You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રમઝાનમાં શરમનો અનુભવ કરતી મુસ્લિમ મહિલાઓની વ્યથા
હાલ મુસ્લિમોનો રમઝાન મહિનો ચાલી રહ્યો છે. રમઝાનના મહિનામાં મુસ્લિમો સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ઉપવાસ રાખે છે.
માસિક દરમિયાન મહિલાઓ રોજા રાખતી નથી. હાલ કેટલીક મહિલાઓ આ મામલે સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહી છે.
આ દરમિયાન તેમને ભોજન લેવામાં પણ મુશ્કેલી પડે છે. કેટલીક મહિલાઓ કહે છે કે ઘરના પુરુષોને ખબર ના પડે તેવી રીતે તેમણે ભોજન લેવું પડે છે.
જ્યારે કેટલીક મહિલાઓ એવું પણ કહી રહી છે કે તેમને માસિકને લઈને ઘરમાં ખોટું બોલવું પડે છે.
સોફિયા ઝમીલ નામના મહિલાએ બીબીસીને જણાવ્યું કે, "કેટલાક લોકો આ સમસ્યાનો સ્વીકાર કરતા નથી, કેમ કે તેમને લાગે છે કે આ વસ્તુ ઇસ્લામને નકારાત્મક રીતે રજૂ કરે છે."
ઘણી મહિલાઓ માસિક દરમિયાન પોતાના ઘરમાં આ મામલે વાત કરી શકતી નથી અને તેમને ઘરના સભ્યોથી માસિકની વાત છુપાવવી પડે છે.
એક 21 વર્ષીય બ્યૂટી બ્લૉગર કહે છે,"મારા માતા રોજા દરમિયાન માસિક અંગે ઘરના પુરુષોને ખબર ના પડે તેનું ધ્યાન રાખવાની સૂચના આપતાં હતાં."
"હું જ્યારે પાણી પીતી હોઉં અને મારા પિતા આવતા તો મારે પાણીનો ગ્લાસ નીચે રાખી દેવો પડતો. મારા માતા રૂમમાં ચૂપચાપ ભોજન મૂકી જતાં અને મને કહેતાં કે જલ્દી ખાઈ લે જે. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યૂ યોર્કમાં રહેનારા પાકિસ્તાની મૂળના સોફિયા કહે છે, "એક વખત મારા ભાઈ મને ખાતા જોઈ ગયા, તેઓ મારી સામે જોતા જ રહ્યા અને હું ગભરાઈ ગઈ."
શું તમે વાંચ્યું?
"તેઓ મને ભોજન કરતી પકડવાનો પ્રયત્ન કરતા જેથી મને શરમમાં મૂકી શકે."
''મારામાં એટલી હિંમતની જરૂર હતી કે હું કહીં શકું, આ પ્રાકૃતિક પ્રક્રિયા છે અને મારો ધર્મ કહે છે. માસિક ધર્મ દરમિયાન ઉપવાસ ન રાખું કેમ કે હું પવિત્ર રહેતી નથી.''
સોફિયા કહે છે કે માસિક એક એવો વિષય છે કે જેના વિશે તેમની માતા પણ વાત કરતા સંકોચ અનુભવે છે.
તેમણે કિશોરાવસ્થા સુધી આ મામલે કોઈને જણાવ્યું જ ન હતું.
તેઓ કહે છે, ''મને લાગે છે કે મહિલાઓએ માસિકને સ્વીકારી લેવું જોઈએ અને આ અંગે લોકોની જે માનસિકતા છે તે બદલાવી જોઈએ."
"આ અંગે વધુ વાતચીત થવી જોઈએ અને આપણી પેઢી આ બાબતે બદલાવ લાવી શકે છે.''
રમઝાનના નિયમો
રમઝાન મહિનામાં ઉપવાસ દરમિયાન લોકો સૂર્યોદયથી સર્યાસ્ત સુધી ખોરાક કે પાણીનું સેવન કરતા નથી અને શારીરિક સંબંધ પણ બાંધતા નથી.
રોજા પહેલાં દરરોજ રોજાનો સંકલ્પ કરવો પડે છે. રોજાનો આ સંકલ્પ સૂતા પહેલાં કે રોજાના ખોરાક પહેલાં લઈ શકાય છે.
પરંતુ માસિક દરમિયાન મહિલા રોજા રાખી શકતી નથી, કુરાન વાંચી શકતી નથી અને મસ્જિદ પણ જઈ શકતી નથી.
ગર્ભાવસ્થા, બીમારી, શારીરિક કે માનસિક નબળાઈ, મોટી ઉંમર, યાત્રા દરમિયાન કે ઉપવાસના કારણે જીવન પર કોઈ પણ પ્રકારનો ખતરો હોય કે વધારે પડતી તરસ લાગતી હોય ત્યારે રોજા છોડી શકાય છે.
મુસ્લિમ સ્ટૂડન્ટ્સ એસોસિયેશનના અધ્યક્ષ સબરીન ઇમતાઇરે બીબીસીને જણાવ્યું કે તેઓ માસિક અને માસિક સાથે જોડાયેલી વાતો કરવામાં લોકોને મદદ કરવા ઇચ્છતાં હતાં, જેથી તેમણે ટ્વીટ કરીને આ પહેલ કરી હતી.
તેઓ કહે છે, ''મારા પરિવારમાં આ પ્રકારની વાતો સામાન્ય છે, પરંતુ કેટલીક છોકરીઓ રમઝાન દરમિયાન પરિવારના સભ્યો સામે કંઈ ખાતી નથી અને શરમનો અનુભવ કરે છે.''
18 વર્ષીય સબરીન કહે છે, ''આને કલંક પણ માનવામાં આવે છે. માસિકને છુપાવવું અને શરમનો અનુભવ કરવો પિતૃસત્તાકને વ્યવસ્થાને સ્વીકારે છે."
જોકે, સબરીનનો પોતાનો અનુભવ અલગ છે. તેઓ માસિક દરમિયાન પરિવારના બધા જ સભ્યોની સામે ભોજન લઈ શકે છે.
તેઓ કહે છે, ''હું મારા માટે કંઈ ખાવાનું લેવા ગઈ. મારા ભાઈના રોજા હતા. તેણે મને પૂછ્યું કે હું શા માટે આવું કરી રહી છું? તો મેં કીધું કે હું પીરિયડ્સમાં છું અને તેમને આમાં કંઈ ખોટું લાગ્યું નહીં.''
જોકે, સબરીન માને છે કે માસિક પર વધુ વાત થવી જોઈએ.
તેઓ કહે છે, ''મારી માતાએ મને પૅડનો ઉપયોગ કરવાનો અને રક્તસ્ત્રાવનો ઉકેલ કઈ રીતે લાવવો તે તો શીખવ્યું પરંતુ આ અંગે લોકો સાથે કઈ રીતે વાત કરવી તે શીખવ્યું ન હતું.''
''હું અત્યારસુધી આ અંગે કોઈ સાથે વાત કરતી નહોતી. આ એક કલંકિત બાબત ગણાતી હતી."
"મહિલાઓ હંમેશાં માસિક સાથે જોડાયેલી હોય છે. આ સામાન્ય છે અને આપણે પણ તેને સામાન્ય માનવું જોઈએ.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો