બૅન્કના કર્મચારીઓ કેમ FB પ્રોફાઇલ બદલી રહ્યા છે?

સરકારી બૅન્કોના કર્મચારીઓ બે દિવસ માટે હડતાળ પર ઊતર્યા છે. દાવો કરાઈ રહ્યો છે કે દેશભરના 10 લાખ બૅન્ક કર્મચારી આ હડતાળમાં જોડાયા છે. પગારમાં કરાયેલા માત્ર 2 ટકાના વધારાથી બૅન્કના કર્મચારીઓ નારાજ છે.

આ દરમિયાન વિરોધ પ્રદર્શન માટે બૅન્કર્સ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બૅન્ક કર્મચારીઓ 'આઈ એમ બૅન્કર. આઈ એમ અન્ડરપેઇડ' સાથેના લખાણ વાળો પ્રોફાઇલ ફોટોગ્રાફ અપલૉડ કરી રહ્યા છે.

આવા જ પ્રોફાઇલ ફોટોગ્રાફને અપલોડ કરનારા 'સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા'ના કર્મચારી ઉમેશકુમાર સાથે બીબીસીએ વાતચીત કરી હતી.

'અમારી વાત કેમ નથી સંભળાતી?'

ઉમેશકુમારે જણાવ્યું, ''સરકારને તમામ નાણાકીય યોજનાઓ બૅન્ક થકી પાર પાડે છે, પછી એ જનધન યોજના હોય કે અટલ પેન્શન યોજના હોય. બધી જ યોજનાને સફળ બનાવવાની કામગીરી બૅન્કના માથે હોય છે.''

''પણ આ જ બૅન્કના કર્મચારીના પગારવધારાની જ્યારે વાત આવે ત્યારે સરકાર પાછળ હટી જતી હોય છે.''

ઉમેશકુમારે એવું પણ જણાવ્યું કે ''નાણાકીય વ્યવહાર જેવું મહત્ત્વનું અને મુશ્કેલ કામ કરતાં હોવા છતાં બૅન્ક કર્મચારીઓને વળતર બહુ જ ઓછું મળે છે.''

'કાર્યના કલાકો ઘટે'

ઉમેશકુમારની માફક જ હિતેન્દ્ર પટેલે પણ પોતાની ફેસબુક પ્રોફાઇલની તસવીર બદલી નાખી છે.

બીબીસી સાથેની વાતચીતમાં હિતેન્દ્ર પટેલે જણાવ્યું, ''અમારી મુખ્ય માગ પગાર વધારાની છે. આ ઉપરાંત અમારા કાર્યના કલાકો પણ ઘટવા જોઈએ.''

''બૅન્ક જવા માટેનો અમારો સમય સાડા દસ વાગ્યો હોય છે અને અમે દસ વાગ્યે પહોંચી જઈએ છીએ. પણ, નવ વાગ્યા પહેલાં ક્યારેક ઘરે પરત નથી ફરી શકતા.''

'અમારી અવગણના કેમ?'

'સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા'માં કામ કરતાં પ્રિયંકા મકવાણાએ બીબીસીને જણાવ્યું કે, ''અમારે ક્રોસ સેલિંગનું વધારાનું કામ કરવું પડે છે. સામાન્ય રીતે બૅન્કરની જવાબદારીમાં આ કામ આવતું નથી છતાં અમારે કરવું પડતું હોય છે.''

''આ માટે અમને લક્ષ્યાંક આપવામાં આવતો હોય છે અને તેને પૂરો કરવામાં ભારે દબાણ પણ કરાતું હોય છે.''

''અમે કામના નિયત કરાયેલા કલાકો કરતાં પણ ક્યાંય વધું કામ કરીએ છીએ. છતાં જ્યારે પગારની વાત આવે ત્યારે અમારી અવગણના કરવામાં આવે છે.''

'બૅન્કિંગ સિવાયનું કામ કરવું પડે છે.'

અન્ય એક બૅન્કરે નામ ના આપવાની શરતે બીબીસીને જણાવ્યું કે સરકારી બૅન્કોમાં બૅન્કિંગનું કામ પૂરું થયા બાદ તેમને વીમા યોજના અને એવાં બધાં કામો કરાવાય છે કે જે તેમની નોકરીના કાર્યમાં સામેલ હોતા નથી.

તેમણે એવું પણ જણાવ્યું કે બૅન્કના 90 ટકા કર્મચારીઓ પ્રામાણિક છે અને નિષ્ઠાથી પોતાનું કામ કરે છે. એમ છતાં પણ જ્યારે પગારની વાત આવે ત્યારે એમને અવગણાય છે.

એટલું જ નહીં, માત્ર પાંચ દિવસની તાલીમ આપી તેમની પાસે બૅન્કિંગ સિવાયનું કેટલુંય કામ કરાવાય છે.

બૅન્કોમાં કર્મચારીઓની પણ ભારે અછત હોવાનું જણાવતા આ બૅન્કર ઉમેરે છે કે વર્ષ 2020માં બૅન્કના કેટલાય કર્મચારી નિવૃત થવાના છે. છતાં પૂરતી ભરતી નથી કરાઈ રહી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો