US દ્વારા સ્ટીલ પર ઇમ્પોર્ટ ડ્યુટી, ભારત પર થશે આ અસર

યુરોપ અને ઉત્તર અમેરિકા જેવા મિત્ર રાષ્ટ્રોમાંથી આયાત થતાં સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર અમેરિકાએ આકરી જકાત લગાવી લાદી છે.

અમેરિકાએ જણાવ્યું છે કે યુરોપિયન સંઘ, મેક્સિકો અને કેનેડામાંથી આયાત થતાં સ્ટીલ પર 25% અને ઍલ્યુમિનિયમ પર 10% કર લગાવાયો છે, જેનો અમલ મધરાત્રીથી શરૂ થઈ ગયો છે.

મેક્સિકો, કેનેડા અને યુરોપિયન સંઘે અમેરિકાના આ નિર્ણયને 'શુદ્ધ અને સરળ સંરક્ષણવાદ' ગણાવ્યો છે. તો રિપબ્લિકન્સે પણ આ પગલાનો વિરોધ કર્યો છે.

અનેક રાષ્ટ્રોએ 'જેવાં સાથે તેવાં'ની કરનીતિ અપનાવવાની વાત કહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ કરને પગલે સંબંધિત રાષ્ટ્રો સાથે અમેરિકાના સંબંધોને અસર થઈ શકે છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, સ્ટીલ તથા ઍલ્યુમિનિયમ કંપનીઓને નુકસાન તો થશે, પરંતુ ચીન અને બ્રાઝિલની સરખામણીએ ઓછી અસર થશે.

કારણ કે અમેરિકાની એલ્યુમિનિયમ તથા સ્ટીલની કુલ આયાતમાં ભારતની ટકાવારી લગભગ ત્રણ ટકા જેટલી જ છે.

અમેરિકામાં ભારતની નિકાસ ઉતારચઢાવ ભરેલી રહી છે જોકે, ઍલ્યુમિનિયમ સેક્ટરને ચોક્કસપણે અસર થશે.

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ભારતની ઍલ્યુમિનિયમ નિકાસ વધી છે. 2013-14 દરમિયાન આ નિકાસ 201 મિલિયન ડોલરની હતી, જે 2014-15 દરમિયાન વધીને 306 મિલિયન ડોલર પર પહોંચી હતી.

2016-17 દરમિયાન આ નિકાસ 350 મિલિયન ડોલર પર પહોંચી હતી. ઍલ્યુમિનિયમ પર અમેરિકા દ્વારા નાખવામાં આવેલી ડ્યુટીને કારણે નિકાસને અસર પડશે.

EU દ્વારા વિરોધ

યુનાઇટેડ કિંગ્ડમે આ કરને 'અત્યંત હતાશાજનક' ગણાવ્યા છે. જ્યારે યુરોપિયન સંઘે આ મામલાને 'વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન'માં લઈ જવાની વાત કરી છે.

યુરોપિયન સંઘે અમેરિકા પર વળતા કર નાખવાની જાહેરાત પણ કરી છે. જે મુજબ સ્ટીલ, સ્લિપિંગ બેગ તથા બોલપેન સહિતની ચીજો પર કર નાખવામાં આવશે.

સામાન્ય સંજોગોમાં ટ્રમ્પ સાથે સુમેળભર્યા સંબંધ ધરાવનારા ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ફોન પર વાત કરી છે અને અમેરિકાના પગલાને ગેરકાયદેસર ગણાવ્યું છે.

કેનેડાએ પણ 1 જુલાઈથી અમેરિકન ઉત્પાદન પર આકરા કર નાખવાની વાત કરી છે. તો આ જ રીતે મેક્સિકોએ પણ અમેરીકાથી આયાત થતી વસ્તુઓ પર નવા કર નાખવાની જાહેરાત કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો