You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : દિલ્હી પોલીસે જેને આંતરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવ્યું એ 'ટૂલકિટ' શું હોય છે?
- લેેખક, પ્રશાંત ચાહલ
- પદ, બીબીસી સંવાદદાતા
ખેડૂતોના આંદોલન સાથે કથિત રીતે સંકળાયેલા એક 'ટૂલકિટ'ની દિલ્હી પોલીસે તપાસ શરુ કરી છે.
આ એજ ટૂલકિટ છે જેને સ્વિડનના પ્રખ્યાત પર્યાવરણ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે શૅર કરતાં લખ્યું હતું કે, જો તમે ખેડૂતોની મદદ કરવા માગો છો તો તમે આ ટૂલકિટ (દસ્તાવેજ)ની મદદ લઈ શકો છો.
પરંતુ દિલ્હી પોલીસે ટૂલકિટને "લોકોમાં બળવો કરનાર દસ્તાવેજ" તરીકે ઓળખાવી તેને તપાસના દાયરામાં લઈ લીધી છે.
દિલ્હી પોલીસ આ ટૂલકિટ લખનાર વ્યક્તિઓને શોધી રહી છે. ટૂલકિટ લખનાર વ્યક્તિઓ સામે આઈપીસીની કલમ 124 એ, 153 એ, 153, 120 બી હેઠળ ફરિયાદ નોધવામાં આવી છે. જોકે, દિલ્હી પોલીસની એફઆઈઆરમાં એક પણ વ્યક્તિનું નામ સામેલ કરવામાં આવ્યું નથી.
સમાચાર સંસ્થા એએનઆઈએ સૂત્રોને ટાંકતાં જણાવ્યું છે કે "આ ટૂલકિટ બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર વ્યક્તિનું આઈપી ઍડ્રેસ મેળવી શકાય તે માટે દિલ્હી પોલીસ ગૂગલને એક પત્ર લખવાની છે."
દિલ્હી પોલીસના સ્પેશ્યલ કમિશનર પ્રવીર રંજન કહે છે કે "હાલના સમયમાં આશરે 300 સોશિયલ મીડિયા હૅન્ડલ મળી આવ્યા છે, જેમનો ઉપયોગ નફરત અને વાંધાજનક માહિતી ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો. કેટલાક પશ્ચિમી દેશો માટે હિત ધરાવતી ઑર્ગનાઈઝેશનો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેઓ ખેડૂત આંદોલનના નામે ભારત સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેને 'વિદેશી ષડયંત્ર' ગણાવ્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, "ટૂલકિટનો જે મુદ્દો છે, તે બહુ ગંભીર છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે અમુક વિદેશી તાકાતો ભારતને બદનામ કરવા માટેનાં કાવતરાં કરી રહી છે."
દિલ્હી પોલીસે ચોથી ફેબ્રુઆરીએ પ્રેસ કૉન્ફરેન્સમાં જણાવ્યું હતું કે, આ ટૂલકિટ ખાલિસ્તાનનું સમર્થન કરનાર સંગઠન પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવી છે. તેને પહેલા પોસ્ટ કરવામાં આવી હતી અને થોડા દિવસો બાદ તેને ડિલીટ કરી નાખવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હી પોલીના સૂત્રોને ટાંકીને કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે "આ સંસ્થાના સહ-સ્થાપક ધાલીવાલ ખાલિસ્તાનના સમર્થક હોવાનો દાવો કરે છે અને તેઓ કૅનેડાના વેનકુવરમાં રહે છે."
જોકે, સત્તાધારી રાજકીય પક્ષના સભ્યો સતત કહી રહ્યા છે કે, "ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે એ અગાઉથી નક્કી થયેલો કાર્યક્રમ છે અને ખાલિસ્તાન સમર્થકો આ આંદોલનનો જ ભાગ છે."
ટૂલકિટ શું હોય છે?
હાલમાં સમયમાં વિશ્વના જુદા જુદા ભાગોમાં જે પણ આંદોલન થાય પછી ભલે તે 'બ્લેક લાઇવ્સ મેટર' હોય, અમેરિકાની 'ઍન્ટી-લૉકડાઉન પ્રોટેસ્ટ' હોય, પર્યાવરણને લગતા 'ક્લાયમેટ સ્ટ્રાઈક કૅમ્પેન' હોય અથવા અન્ય કોઈ આંદોલન, બધી જગ્યાએ આંદોલન સાથે સંકળાયલા લોકો અમુક ઍક્શન પૉઈન્ટ તૈયાર કરે છે. એટલે અમુક એવી વસ્તુઓ પ્લાન કરે છે જે આંદોલનને આગળ વધારવા માટે કરી શકાય છે.
જે દસ્તાવેજમાં આ 'ઍક્શન પૉઇન્ટ્સ' દાખલ કરવામાં આવે છે તેને ટૂલકિટ કહેવામાં આવે છે.
દસ્તાવેજ માટે ટૂલકિટ શબ્દનો સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ થાય છે. પરંતુ સોશિયલ મીડિયાની વ્યૂહરચના ઉપરાંત, ગ્રાઉન્ડ સ્તરે થતા પ્રભાવ વિશેની માહિતી પણ આપવામાં આવે છે.
ટૂલકિટ ઘણીવાર તે લોકોમાં વહેંચાયેલી હોય છે જેમની હાજરી ચળવળની અસરને વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
આવી સ્થિતિમાં ટૂલકિટને કોઈપણ ચળવળની વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ કહેવું ખોટું નથી.
તમે ટૂલકિટને દીવાલો પર લગાવવામાં આવતા પોસ્ટરોનું આધુનિક સ્વરૂપ કહી શકો છો. જેનો ઉપયોગ આંદોલનકારીઓ વર્ષોથી અપીલ કરવા અથવા વિનંતી કરવા માટે કરે છે.
સોશિયલ મીડિયા અને માર્કેટિંગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ દસ્તાવેજનો મુખ્ય ઉદ્દેશ લોકો (આંદોલનના સમર્થકો) વચ્ચે સંકલન સ્થાપિત કરવાનો હોય છે. ટૂલકિટ સામાન્ય રીતે વર્ણવે છે કે લોકો શું લખી શકે છે, કઈ હૅશટૅગનો તેઓ ઉપયોગ કરી શકે છે, કયા ટ્વીટ અથવા પોસ્ટ વચ્ચે કયા સમયનું અંતર રહેશે અને તે સમયનો કેટલો ફાયદો થશે.
ઉપરાંત ટ્વીટ્સ અથવા ફેસબુક પોસ્ટ્સમાં કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે તે પણ સામેલ હોય છે.
નિષ્ણાતોના મતે, આની અસર એ છે કે કોઈ પણ હિલચાલ અથવા અભિયાનની હાજરી તે જ સમયે લોકોની ક્રિયા દ્વારા રૅકોર્ડ કરવામાં આવે છે, એટલે કે, સોશિયલ મીડિયાના વલણોમાં અને પછી તેમનાં વ્યક્ત કરવાની વ્યૂહરચના દ્વારા તેને નોંધવામાં આવે છે.
આંદોલનકારીઓ જ નહીં, પરંતુ તમામ રાજકીય પક્ષો, મોટી કંપનીઓ અને અન્ય સામાજિક જૂથો પણ ઘણા કિસ્સામાં આવી 'ટૂલકિટ્સ' નો ઉપયોગ કરે છે.
3 ફેબ્રુઆરીએ ગ્રેટા થનબર્ગે ખેડૂતોના સમર્થનમાં એક ટ્વીટ કર્યું હતું. તે દિવસે એક અન્ય ટ્વીટમાં ગ્રેટાએ એક ટૂલકિટ પણ શૅર કરી હતી અને લોકોને ખેડૂતોની મદદ કરવાની અપીલ પણ કરી હતી. પરંતુ પછી તે ટ્વીટ તેમણે ડિલીટ કરી નાખ્યું હતું અને કહ્યું હતું કે "જે ટૂલકિટ તેમણે શૅર કરી હતી, તે જૂની હતી."
4 ફેબ્રુઆરીએ ગ્રેટાએ એક વખત ફરીથી ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યું. સાથે જે તેમણે એક બીજી ટૂલકિટ શેર કરી, જેની સાથે લખવામાં આવ્યું હતું, "આ નવી ટૂલકિટ છે જેને એ લોકોએ બનાવી છે જે આ સમયે ભારતમાં જમીન પર કામ કરી રહ્યા છે. આના દ્વારા તમે ઇચ્છશો તો તેમની મદદ કરી શકો છો."
આ ટૂલકિટમાં શું છે?
ત્રણ પાનાંની આ ટૂલકિટમાં સૌથી ઉપર એક નોંધ લખવામાં આવી છે, જે પ્રમાણે "આ એક દસ્તાવેજ છે જે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનથી અજાણ લોકોને કૃષિ ક્ષેત્રની આજની સ્થિતિ અને ખેડૂતોના હાલના પ્રદર્શન વિશે જાણકારી આપે છે."
નોંધમાં લખવામાં આવ્યું છે કે "આ ટૂલકિટનો હેતુ લોકોને એ દેખાડવાનો છે કે કેવી રીતે પોતાના વિવેકનો ઉપયોગ કરીને તમે ખેડૂતોનું સમર્થન કરી શકો છો."
આ નોંધ પછી, ટૂલકિટમાં ભારતીય કૃષિ ક્ષેત્રની હાલની સ્થિતિ પર વાત કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે ભારતમાં નાના અને છેવાડાના ખેડૂતોની સંખ્યા વધારે છે અને તેમની સ્થિતિ ખરેખર ખરાબ છે.
ટૂલકિટમાં ખેડૂતોને 'ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ' કહેવામાં આવ્યા છે.
લખવામાં આવ્યું છે કે "ઐતિહાસિક રીતે હાશિયામાં ધકેલાઈ ગયેલા આ ખેડૂતોનું પહેલાં સામંતશાહ જમીનદારોએ શોષણ કર્યું. તેમના પછી અંગ્રેજોએ અને 1990ના દાયકામાં લાવવામાં આવેલી ઉદ્દારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિઓએ તેમની કમર તોડી નાખી. આ પછી, આજે પણ ખેડૂત 'ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ' છે."
ટૂલકિટમાં આત્મહત્યા કરવા મજબૂર થયેલા ભારતીય ખેડૂતોનો પણ ઉલ્લેખ છે. સાથે જ, કૃષિ ક્ષેત્રમાં ખાનગીકરણને વૈશ્વિક સ્તરની સમસ્યા કહેવામાં આવી છે.
આ પછી આ ટૂલકિટમાં લખવામાં આવ્યું છે કે લોકો આ અંગે તરત શું કરી શકે છે.
ટૂલકિટમાં સજેશન આપવામાં આવ્યું હતું કે લોકો #FarmersProtest અને #FarmersProtest હેશટેગનો ઉપયોગ કરીને ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરી શકે છે." રિહાના અને ગ્રેટા થનબર્ગે પોતાના ટ્વીટમાં #FarmersProtest હૅશટૅગનો પ્રયોગ કર્યો હતો.
ટૂલકિટમાં લખવામાં આવ્યું છે કે "લોકો પોતાના સ્થાનિક પ્રતિનિધિઓને મેઇલ કરી શકે છે, તેમને કૉલ કરી શકે છે અને તેમને પુછી શકે છે કે તે ખેડૂતોના કેસમાં શું ઍક્શન લઈ રહ્યા છે."
ટૂલકિટમાં ખેડૂતોના સમર્થનમાં કેટલીક ઑનલાઇન-પિટિશન સાઇન કરવાની પણ અપીલ કરી હતી, જેમાંથી એક ઑનલાઇન પિટીશન ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની હતી.
ટૂલકિટમાં લોકોને આહ્વાન કરવામાં આવ્યું હતું કે "તે સંગઠિત થઈને, 13-14 ફેબ્રુઆરીની પાસે ભારતીય દૂતાવાસ, મીડિયા સંસ્થાન અને સરકારી ઑફિસોની બહાર સારી રીતે પ્રદર્શન કરે અને પોતાની તસવીરને #FarmersProtest અને #StandWithFarmersની સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે."
ટૂલકિટમાં લોકોને ખેડૂતોના સમર્થનમાં વીડિયો બનાવવા, ફોટો શૅર કરવા અને પોતાના સંદેશને લખવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
આ લોકોને કહેવામાં આવ્યું કે તે ખેડૂતોના સમર્થનમાં જે કાંઈપણ પોસ્ટ કરે, તેમાં પ્રધાનમંત્રીના કાર્યાલય, કૃષિ મંત્રી અને અન્ય સરકારી સસ્થાઓના અધિકૃત હૅન્ડલને સામેલ કરે.
ટૂલકિટમાં દિલ્હીની સરહદોથી શહેર તરફ ખેડૂતોની એક પરેડ અથવા માર્ચ નીકળવાનો પણ ઉલ્લેખ છે અને લોકોને તેમાં સામેલ થવાની અપીલ કરવામાં આવી છે.
ગુરુવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર પ્રવીર રંજને ટૂલકિટમાં આ પૉઇન્ટ પર ખાસ ભાર મૂકીને કહ્યું હતું કે "ટૂલકિટમાં આખો ઍક્શન પ્લાન દેખાડવામાં આવ્યો છે કે કેવી રીતે ડિજિટલ સ્ટ્રાઇક કરવાની છે, તેને ટ્વિટર સ્ટ્રૉર્મ કરવાનું છે અને કેવી રીતે ફિઝિકલ ઍક્શન થઈ શકે છે. 26 જાન્યુઆરીની આસપાસ જે કાંઈપણ થયું તે આ પ્લાનની આસપાસ થયું છે, એવું દેખાય છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો