મોરારિબાપુ વિવાદ : શું દારૂના કારણે કૃષ્ણના યાદવકૂળનો નાશ થઈ ગયો હતો?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

'આ માણસ સમગ્ર દુનિયામાં ધર્મની સ્થાપના થાય તે માટે તૂટી ગયા, પરંતુ દ્વારિકામાં ધર્મની સ્થાપના કરવામાં નિષ્ફળ ગયા. પૂર્ણપણે ફેલ ગયા.'

'તેમના દીકરા, દીકરાના દીકરા, તેમની જનતા દ્વારકાના રાજમાર્ગો ઉપર શરાબ પીતા. અમુક વાતો તો હું તમને ન કહું એજ સારું છે. પરંતુ જે છે, તે છે. છેડતી થતી, ન દિવસ જોતા કે ન રાત.'

'જો પીવા ઉપર નિયંત્રણ લાદવામાં આવતું, તો તેઓ ચોરી કરતા પણ ખચકાતા ન હતા. અધર્મનાં લક્ષણ હતાં, તે સ્પષ્ટ દેખાતાં હતાં.'

'એમનો મોટોભાઈ બલરામ, દાઉ ચોવીસ કલાક શરાબ પીતા હતા.'

હિંદુઓના પવિત્ર ધર્મગ્રંથ 'ગીતા'ના લખાણ મુજબ કુરુક્ષેત્રમાં કૃષ્ણે મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને કહ્યું હતું કે કે 'ધર્મસંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે..' (અર્થાત્ 'ધર્મની સ્થાપના થાય તે માટે દરેક યુગમાં હું અવતાર ધરું છું.') સંદર્ભે વાત કહી.

વાઇરલ વીડિયોને કારણે ચર્ચા છેડાઈ ગઈ ; યાદવો અને કૃષ્ણભક્તોની લાગણી દુભાઈ અને તેમણે વિરોધઅભિયાન હાથ ધર્યું, કથાવાચક મોરારિદાસની સામે એફ.આઈ.આર. પણ નોંધાઈ હોવાના અહેવાલ છે.

'કોઈની લાગણી દુભાય તે પહેલાં હું સમાધિ લેવાનું પસંદ કરીશ' એમ કહીને તેમણે પ્રકરણ ઉપર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાર સુધીમાં વધુ એક વિવાદ તેમના નામ સાથે જોડાઈ ગયો.

વાદ, વિષય અને સમય

દેશમાં કોવિડ-19નો પ્રસાર અટકાવવાના હેતુસર માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહથી દેશમાં ધાર્મિક પ્રવચનો, કથા, નમાઝ અને પૂજા-આરતી ઉપર નિયંત્રણ લાદી દેવાયા હતા.

સ્વાભાવિક રીતે લૉકડાઉન દરમિયાન આટલા મોટાપાયે કથાનું આયોજન ન થઈ શકે એટલે આ વાઇરલ વીડિયો તેમની તાજેતરની સભાનો ન હતો. આ સિવાય તેમાં 'ટાઇમલેપ્સ' થતો પણ જોઈ શકાય છે.

ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ લેખો તથા વીડિયોને ચકાસતા તા. 21થી 20 સપ્ટેમ્બર, 2017માં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર (વિંધ્યાંચલ) ખાતે નવરાત્રિ દરમિયાન આયોજિત રામકથાના સાતમા દિવસનો છે.

કથાવાચકની સત્તાવાર વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ તેમની 798મી રામકથા હતી, જેને 'માનસ શ્રી દેવી' એવું નામ આપવામાં આવ્યું હતું.

કથાના એક સત્રમાં તેમણે કૃષ્ણના જીવનનાં અંતિમ 26 વર્ષ દરમિયાનની દ્વારકાનગરી તથા ત્યાં પ્રવર્તમાન સ્થિતિ વિશે વાત કરતી વેળાએ ઉપરોક્ત પ્રસંગ ટાંક્યો હતો.

યદુકૂળના વિનાશના કારણનું વર્ણન કરવાની સાથે-સાથે મોરારિદાસ નશામુક્તિની અપીલ કરતા કહે છે કે 'અહીં બેઠેલા જો કોઈને કંઈ 'આડુંઅવળું' પીવાની ટેવ હોય તો આ કથા સાંભળ્યા બાદ તેનો ત્યાગ કરી દેજો.'

આ પ્રવચન અંગે વિવાદ થશે તેનો કથાવાચક તરીકે કદાચ તેમને અંદાજ હતો. વ્યાસપીઠ પરથી મોરારિદાસ કહે છે કે 'મારો ગુરુ મને રોકે છે, તે કહે છે કે ન બોલ દુનિયા પચાવી નહીં શકે, પરંતુ હું ખુદને રોકી નથી શકતો.'

ગુજરાતમાં ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે મોરારિદાસ પ્રભુદાસ હરિયાણી તરીકે જન્મેલા. અનુયાયીઓમાં તેઓ 'મોરારિબાપુ' તરીકે ઓળખાય છે.

હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે, કૃષ્ણના સેંકડો નામોમાંથી એક નામ 'મોરારિ' (કે મુરારિ) પણ છે. મુર નામના દાનવનો વધ કર્યો હતો, એટલે તેમને આ નામ મળ્યું હતું. અન્ય એક માન્યતા પ્રમાણે, મોરલીને ધારણ કરનાર.

વ્રજમાં મોરારિ, ગુજરાતમાં દ્વારિકાધીશ

હિંદુઓમાં પ્રચલિત માન્યતા પ્રમાણે, મામા કંસને હઠાવીને કૃષ્ણે મથુરામાં યાદવોનું શાસન પ્રસ્થાપિત કર્યું હતું અને તેઓ યાદવકૂળના 'સર્વોચ્ચ નેતા' હતા.

જરાસંઘ તથા શિશુપાલના વારંવારના હુમલાઓથી પ્રજાને બચાવવા માટે તેમણે હાલના સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્ર પાસે ગોમતી નદીના કિનારે દ્વારકાના નામે નવું શહેર સ્થાપ્યું હતું.

નવા શહેરને કારણે તેમને 'દ્વારિકાધીશ' અને યુદ્ધ (રણ)નું મેદાન છોડ્યું હોવાથી 'રણછોડ' નામ મળ્યાં. અહીં કૃષ્ણે ધર્મરાજ્યની સ્થાપના કરી.

હિંદુઓ માને છે કે બ્રહ્યાએ 'સૃષ્ટિના સર્જનહાર', વિષ્ણુએ 'સૃષ્ટિના પાલનહાર' અને શિવએ 'સૃષ્ટિના સંહારક' દેવ છે.

કૃષ્ણને વિષ્ણુનો 'આઠમો અવતાર' મનાય છે, જેમના જન્મપ્રસંગને 'જન્માષ્ટમી' તરીકે ઊજવવામાં આવે છે.

પુરાણોના અભ્યાસુ દેવદત્ત પટનાયકના મતે, "હિંદુ ધર્મ ઉપરાંત જૈનોમાં પણ 'મહાભારત'નું અસ્તિત્વ જોવા મળે છે. જે મુજબ આ યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચેનું નહીં, પરંતુ દ્વારકાના કૃષ્ણ અને મગધના જરાસંઘ વચ્ચે લડાયું હતું."

"જેમાં કૌરવો જરાસંઘ તથા પાંડવો કૃષ્ણની પડખે રહીને લડ્યા હતા." આ માન્યતામાં કૃષ્ણ પશ્ચિમનું, જ્યારે જરાસંઘ પૂર્વનું પ્રતિનિધિત્વ કરે છે.

દ્વારકા આજનું, દ્વારિકાપુરી ત્યારની

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારકા શહેર એ હિંદુઓનાં ચાર સૌથી પવિત્ર યાત્રાધામમાંથી એક છે. હિંદુ માન્યતા પ્રમાણે, દ્વારકાનો સમાવેશ 'સપ્ત પુરી'માં થાય છે.

દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ શહેરની મુલાકાત લે છે, 'જન્માષ્ટમી'ના તહેવાર દરમિયાન અહીં વિશેષ ભીડ જોવા મળે છે.

સ્થાનિકો માને છે કે અત્યારે જે શહેર છે, તે નવનિર્મિત શહેર છે, જે માંડ 2500 વર્ષ જૂનું છે. કૃષ્ણે વસાવેલું દ્વારકા 'સુવર્ણનગરી' હતી, પરંતુ કૃષ્ણના સ્વર્ગારોહણ બાદ ભયંકર જલપ્રલય થયો અને આખી નગરી અરબ સાગરમાં સમાઈ ગઈ.

હિંદુઓના ધર્મગ્રંથ 'શ્રીમદ્ ભાગવત્ પુરાણ'ના 10મા સ્કંધના (પુરાણનો પેટા ખંડ)ના અલગ-અલગ અધ્યાયમાં નારદ મુનિ તથા કૃષ્ણના બાળમિત્ર સુદામાની નજરે શહેરનું વર્ણન કરવામાં આવ્યું છે.

જે મુજબ વિશ્વકર્મા (હિંદુ માન્યતા પ્રમાણે આર્કિટૅક્ટ તથા એંજિનિયરિંગના દેવ) દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં લાખો મહેલ સોનાથી મઢેલા હતા, જેમાં 'યદુવંશી' રહેતા. ગુજરાતમાં આહીર સમુદાય તથા યુપી-બિહાર સહિત ઉત્તર ભારતમાં મુખ્યત્વે નિવાસ કરતા યાદવો ખુદને 'યદુવંશી' માને છે.

આ સિવાય શહેરમાં કૃષ્ણની દરેક રાણીઓ (16 હજાર 108) માટે અલગઅલગ મહેલ હતા, જે ભવ્ય હોવા ઉપરાંત તમામ સુવિધાથી સજ્જ હતા. શહેરને 'દ્વારિકા' કે 'દ્વારિકાપુરી' તરીકે પણ ઓળખાવવામાં આવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે બીબીસી ગુજરાતીના જયદીપ વસંત સાથે વાત કરતાં જણાવ્યું :

"મોરારિબાપુએ વ્યાસપીઠની મર્યાદાનું પાલન કરવું જોઈએ અને ત્યાંથી એવી કોઈ વાત ન કરવી જોઈએ કે જેથી કરીને કૃષ્ણભક્તો કે યદુવંશીઓની લાગણી દુભાય."

ગુજરાતમાં શરાબપાન, સંગ્રામ અને સંહાર

'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'ના 11મા સ્કંધના 30મા અધ્યાયમાં યાદવકૂળના અંતનું વર્ણન કરવામાં આવેલું છે. (પૃષ્ઠ ક્રમાંક 926) જે મુજબ, પૃથ્વી, આકાશ તથા અંતરીક્ષમાંથી આવતી આપત્તિને જોઈને કૃષ્ણે તેમના પરિવારજનો તથા નગરજનોને તત્કાળ શહેર છોડવાનો આદેશ આપ્યો.

જે મુજબ, મહિલાઓ-બાળકો તથા વૃદ્ધોને શંખોદ્વાર (કેટલાક નિષ્ણાતોના મતે વર્તમાન સમયમાં કચ્છના અખાતમાં આવેલો વાઢવણ દ્વીપ) રવાના કરવામાં આવ્યા, જ્યારે પુરુષોને પ્રભાસક્ષેત્રમાં (વર્તમાન સમયનો ગીર-સોમનાથ જિલ્લો).

અમંગળના નાશ માટે યાદવોએ ધાર્મિકકાર્ય કર્યાં અને દાન-પુણ્ય કર્યાં. ત્યાર બાદ તેમણે 'મૈરેયક' નામના શરાબનું સેવન કર્યું. પીવામાં મીઠો લાગતો શરાબ બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે છે અને સર્વનાશ નોતરે છે.

ધર્મગ્રંથના વર્ણન મુજબ, યાદવો નશાને કારણે ઉન્મુક્ત થઈ ગયા 'શ્રીકૃષ્ણની માયા'થી પરસ્પર એકબીજા સાથે જ લડવા લાગ્યા. રથ, હાથી, ઊંટ, ઘોડા, ખચ્ચર, ગધેડા, બળદ, ભેંસ ઉપરાંત માણસો ઉપર પણ સવાર થઈને એકબીજા સાથે લડવા લાગ્યા.

મૂઢતાવશ થઈને પુત્ર પિતાની, ભાઈ-ભાઈની, ભાણેજ માની, દોહિત્ર નાનાની, એક મિત્ર બીજા મિત્રની, કાકા ભત્રીજાની અને સગૌત્રની હત્યા કરવા લાગ્યા.

બળવાન યોદ્ધાઓની પરસ્પરની લડાઈને કારણે બાણ ખૂટી ગયાં, તીર તૂટી ગયાં, તલવાર-ભાલા અને ગદા ખંડિત થઈ ગયાં, છતાં તેઓ ન અટક્યા.

તેઓ દરિયાકિનારે ઊગેલી 'એરકા' ખાસ ઉખેડીને એકબીજાને મારવા લાગ્યા, ત્યારે કૃષ્ણ તથા બલભદ્રે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે મદોન્મત યોદ્ધાઓ દુશ્મન સમજી તેમને પણ મારવા દોડ્યા.

આથી કૃષ્ણ અને બલભદ્ર ગુસ્સે ભરાયા, ક્રોધાવેશમાં તેમણે 'એરકા' ઘાસ ઉખેડીને એક પછી એક યાદવોને મારવાનું શરૂ કર્યું.

આ ઘાસ 'વજ્ર જેટલું મજબૂત' હતું. જ્યારે કૃષ્ણે જોયું કે યાદવકૂળનો સંહાર થઈ ગયો છે, ત્યારે તેમણે શાંતિનો શ્વાસ લીધો.

સોશિયલ મીડિયા અને અખબારોમાં વિવાદ વકરતાં મોરારિબાપુએ 'માનસ ગુરુવંદના' કાર્યક્રમના બીજા દિવસે સોશિયલ મીડિયા દ્વારા વીડિયો સંદેશ આપ્યો, જેમાં તેમણે કહ્યું :

"અમુક પ્રમાણ છે, તો પણ મારે કોઈ શાસ્ત્રાર્થ નથી કરવો"

સાથે જ ઉમેર્યું કે 'કોઈનું દિલ દુભાય તેવું કરતાં પહેલાં તેઓ સમાધિ લેવાનું પસંદ કરશે. ભગવાન કૃષ્ણ અંગેના કોઈ નિવેદનથી લાગણી દુભાઈ હોય તો હું ક્ષમાપ્રાર્થી છું.'

'જો ખાલી આટલી વાત હોય તો વિવાદ અહીં સમી જવો જોઈએ, પરંતુ એ સિવાય જો કોઈ કારણ હોય તો મારે કંઈ નથી કહેવું.'

કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રા

પૂર્વ ભારતમાં હિંદુધર્મની 'જગન્નાથ' પરંપરામાં કૃષ્ણની પૂજા તેમના ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રા સાથે થાય છે. ઓડિશામાં દરિયાકિનારે આવેલા પુરીમાં દર વર્ષે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, જેમાં ત્રણેય ભાઈબહેન નગરચર્યા કરવા નીકળે છે.

જેમાં કૃષ્ણની સાથે તેમના ભાઈ બલભદ્ર પણ હોય છે, જેઓ 'બલરામ', 'દાઉ' કે વૈષ્ણવ પરંપરામાં 'દાઉજી'ના નામથી ઓળખાય છે. તેઓ શેષનાગનો અવતાર હોવાની પણ માન્યતા છે.

પટનાયકના મતે, અમુક સ્થળોએ બલરામનાં પત્ની તરીકે 'વરુણી'નો ઉલ્લેખ જોવા મળે છે.

આ સિવાય બલરામની ધજાનું ચિહ્ન તાડપત્ર હતું, ગ્રામીણ વિસ્તારમાં તાડીમાંથી દારૂ બનાવવામાં આવે છે, જે શરાબ પ્રત્યેના તેમના આકર્ષણને રજૂ કરે છે. એ સિવાય કૃષ્ણમંદિરોમાં બલરામને તાડી કે ભાંગ ચડાવવાની પરંપરાને પણ તેઓ ટાંકે છે.

હિંદુઓના ધાર્મિક ગ્રંથ 'મહાભારત', 'વિષ્ણુ પુરાણ' કે 'શ્રીમદ્ ભાવગત્ મહાપુરાણ'માં સમુદ્રમંથનનો ઉલ્લેખ આવે છે. જેમાં દેવો અને દાનવો વચ્ચે ક્ષીરસાગર (દૂધસાગર)નું મંથન થયું, ત્યારે તેમાંથી 'વરુણી' નીકળ્યાં હતાં, જેમને શરાબનાં દેવી માનવામાં આવે છે.

સુભદ્રાનું લગ્ન પાંચ પાંડવમાંથી એક અર્જુન સાથે થયું હતું, જેમણે નિર્વંશ મૃત્યુ પામેલા યદુવંશીઓનું પિંડદાન કર્યું હતું.

કૃષ્ણ, બલરામ અને યદુકૂળ

હિંદુ ધર્મગ્રંથ 'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'ને કૃષ્ણના જીવનવૃત્તાંત સમાન માનવામાં આવે છે. જેના 11મા સ્કંધના 30મા અધ્યાયમાં (પૃષ્ઠ ક્રમાંક 926) યાદવકૂળના સંહાર બાદ બલરામના મૃત્યુનું તથા 31માં અધ્યાયમાં (પૃષ્ઠ ક્રમાંક 929) કૃષ્ણના નિધનનું વર્ણન મળે છે.

"સંહારલીલા બાદ બલરામ દરિયાકિનારે બેસી ગયા અને એકાગ્ર ચિત્તે પરમાત્માનું ચિંતન કરવા લાગ્યા, તેમણે આત્માને આત્મસ્વરૂપમાં સ્થિર કરી લીધો અને મનુષ્યશરીર છોડી દીધું."

સોમનાથ પાસે વેરાવળમાં સ્થાનિકો માને છે કે જ્યારે બલરામનું દેહાવસાન થયું ત્યારે તેમના મુખમાંથી સફેદ લાંબો નાગ નીકળ્યો હતો, જે પાસેની ગુફામાં જતો રહ્યો અને તેમાંથી 'પાતાળલોક'માં સમાઈ ગયો.

પૌરાણિક હિંદુગ્રંથોમાં વર્ણન અનુસાર, ત્રણ લોક છે : જેમાં દેવતાઓ જ્યાં નિવાસ કરે છે તેને 'સ્વર્ગલોક', મનુષ્યો જ્યાં વાસ કરે છે, તેને 'પૃથ્વીલોક' તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્યનું દેહાવસાન થતું હોવાથી તેને 'મૃત્યુલોક' તરીકે પણ ઓળખવામાં છે.

આ સિવાય અસુરો, દાનવો, દૈત્યો તથા નાગ જ્યાં રહે છે તેને 'પાતાળલોક' તરીકે ઓળખવામાં આવે છે.

બલરામની સ્થિતિ જોઈને કૃષ્ણ પીપળાના વૃક્ષની નીચે આરામ કરવા જતા રહ્યા, ત્યારે જરા નામના એક પારધીએ દૂરથી તેમના ચતુર્ભુજ સ્વરૂપને હરણ સમજીને તીર છોડ્યું, જે કૃષ્ણને વાગ્યું અને તેમના 'સ્વર્ગારોહણ'નું નિમિત્ત બન્યું.

કૃષણે રથના સારથિ દારુકને દ્વારકા જઈને સમગ્રઘટનાક્રમનું વર્ણન કરવા જણાવ્યું.

યાદવાસ્થળી અને પછી...

ગુજરાતી સમાજ અને ભાષામાં એક જ કુટુંબ, દેશ કે સમાજની અંદર પ્રવર્તમાન 'આંતરવિગ્રહ', 'આંતરદ્વંદ્વ' કે 'સિવિલ વૉર' જેવી સ્થિતિને રજૂ કરવા માટે 'યાદવાસ્થળી' શબ્દ પ્રયોજવામાં આવે છે, જે પ્રભાસક્ષેત્રમાં ઘટેલી ઘટનાનો સંદર્ભ રજૂ કરે છે.

કૃષ્ણના સારથિ દારુકે દ્વારકા જઈને કૃષ્ણ-બલરામના પિતા વાસુદેવ તથા રાજા ઉગ્રસેનના પગમાં પડીને 'યાદવાસ્થળી' તથા બંને ભાઈઓનાં મૃત્યુના સમાચાર આપ્યા.

જેને સાંભળીને વાસુદેવ, તેમનાં પત્ની દેવકી અને રોહિણી અવસાન પામ્યાં. વિધવાઓ તેમના પતિની ચિત્તામાં સતી થઈ ગઈ.

અર્જુને જેનું કોઈ ન હતું, તેઓનું પિંડદાન (મૃતકોની પાછળ કરવામાં આવતો હિંદુ કર્મકાંડ) કર્યું. તેઓ બાકી વધેલા યદુવંશનાં સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને પોતાની સાથે ઇન્દ્રપ્રસ્થ લઈ આવ્યા અને ત્યાં તેમને વસાવ્યાં.

તેમણે કૃષ્ણના પ્રપૌત્ર (પુત્ર પ્રદ્યુમ્ન તથા તેમના પુત્ર અનિરુદ્ધના પુત્ર) વજ્રનો રાજ્યાભિષેક કરાવ્યો.

સદીઓ સુધી ભારતીય સમાજમાં આ સતી થવાની પરંપરા ચાલતી રહી, પરંતુ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કાળ દરમિયાન સમાજસુધારક રાજા રામ મોહન રૉયના પ્રયાસોથી લૉર્ડ વિલિયમ બૅન્ટિકે ઈ.સ. 1829માં આ પ્રથા ઉપર લાદ્યો.

કૃષ્ણ : 'શ્રૃતિ-સ્મૃતિ' અને 'પુરાણોક્ત'

કૃષ્ણનું મથુરાના રાજા બનવું, ત્યાંથી પલાયન કરીને દ્વારકા આવવું, નવું નગર વસાવવું, યાદવવંશના પરાક્રમો તથા પતન તથા મથુરા અને તેની આજુબાજુ ફરી યદુકૂળની સ્થાપનાની વાત 'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'માં વિસ્તારથી વર્ણવવામાં આવેલી છે.

આ સિવાય 'શ્રીમદ્ ભગવદ્ ગીતા', 'મહાભારત' અને 'વિષ્ણુપુરાણ'માં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે.

પૌરાણિક અભ્યાસુ દેવદત્ત પટનાયકના મતે, "હિંદુઓનો ધર્મગ્રંથ 'મહાભારત' તેના વર્તમાન સ્વરૂપમાં લગભગ બે હજાર વર્ષ પૂર્વે સ્થાપિત થયો હશે."

"આ સિવાય 'હરિવંશ' (જેમાં ગોવાળિયાઓ સાથે ગોકુળના ઘટનાક્રમનું વર્ણન છે) 1700 વર્ષ પૂર્વે, 'વિષ્ણુપુરાણ' 1500 વર્ષ પૂર્વે 'શ્રીમદ્ ભાગવત્ પુરાણ' એક હજાર વર્ષ પૂર્વે તથા 'ગીત ગોવિંદ'એ લગભગ 800 વર્ષ પૂર્વે તેનું વર્તમાન સ્વરૂપ ધારણ કર્યું હશે."

'વિષ્ણુપુરાણ'માં કૃષ્ણને વિષ્ણુના આઠમા અવતાર તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

ઉપરોક્ત ધર્મગ્રંથોએ તેમના વર્તમાન સ્વરૂપ ધારણ કર્યાં તે પહેલાં વેદ 'શ્રૃતિ-સ્મૃતિ' અને 'ગુરુ-શિષ્ય' પરંપરાથી આગળ વધતા રહ્યા. 'શ્રુતિ' એટલે સાંભળેલું અને 'સ્મૃતિ' એટલે યાદ કરેલું.

'સુવર્ણનગરી'ની કિંવદંતીને આગળ વધારવામાં 'શ્રુતિ અને સ્મૃતિ' પરંપરાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હશે. વળી દ્વારિકા એ હિંદુઓની પવિત્ર નગરી હોવાથી અલગ-અલગ પ્રાંત અને ભાષાના લોકો અહીંની મુલાકાત લેતા, જેમણે આ માન્યતાને ચારેકોર ફેલાવી હશે.

'બ્રહ્યચર્ય આશ્રમ' દરમિયાન બાળકો ગુરુઓ પાસે આશ્રમમાં અભ્યાસ કરવા માટે જતાં, જ્યાં તેઓ ગુરુ પાસેથી વેદોનું તથા ધર્મગ્રંથોનું મેળવતા અને તેને યાદ રાખતા.

પ્રાચીન ભારતીય સમાજમાં સરેરાશ 100 વર્ષનું આયુષ્ય માનીને તેને ચાર આશ્રમમાં વિભાજીત કરવામાં આવ્યા છે.

બ્રહ્યચર્ય (પાંચથી 25) બાદ ગૃહસ્થાશ્રમમાં (25થી 50) તે લગ્ન કરે અને વંશને આગળ ધપાવવા માટે પ્રજોત્પતિ કરે; વાનપ્રસ્થાશ્રમ (50થી 75 વર્ષ દરમિયાન) તે ધીમે-ધીમે જવાબદારીઓમાંથી પરવારે, પુત્રોને કાર્યભાર સોંપે અને આધ્યાત્મ તરફ ઢળે; ત્યારબાદ સંન્યાશ્રમમાં બધું છોડીને આધ્યાત્મિક પૂર્ણતા માટે વન તરફ પ્રયાણ કરે.

બ્રિટાનિકા ઍનસાયક્લોપીડિયા મુજબ, આ વ્યવસ્થા પુરુષો દ્વારા પુરુષો માટે ઊભી કરવામાં આવી હતી, એટલે તેમાં છોકરીઓના વિદ્યાર્થીજીવન વિશે ઉલ્લેખ જોવા નથી મળતો.

આ વ્યવસ્થા સમાજના ઉપલા ત્રણ વર્ગ (બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય) માટે જ હતી અને શુદ્રોની તેમાં બાદબાકી હતી.

જ્યારે પુરુષ વાનપ્રસ્થાશ્રમ કે સંન્યાશ્રમ તરફ પ્રયાણ કરે, ત્યારે પત્નીને સાથે રાખવી તેના માટે અનિવાર્ય ન હતી.

...અને દ્વારિકા ડૂબી ગઈ

હિંદુ માન્યતા પ્રમાણે, શ્રીકૃષ્ણના સ્વર્ગારોહણ તથા યાદવોના નિર્ગમન બાદ જળપ્રલય થયો અને સમગ્ર દ્વારિકા નગરી અરબ સાગરમાં સમાઈ ગઈ.

ભારતનાં કેટલાંક શહેરો ઉપરાંત પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓમાં 'સુવર્ણનગરી' જેવી કિવદંતીઓ પ્રવર્તે છે.

વિશ્વભરમાં પ્રલય, જળપ્રલય, વિનાશ, જ્વાળામુખી જેવી ઘટનાઓમાં પૂર કે શહેર ડૂબી જવાની માન્યતાઓ કે ઘટનાઓની કોઈ કમી નથી.

જેને પગલે 1966માં વિજ્ઞાની ડૉરથી વિટાલિયાનોએ ભૂસ્તરશાસ્ત્રની ઉપશાખા જિયોમાયથૉલૉજીની સ્થાપના કરી, જેનો હેતુ કોઈ 'પૌરાણિક માન્યતા કે દંતકથા પાછળની ભૂસ્તરીય ઘટના' વિશે તપાસ કરવાનો હતો.

'નગર ડૂબી ગયું'ની આવી જ માન્યતા દક્ષિણ ભારતમાં 'મહાબલપુરમ્' માટે પણ પ્રવર્તે છે. 2004માં હિંદ મહાસગરમાં સુનામી આવી, ત્યારે 'મહાબલપુરમ્ ના અવશેષ જોવા મળ્યા'ની ચર્ચાએ જોર પકડ્યું હતું.

પશ્ચિમમાં સોલોમન દ્વીપ સમૂહ, સૅન્ટોરિની ટાપુ (ગ્રીસ), ઑસ્ટ્રેલિયામાં પણ આવી જ કથા જોવા મળે છે.

વિજ્ઞાનીઓ માને છે કે 'લેખિત સ્વરૂપ' વગર કોઈ પણ લોકવાયકા કે લોકકથા આઠસો વર્ષ કરતાં વધુ સમય સુધી 'યથાવત્' સ્વરૂપે ન રહી શકે અને તેમાં ભેળસેળ કે રૂપાંતરણ થઈ જ જાય.

સુવર્ણનગરીની શોધમાં...

1963માં ભારતીય પુરાતત્ત્વીય વિભાગને અરબી સમુદ્રના પેટાળમાંથી કેટલાક અવશેષો મળ્યા હતા.

જિયોમાયથૉલૉજી તથા મરીન આર્કિયૉલૉજીમાં નિષ્ણાત ગોવાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશનૉગ્રાફી (NIO)ને 1982માં નોંધપાત્ર સફળતા મળી હતી.

ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે અરબી સમુદ્રના પેટાળમાં સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અર્ધગોળાકાર તથા લંબચોરસ પથ્થર જોવા મળ્યા છે.

આજુબાજુના વિસ્તારમાં અલગ-અલગ સાઇઝના આવા અનેક પથ્થર જોવા મળ્યા હતા. વૈજ્ઞાનિકો માને છે કે આ પથ્થરો 'એક જ માળખા'ના છે.

ઇન્સ્ટિટ્યૂટના નિષ્કર્ષ પ્રમાણે, ઈ.સ. 10મી અને 14મી સદી દરમિયાન દ્વારકા ધમધમતું બંદર હશે.

કચ્છના અખાત પાસે આવેલ બેટ દ્વારકામાંથી ઈ.સ. પૂર્વે ત્રીજી સદીના અવશેષ મળ્યા છે, પરંતુ 'સુવર્ણનગરી દ્વારિકા'ના અસ્તિત્વને પુરવાર કરે, તેવાં કોઈ નક્કર પુરાવા સાંપડ્યા નથી.

જોકે, અહીંથી 450 કિલોમીટર દૂર ખંભાતના અખાતના દરિયાકિનારે દરિયા પેટાળમાંથી કેટલાક અવશેષ મળી આવ્યા છે. જે ઈ.સ. પૂર્વે 7,600 વર્ષ જૂના છે.

છેલ્લા લગભગ એક દાયકા દરમિયાન આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાની દરિયાઈ પાંખને સમુદ્રના પેટાળમાંથી અનેક પુરાતત્વીય સિક્કા તથા ચીજો મળી છે.

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજીએ દ્વારકાના દરિયાકિનારે અંડરવૉટર રૉબૉટિક વિહિકલ્સ દ્વારા સંશોધન માટે વિચારણા હાથ ધરી હોવાના અહેવાલ પણ હતા.

કેન્દ્રની સરકારના વડા પ્રધાન તથા અન્ય પ્રધાનો માને છે કે રામાયણ તથા મહાભારતનો યુગ હતો અને ભારતની પ્રાચીન સંસ્કૃતિ 'આજના જેટલી જ' કે 'આજથી પણ વધારે' આધુનિક હતી.

જો દ્વારકાના કિનારે કોઈ નક્કર પુરાવા મળે તો આવી માન્યતાઓને 'ઐતિહાસિક અને વૈજ્ઞાનિક આધાર' મળી શકે તેમ છે.

ભૂસ્તરશાસ્ત્રી પૅટ્રિક નન કહે છે, "અમે ભૂસ્તરશાસ્ત્રીઓ ઉપલબ્ધ પુરાવાઓના આધારે અનુમાન કરી શકીએ 'આમ થયું હશે', પરંતુ નક્કર રીતે પુરવાર ન કરી શકીએ કે 'આમ જ' થયું હતું.

(આ લેખ માટે BBC Earthના રિપોર્ટને આધાર બનાવવામાં આવ્યો છે. આ લેખ સૌપ્રથમ વાર સપ્ટેમ્બર 2018માં પ્રકાશિત થયો હતો. મૂળ આર્ટિકલને અંગ્રેજીમાં વાચવા માટે અહીં ક્લિક કરો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો