You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આમિર ખાન, ગુજરાતની યુવતીએ કેમ કરી સૅનિટરી પૅડ સાથેની તસવીર શેર?
સોશિયલ મીડિયા પર સૅનેટરી પૅડ સાથે વ્યક્તિઓ તેમની તસવીર મૂકી રહ્યા છે. #PadManChallenge સાથે આ અભિયાન ટ્રેન્ડ થઈ રહ્યું છે.
જેમાં બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને પડકાર સ્વીકારીને તેમની આવી તસવીર મૂકી છે.
9મી ફેબ્રુઆરીના રોજ અક્ષય કુમારની ફિલ્મ 'પૅડમૅન' આવી રહી છે. અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ આમિર ખાનને આ પડકાર આપ્યો હતો.
જેને આમિરે સ્વીકારીને ટ્વિટર પર સૅનિટરી પૅડ સાથેની પોતાની તસવીર મૂકી.
તેમણે હવે આ માટે અમિતાભ બચ્ચન. શાહરૂખ ખાન અને સલમાન ખાનને નોમિનેટ કરીને પડકાર આપ્યો છે.
તમને આ પણ વાંચવું ગમશે
આમિર ખાને ટ્વિટ કરીને કહ્યું, "હા મારા હાથમાં પૅડ છે અને મને તેમાં જરાય શરમ નથી.
"માસિકસ્ત્રાવ કુદરતી છે. #PadManChallenge કોપી કરો, પેસ્ટ કરો અને તમારા મિત્રને પૅડ સાથે તસવીર મૂકવા કહો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હું હવે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને સલમાન ખાનને આ પડકાર આપું છું."
ટ્વિકંલ ખન્નાએ પૅડ સાથેની તસવીર મૂકીને અભિયાનને આગળ વધાર્યું હતું.
જેમાં તેમણે લખ્યું, "હા મારા હાથમાં સૅનિટરી પૅડ છે. તેમાં શરમની કોઈ વાત નથી. માસિકસ્ત્રાવ કુદરતી છે.
"#PadManChallenge કોપી કરો, પેસ્ટ કરો અને તમારા મિત્રને પૅડ સાથે તસવીર મૂકવા કહો.
"હું હવે આમિર ખાન અને શબાના આઝમી અને હર્ષ ગોએન્કાને આ પડકાર આપું છું."
હર્ષ ગોએન્કાએ આ પડકાર સ્વીકારી લીધો હતો અને પોતાની તસવીર મૂકી હતી.
પણ ખરેખર આની શરૂઆત કેવી રીતે થઈ અને આ અભિયાન કેમ ચાલી રહ્યું છે?
વાત એમ છે કે અક્ષય કુમારની આવી રહેલી ફિલ્મ 'પૅડમૅન' જેના પર આધારિત છે, તે અરૂણાચલ મુરુગાનાથને આ અભિયાનની શરૂઆત કરી હતી.
તેમણે પૅડ સાથે પોતાની તસવીર મૂકીને ટ્વિંકલ ખન્ના, અક્ષય કુમાર, સોનમ કપૂર અને રાધિકા આપ્ટેને ટૅગ કરીને આ પડકાર માટે નોમિનેટ કર્યા હતા.
અરૂણાચલ મુરુગાનાથન તમિળનાડુ સ્થિત ઉદ્યોગસાહસિક છે.
તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓના માસિકસ્રાવ અંગે જાગૃતતા માટે સસ્તામાં સૅનિટરી પૅડ બનાવી આપતા મશીનમાં રોકાણ કર્યું હતું.
ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ આ અભિયાન પહોંચ્યું જેમાં ઇન્ડોન્શિયાના ઝીરોટુસાઇન નામના યુઝરે પણ પૅડ સાથે પોતાની તસવીર મૂકી અને અભિયાનને સમર્થન આપ્યું.
એટલું જ નહીં પણ ગુજરાતમાં આ અભિયાનમાં સક્રિયતા જોવા મળી.
જેમાં લેખિકા અને ચળવળકર્તા જ્યોતિ ઝાલાએ પણ તેમની પૅડ સાથેની તસવીર ફેસબૂક પર મૂકીને સમર્થન આપ્યું હતું.
તેમણે આ અગાઉ 'હેપી ટુ બ્લીડ' નામનાં ગુજરાતી નાટકનું દિગ્દર્શન કર્યું હતું.
'પૅડમૅન' અંગે ઓનલાઇન અભિયાન અંગે પૂછતા જ્યોતિએ કહ્યું, "લોકોના મનમાં ઘર કરી ગયેલી ખોટી માન્યતા દૂર કરવી હતી.
"આ બાબતે મારો અંગત અનુભવ ઘણો કડવો હતો. આથી મેં આ વિષય પર પ્લે કરવાનું પણ નક્કી કર્યું.
"#PadManChallenge આ હકારાત્મક બાબત છે."
પીરિયડ્સ વિશે અધુરૂં જ્ઞાન કેટલું નુકસાનકારક?
પીરિયડ્સ એક એવો વિષય છે કે જેના વિશે લોકો આજે પણ વાત કરતા શરમ અનુભવે છે.
ઘરમાં એક દીકરી પોતાનાં પિતા કે ભાઈ સામે ક્યારેય પીરિયડ્સ વિશે ખુલીને વાત નથી કરતી. પીરિયડ્સ સંબંધે આજે પણ લોકોનું જ્ઞાન અધૂરું જ છે.
આ જ વિષય પર બ્રિટનની ચેરિટી સંસ્થાનું કહેવું છે કે છોકરા તેમજ છોકરીઓને એકસાથે સ્કૂલમાં પીરિયડ્સ વિશે ભણાવવાની જરૂર છે.
પ્લાન ઇન્ટરનેશનલ યુકે નામની આ ચેરિટી સંસ્થાનું કહેવું છે કે પીરિયડ્સ વિશે સ્કૂલમાં ચર્ચા થવી જોઈએ. તેનું અડધું અધૂરું જ્ઞાન આગળ જતાં નુકસાનકારક સાબિત થઈ શકે છે.
પીરિયડ્સ પર બોલતા શરમ અનુભવે છે છોકરીઓ
થોડો સમય અગાઉ આ સંસ્થાએ 14 થી 21 વર્ષની 1000 છોકરીઓ વચ્ચે સર્વે કરાવ્યો હતો.
જેમાં એવું તારણ બહાર આવ્યું કે લગભગ 50 ટકા છોકરીઓ પીરિયડ્સ વિશે વાત કરવામાં શરમ અનુભવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો