You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેતાઓનાં ઘરોમાં ચોરી કરનારી ગુજરાતની ચડ્ડી ગૅંગ કોણ છે અને શું છે મોડસ ઑપરેન્ડી?
- લેેખક, બાદલ દરજી
- પદ, બીબીસી ગુજરાતી
આંધ્ર પ્રદેશમાં ધારાસભ્ય કરુમુરી વેંકટ નાગેશ્વર રાવ અને પૂર્વ ધારાસભ્ય અમાંચી કૃષ્ણા મોહનના બંધ મકાનમાં ચડ્ડી ગૅંગના સભ્યો ચોરી કરવા પહોંચ્યા હતા.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, મુખ્ય મંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીના નિવાસસ્થાનથી નજીકમાં આવેલી નવોદય કૉલોનીમાં 'રેઇનબૉ વિલાઝ'માં તેમનાં ઘર આવેલાં છે.
મુખ્ય મંત્રીના નિવાસસ્થાનથી નજીક હોવાથી નવોદય કૉલોનીને વીઆઈપી ઝોન તરીકે ગણવામાં આવે છે.
છેલ્લા કેટલાક દિવસોમાં આ વીઆઈપી ઝોન સહિત આંધ્ર પ્રદેશના ત્રણ જિલ્લાઓમાં ચડ્ડી ગૅંગના સભ્યો દ્વારા ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. જેના કારણે આંધ્ર પ્રદેશ પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે.
અન્ય એક અહેવાલ પ્રમાણે, ચડ્ડી ગૅંગના સભ્યો મૂળ ગુજરાતના દાહોદની આસપાસના હોવાનો દાવો કરતાં વિજયવાડાના એસ. પી. કાંતિ રાણા ટાટાએ આ અંગે દાહોદના એસપી હિતેશ જોયસર સાથે વાત કરી છે અને તપાસમાં તેમની મદદ માગી છે.
ગુજરાત - આંધ્ર પ્રદેશ પોલીસ કરી રહી છે સંયુક્ત કામગીરી
દાહોદ એસપી હિતેશ જોયસરે આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે વિજયવાડાથી પોલીસની એક ટીમ દાહોદ આવી છે અને હાલમાં ચડ્ડી ગૅંગને લઈને દાહોદમાં તપાસની કામગીરી ચાલી રહી છે.
જ્યારે દાહોદ પોલીસના એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણેક દિવસથી વિજયવાડા પોલીસની ટીમ દાહોદમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં જણાવ્યું હતું, "વિજયવાડા અને દાહોદ પોલીસે સાથે મળીને વિવિધ ટીમો બનાવી છે. આ ટીમો દિવસરાત આંતરિયાળ વિસ્તારોમાં કૉમ્બિંગ કરી રહી છે અને ગૅંગના સભ્યોની શોધખોળ કરી રહી છે."
આ ઉપરાંત તેમણે નજીકના ભવિષ્યમાં આરોપીઓને પકડી લેવાશે, તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
કઈ રીતે કામ કરે છે ચડ્ડી ગૅંગ?
ચડ્ડી ગૅંગ નામ પડવા પાછળનું કારણ એ છે કે આ ગૅંગના સભ્યો ચોરી કરવા જાય ત્યારે માત્ર ચડ્ડી તેમજ બનિયાન પહેરીને જાય છે.
પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ ગૅન્ગના સભ્યો દાહોદ જિલ્લામાં આવેલી ગુજરાત - મધ્ય પ્રદેશની બૉર્ડર પાસેનાં ગામોમાં રહે છે.
પોલીસના જણાવ્યા અનુસાર ચોરી કરવા માટે ગૅંગના સભ્યો જે પણ શહેરમાં જાય ત્યાંનાં જંગલ તેમજ પહાડી વિસ્તારોમાં આશરો લેતા હોય છે અને મજૂરી, શાકભાજી તથા ફળો વેચવાનાં કામ કરીને વિવિધ વિસ્તારોની રેકી કરી છે.
રેકી કર્યા બાદ તેઓ ચોરી કરવા માટે મોટા ભાગે મધરાતનો સમય પસંદ કરે છે. પોતાની ઓળખ ન થાય તે માટે તેઓ મોઢે બુકાની બાંધતા હોય છે.
તેઓ ચોરી માટે કોઈ અદ્યતન સાધનોનો ઉપયોગ કરતા નથી. લોખંડની પાઇપ કે સળિયા વડે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશતા હોય છે.
ચોરી કરતી વખતે જો પ્રતિકાર થાય તો તેનો સામનો કરવા આ ગૅંગના સભ્યો પોતાની પાસે પથ્થર રાખે છે. પ્રતિકાર થવાના કિસ્સામાં તેઓ પથ્થરમારો કરીને નાસી છૂટે છે.
ચોરી કર્યા બાદ આ ગૅન્ગના સભ્યો રેલવે ટ્રૅકની આસપાસ ઝૂંપડાં તરફ ભાગી જાય છે અને ટ્રેનમાં બેસીને પાંચ-છ દિવસમાં શહેર છોડી દે છે.
શા માટે દક્ષિણ ભારતની પસંદગી?
ગૅંગ મુખ્ય રીતે સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ નાણાંની જ ચોરી કરે છે. ખૂબ ઓછા કિસ્સામાં તે અન્ય કોઈ સામાનની ચોરી કરતી જોવા મળી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ ગૅંગની કુલ પાંચથી છ ટીમો છે. જેમાંથી હાલમાં બેથી ત્રણ ટીમ ઍક્ટિવ છે.
તેઓ કહે છે કે, "આ લોકોનું માનવું હોય છે કે દક્ષિણ ભારતમાં લોકો સોનું વધારે પહેરે છે. જેથી ચોરી કરતા તેમને વધારે મુદ્દામાલ મળી શકશે. જોકે, આ સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી."
છેલ્લા ઘણા સમયથી આ ગૅંગ કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં સક્રિય હોવાનું જાણવા મળે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો