‘પથ્થરમારો’ કરનારી આ કાશ્મીરી ફૂટબૉલર યુવતી પર બનશે બોલિવૂડ ફિલ્મ

    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, શ્રીનગરથી, બીબીસી હિંદી ડૉટ કૉમ માટે

18 વર્ષની અફશાના આશિકનાં જીવન પર હિન્દી ફિલ્મ બનાવવામાં આવશે. શ્રીનગર નજીકના બેમિનની રહેવાસી અફશાના ફૂટબૉલ ખેલાડી છે, જે ખૂબ સંઘર્ષ બાદ આગળ આવી છે.

અફશાનાની એક તસવીર આ વર્ષના એપ્રિલ મહિનામાં વાઇરલ થઈ હતી. આ તસવીરમાં અફશાના શ્રીનગરના લાલ ચોક નજીક પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરતી નજરે પડે છે.

તમને આ પણ વાંચવું ગમશે

અફશાના કહે છે, "ત્યારે મેં પોલીસ પર પહેલીવાર પથ્થરમારો કર્યો હતો. તે પહેલા મેં આવી હરકત ક્યારેય નહોતી કરી."

અફશાના છેલ્લાં સાત વર્ષથી ફૂટબૉલ રમી રહી છે અને તે કૉચ પણ છે. ગત ચાર મહિનાથી તે મુંબઈમાં તાલીમ લઈ રહી છે.

નહોતી મળી ફૂટબૉલ રમવાની પરવાનગી

અફશાના કહે છે કે શરૂઆતમાં તેમણે જ્યારે ફૂટબૉલ રમવાની શરૂઆત કરી ત્યારે કોઈએ તેમને સહકાર નહોતો આપ્યો.

તે કહે છે, "મારા પિતાજીએ મને શરૂઆતમાં રોકી હતી. તે કહેતા હતા કે, તું યુવતી છો, તને વાગી જશે તો? એટલે કે પરિવારજનો તરફથી પરવાનગી નહોતી."

"અબ્દુલ્લાહ ડાર નામના 75 વર્ષના એક ફૂટબૉલ કૉચે એક દિવસ મારા પિતાજીને સમજાવ્યા હતા. પિતાજી ઇચ્છતા હતા કે ફૂટબૉલ રમાવાનો શોખ હોય તો હું કૉલેજ સ્તરે આ રમત રમું. પછી મેં ફૂટબૉલ રમવાનું શરું કર્યું."

અફશાના આગળ જણાવે છે, "પછી એક દિવસ અન્ય એક કૉચ મને મળ્યા હતા. તે દિવસોમાં અહીં કોઈ યુવતીઓ ફૂટબૉલ નહોતી રમતી. પછી હું એસોસિયેશન સાથે જોડાઈ અને મને કૉચ બનાવવામાં આવી."

"ત્યાં હું એકમાત્ર યુવતી હતી, તેથી મારે યુવકો સાથે રમવું પડતું. તેના કારણે મને કોઈ મુશ્કેલી નહોતી નડી, પરંતુ મને ઘણી રીતે મદદ મળી હતી."

ફિલ્મ માટે આ રીતે માન્યાં માતા-પિતા

અફશાનાને વિશ્વાસ છે કે તેમના જીવન પર જે હિન્દી ફિલ્મ બનવા જઈ રહી છે તેમાં કશ્મીરી યુવાનોની વાત કરવામાં આવશે.

તે કહે છે, "થોડા દિવસો પહેલાં મારે ફૂટબૉલ ટ્રાયલ માટે મુંબઈ જવાનું થયું હતું. તે દરમિયાન મને એક ફોન કૉલ આવ્યો હતો.

"ફોન કૉલ કરનારા વ્યક્તિ દિગ્દર્શક મનીષ હરિશંકર હતા. તેમણે મને મળવાની ઇચ્છા વ્યક્ત કરી.

"જ્યારે હું તેમને મળી ત્યારે તેમણે કહ્યું કે મેં તમારા વિશે પ્રકાશિત ઘણાં આર્ટિકલ વાંચ્યા છે અને હું તમારા વિશે એક ફિલ્મ બનાવવા માંગું છું.

"પછી તેમણે મારાં માતા-પિતાને પણ મુંબઈ બોલાવ્યાં હતાં.

"તેમણે કહ્યું કે હું માત્ર એ કશ્મીરની યુવતીને સિનેમાના પડદે બતાવવા માંગું છું, જેની આંખોમાં ઘણાં સપનાંઓ છે.

"જેની પાસે કુશળતા છે અને જે આગળ વધવા માગે છે. મારાં માતા-પિતા આ વાત સાંભળીને ફિલ્મ માટે તૈયાર થયાં."

'જાણીજોઈને નહોતો કર્યો પથ્થરમારો'

પોલીસ પર પથ્થરમારાના દિવસને યાદ કરતાં અફશાના કહે છે કે, તેમના મનમાં એવું કાંઈ નહોતું કે જેના આવેશમાં તે પથ્થરમારો કરે.

અફશાના કહે છે, "કશ્મીરમાં દરરોજ જે પરિસ્થિતિ સર્જાય છે, હું પણ તે પરિસ્થિતિનો શિકાર બની ગઈ.

"તે દિવસે શ્રીનગરના લાલ ચોક નજીક યુવતીઓ રસ્તાઓ પર ઊતરી આવી હતી. તેઓ પોલીસ પર પથ્થરમારો કરી રહી હતી.

"અમે તે હિંસામાં નહોતા જોડાયાં, અમે તો ફૂટબૉલ રમવા જઈ રહ્યાં હતાં. તે દરમિયાન પોલીસે અમને રોક્યાં.

"અમે તેમને વારંવાર કહ્યું કે અમે ફૂટબૉલ રમવાં જઈ રહ્યાં છીએ, પરંતુ તેમણે અમારી કોઈ વાત નહોતી સાંભળી."

"તેમણે અમારું ખૂબ અપમાન કર્યું. કોઈપણ વ્યક્તિ તેની મા-બહેન વિશે અણછાજતાં શબ્દો સહન નથી કરી શકતી. તેમણે અમારાંમાંથી એક વિદ્યાર્થિનીને થપ્પડ મારી હતી."

અફશાના કહે છે, "આ બધું જોયા પછી અમે નિર્ણય કર્યો કે અમે અમારા હકો માટે લડી શકીએ છીએ અને અમે પોલીસ પર પથ્થરમારો કર્યો.

"બે દિવસ બાદ મને જાણ થઈ કે પથ્થરમારા વખતે લેવાયેલો મારો ફોટોગ્રાફ વાયરલ થઈ ચૂક્યો છે.

"મારા સેક્રેટરીએ મને ફોન કરી પૂછ્યું કે તમે પથ્થરમારો શા માટે કર્યો? મેં તેમને સમગ્ર ઘટના વર્ણવી, હું પોતે પણ માનું છું કે અમારી સમસ્યાનું સમાધાન હિંસા નથી."

'ફિલ્મમાં હશે કશ્મીરી યુવાનોની વાત'

મુંબઈ સ્થિત મનીષ હરિશંકરે ફોન પર આ વાતને સમર્થન આપ્યું હતું કે તે અફશાનાનાં જીવન પર ફિલ્મ બનાવી રહ્યા છે.

મનીષ હરિશંકરે કહ્યું હતું, "આ વાત સાચી છે કે અફશાના મારી આગામી ફિલ્મનું મુખ્ય પાત્ર છે. આ ફિલ્મનું નામ 'ઓપ સોલો' છે.

"મેં જેવી રીતે તેમનાં વિશે વાંચ્યું તે પરથી લાગ્યું કે તેમણે ફૂટબૉલના મેદાન પર એક આંદોલન શરુ કર્યું છે. મને અફશાનાનું પાત્ર રસપ્રદ લાગ્યું.

"કશ્મીર પર આજ સુધી સંખ્યાબંધ ફિલ્મો બની છે. જેમાં રાજકીય મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે, પરંતુ મારો એવો કોઈ ઇરાદો નથી."

"મારી ફિલ્મ કશ્મીરના એવા યુવાનોની આસપાસ છે, જેમની આંખોમાં કેટલાંક સપનાં છે, અને તેઓ આગળ વધવા માગે છે. કશ્મીરી યુવાનોના દૃષ્ટિકોણને જાણવા અને સમજવાનો પ્રયત્ન કર્યા બાદ મેં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે."

"બાળકો તો બાળકો હોય છે, પછી ભલે તે કશ્મીરનાં હોય કે અન્ય કોઈ રાજ્યનાં. તેમનાં પણ કેટલાંક સપનાં હોય છે અને તેઓ પોતાના સપનાંને પૂરાં કરવા માગે છે."

મનીષ હરિશંકરનું કહેવું છે કે, ફિલ્મનું શૂટિંગ 2018ના માર્ચમાં શરૂ કરવામાં આવશે. મનીષની ઇચ્છા છે કે ફિલ્મનું શૂટિંગ કશ્મીરમાં કરવામાં આવે.

મનીષે દિગ્દર્શક રાજકુમાર સંતોષી સાથે નવ વર્ષ સુધી કામ કર્યું છે અને તે દરમિયાન સંખ્યાબંધ મોટી ફિલ્મો માટે તેમણે કામ કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો