શું રમઝાન મહિનામાં સીઝ ફાયરથી કશ્મીરમાં શાંતિ સ્થપાશે?

    • લેેખક, રિયાઝ મસરૂર
    • પદ, શ્રીનગરથી બીબીસી ગુજરાતી માટે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કશ્મીર મુલાકાતના બે દિવસ પહેલાં ગૃહ મંત્રાલયે કશ્મીરમાં 'સીઝ ફાયર'નું એલાન કર્યું હતું.

આ સીઝ ફાયર મુસ્લિમોના પવિત્ર રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને લાગુ કરાયો છે.

ટ્વીટ કરીને ગૃહ મંત્રાલયે જણાવ્યું કે મુસ્લિમોને રમઝાન દરમિયાન શાંતિનું વાતાવરણ મળી રહે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ જાહેરાતના થોડાક દિવસ પહેલાં જ કશ્મીરમાં ભારે હિંસા અને હત્યાઓની વણજાર ચાલી હતી, જે અંગે રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.

આ બેઠક બાદ મુફ્તી સહિત ઘણા વિપક્ષોના નેતાઓએ કેન્દ્ર સરકારને 'ઑપરેશન ઑલ આઉટ' રોકવા અપીલ કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

સુરક્ષાદળો આ ઑપરેશન કશ્મીરમાં ઘણા સમયથી ચલાવી રહ્યાં છે. ઑપરેશન ઑલ આઉટ અંતર્ગત ઓછામાં ઓછા 200 ઉગ્રવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જોકે, આ જાહેરાતમાં એ સ્પષ્ટ કરી દેવાયું કે હુમલો થશે તો સ્વબચાવમાં કાર્યવાહી કરવાનો અધિકાર સેના પોતાના પાસે જ રાખશે.

ઉગ્રવાદીઓએ સીઝ ફાયરનો વિરોધ કર્યો છે, પણ રાજનીતિ સાથે સંકળાયેલા ઘણા લોકો આ નિર્ણયને શાંતિ સ્થાપિત કરવાની તક તરીકે દેખાડશે.

એકતરફી સીઝ ફાયર

પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "તમામ રાજકીય પક્ષો (ભાજપને છોડીને, જે આનો વિરોધ કરે છે)ની માગના આધારે કેન્દ્ર સરકારે એકતરફી સીઝ ફાયરની જાહેરાત કરી છે. જો ઉગ્રવાદીઓ હવે શાંતિ નહીં રાખે તો સ્થાનિકોના સાચા દુશ્મન સાબિત થશે."

તેમણે સીઝ ફાયરના નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વિટર પર લખ્યું, "કેન્દ્રે નૉન-ઇનિશિએટિવ ઑફ કૉમ્બેટ ઑપરેશન્સ નામ આપ્યું છે. જેને વાજપેયીના જમાનામાં પણ આ જ નામ આપવામાં આવ્યું હતું. તે એકતરફી સીઝ ફાયર જ છે. એક ગુલાબ જેને બીજું નામ આપી દેવાયું છે."

મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ નિર્ણય લીધા બાદ તરત જ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહનો આભાર માન્યો હતો.

તેમણે સર્વપક્ષીય બેઠકમાં વિરોધી પક્ષોની ભાગીદારીને આવકારી હતી અને જાહેરાતના અમલીકરણમાં સંમતિ આપવા બદલ આભાર માન્યો હતો.

મહેબૂબા સહિત અન્ય નેતાઓએ વાજપેયીના સમયને યાદ કરતાં વડાપ્રધાન મોદીને "ડૉક્ટરિન ઑફ પીસ"ના સિદ્ધાંતનું અનુસરણ કરવા કહ્યું હતું.

પહેલાં થયેલા સીઝ ફાયરોનું નિરાકરણ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શાસન દરમિયાન કેન્દ્ર સરકારે રમઝાન મહિનામાં ઉગ્રવાદીઓ વિરુદ્ધ સીઝ ફાયરની જાહેરાત કરી હતી. પણ ભાજપની જ સ્થાનિક સમિતિએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

આ જાહેરાતના થોડા કલાકો બાદ શોપિયા જિલ્લામાં ગોળીબાર શરૂ થઈ ગયો હતો.

પોલીસના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું, "જંગલોમાં છુપાયેલા ઉગ્રવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો, જેના પછી સુરક્ષાદળોએ તેમની કિલ્લેબંધી કરી હતી. પણ ઉગ્રવાદીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા. જેના પછી તેમને શોધવા માટે એક અભિયાન હાથ ધરાયું હતું."

મૂળ પાકિસ્તાનના ઉગ્રવાદીઓના કમાંડર મુશ્તાક જરગરે સીઝ ફાયરના પ્રસ્તાવને ફગાવતા કહ્યું હતું કે, "સશસ્ત્ર સંઘર્ષ જ એકમાત્ર વિકલ્પ છે."

એક વર્ષ સુધી ચાલેલા ઑપરેશન ઑલ આઉટ દરમિયાન ઉગ્રવાદીઓની ઢાલ બનેલા અનેક સ્થાનિક લોકોનાં મૃત્યુ થયાં હતાં.

'સીઝ ફાયરથી મહબૂબાને રાહત'

પોલિટિકલ સાયન્સમાં સંશોધન કરનાર પીર શૌકત કહે છે કે, "સીઝ ફાયરની આ જાહેરાત મહેબૂબા મુફ્તી માટે રાહત લઈ આવી છે કારણકે તેમને એક નિર્બળ વ્યક્તિ તરીકે જોવામાં આવતાં હતાં અને એવું મનાતું હતું કે દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર તેમની અવગણના કરી રહી છે."

હિંસાથી પ્રભાવિત અનંતનાગ, પુલવામા, શોપિયાં અને ત્રાલના લોકોએ આ નિર્ણય પર મિશ્ર પ્રતિભાવ આપ્યો છે.

શોપિયાના એક યુવાન રાહિલે અથડામણ થઈ એ જગ્યાએ થતાં પ્રદર્શનમાં પોતાના ભાઈ અને એક સંબંધીને ગુમાવી દીધાં છે. રાહિલ કહે છે કે તે સીઝ ફાયરની જાહેરાતથી ખુશ છે.

પણ તેમને અને અન્ય અનેક લોકોને આ નિર્ણય અંગે શંકા પણ છે.

તેઓ કહે છે કે, "પણ અમે આ એલાનના પરિણામ જોયા છે. જો તેનું યોગ્ય રીતે અમલીકરણ કરાય તો સારું પરિણામ મળશે."

ત્રાલના એક કેબ ડ્રાઇવર ફારુક અહમદ કહે છે કે, "એક હુમલો થશે અને આ એલાન ખોટું સાબિત થશે. એ લોકો જંગલોમાં ઉગ્રવાદીઓને શોધે છે. દરેક ઘરમાં જડતી લેવાઈ રહી છે. એટલી હદ સુધી કે આજે જ્યારે સીઝ ફાયરની જાહેરાત થઈ ત્યારે શોપિયાંમાં ઉગ્રવાદીઓ સાથે અથડામણ ચાલી રહી હતી. મને નથી લાગતું કે આ કોઈ નક્કર પગલાં જેવું સાબિત થશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો