નામ સાથે ‘સિંહ’ લખવા બદલ હવે OBC વ્યક્તિને ધમકી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં દલિતો પર પોતાના નામ સાથે ‘સિંહ’ લખવાના મામલે, મૂછો રાખવાના મામલે હિંસા વધી રહી છે. હવે એમાં દલિતો ઉપરાંત ઓબીસી સમાજના લોકોનો પણ સમાવેશ થયો હોય તેમ લાગે છે. ‘સિંહ’

બનાસકાંઠા વિસ્તારના ડીસા પાસેના ગોળ ગામમાં દલિતના લગ્નની કંકોત્રીમાં 'સિંહ' લખાવવાનો મામલો હજુ શમ્યો નથી ત્યાં બનાસકાંઠાના માણકા ગામમાં બાબરી ઊતરાવવા માટેની કંકોત્રીમાં 'સિંહ' લખાવનાર ઓબીસી યુવકની મૂછો કપાવતો વીડિયો વહેતો કરી ધાક બેસાડવાનો ફરીથી પ્રયાસ શરૂ થયો છે.

વીડિયોની નોંધ લઈ પોલીસે ધમકી આપનાર ત્રણ કથિત આરોપીઓની ધરપકડ કરી હતી તેમજ આ પરિવારને રક્ષણ આપવાની ખાતરી આપી છે.

આ રીતે હવે બનાસકાંઠામાં દલિત અન દરબાર પછી ઓ.બી.સી અને દરબાર વચ્ચે નવી લડાઈ શરૂ થઈ ગઈ છે.

બનાસકાંઠાના પાલનપુરના મણકા ગામમાં રહેતા ભીખાભાઈ ઠાકોરના દીકરા રણજીતની પૈસાના અભાવે નાનપણમાં બાબરી ઊતરાવી ન હતી. પરંતુ હવે ભીખાભાઈની આર્થિક સ્થિતિ સુધરતા તેમણે ૩ જૂને પોતાના દીકરાની બાબરી ધામધૂમથી ઊજવવાનુ નક્કી કર્યુ.

તેમણે રણજીતની બાબરી ઊતરાવવાના પ્રસંગની કંકોત્રી છપાવી હતી અને તેમાં દીકરાનું નામ રણજીતસિંહ લખ્યું હતું.

પરિવારમાં આમંત્રણ આપવા કંકોત્રી વહેંચવાનું શરૂ કર્યું. પરંતુ તેમણે ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ કંકોત્રી દ્વારા તેઓ વિવિધ મુશ્કેલીઓને આમંત્રણ આપી રહ્યા છે.

આમંત્રણ પત્રિકા પર છપાયેલા નંબર પર ધમકીના ફોન આવવા લાગ્યા, જેથી તેઓ પોતાના દીકરાને ઘરની બહાર જવા દેતા નહોતા.

પરંતુ બે દીવસ પહેલાં તેમનો દિકરો કોઈ કામ માટે બહાર ગયો ત્યારે માણકા ગામની સીમમાં કેટલાક દરબારોએ તેને ઘેરી લીધો અને મોટરસાઇકલ પર બેસાડી જંગલમાં લઈ ગયા.

પછી ત્યાં તેમને ધમકી આપવામાં આવી કે કંકોત્રીમાંથી સિંહ શબ્દ હટાવી લે નહી તો તેના પરિવારને મારી નાખવામાં આવશે.

તે સિવાય એવી પણ ધમકી આપવામાં આવી કે મૂછો રાખવાનો અધિકાર દરબારોનો જ છે ઠાકોરોનો નહીં.

જેથી અંતે એની મૂછો એના હાથે જ અસ્ત્રાથી મૂંડાવી અને તેનો વીડિયો બનાવી વહેતો કર્યો.

આ વીડિયોમાં અભદ્ર ભાષાનો ઉપયોગ હોવાથી બીબીસી ગુજરાતી સર્વિસ આ વીડિયોને અહીં રજૂ નથી કરી રહી.

આ વીડિયોને કારણે પાલનપુરમાં દલિત અને ઓબીસી જાતિમાં ભયનું વાતાવરણ ફેલાયુ અને ભીખાભાઈ પર ધમકીના ફોનની સાથે સાથે એવા પણ ફોન આવવા લાગ્યા કે એમના ઘરે પ્રસંગમાં કોઈ નહીં આવે.

થોડા સમયમાં તો વાયુવેગે વીડિયો વહેતો થઈ ગયો અને દલિત પરિવારના લગ્ન પ્રસંગમાં કંકોત્રીમાં 'સિંહ' લખાવવાના મામલે જે તણાવ ઊભો થયો હતો તેવો જ તણાવ ઊભો થઈ ગયો.

આ રીતે સંપૂર્ણ મામલો પોલીસ માટે ચિંતાનો વિષય બની ગયો હતો. 12 મેનાં દિવસે દલિત પરિવાર સામે ધમકીનો મામલો સામે આવ્યો હતો તો 13 મેનાં દિવસે ધોળકામાં દલિતે સિંહ લખાવતા હિંસા થઈ હતી.

ત્યારબાદ 28 મેના દિવસે પાલનપુરની નાની ખાખર ગામમાં ફેસબુક પર 'સિંહ' લખનાર ઠાકોર યુવકની માફી માંગતો વીડિયો વહેતો થયો હતો.

તેમજ હવે આ યુવાનનો જાતે મૂંછ મૂંડાવતો વીડિયો વહેતો થતા પાલનપુરમાં તણાવ વધી જતા પોલીસે જાતે તપાસ હાથ ધરી ત્રણ યુવકોની ધરપકડ કરી છે.

પાલનપુર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેએસ સિંઘવે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે પાલનપુર કે તેની આસપાસના વિસ્તારમાં બે જાતિ વચ્ચે કોઈ તણાવ ના સર્જાય એ માટે અમે વીડિયોના નંબર પરથી ચેકિંગ શરૂ કર્યુ હતું.

અલગ અલગ ટીમ બનાવી બળજબરીથી મૂંછ મૂંડાવી ધમકી આપનાર ત્રણ યુવકોની ધરપકડ કરી છે.

ભરતજી ઠાકોર, રાહુલજી ઠાકોર અને માથુરજી ઠાકોરની ધરપકડ કરી તેમના પર ધમકી આપવાનો, બળજબરી કરવાનો કે મારવાનો તેમજ અપહરણ કરવાનો તેમજ હત્યા કરવાની ઘમકીનો ગુનો દાખલ કર્યો છે.

એટલું જ નહી આ પીડિત પરિવારની સુરક્ષા માટે બાબરી પ્રસંગે પોલીસ રક્ષણ પણ અપાશે.

રણજીતસિંહના પિતા ભીખાજીએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહ્યુ કે ''મારા દીકરાનુ નામ પહેલેથી જ રણજીતસિંહ હતુ અન સ્કૂલમાં પણ રણજીતસિંહ નામનો જ ઉપયોગ થતો હતો.''

તેમણે વધુમાં જણાવ્યું, ''અમે ગરીબ છીએ. માંડ માંડ પૈસા ભેગા કરી બાબરીના પ્રસંગનુ આયોજન કર્યું છે, ત્યારે આવા વિઘ્નથી અમે ડરેલા છીએ. પોલીસે રક્ષણ આપવાનું કહ્યું છે પણ પ્રસંગમાં ભય લાગવાથી કેટલા લોકો આવે એ સવાલ મોટો છે.''

અગાઉ 11 મેનાં રોજ દલિતના ઘરે પોલીસ રક્ષણમા થયેલા લગ્ન બાદ હવે ૩ જૂને ઓબીસીના ઘરે પણ પ્રસંગ પોલીસ રક્ષણ અંતર્ગત જ ઊજવાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો