Child labour : કોરોનાકાળમાં બાળકોની તસ્કરી વધવાની આશંકા કેમ સેવાઈ રહી છે?

    • લેેખક, ગુરપ્રીત સૈની
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં કામ કરી રહેલી અમુક સ્વૈચ્છિક સંસ્થાઓએ લૉકડાઉન પછી બાળકોની તસ્કરી વધવાની આશંકા વ્યક્ત કરી છે. આ બાબતમાં આ સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

સોમવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ આપી બાળતસ્કરી અંગે પગલાં લેવાનું કહ્યું હતું.

પોતાની અરજીમાં બાળઅધિકારો માટે કામ કરતી સંસ્થા બચપન બચાઓ આંદોલને કહ્યું, "અમને વિશ્વસનીય માહિતી મળી છે કે લૉકડાઉન ખૂલતાની સાથે બાળતસ્કરીનાં મામલા વધશે. કેટલાક સ્રોતોથી જાણવા મળ્યું છે કે તસ્કરો સક્રિય થઈ ગયા છે, સંભવિત પીડિતો અને પરિવારો સાથે સંપર્ક કરી રહ્યાં છે અને કેટલાક પરિવારોને ઍડવાન્સ પેમેન્ટ પણ કરી રહ્યા છે."

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે, લાખો પ્રવાસી મજૂરો, દ્હાડિયાં મજૂરો માટે લૉકડાઉન આફત બનીને આવ્યું. હજારો લોકો પગપાળા પોતાને ગામ પાછા ફર્યાં જ્યાં ગરીબી અને ભૂખ તેમની રાહ જોઈ રહી હતી. ગામમાં કામ ન મળવાને કારણે જ આ લોકો શહેરો તરફ ગયાં હતાં. કેટલાક લોકોને ભારે વ્યાજ દર પર ધિરાણ લેવું પડશે. જે મજૂરો શહેરોમાં ફસાયેલા છે તેમના માટે પરિસ્થિતિ વધારે ખરાબ છે. ન પૈસા, ન સુરક્ષા અને ન ભોજન. કોરોનાથી સર્જાયેલા આર્થિક સંકટે અસુરક્ષા અને ગરીબી વધારી છે.

આગળ કહેવામાં આવ્યું છે, "બાળ તસ્કર, સંઘર્ષ કરી રહેલા પરિવારોની પરિસ્થિતિનો લાભ ઉઠાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. કૃષિ સંકટ સામે સંઘર્ષ કરી રહેલા ખેડૂત પરિવારોના બાળકોને પણ નિશાન બનાવવામાં આવશે."

કેમ વધી રહી છે બાળ મજૂરોની માગ?

અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે લૉકડાઉન પછી સામાન્ય ગતિવિધિ શરૂ થશે એટલે ફેક્ટરી માલિકો આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે સસ્તી મજૂરીની તલાશ કરશે અને આનો સૌથી સહેલો રસ્તો છે બાળકોને મજૂર તરીકે કામે રાખવા. આની સાથે જ રસ્તા પર ભીખ માગતા બાળકોની સંખ્યામાં પણ વધારો થશે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે સગીર વયની બાળકીઓને ખરીદીને વેશ્યાવૃત્તિ માટે મોકલવામાં આવશે. લૉકડાઉનને કારણે દેહવ્યાપારમાં જે નુકસાન થયું છે, તેને 'હાઈ-રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ એટલે નાની વયની છોકરીઓ'થી પૂરું કરવાના પ્રયત્ન કરવામાં આવશે.

તસ્કરીનું એક અન્ય સ્વરૂપ છે બાળવિવાહ. જે બાળવિવાહ પ્રતિષેધ અધિનિયમ, 2006 અને પૉક્સો હેઠળ અપરાધ છે.

કયા રાજ્યોમાં બાળકોને સૌથી વધારે ખતરો?

શક્તિવાહિની સંસ્થાથી જોડાયેલા સામાજિક કાર્યકર્તા ઋષિકાંત કહે છે- પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, આસામ જેવા રાજ્યોમાં સૌથી વધારે ખતરો છે.

તેમના પ્રમાણે દેહવ્યાપાર માટે સૌથી વધારે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાંથી તસ્કરી થાય છે.

ઘરમાં કામ કરવા માટે ઝારખંડ, આસામથી તસ્કરી થાય છે.

જબરદસ્તી લગ્ન માટે છોકરીઓને પંજાબ અને હરિયાણા પહોંચાડવામાં આવે છે કારણ કે ત્યાં સેક્સ રેશિયો ખૂબ ઓછો છે.

ઋષિકાંતનું માનવું છે કે લાખો બાળકો ઉપર તસ્કરીનો ખતરો છે.

પશ્ચિમ બંગાળથી સેક્સ ટ્રાફિકિંગનો સૌથી વધારે ખતરો

ઋષિકાંત કહે છે કે કોરોના સામે લડી રહેલા પશ્ચિમ બંગાળની કમર અંફન તોફાને તોડી નાખી છે. તોફાનથી ત્યાંના કેટલાક ગામોમાં ભારે નુકસાન થયું છે. કેટલાક લોકો હજી શિબિરોમાં રહે છે.

તેઓ કહે છે કે તેમણે તોફાનથી અસરગ્રસ્ત ગામોના લોકો સાથે વાત કરી, જે બહુ પરેશાન હતા. ઋષિકાંતને ડર છે કે ખાસ કરીને દક્ષિણ 24 પરગણા વિસ્તારમાંથી છોકરીઓની તસ્કરી વધી શકે છે. દેહવ્યાપાર માટે આ વિસ્તારમાં સૌથી વધારે પ્રમાણમાં છોકરીઓની તસ્કરી કરવામાં આવતી રહી છે.

તસ્કરી વધવાના ખતરાને પશ્ચિમ બંગાળની સરકાર પણ માને છે. સમાચાર પ્રમાણે રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીએ બેઠકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો અને સ્ટેટ કમિશન પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટે બધા એસએસપીને નોટિસ મોકલીને પોલીસને એલર્ટ રહેવા માટે કહ્યું છે. માનવામાં આવી રહ્યું છે રેલ સેવા શરૂ થશે તો તસ્કરી પણ શરૂ થઈ જશે.

ઋષિકાંત કહે છે કે 2009માં આવેલા આઇલા તોફાન પછી પણ પશ્ચિમ બંગાળથી હજારો છોકરીઓની તસ્કરી કરવામાં આવી હતી.

ઍડવાન્સ પૈસા આપવામાં આવે છે

સ્થાનિક સંસ્થા આસરા પ્રમાણે રાજસ્થાનના ઉદયપુરમાં તસ્કર કેટલાક હેરાન-પરેશાન પરિવારોને ઍડવાન્સ પૈસા આપી રહ્યા છે અને તેમને વાયદો કરી રહ્યા છે કે લૉકડાઉન પછી બાળકોને કામ પર લગાડી દેશે.

સંસ્થાને કહેવું છે કે મોટા વેપારીઓએ પરિવારો સાથે ભાવતાલ કરવા માટે રાજ્યમાં તસ્કર અથવા વચેટિયા રાખ્યા છે જેથી બાળકોને લૉકડાઉન પછી ગુજરાત અને મહારાષ્ટ્ર લઈ જવામાં આવશે.

એ સિવાય બચપન બચાઓ આંદોલનને ઝારખંડના સાહિબગંજ જિલ્લાના એક ગામથી પણ ફરિયાદ મળી હતી. એક વ્યક્તિએ કહ્યું કે તસ્કર તેમની 14 અને 15 વર્ષની બે પુત્રીઓને ફોસલાવીને પોતાની સાથે લઈ ગયા છે. સંસ્થા પ્રમાણે, આ પ્રકારના લોકો ઉંમરનો નકલી દાખલો બનાવવામાં માહિર હોય છે.

બાળકોને પાછા લાવવા દબાણ

બિહાર સ્થિત સીતામઢીના એક ગામના રહેવાસી વિશાલ ( બદલાયેલું નામ)એ બાળ અધિકાર સંસ્થાને પત્ર લખ્યો અને કહ્યું કે કેવી રીતે તેમને ગામથી તસ્કરી કરીને પંજાબના લુધિયાણા સ્થિત એક ફેક્ટરીમાં કામ પર લગાવાયાં હતાં. પછી લૉકડાઉનમાં તેમને અને તેમના સાથી બાળકોને ગામ મોકલી દેવામાં આવ્યા હતા.

હવે તસ્કર તેમના પરિવાર પર તેમને ફરીથી કામે મોકલવાનું દબાણ કરી રહ્યા છે.

બિહારના કટિહાર અને સીતામઢી જિલ્લાથી પણ આવા જ સમાચાર આવ્યા કે પરિવારો પર બાળકોને દિલ્હી પાછા મોકલવાનું દબાણ થઈ રહ્યું છે. અમુક બાળકોને માલિકોએ લૉકડાઉનમાં છોડી દીધાં અને તેઓ કામની જગ્યા પર ભોજન માટે પર તરસી રહ્યા છે.

ઋષિકાંત મુજબ દેહવ્યાપાર કરનારી કેટલીક મહિલાઓ પણ ગામ પાછા ફરી હતી, તેમને પણ પાછા બોલાવવામાં આવી શકે છે.

બાળકોની એક પેઢી જોખમમાં

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો બાળકોને તસ્કરીમાંથી બચાવવામાં ન આવ્યાં તો લૉકડાઉન પછી તેમની સાથે હિંસા અને ઉત્પીડનથી તેમને બચાવવા મુશ્કેલ થશે અને ગરીબ બાળકોની એક પેઢી જોખમમાં મૂકાઈ શકે છે.

સામાજિક સંસ્થાઓને ભરોસો છે કે ગ્લોબલ હેલ્થ ક્રાઇસિસ પછી માનવીય સંકટને કેટલીક હદ સુધી રોકી શકાય એમ છે.

કોર્ટને અપીલ કરવામાં આવી છે કે બાળકોની તસ્કરી રોકવા માટે અને તેમના બચાવ અને પુનર્વાસ માટે રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણને કોઈ નીતિ અથવા ગાઇડલાઇન બનાવવાના નિર્દેશ આપવામાં આવે.

જે જિલ્લાઓમાં તસ્કરીનો વધારે ખતરો છે એટલે જ્યાંથી તેમને લઈ જવામાં આવશે અને જે જગ્યાએ તેમને લઈ જવામાં આવશે, ત્યાં સેક્શન 31 હેઠળ ડિસ્ટ્રિક્ટ પ્લાન બનાવવો જોઈએ. ત્યાં ઋષિકાંત કહે છે, "ટ્રેનોની મૂવમેન્ટ પર પણ નજર રાખવાની જરૂર છે. દિલ્હી તસ્કરોનું ડેસ્ટિનેશન છે. એટલે બંગાળ, આંધ્ર પ્રદેશ અને મુંબઈ જેવા શહેરથી આવનારી ટ્રેનોની સ્પેશિયલ મૉનિટરિંગ કરવામાં આવે."

તેમનું માનવું છે કે બાળકો અને બાળકીઓને તસ્કરીમાંથી બચાવવાં પડશે, તેના માટે જલદી તંત્ર બનાવવું પડશે.

તેઓ કહે છે, "શિક્ષા વિભાગે પણ પ્રયાસ કરવા પડશે. ભલે અત્યારે સ્કૂલ બંધ હોય પરંતુ કેટલાક બાળકો ફોન અથવા વ્હૉટ્સઍપ વડે શિક્ષકો સાથે જોડાયેલાં છે. એવામાં શિક્ષકો બાળકોને સમજાવે કે કોઈની વાતોમાં આવી ન જાય, શિક્ષક બાળકોનાં પરિજનો સાથે પણ વાત કરી શકે છે. ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ અને ગ્રામ પંચાયત સાથે પણ ચર્ચા થાય."

ઝીરોથી શરૂ કરવી પડશે કોશિશ

માનવતસ્કરીને રોકવા માટે વર્ષો કોશિશ ચાલે છે. તંત્ર પણ તૈયાર થયું. પોલીસને ટ્રેનિંગ આપવામાં આવી, રેડ કરીને બાળકોને છોડાવવામાં આવ્યાં. સેલ બનાવવામાં આવ્યા. સંસદમાં 2018માં એક પ્રશ્નના જવાબમાં પ્રસ્તુત આંકડાઓ મુજબ 2015માં દેશમાં 3905 કેસ દાખલ કરવામાં આવ્યા. અહીં 2016માં સંપૂર્ણ દેશમાં 9034 કેસ દાખલ કરવામાં આવ્યા.

પરંતુ ઋષિકાંત કહે છે કે કોરોના ત્રાસદીએ આ તંત્રને ખતમ કરી દીધું. હવે શૂન્યથી શરૂઆત કરવી પડશે.

તેઓ કહે છે, "આ બધી પરિસ્થિતિમાં પોલીસનું કામ મજબૂત કરવું પડશે. ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટને મજબૂત કરવું પડશે. ત્યારે આપણે માનવતસ્કરીથી લડી શકીશું. આ સમજી વિચારીને કરવામાં આવતો ગુનો છે. તેની સામે આયોજનબદ્ધ રીતે લડવું પડશે."

કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસે માગ્યો જવાબ

લાઇવ લૉ પ્રમાણે આ બાબતમાં અરજી પર સુનાવણી પછી સીજેઆઈ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી બૅન્ચે અરજી કરનાર વરિષ્ઠ વકીલ એચ એસ ફુલ્કા અને સૉલિસિટર જનરલે પણ રિસર્ચ કરીને આવતી સુનાવણીમાં સૂચનો કરવા કહ્યું છે જેની બે અઠવાડિયા પછી સુનાવણી થશે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ બોબડેએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે તમે થોડું હોમવર્ક કરો. ક્યાંક બાળકો પાસે કામ કરાવવામાં આવે તો શું કરવું જોઈએ. શું પ્રાઇવેટ કામ કરનાર દરેક કૉન્ટ્રૅક્ટરને પણ ક્યાંક રજિસ્ટર કરી શકાય? આ સમસ્યા તો છે કારણકે બાળમજૂરીનું બજાર છે. કૉન્ટ્રૅક્ટરને રજિસ્ટર કરો. તેમને ત્યાં કામ કરતા લોકોનું લિસ્ટ માગો જેથી સુનિશ્ચિત થઈ શકે કે તેમણે કોઈ બાળકને કામ પર તો નથી લગાવ્યો. આપણે જ બજાર આપીએ છીએ કારણકે બાળ મજૂર સસ્તા હોય છે. આપણે કૉન્ટ્રૅક્ટરથી શરૂઆત કરવી પડશે"

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો (આસામ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તેલંગણા)ને બાળ તસ્કરી રોકવા માટે પગલાં લેવાનું કહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો