BBC Top News: હાર્દિકનો આરોપ : 'આંદોલન તોડવા ભાજપે લાંચ આપી’

'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ અનુસાર પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે કે તેમને બદનામ કરવા અને પાટીદાર આંદોલનને તોડવા માટે ભાજપે પાટીદાર નેતાઓને કરોડો રૂપિયાની લાંચ આપી હતી.

હાર્દિકે આપેક્ષ કર્યો છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદાર કન્વીનરો પૈસા લઈને ભાજપમાં ભળી ગયા હતા.

સોશિયલ મીડિયામાં પાસ કન્વીનરોના વહેતા થયેલા વીડિયો બાદ હાર્દિકે આરોપ લગાવ્યા છે કે દસ આંદોલનકારીઓને તેમના વિરુદ્ધ આક્ષેપ કરવા માટે રૂ. 46 કરોડની રકમ મળી હતી.

નોંધનીય છે કે હાળમાં સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો વાયરલ થયા છે, જેમા પાસના કન્વીનરો પૈસાની ઓફર થઈ હોવાની વાત કરી રહ્યા છે.

એ 14 મિનિટ જ્યારે સુષમાનું 'વિમાન ગાયબ થઈ ગયું'

ભારતનાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ બ્રિક્સ રાષ્ટ્રોના સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા છે.

જોકે, આ પહેલા મૉરેશિયસના એર ટ્રાફિક કન્ટ્રોલ(એટીસી) તરફથી જાહેર કરાયેલા ઍલર્ટને પગલે લગભગ 14 મિનિટ સુધી અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

સુષમા ભારતીય વાયુસેનાના જે વિમાનમા સવાર હતા એનો લગભગ 14 મિનિટ સુધી મૉરેશિયસના એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો. જેને પગલે આ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

ઍરપોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના જનરલ મેનેજર(કૉર્પોરેટ કમ્યુનિકેશન) જેબી સિંહે બીબીસી સંવાદદાતા નવીન નેગીને જણાવ્યું, ''મૉરેશિયસે એક તરફી ઍલર્ટ જાહેર કર્યું હતું.''

તેમણે એવું પણ જણાવ્યું કે સામાન્ય રીતે કોઈ વિમાનનો સંપર્ક અડધા કલાક સુધી સાધી ના શકાય તો જ આ પ્રકારનું ઍલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે.

ઑથોરિટીની જાણકારી અનુસાર ઍમ્બાર 135 વિમાન ઇંધણ લેવા માટે તિરુવનંતપુરમ અને મૉરેશિયસમાં રોકાવાનું હતું.

શું તમે આ વાંચ્યું?

ભારતીય હવાઈ ક્ષેત્રની સીમામાંથી બહાર નીકળ્યા બાદ સાંજે 4:44 વાગ્યે વિમાનનો સંપર્ક સાધી શકાયો હતો.

સંબંધીત માહિતી મૉરેશિયસને સોંપવામાં આવી હતી. મૉરેશિયસની ટીમે ભારતીય સમયાનુસાર 4:58 વાગ્યે વિમાન સાથેનો સંપર્ક સ્થાપિત કર્યો હતો.

જેને પગલે મૉરેશિયસથી લઈને ભારત સુધીના વિમાનન અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

જર્મન પોલીસે ચર્ચમાં ચાકુધારીને ગોળી મારી

જર્મનીની રાજધાની બર્લિનમાં રવિવાર બપોરે એક પોલીસ અધિકારીએ ચર્ચમાં ચાકુ સાથે હાજર વ્યક્તિના પગમાં ગોળી મારી દીધી.

ઘટનાસ્થળે હાજર રહેલાં લોકોના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ 'ભ્રમિત' દેખાતી હતી અને હોબાળો કરવાનો પ્રયાસ કરી રહી હતી.

જે વ્યક્તિને ગોળી મારવામાં આવી છે એની ઓળખ ઑસ્ટ્રિયન નાગરિકના રૂપમાં થઈ છે અને તેની ઉંમર 53 વર્ષ હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ ઘટનામાં એક પોલીસકર્મીને પણ ઈજા પહોંચી છે, જેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હાલમાં ઘટના પાછળ કોઈ અંતિમવાદી ગતિવિધિ હોવાનો પોલીસે ઇન્કાર કરી દીધો છે.

કૈરાનામાં મુસ્લિમ મહિલા સંસદ સભ્યનાં નામે ખોટો મેસેજ વાઇરલ

ઉત્તર પ્રદેશ પોલીસ એ ખોટા વોટ્સ એપ મેસેજની તપાસ કરી રહી છે, જેમાં કૈરાના લોકસભા બેઠક પર રાષ્ટ્રીય લોક દલનાં ઉમેદવાર બેગમ તબસ્સુમ હસનની જીતને ‘અલ્લાહની જીત અને રામની હાર’ તરીકે દર્શાવવામાં આવી છે.

ગુરુવારે 31 મેના રોજ આવેલા કૈરાના લોકસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામ બાદ આ મેસેજને બેગમ તબસ્સુમ હસનના નિવેદન તરીકે વિસ્તારમાં ફેલાવવામાં આવ્યો. આ બાબતની નવનિર્વાચિત સંસદસભ્ય તબસ્સુમ હસને શામલીના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ લેખિત ફરિયાદ કરી.

બીબીસી સાથેની વાતચીતમાં તબસ્સુમ હસને કહ્યું, “અમે ત્રણ પેઢીથી રાજકારણમાં છીએ. આવું નાદાની ભરેલું નિવેદન કેવી રીતે આપી શકીએ. કોઈ એવું નિવેદન જે અમે આપ્યું જ નથી. અમને હંમેશા હિંદુ સમાજના મત મળ્યા છે. આ વખતે પણ દલિત અને જાટ સમાજના લોકો અમારી સાથે ઊભા હતા. આ ભાઈચારાને બગાડવા માટે આવી વાતો ફેલાવવામાં આવી રહી છે”

શામલીના પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ દેવ રંજન વર્માએ બીબીસીને કહ્યું, “અમે આ મામલે એફઆઈઆર નોંધી લીધી છે. પાંચ લોકોની એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં મીડિયા સેલના પણ લોકો છે, જે ઝડપથી સર્વેલન્સ સેલ સાથે મળીને એક રિપોર્ટ સોંપશે.”

પોલીસનો દાવો છે કે એ આ પોસ્ટ કોણે નાખી હતી અને તેને કેવી રીતે વાઇરલ કરવામાં આવી તે શોધી કાઢશે.

ભારતે કર્યું અગ્નિ-5નું પરિક્ષણ, ચીન અને યુરોપ સુધી પ્રહાર ક્ષમતા

ભારતે લાંબા અંતરની પ્રહાર ક્ષમતા ધરાવતી બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળતાપૂર્વક છઠ્ઠું પરિક્ષણ કર્યું છે.

આ મિસાઇલ 5000 કિલોમીટરના અંતર સુધી પ્રહાર કરી શકે છે.

અગ્નિ-5 ભારતની સૌથી લાંબા અંતરની પ્રહારશક્તિ ધરાવતી મિસાઇલ છે.

જે પોતાના પ્રહારક્ષેત્રમાં ચીન, સમગ્ર યુરોપ અને આફ્રિકાને પણ આવરી લે છે.

અગ્નિ-5નું આ છઠ્ઠું પરિક્ષણ હતું. આ પહેલાંનાં પાંચેય પરિક્ષણ પણ સફળ રહ્યાં હતાં.

ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડૅવેલોપમેન્ટ ઑર્ગેનાઇઝેશનના ચેરમેન ડૉ. એસ. ક્રિસ્ટોફરના જણાવ્યા અનુસાર વધુ બે પરીક્ષણ બાદ મિસાઇલને સૈન્યમાં સામેલ કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો