ભરૂચની કંપનીમાં બ્લાસ્ટ : આઠ લોકોનાં મૃત્યુ, 52ને ઈજા, 4800 લોકોનું સ્થળાંતર

ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બ્લાસ્ટ થયો છે.

આ બ્લાસ્ટ યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં થયો છે, જેમાં અનેક કામદારો ઈજાગ્રસ્ત થયા છે.

ભરૂચના ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ઍન્ડ હેલ્થના એન. ડી. વાઘેલા જણાવે છે કે આ ઘટનામાં 8 કામદારોનાં મૃત્યુ થયાં છે.

તેમણે એવું પણ જણાવ્યું છે કે 52 ઈજાગ્રસ્તોની સારવાર હેઠળ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દહેજ જીઆઈડીસી ખાતે આવેલી આ એક કૅમિકલ કંપની છે.

આ બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે આસપાસની કંપનીઓના કાચ પણ તૂટી ગયા હતા.

બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ લાગવાને લીધે ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા.

આ ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કોઈ કામદારનું મૃત્યુ થયું છે કે કેમ, એ અંગે માહિતી મળી શકી નથી.

ભરૂચ જિલ્લાના કલેક્ટર એમ. ડી. મોડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે બાર વાગ્યે સર્વન્ટ ટૅન્કમાં બ્લાસ્ટ થવાને લીધે આગ લાગી હતી.

તેઓ કહે છે, "આગને બુઝાવવા માટે 11 ફાયરઍંજિન અને લોકોને બચાવવા માટે ઍમ્બુલન્સ પણ કામે લગાડવામાં આવી હતી."

"આગને કાબૂમા લઈ લેવામાં આવી છે. આ ઘટનામાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે અને 57 લોકો ઈજાગ્રસ્ત થયા છે."

કલેક્ટરે જણાવ્યું કે "કંપનીના કૅમ્પસમાં મિથેનોલ અને ઝાઇનિલનો જથ્થો છે, જે ઝેરી અને જ્વલનશીલ હોવાથી લખીગામ અને લુહારા નામનાં ગામોમાંથી 4800 લોકોને ખસેડવામાં આવ્યા છે."

જિલ્લા કલેક્ટરે એવું પણ જણાવ્યું છે કે એસડીએમ અને પોલીસની હાજરીમાં ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો