જ્યારે ગિરિજાદેવીની ફોટોગ્રાફી કરવા એક ગુજરાતી બનારસ પહોંચ્યો

    • લેેખક, વિવેક દેસાઈ
    • પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી માટે

મેં ગિરિજાદેવીની ફોટોગ્રાફી વખતે મને થયેલાં અનુભવોની આ પોસ્ટ ઘણા સમય પહેલાં ફેસબુક પર લખી હતી.

આજે જ્યારે બનારસ ઘરાનાનાં સંગીતની એ જ્યોત પરમતેજમાં વિલીન થઈ ગઈ છે, ત્યારે બીબીસી સાથે હું એ સંસ્મરણો વહેંચી રહ્યો છું.

એક મિત્રે સવારે જાણ કરી કે ગિરિજાદેવી બનારસમાં છે ને હજુ ચાર દિવસ રોકાવાના છે. એમણે ફોન નંબર આપ્યો. મેં 10 વાગ્યે તેમને ફોન લગાડ્યો ત્યારે દીકરી સુધા દત્તાએ ફોન ઉપાડ્યો.

મેં કહ્યું "મૈં ગુજરાત સે આયા હું ઔર બનારસ કે ઉપર દસ સાલ સે ફોટોગ્રાફી કર રહા હું. મુઝે ગિરિજાદેવીજી કે કુછ ફોટોગ્રાફ કરને હૈં," એમને મેં મારી વાત સમજાવી.

એમણે હોલ્ડ કરવાનું કહ્યું ને બે મિનિટ પછી બોલ્યાં 'બારહ બજે આ જાઓ!' ક્યારેક આવી હોલ્ડની બે મિનિટ બાર કલાક જેટલી લાંબી લાગતી હોય છે.

લગભગ સવા દસ થયા હશે. ઘાટ પર મિત્ર સાહિબની ચાની દુકાન પર ચાનો ઑર્ડર આપ્યો ને ગંગાજી તરફ જોઈ રહ્યો.

તમને આ વાંચવું ગમશે :

કોઈ પ્રસિદ્ધ વ્યક્તિની ફોટોગ્રાફી કરવા જવાનું હોય ત્યારે અનેક વિચારો તમને અટવાયેલા રાખે છે.

મારા કરતાં વધારે જ્ઞાન સાહિબને હતું

શરીર ઠંડું ને વાણીનું સ્ટેટ્સ 'મૌન' થઈ જાય છે. ગંગામાં ચાલતી બોટ જાણે સ્થિર થઈ ગયેલી લાગી. 'વિવેકભૈયા ચાય...! સાહિબે ચાનો કપ આપ્યો ને હસીને ચાલ્યો ગયો.

ચા પી ને મેં સાહિબને ગિરિજાદેવીનું સરનામું પૂછ્યું. એણે કહ્યું, "વિવેકભાઈ, બનારસ ઘરાના કી યે રાની હૈ... બનારસ, લખનૌ ઔર પંજાબ યે તીન ઘરાને મેં બનારસ કે ઘરાને કી કુછ ખાસ વિશેષતાયેં હૈં.

ભજન, ગાયન મેં ગિરિજાદેવી કી અપની વિશેષતા હૈ. આપ વો ગવાના ઉનસે." મારા કરતાં વધારે જ્ઞાન 'સાહિબ'નું હતું. હું સાંભળી રહેલો.

મારા ચહેરા પર સ્મિત જોઈને એણે કહ્યું, "વિવેકભૈયા, સંગીત કી જાનકારી તો બનારસ કે લોગોં કે નસો મેં બહતી હૈ..." ક્યારેક આવા સમયે 'સાહિબ' જેવા ચાવાળા મિત્રો તમને એ વ્યક્તિ જોડે જોડી આપે છે.

હું રિક્ષા લઈને પોણા બારે એમના બંગલે પહોંચ્યો. પુત્રી સુધા દત્તાએ દરવાજો ખોલ્યો ને આવકાર આપ્યો. ડ્રૉઇંગ રૂમમાં પ્રવેશતાં જ એમનું એક ઑઇલ પેઇન્ટિંગ ટિંગાળેલું હતું.

‘મૈં ઐસે નહીં ગાતી’

હું સોફામાં ગોઠવાયો અને એટલામાં ગિરિજાદેવીએ રસોડામાંથી એન્ટ્રી કરી "આ જાઓ બેટા, અંદર આ જાઓ. પહેલે નાસ્તા કર લો..."હું જરાક ખચકાયો ને મેં કહ્યું, "નહીં."

એ થોડા નજીક આવ્યાં એટલે મેં તરત ઊભા થઈને ચરણસ્પર્શ કર્યા એટલે એમણે મારો હાથ પકડીને કહ્યું, "લો પહેલે કટલેસ ખા લો... ચાય પી લો. કટલેસ મૈંને અપને હાથોં સે બનાયા હૈ"

રસોડાના ડાઇનિંગ ટેબલમાં સામસામે અમે ગોઠવાયાં. મારાથી રહેવાયું નહીં એટલે હું એમની આજ્ઞા લઈને કૅમેરો લઈ આવ્યો ને એમનાં ફોટા 'ક્લિક' કરવાનું શરૂ કર્યું.

84 વર્ષની ઉંમરે બ્રાઉન સાડીમાં સજ્જ એમની માંજરી આંખો ને સરળ સ્મિતથી એમણે આંજી દીધેલો. પંદર મિનિટ પછી અમે એમનાં ડ્રૉઇંગરૂમમાં આવ્યા.

એ સોફા પર ગોઠવાયાં ને કહ્યું, "ખીંચ લો તસવીર..." મેં કહ્યું, "નહીં, મૈં ઐસી તસવીરે નહીં ખીંચતા મુઝે કુછ ગાકે તુ સુનાઇયે, બસ દો મિનિટ... મૈં અપના કામ કર લૂંગા..." એમણે કહ્યું, "મૈં ઐસે નહીં ગાતી."

"या कुन्देन्दुतुषारहारधवला"

મેં કહ્યું, "દેખો, આપ ભી કલાકાર હૈં, જો આપ ચાહતી હૈં વો તો ગાતી હૈં પર બાદ મેં ફરમાઇશ કો ભી કભી પૂરા તો કરતી હી હોંગી ન આપ!" ને મને દસેક સેંકડ તાકી રહ્યાં. તરત જ એ કશું બોલ્યા વગર નીચે ગોઠવાયાં.

હારમોનિયમના ધમણ સાથે મારા ઊંડા શ્વાસ જાણે તાલ મિલાવી રહ્યા હતા. એમણે શરૂ કર્યું ... "या कुन्देन्दुतुषारहारधवला" મારી પહેલી ક્લિક થઈ, એ અટક્યાં. તેમણે પહેરેલાં સોનાના જાડા કડા પર ફોકસ કરીને પહેલી ક્લિક કરેલી.

એમણે કહ્યું "બડે મંજે હુએ કલાકાર લગતે હો..." હું કશું બોલું એ પહેલાં એમણે ફરીથી શરૂ કર્યું... એમની દીકરીએ આવીને કહ્યું, "મૈં બહાર જા રહી હું, ને મૈં નમસ્તે કહ્યું..."

હું એમની સામે પલાંઠી મારીને બેસી ગયો એ પછી તેમણે રાગ ભૈરવીમાં ઠુમરી શરૂ કરી... "રસ કે ભરે દો નૈન.." ને પછી તરત જ રાગ દેસમાં "પિયા નહીં આયે, કાલી બદરિયાં બરસે" ને બીજી ઘણી બંદીશો ગાઈ.

એકાદ કલાક હારમોનિયમ પછી એમણે તાનપુરો હાથમાં લીધો. એમની અવસ્થા સંપૂર્ણ સમાધિ અવસ્થા હતી ને મારી સંપૂર્ણ સભાન અવસ્થા.

"અચ્છા લગા બેટા?"

એકાદ કલાક બાદ મેં ક્લિક કરવાનું બંધ કરીને, આંખો બંધ કરીને સાંભળવાનું શરૂ કર્યું... સાડા બાર વાગ્યાની આસપાસ શરૂ કરેલું... એ અટક્યાં... ઘડિયાળમાં અઢી વાગ્યા હતા.

લગભગ સવા બે કલાક ! ને મેં સાષ્ટાંગ દંડવત્ કર્યા ને એમણે મારા માથે હાથ ફેરવ્યો, ને પૂછ્યું "અચ્છા લગા બેટા?" મારી પાસે કોઈ જવાબ નહોતો. મેં સ્માઇલ આપ્યું.

મારી આંખો ભરાયેલી હતી. એમણે સાડીના ગ્રીન પાલવથી મારી આંખ લૂછીને કહ્યું, "દેખો બેટા, આજ મૈં તુમ્હારે લિયે જિતની મહાન હું ન ઇતના હી તુમ મેરે લિયે." ને બસ, ડૂમો હિબકું ભરીને બહાર આવ્યો.

એમણે ફરીથી બરડે હાથ ફેરવ્યો ને કહ્યું, "ખૂબ તરક્કી કરો-ખૂબ તસવીરે ખીંચો, ઈશ્વર મેં શ્રદ્ધા રખો!" મેં હાથ જોડ્યા ને રજા માંગી. જતાં જતાં એમણે એમની યાદમાં પ્રસિદ્ધ થયેલો અભિનંદન ગ્રંથ મને આપ્યો.

એટલું જ નહીં એમાં મારું નામ લખીને સહી કરી. મેં ફરીથી વંદન કરીને એ સ્વીકારી લીધો. છેક દરવાજા સુધી મને મૂકવા આવ્યાં. હસીને આવજો કહ્યું ને હું ચાલી નીકળ્યો. બે કિમી. જેટલો રસ્તો મેં ચાલતાં જ કાપી નાંખેલો.

મા પછી પહેલીવાર આટલો પ્રેમ મળ્યો

હું સડસડાટ ઘાટનાં પગથિયાં ઊતરીને સાહિબ પાસે પહોંચ્યો. મેં એના ખભે માથું મૂક્યું ને ધ્રુસકે ધ્રુસકે રડ્યો. દસ મિનિટ પછી હું સ્વસ્થ થઈને બોલ્યો "આજ મુઝે મેરી મા યાદ આ ગઈ."

2005માં મારી માતાના મૃત્યુ પછી મને આટલા પ્રેમથી બોલાવનાર 'ગિરિજાદેવી' પ્રથમ હતાં.

સાહિબે પાણીની બૉટલ આપી ને પૂછ્યું "વિવેકભૈયા, આપકે જૂતે કહાં હૈ?" મારા જૂતા એમને ત્યાં જ મૂકી આવેલો.

માના ઘેર બૂટ રહી જાય એનો અફસોસ થોડો કરવાનો હોય? એમના અભિનંદન ગ્રંથની અંદર લખેલું છે કિંમત રૂ. 500/- જે મેં ચેકી નાખ્યું છે."

આ ગ્રંથ હું વારંવાર ખોલીને એમના હસ્તાક્ષર પર મારી આંગળીઓ ફેરવી લઉં છું ને મને માને સ્પર્શ કર્યાની અનુભૂતિ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો