રાજેન્દ્ર પટેલ: 'આવા શબ્દો ગુજરાતી કવિતામાં પહેલી વખત નિરંજન ભગતે પ્રયોજ્યા'

    • લેેખક, રાજેન્દ્ર પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતી ભાષા-સાહિત્ય અને સમાજની એક વિશિષ્ટ ઓળખ એટલે નિરંજન ભગત. એમના મૌખિક કે લેખિત શબ્દો અને વિચારો દરેક સાહિત્યસેવીઓ માટે એક મૂડી રૂપ છે.

ગુજરાતી ભાષાની કાવ્યસૃષ્ટિમાં એમનાં કાવ્યો દ્વારા એક મોટો વળાંક ઊભો થયેલો અને આધુનિક યુગનો આરંભ થયેલો.

નગરચેતનાનો, નગરસંસ્કૃતિનો મહિમા કરતાં એમનાં કાવ્યોમાં કાવ્ય-સૌદર્ય સાથે સાથે નરી માનવતા પણ સહઉપસ્થિત છે.

એમના પ્રિય કવિ વર્જિલના રોમન સંસ્કૃતિના મહાકાવ્ય 'ઈનીડ'ની જેમ તેમના સાહિત્ય અને વિચારોમાં પણ વિશ્વનાગરિકત્વનો અનેરો ઉઘાડ થયેલો જોવા મળે છે.

આવા શબ્દો પહેલી વખત પ્રયોજ્યા

આપણાં સાહિત્યમાં આધુનિકતાનો આરંભ આ કવિનાં કાવ્યો દ્વારા રચાતો જોવા મળે છે. મહાનગર મુંબઈના સંદર્ભે એક ગીત રચના પ્રથમ કાવ્યસંગ્રહ છંદોલય (1947)માં આમ છે:

'ચલ મન મુંબઈનગરી,

જોવા પુચ્છ વિનાની મગરી!

જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,

.....

સિમેન્ટ, ક્રોંકરેટ, કાચ, શિલા

તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલાં;

ઇન્દ્રજાલની ભૂલવે લીલા

એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી!'

ગુજરાતી કવિતામાં પહેલી વાર આવા શબ્દો પ્રયોજાયેલા જોવા મળ્યા. બદલાતા યુગને નિર્દેશતી આ છંદોબદ્ધ રચનાઓ, પરંપરા સાથેસાથે નવી ચેતનાને પણ જોડે છે.

એક રીતે ગુજરાતી કાવ્યસૃષ્ટિમાં કવિએ આગવો અવાજ રચી, નવી ચેતનાને સ્પંદિત કરી છે. એ ચેતના, શબ્દોએ સમાજજીવનને પણ પ્રભાવિત કરેલું.

આજીવન અધ્યયન અને અધ્યાપન કરતા આ અંગ્રેજીના આ અધ્યાપકને સાંભળવા એક અહોભાગ્ય લેખાતું.

એમનાં વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનોએ સાહિત્ય-સમાજને જાણે એક મોંઘેરી વિરાસત આપી.

તેમાં એક તરફ મીરાં અને મધ્યકાલીન કવિઓનો સઘન પરિચય પ્રાપ્ત થયો અને બીજી તરફ ફ્રેંચ કવિ બોદલેર અને અંગ્રેજ કવિ ટી.એસ. એલિયેટ જેવા કવિઓનો જીવન અને કવનનો આસ્વાદ્ય મળતો રહ્યો.

તેથી ગુજરાતી સાહિત્ય ન્યાલ થતું રહ્યું. વિશ્વનાં મહાકાવ્યોનો અભ્યાસપૂર્ણ પ્રવેશ પણ સાહિત્યરસિકોને તેમણે જ કરાવેલો.

ગુજરાતી સાહિત્યમાં યુરોપિયન અને પશ્ચિમના સાહિત્યનો ઉત્કટ પરિચય પણ તેમના જીવનનું મોટું કાર્ય લેખાય છે.

સ્વાધ્યાયલોક (1997) ગ્રંથશ્રેણીના આઠ ભાગ સાહિત્યપ્રેમીઓ માટે અણમોલ મૂડી લેખાય છે. પણ રવીન્દ્રનાથ ટાગોર તેમના હ્રદયમાં હંમેશાં રમમાણ રહેતા.

ટાગોરનો પ્રભાવ

ગીતાંજલિ વાંચવા બંગાળી શીખેલા, તેમણે 'રવીન્દ્ર ભવન' નામે અનૌપચારિક સંસ્થામાં આજ સુધી રવીન્દ્ર સાહિત્ય નિરંતર ગૂંજતુ રાખ્યું છે.

ગુજરાતી સહિત્યનો આખો એક કાળખંડ 'રાજેન્દ્ર અને નિરંજન' યુગથી ઓળખાય છે. તેમનાં કાવ્યોમાં સામાજિક સંદર્ભ એક વ્યાપક યુગચેતના રૂપે વ્યક્ત થાય છે.

નગરકવિતાનું સંવેદનસભર વિશ્વ તેમના અન્ય કાવ્યસંગ્રહો 'કિન્નરી' (1950) 'અલ્પવિરામ' (1954), 'પ્રવાલદ્વીપ' અને '33 કાવ્યો' (1958)માં વ્યકત થાય છે. કવિને પ્રેમમાં પ્રખર શ્રદ્ધા છે.

મનુષ્યનાં ભાવિમાં અને વિજ્ઞાનમાં ભરપૂર આશા છે. છેલ્લો પ્રકશિત કાવ્યસંગ્રહ 'પુનશ્ચ' (2007)ના અને હજુ એક અપ્રગટ કાવ્યસંગહનાં કાવ્યો જુદાં છે. આ કાવ્યો જાણે બોલચાલની ભાષામાં સીધાં વિધાનો જેવાં છે.

આ કાવ્યોમાં પ્રતીક, કલ્પનો, અલંકારો ગેરહાજર છે. ઉત્તર જીવનમાં રચાયેલી આ રચનાઓ આવનારા સમય માટે છે, તેવું તેમનું માનવું છે.

112 વર્ષ જૂની ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પૂર્વપ્રમુખ અને વર્તમાન ટ્રસ્ટી હતા.

ગુજરાતી સાહિત્યનો શ્રેઠ પુરસ્કાર, રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા ઍવૉર્ડ, સચ્ચિદાનંદ પુરસ્કાર તેમને અર્પણ કરવામાં આવેલા.

સાહિત્ય અકાદમી, દિલ્હીનો પણ તેમને પુરસ્કાર પ્રાપ્ત થયેલો. વાસ્તવમાં નિરંજન ભગત નામના વિશ્વમાનવ ગુજરાતી સાહિત્ય અને સમાજને મળેલો મોટો ચંદ્રક છે.

ઉત્તમ સાહિત્યસર્જક, તેજસ્વી ઇતિહાસદર્શક, પ્રખર અભ્યાસુ અને ઊંડા સમાજચિંતક એવા નિરંજન ભગતનો મિજાજ અને આગવી મુદ્રા એમના એક કાવ્યમાં આમ જોવા મળે છેઃ

હું તો બસ...

" હું તો બસ ફરવા આવ્યો છું!

હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?

.....

જાદુ એવો જાય જડી

કે ચાહી શકું બે-ચાર ઘડી

ને ગાઈ શકું બે-ચાર કડી

તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું !

હું તો બસ ફરવા આવ્યો છું !"

'કાળની કેડીએ આપણો ઘડીક સંગ' કહેતા આ મનીષીના આગવા વિચારો એમના એક લેખ 'યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા'માં વ્યકત થાય છે. એકવીસમી સદીના આરંભે 2001માં તે કહે છે:

"2001ના વર્ષમાં ગુજરાતી સાહિત્ય 21મી સદીમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે મનુષ્યજાતિ યંત્રવૈજ્ઞાનિક યુગમાં પ્રવેશ કરી ચૂકી છે. આ કાળપુરુષનું વિધિનિર્માણ છે.

"એમાં કોઈ વિકલ્પ નથી. યંત્ર એ મંત્ર જેવું અને જેટલું જ મનુષ્યનું સર્જન છે. મંત્ર શ્રવણગમ્ય સર્જન છે, યંત્ર ચક્ષુગમ્ય સર્જન છે, પણ યંત્ર એ મંત્ર જેવું અને જેટલું જ આધ્યાત્મિક સર્જન છે. એથી યંત્ર એ જ મંત્ર છે.

"આજે કમ્પ્યૂટર, ટેલિવિઝન આદિ સંદેશાવ્યવહારનાં અને જેટ, રૉકેટ આદિ વાહનવ્યવહારનાં યંત્રો દ્વારા, સાધનો દ્વારા આ પૃથ્વી પર એક યંત્રવૈજ્ઞાનિક નગર, એક વૈશ્વિક નગર અસ્તિત્વમાં આવી રહ્યું છે.

"વળી મનુષ્યસર્જિત કૃત્રિમ ઉપગ્રહો આ પૃથ્વીની ભ્રમણકક્ષાની પેલી પાર અવકાશમાં ઘૂમી રહ્યા છે અને આપણી આ ચિરપરિચિત પૃથ્વીને અગમ્ય એવા અવકાશ સાથે સાંધી-બાંધી રહ્યા છે.

"એથી દૂર-અદૂરના ભવિષ્યમાં યંત્રવૈજ્ઞાનિક સમાજ અને સંસ્કૃતિ એટલે કે વૈશ્વિકસમાજ અને સંસ્કૃતિનું અનિવાર્યપણે નિર્માણ થશે.

"હવે પછી રવીન્દ્રનાથનું વૈશ્વિક માનવતાવાદનું સ્વપ્ન અને ગાંધીજીનું વિશ્વબંધુત્વનું સ્વપ્ન યંત્રવિજ્ઞાન દ્વારા સાકાર થશે.

"હવે પછી એક જગત, એક-કુટુંબ-ભાવના, વસુધૈવકુટુંબકમ, એકનીડમ એ સ્વપ્ન નહિ હોય, એ વાસ્તવ હશે."

"મનુષ્યનાં ભાવિમાં શ્રદ્ધા ધરાવતા કવિએ ગયા વર્ષે મૃત્યુ સંદર્ભે આગવું દર્શન વ્યક્ત કરતા એક કાવ્યમાં કહ્યું:

"હે મૃત્યુ, મારી પ્રેયસીના વેષમાં

તું આવ, તો ધારું તનેયે એ જ આ આશ્લેષમાં!"

18 મે, 1926માં જન્મેલા આ કવિ-મનિષીનું નિધન બ્રેઇન હેમરેજથી પહેલી ફેબ્રુઆરી 2018ના રોજ થયું હતું.

એકાણું વર્ષની આ સુદીર્ઘ યાત્રામાં અપરિણીત રહેલા પણ અગણિત કવિ-લેખકો, વેપારીઓ અને જનસામાન્ય તેમને પિતાતૂલ્ય ગણતા. તેમના એક કાવ્યની પંક્તિ ટાંકતાં કહેવાનું મન થાય છે:

"ક્ષણે ક્ષણે પથ પર કોનો તે આ પદધ્વનિ ઊઠે?

કોણ રે આ આવી રહ્યું પૂંઠે પૂંઠે? "

આપણી સમક્ષ ચિરંજીવ વારસો રચીને આ કવિ તો આ ચાલ્યા પણ તેમના જીવનની અગણિત સ્મૃતિઓ, તેમના સર્જનના પ્રત્યેક શબ્દ અને અપરંપાર પ્રેમ અને તેમની મનુષ્યમાત્રમાં શ્રદ્ધા, ક્યારેય આપણને છોડશે નહિ.

એમનું સર્જન અને એમનું જીવન, તો પડછાયાની જેમ જ રહેશે આપણી પૂંઠે પૂંઠે ને!

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો