ગોલ્ડન વિઝા માટે લાઇનમાં કેમ ઊભા રહે છે ભારતીય?

    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાનું નાગરિકત્વ કે ગ્રીન કાર્ડ મેળવવું એ માત્ર ભારતીયોનું જ નહીં, દુનિયાઆખીના લોકોનું સપનું હોય છે.

દર વર્ષે હજારો-લાખોની સંખ્યામાં લોકો વિઝા માટે અરજીઓ આપતા હોય છે. જોકે, આમાંથી બહુ ઓછા એવા નસીબદાર હોય છે કે જેમને વિઝા હાંસલ થતો હોય છે.

જોકે, જેમની પાસે પૈસો હોય એમને તો અહીં પણ મુશ્કેલી નથી નડતી. છેલ્લા એક-દોઢ વર્ષમાં કેટલાય પૈસાદાર ભારતીયોએ પૈસાના જોરે અમેરિકાના ગ્રીન કાર્ડ હાંસલ કર્યા છે.

હા, આ જ સત્ય છે. પૈસા હોય તો દુનિયાના સૌથી શક્તિશાળી અને ધનવાન દેશ અમેરિકામાં પણ તમને નાગરિકત્વ મળી જાય.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતીયોની લાંબી કતાર

અમેરિકાનો આ ઈબી-5 વિઝા પોગ્રામ અત્યંત લોકપ્રિય છે. ખાસ કરીને ચીન અને ભારતમાં.

ભારતના વધુ એક પડોશી દેશ પાકિસ્તાને આ પ્રોગ્રામ થકી કેટલા ગ્રીન કાર્ડ મેળવ્યા એ અંગે પૂરતી માહિતી મળી શકતી નથી.

જોકે, અમેરિકન વિદેશ વિભાગ અનુસાર, આ પોગ્રામ અંગે ઇન્ક્વાયરી કરનારાઓમાં સૌથી વધુ પાકિસ્તાની હોય છે અને બીજા નંબરે ભારતીય.

એ બાદ સંયુક્ત આરબ અમિરાત, દક્ષિણ આફ્રિકા અને બાદમાં સાઉદી અરેબિયાના લોકોનો સમાવેશ થાય છે.

જોકે, ઈબી-5 વિઝા હાંસલ કરનારા લોકોમાં ચીન સૌથી આગળ છે. એ બાદ વિયેતનામનો નંબર આવે છે અને ત્રીજા નંબર ભારત છે.

અસંખ્ય ભારતીયોની અરજીઓ...

અમેરિકા દર વર્ષે દસ હજાર ઈબી-5 વિઝા જાહેર કરે છે. જોકે, આમાના એકએક વિઝા હાંસલ કરવા કરાતી અરજીઓની સંખ્યા હજારોમાં હોય છે.

બીબીસીના એક રિપોર્ટ અનુસાર, દરેક ઈબી-5 વિઝા માટે લગભગ 23 હજાર અરજીઓ કરવામાં આવતી હોય છે.

અમેરિકન વિદેશ વિભાગના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે 174 ભારતીયોને ઈબી-5 વિઝા અપાયા હતા. જે વર્ષ 2016 કરતાં 17 ટકા વધુ હતા.

અહીં એ વાત પણ નોંધવી જોઈએ કે એચ-1બી વિઝા નિયમોને અમેરિકાએ આકરાં કરી દીધા છે, જેને લીધી કૌશલ્ય ધરાવતા વિદેશ કર્મચારીઓને અમેરિકાના વિઝા મેળવવા અત્યંત મુશ્કેલ થઈ ગયા છે.

  • ઈબી-5 વિઝાની શરતો
  • ઓછામાં ઓછા પાંચ લાખ ડૉલર એટલે કે લગભગ 3.5 કરોડનું રોકાણ
  • રોકાણ થકી 10 અમેરિકનને નોકરી આપવી
  • રોકાણ પર રિટર્નની કોઈ ગૅરન્ટી નહીં
  • પત્ની અને 21 વર્ષથી ઓછી ઉંમરના અપરિણીત બાળકો સાથે કાયમી વસવાટ
  • અમેરિકામાં ક્યાંય પણ રહેવા અને કામ કરવાને પાત્ર
  • પાંચ વર્ષ બાદ અમેરિકન નાગરિકત્વ માટે પાત્ર
  • મુખ્ય અરજીકર્તાએ ઓછામાં ઓછા છ મહિના અમેરિકામાં રહેવું પડશે.

એચ-1બીના આકરા નિયમો

પોતાની 'અમેરિકા ફર્સ્ટ' નીતિને આગળ વધારતા ટ્રમ્પે ઇન્ફોસિસ, ટીસીએસ(ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ), વિપ્રો જેવી કંપનીઓ માટે અમેરિકામાં કામ કરવું કાઠું કરી નાખ્યું છે.

આટલું જ નહીં, ટ્રમ્પ સરકાર એચ-1બી વિઝા મેળવનારા પતિ/પત્નીને સાથે રહેવા દેવાના નિયમને પણ ખતમ કરવાના વિચારી રહી છે.

આ બધા નિયમોથી ભારતીયો સૌથી વધુ પ્રભાવિત થશે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ 70 ટકા એચ-1બી વિઝા ભારતોયને મળ્યા છે.

આ જ કારણે ઈબી-5 વિઝા ભારતીયોને આકર્ષી રહ્યા છે. અમેરિકાએ 1990માં તેને શરૂ કર્યા હતા. જોકે, એની લોકપ્રિયતા છેલ્લા કેટલાક વર્ષોથી જ વધી છે.

અમેરિકન વિદેશ વિભાગના આંકડા અનુસાર, વર્ષ 2005 સુધી માત્ર 349 ગોલ્ડન વિઝા જાહેર કરાયા હતા, 2015માં આ આંક લગભગ 9,764 પર પહોંચી ગયો હતો.

બાદમાં અરજીઓના ઢગલા થવા લાગ્યા અને આખરે અમેરિકાએ વર્ષ 2014-15માં ગોલ્ડન વિઝા વાર્ષિક ક્વોટા નક્કી કર્યો.

  • લોકપ્રિયતા કેવી?
  • અમેરિકામાં 1990માં શરૂઆત
  • 2005 સુધી માત્ર 349 ગોલ્ડન વિઝા જાહેર કરાયા.
  • 2015 સુધી વધીને 9764 પહોંચી ગયા.

આખરે જોખમ શું છે?

રોકાણકારોએ હંમેશાં જોખમી પરિસ્થિતિઓમાં જ રોકાણ કરવું પડતું હોય છે.

અહીં રિટર્નની કોઈ ગેરેન્ટી નથી અને એટલે જ જોખમ વધુ છે.

સરકાર દર વર્ષે આ નીતિની સમિક્ષા કરે છે. જેમા કોઈ પણ ફેરફાર કરાતાં ખાસ દેશના લોકોને આઘાત પણ લાગી શકે છે.

…અને તકો ક્યાં?

જોકે, એવું નથી કે પૈસાથી માત્ર અમેરિકામાં જ નાગરિકત્વ મળે છે.

આજે પણ સાઇપ્રસથી લઈને સિંગાપોર સુધી લગભગ 23 એવા દેશો છે કે જે રોકાણના બદલે નાગરિકત્વ આપે છે.

યુરોપીય સંઘના લગભગ અડધા જેટલા દેશો કોઈ ને કોઈ ખાસ કાર્યક્રમ ચલાવીને રોકાણકારોને પોતાને ત્યાં પૈસા રોકવા માટે આકર્ષે છે.

આજથી લગભગ દસ-પંદર વર્ષ પહેલા ચીનના નાગરિકો આવી રીતે નાગરિકત્વ ખરીદવામાં સૌથી આગળ આવ્યા હતા.

જોકે, એક રિપોર્ટ અનુસાર આ સેક્ટરમાં કામ કરી રહેલી યુરોપિયન કંપનીઓ જણાવે છે કે હાલના દિવસોમાં તુર્કીમાં મોટી સંખ્યામાં લોકો બીજા દેશનું નાગરિકત્વ હાંસલ કરવામાં રસ દાખવી રહ્યા છે.

તો મધ્યપૂર્વની રાજકીય ઉથલપાથલ બાદ યુરોપમાં નાગરિકત્વ મેળવવા માટેની પૂછપરછ કરનારા લોકોમાં 400 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

નાગરિકત્વની હરાજી કેટલાય દેશો માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ છે. સેન્ટ કિટ્સ ઍન્ડ નેવિસે આના થકી પોતાનું ઋણ ઉતાર્યું અને ઝડપથી વિકાસ કર્યો.

આવી જ રીતે અમેરિકાને દર વર્ષ ઈબી-5 વિઝા થકી ચાર અબજ ડૉલરનો ફાયદો થાય છે.

ગોલ્ડન વિઝા વિરોધ

જોકે, હવે અમેરિકા સહિત કેટલાય દેશોમાં લોકો નાગરિકત્વની હરાજી લગાવવાનો વિરોધ પણ કરવા લાગ્યા છે.

અમેરિકામાં ગત વર્ષે બે સેનેટર્સે ઈબી-5 વિઝા કાર્યક્રમ રદ્દ કરવા બિલ રજૂ કર્યું હતું.

તો આ યોજનાના વિરોધીઓનું એવું પણ કહેવું છે કે આના થકી માત્ર અમેરિકાને જ ફાયદો થાય છે.

આ યોજના હેઠળ કેટલાક લોકો તો મની લોન્ડ્રિંગ કે હવાલા જેવા ગુનાઓ પણ આચરે છે.

કેટલાક લોકો આવી યોજનાઓ થકી એવા દેશોમાં આશ્રય મેળવી લેતા હોય છે કે જ્યાં વસવા તેમને સામાન્ય રીતે મંજૂરી મળી શકે જ નહીં.

વર્ષ 2017માં અમેરિકન તપાસ સંસ્થા એફબીઆઈએ ઈબી-5 વિઝા કાર્યક્રમ અંતર્ગત 5 કરોડ ડૉલરના ગોટાળાનો આરોપ લગાવ્યો હતો, જેમા ચીનના રોકાણકાર સંડોવાયેલા હતા.

આવી જ રીતે વર્ષ 2017માં અમેરિકાની એક વ્યક્તિ પર ચીનના રોકાણકારના પૈસા વાપરી નાખવાનો કેસ દાખલ કરાયો હતો.

સેન્ટ કિટ્સ ઍન્ડ નેવિસ કાર્યક્રમ અંતર્ગત ઇરાની નાગરિકો હવાલા કાર્યક્રમમાં સંડોવાયા હોવાનું પણ સામે આવ્યું હતું.

વર્ષ 2017માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈના નામે ચીનના રોકાણકારને છેતરીને ફસાવવાની મામલો પણ સામે આવ્યો હતો. આ કેસ પણ ઈબી-5 સંબંધિત હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો