તલાશ : ગુજરાત પોલીસની આ ઍપ કેવી રીતે કરશે ગૂમ બાળકોની ખોજ?

    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં દરરોજના અનેક બાળકો સહિત મોટી ઉંમરના લોકો ગૂમ થાય છે. આ ગૂમ થનાર લોકોને શોધવા માટેની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને સંઘર્ષમય હોય છે.

પરંતુ હવે ગુજરાતમાં ગૂમ વ્યક્તિને શોધી પરિવાર સાથે ફરીથી મિલન કરાવવા માટે ગુજરાત પોલીસે 'તલાશ' નામની એક ઍપ્લિકેશન વિકસાવી છે.

આ મોબાઇલ ઍપ્લિકેશન મારફતે ગૂમ બાળકોથી માંડીને મોટી ઉંમરની વ્યક્તિ અને મંદબુદ્ધિની વ્યક્તિઓને સરળતાથી શોધી શકાશે.

આ ઍપ્લિકેશન ક્રિમિનલ ઇન્વેસ્ટિગૅશન બ્યૂરો (CID)ના મિસિંગ ચિલ્ડ્રન ડિવિઝન અને સાયબર સેલની ટેકનિકલ ટીમ દ્વારા વિકસાવવામાં આવી છે.

ભારતમાં દરરોજ હજારો બાળકો ગૂમ થવાના બનાવો બને છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોએ 2016-17-18 એમ ત્રણ વર્ષમાં ભારતમાં ગૂમ થનારાં બાળકો અને મહિલાઓ પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે.

રિપોર્ટમાં સામે આવ્યું કે ભારતમાં 2016 માં 63,407, 2017માં 63,349 અને 2018માં 67,134 બાળકો ગૂમ થયાં છે.

ભારતમાં સૌથી વધુ બાળકો મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી ત્યારબાદ બિહારમાંથી ગૂમ થાય છે.

જો ગુજરાતની વાત કરવામાં આવે તો 2016માં 1315/ 2017માં 1412 અને 2018માં 1898 બાળકો ગૂમ થયાં છે.

ગુજરાત સરકારના લેટેસ્ટ આંકડા મુજબ એક વર્ષમાં 2412 બાળકો ગૂમ થયાં છે જેમાંથી પોલીસ દ્વારા 2198 બાળકોને શોધી લેવામાં આવ્યાં છે.

પણ હવે ગુજરાત પોલીસનું 'ડિજિટલ શસ્ત્ર' આ ગૂમ બાળકોને શોધવામાં મદદરૂપ સાબિત થશે.

'તલાશ' ઍપ કેવી રીતે કામ કરે છે?

'તલાશ' ઍપ્લિકેશન ફેસ રિકગ્નિઝન સિસ્ટમના આધારે કામ કરે છે.

હાલમાં ગાંધીનગર ખાતે સીઆઈડી અંતર્ગત વુમન ઍન્ડ ચાઇલ્ડ સેલના એડીજીપી અનિલ પ્રથમે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ ઍપ્લિકેશન ઉપર હજું કામ થઈ રહ્યું છે.

તેમણે આગળ જણાવ્યું, "અમે ઘણા લાંબા સમયથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. હાલમાં ટ્રાયલના ભાગરૂપે આ ઍપ્લિકેશનમાં ડેટા ઉમેરી રહ્યા છે. ટૂંક સમયમાં આ ઍપ્લિકેશન લૉન્ચ કરીશું."

પોલીસ વિભાગને આશા છે કે 'તલાશ' ઍપ્લિકેશનની મદદથી ગુજરાતમાં ગૂમ થનારી વ્યક્તિઓને શોધવામાં મદદ મળશે.

અમદાવાદ ઝોન-4ના એસપી રાજેશ ગઢિયા જેઓ આ પ્રોજેક્ટનો ભાગ હતા તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ ઍપની અલ્ગોરિધમ એવી રીતે સેટ કરવામાં આવી છે કે સહેલાઈથી ગૂમ વ્યક્તિની ઓળખ કરી શકાય.

તેમણે કહ્યું, "આ ઍપ્લિકેશનમાં સેન્ટ્રલી ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે જેથી કરીને મોટા સ્તરે ગૂમ વ્યક્તિની ભાળ મેળવી શકાય."

"આ ઍપ્લિકેશનમાં ગૂમ વ્યક્તિ અથવા મંદ બુદ્ધિની વ્યક્તિ અથવા તો મિસિંગ સેન્ટરોમાં આવેલા વ્યક્તિની તસવીર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ ઍપની અલ્ગોરિધમ ડેટાબેઝમાં સંબંધિત વ્યક્તિની માહિતી રજૂ કરશે. જેની મદદથી ગૂમ વ્યક્તિને ઓળખી કાઢવામાં આવશે."

'તલાશ' 100 ટકા અસરકારક?

ગુજરાત સરકારના લેટેસ્ટ આંકડા મુજબ એક વર્ષમાં 2412 બાળકો ગૂમ થયાં છે જેમાંથી પોલીસ દ્વારા 2198 બાળકોને શોધી લેવામાં આવ્યાં છે.

છેલ્લાં 30 દિવસમાં 225 બાળકોનાં ગૂમ થવાની માહિતી છે જેમાંથી 171 બાળકો મળી આવ્યાં છે.

માનો કે કોઈ વ્યક્તિ 5 કે 7 વર્ષ પહેલાં ગૂમ થઈ છે તો શું 'તલાશ' ચોક્કસાઈપૂર્વક તેની તલાશ કરી શકે છે?

આ સવાલનો જવાબ આપતા એસપી ગઢિયા જણાવે છે કે 'હા, ઍપ્લિકેશન સંતોષકારણ પરિણામ આપી શકે છે.'

ગઢિયાએ વધુમાં ઉમેરતા જણાવ્યું, "ઍપ્લિકેશનમાં એવી અલ્ગોરિધમ સેટ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ 5 કે 7 વર્ષ પહેલાં ગૂમ થઈ હોય તો આજે તેમને ઓળખી શકાય."

"અમે આ મામલે ટ્રાયલ કર્યું છે અને તે કારગર નીવડ્યું છે."

'તલાશ'ની મર્યાદા અને ઉપયોગ

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા બનાવવામાં આવેલી આ ઍપ્લિકેશનની મર્યાદા અંગે પણ ઝોન-4 એસપી ગઢિયાએ પ્રકાશ પાડ્યો. વાત કરી.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "જો આ ઍપ્લિકેશનમાં વ્યવસ્થિત ખેંચેલી તસવીર અપલૉડ કરવામાં આવશે તો અલ્ગૉરિધમ જલદી પરિણામ આપશે."

"પરંતુ જો તસવીર બ્લર કે પછી અવ્યવસ્થિત હશે તો ગૂમ વ્યક્તિનો ડેટા મેળવવામાં તકલીફ પડી શકે છે."

આ ઍપના એક્સેસ અંગે વાત કરતાં ગઢિયાએ જણાવ્યું કે આ ઍપના એક્સેસ 'વુમન ઍન્ડ ચાઇલ્ડ કેર સેન્ટરો, બાળગૃહો, મિસિંગ સેન્ટરો આ સિવાય ગૂમ થયેલાં બાળકો માટે કાર્ય કરતી સંસ્થાઓને આપવામાં આવશે.

હવે આગામી સમયમાં જોવું રહ્યું કે 'તલાશ' ઍપ્લિકેશન ગૂમ થયેલી વ્યક્તિની તલાશ કેવી રીતે કરશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો