22 અકસ્માતો નોંધાયા હતા.
ગત વર્ષે અમદાવાદમાં 21 તેમજ કચ્છ અને રાજકોટમાં અકસ્માતની 10 ઘટનાનો નોંધાઈ હતી.
છેલ્લાં ત્રણ વર્ષોમાં ઔદ્યોગિક અકસ્માતોનું પ્રમાણ ઘટતાં ક્રમમાં નોંધાયું છે. 2018ના વર્ષમાં 236 અકસ્માતો નોંધાયા હતા, જ્યારે 2019ના વર્ષમાં 188 અકસ્માતો નોંધાયા હતા.
દુર્ઘટના ઘટતી રોકવા શું કરવું જોઈએ?
'ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટી' તરફથી પૂરી પાડવામાં આવેલી વિગતો પ્રમાણે, રાસાયણિક અને ઔદ્યોગિક સંકટની ચાર કક્ષામાં સૌથી ગંભીર એવી અતિભારે જોખમી 'એએ' શ્રેણીમાં ભરૂચ અને વડોદરા આવે છે.
જોખમી 'એ' શ્રેણીમાં અમદાવાદ, જામનગર, કચ્છ, રાજકોટ, સુરત અને વલસાડનો સમાવેશ કરાયો છે.
ઓછી જોખમી 'બી' શ્રેણીમાં આણંદ, ભાવનગર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પંચમહાલ અને પોરબંદરનો સમાવેશ થાય છે.
બહુ ઓછી જોખમી છેલ્લી શ્રેણી 'સી'માં અમરેલી, બનાસકાંઠા, દાહોદ, ડાંગ, જૂનાગઢ, નર્મદા, નવસારી, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરનો સમાવેશ કરાયો છે.
મેજર ઍક્સિડન્ટ હેઝાર્ડ ફેકટરીઓમાં બનતી આવી દુર્ઘટનાઓને કેવી રીતે રોકી શકાય તે અંગે સેફ્ટી પ્રોફેશનલે નામ નહીં આપવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, :
'કોઈ પણ દુર્ઘટના સર્જાય તેમાં તેની ચોક્કસાઈ પૂર્વક તપાસ થવી જોઈએ, તપાસની થર્ડ પાર્ટી કમિટી બનાવવી જોઈએ. થર્ડ પાર્ટીમાં સરકાર સિવાયના અન્ય ઉદ્યોગોની નિષ્ણાત એવી સક્ષમ વ્યક્તિ હોવી જોઈએ. તેઓ યોગ્ય તપાસ કરીને સરકારને રિપોર્ટ સોંપે તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બનતી રોકી શકાય.'
ગુજરાત વિધાનસભામાં પણ પુછાયો હતો પ્રશ્ન
માર્ચ 2021માં ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં તત્કાલિન શ્રમ અને રોજગારમંત્રી દિલીપ ઠાકોરે ડિસેમ્બર 2020 સુધીમાં છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં વિવિધ ફેકટરીઓના પરિસરમાં બેદરકારી અથવા અકસ્માતને કારણે 421 કામદારોનાં મોત થયાં હોવાનું જણાવ્યું હતું.
"મોટી સંખ્યામાં રાસાયણિક ઉદ્યોગના એકમો ધરાવતો ભરૂચ જિલ્લો 68 મૃત્યુ સાથે યાદીમાં મોખરે છે, ત્યારબાદ સુરતમાં 67, અમદાવાદમાં 61, મોરબીમાં 55, વલસાડમાં 38, કચ્છમાં 29 અને વડોદરા અને રાજકોટમાં ફેકટરીઓમાં 18-18 મૃત્યુ થયાં હતાં."
ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે છેલ્લાં બે વર્ષમાં ફેકટરી ઍક્ટની સંબંધિત કલમો હેઠળ વિવિધ ઔદ્યોગિક એકમો સામે 288 ફોજદારી કેસ દાખલ કર્યા હતા.
2019 અને 2020નાં બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ફેકટરીની અંદર આગની 26 ઘટનાઓમાં 15 કામદારોનાં મોત થયાં હતાં અને 12 ઘાયલ થયા હતા.
સરકાર ઘણી સતર્ક થઈ છે
527 હેક્ટરમાં ફેલાયેલી અમદાવાદની વટવા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ગુજરાતની સૌ પ્રથમ બંધાયેલી ઔધોગિક વસાહત છે.
આ એસ્ટેટમાં 2500 જેટલા ઔધોગિક એકમો આવેલા છે. વટવા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ રાસાયણિક ઉદ્યોગોના એકમોમાં પણ દેશભરમાં મોખરે છે.
શૈલેષ પટવારીએ જણાવે છે, "આ એસ્ટેટ 1968માં બંધાઈ ત્યારથી આજ સુધીમાં અહીં બહુ મોટી દુર્ઘટના ઘટી નથી. ભવિષ્યમાં પણ દુર્ઘટના ન સર્જાય એ માટે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ."
"તાજેતરમાં ફાયર એનઓસીની તેજ કામગીરી, ફેકટરી ઍક્ટ હેઠળ ઇન્સ્પેક્શનો થઈ રહ્યાં છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં ઇન્સ્પેક્શનો થઈ રહ્યાં છે. નેશનલ ગ્રિન ટ્રિબ્યૂનલ પણ સક્રિય જણાય છે."
"બીજું કે જેમજેમ વિકાસ થાય એમએમ ઉદ્યોગોને પણ દુર્ઘટના પોસાય નહી. ઉદ્યોગોના માલિકને જેલ સુધીની સજા થાય છે. એટલે કોઈ હળવાશથી લેતું હોય એમ હું માનતો નથી."
"રસાયણઉદ્યોગમાં ક્યારેક રિએક્શન નિયંત્રણ બહાર જતું રહે, માનવીય ભૂલ કે ઑટોમાઇઝેશનમાં સમસ્યા આવી જાય તો આવા અકસ્માતો થાય છે. ખાસ કરીને જંતુનાશકો અને દવાઉદ્યોગોમાં વપરાતા સૉલ્વન્ટમાં આવા બ્લાસ્ટ થાય છે."
જોખમી રસાયણોની માહિતી કોની પાસે હોય છે?
ઇન્ડસ્ટ્રિયલ હેઝાર્ડના તજજ્ઞ નિવૃત્ત અધિકારી નામ નહીં આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું :
"કાયદાકીય જોગવાઈ પ્રમાણે, જે-તે વિસ્તારના ઉદ્યોગોએ જોખમી કેમિકલની વિગતો તે વિસ્તારના કલેક્ટરને પૂરી પાડવાની હોય છે. આવા ઉદ્યોગોએ કોઈ પણ પ્રકારની હોનારત ન થાય તે માટે કયાં નિયંત્રણકારી પગલાં લીધાં તથા હોનારત થઈ તો શું કરવું એ અંગેની યોજના પહેલાંથી રજૂ કરાવવી પડે છે."
"આવી હોનારતો બે રીતે થાય છે. માનવસર્જિત અથવા તો ઉપકરણોની નિષ્ફળતાને પગલે. મોટા ભાગે ઉપકરણની નિષ્ફળતાને કારણે હોનારતો સર્જાતી હોય છે. બહુ જોખમી કામગીરી માટે ઉદ્યોગો પોતાના માણસોને પૂરતી તાલીમ પણ આપતા હોય છે."
"ઘણી વાર કયો ઉદ્યોગ શું બનાવે છે અને કઈ પદ્ધતિથી બનાવે છે તે જણાવતો નથી કેમકે તે તેનું 'ટ્રેડ સિક્રેટ' હોય છે. પરંતુ કલેક્ટર-કાર્યાલય અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બે વિભાગ પાસે તેની બધી વિગતો હોય છે."
"પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-જીપીસીબીને ફેકટરીએ પ્રૉસેસ ચાર્ટ આપવો પડે છે. જેમાં ક્યારે અને કઈ પ્રક્રિયામાં કયું રસાયણ વપરાશે તેની વિગતો હોય છે. ગુપ્ત રીતે તેઓ કોઈ રસાયણ આયાત કરે કે છાના ખૂણે વાપરે તો તેના પર પસ્તાળ પડે. આમ જીપીસીબી પાસે જોખમી રસાયણોની બધી માહિતી હોય છે."
''ફેકટરી કેટલી માત્રામાં કયું રસાયણ બનાવે છે અને તેમાં હોનારત સર્જાય તો કયાં સાધનો ઉપલબ્ધ હોવા જોઈએ તેની બધી વિગતો કલેક્ટર કાર્યાલય પાસે હોય છે.''
''જેતે વિસ્તારના ફેકટરી ઇન્સ્પેક્ટર આના માટે સીધા જવાબદાર ગણાય છે. ચોક્કસ સમયના અંતરે ફેકટરી ઇન્સ્પેક્ટરે ફેકટરીની મુલાકાત લેવાની હોય છે.''
ભારતમાં હોનારતનું જોખમ
નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટી પ્રમાણે, ભારતમાં ભારે જોખમી શ્રેણીમાં આવતા મેજર ઍક્સિડન્ટ હેઝાર્ડ (એમએએચ)માં નોંધાયેલાં કુલ 1861 જેટલા મોટા એકમો આવેલા છે.
એમએએચ માપદંડોની નીચે અને અસંગઠિત ક્ષેત્રમાં નોંધાયેલી અને નહીં નોંધાયેલી હજારો ફેકટરીઓ કાર્યરત્ છે જે જોખમી રસાયણો ઉપર કામ કરે છે અને ગંભીર હોનારતનું જોખમ ધરાવે છે.
છેલ્લા એક દાયકામાં જ, ભારતમાં 130 રાસાયણિક દુર્ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં કુલ 259નાં મૃત્યુ અને 563ને ગંભીર ઈજાઓ થઈ હતી.
1984માં ભોપાલ ગૅસ દુર્ઘટનામાં ઝેરી ગૅસ મિથાઇલ આઇસોસાઇનેટના ગળતરથી હજારો માણસો મૃત્યુ પામ્યાં હતાં. એ દુર્ઘટના રસાયણઉદ્યોગમાં વિશ્વની સૌથી ખરાબ દુર્ઘટના ગણાય છે.
આ વાત એટલા માટે યાદ કરવી પડે છે કેમ કે ગુજરાત રસાયણઉદ્યોગનું હબ ગણાય છે. રાજ્યમાં અવારનવાર રાસાયણિક ફેકટરીઓમાં બ્લાસ્ટ કે આગની દુર્ઘટનાઓ ઘટી છે.
તાજેતરની કેટલીક દુર્ઘટનાઓ ઉપર નજર નાખીએ તો, રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રે દેશમાં પ્રવર્તમાન કાયદાઓમાં ઍક્સપ્લોઝિવ ઍક્ટ 1884, પેટ્રોલિયમ ઍક્ટ 1934, ફેકટરી ઍક્ટ 1948, જંતુનાશક અધિનિયમ 1968, પર્યાવરણસુરક્ષા અધિનિયમ 1986, મોટર વ્હીકલ ઍક્ટ 1988, જાહેર જવાબદેહી વીમા અધિનિયમ 1991 અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ 2005નો સમાવેશ થાય છે.
આ સિવાય ભારત સરકારે જોખમી કેમિકલના ઉત્પાદન, સંગ્રહ અને આયાત - SMPV નિયમો, રાસાયણિક અકસ્માતો માટે ઇમરજન્સી પ્લાનિંગ, તૈયારી અને પ્રતિભાવ -EPPR નિયમો, સ્ટેટિક ઍન્ડ મોબાઇલ પ્રેશર વ્હિકલ - SMPV નિયમો, સૅન્ટ્રલ મોટર વ્હિકલ - CMV નિયમો, ગૅસ સિલિન્ડર નિયમો, જોખમી કચરાના નિયમો, ડૉક વર્કર્સ નિયમો જેવા નવા નિયમો ઘડ્યા છે અથવા તો તેમાં સુધારા કર્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો