70 દિવસમાં ખાલી થઈ જશે પાકિસ્તાનની સરકારી તિજોરી

છેલ્લાં થોડાંક મહિનાઓથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કપરા સમયમાંથી પસાર થઈ રહી છે, પણ ત્યાંની રાજનીતિમાં સેના અને સરકાર વચ્ચેની ટક્કર અટકી નથી.

પાકિસ્તાની ચલણી નાણાંનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ઘટી રહ્યું છે.

એક અમેરિકન ડૉલરની તુલનામાં પાકિસ્તાની રૂપિયાની કિંમત 120 રૂપિયા જેટલી છે. સાથે-સાથે ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સની અછતની સમસ્યા સામે પણ પાકિસ્તાની અર્થવ્યવસ્થા ઝઝુમી રહી છે.

પાકિસ્તાન પાસે હવે 10.3 અબજ ડૉલર જેટલું જ ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ છે, જે ગયા વર્ષે મે મહિનામાં 16.4 અબજ ડૉલર હતું.

પાકિસ્તાનના સમાચારપત્ર 'ડૉન'નું કહેવું છે કે પાકિસ્તાન આ સંકટમાંથી બહાર આવવા માટે ફરી એક વખત ચીનના શરણે જઈ રહ્યું છે અને મહત્તમ બે અબજ ડૉલરનું ધિરાણ મેળવી શકે છે.

જુલાઈમાં પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી યોજાવવાની છે અને ચૂંટણી બાદ પાકિસ્તાન આઈ.એમ.એફ.ના શરણે પણ જઈ શકે છે. આ અગાઉ 2013માં પણ પાકિસ્તાને આઈ.એમ.એફ.ની મદદ માગી હતી.

10 અઠવાડિયા સુધી આયાત કરી શકાય એટલી જ ફૉરેન કરન્સી

ફાઇનાન્સિયલ ટાઇમ્સનું કહેવું છે કે પાકિસ્તાન પાસે હાલમાં જેટલી ફોરેન કરન્સી છે તેનાથી 10 અઠવાડિયા સુધી જ આયાત કરી શકાય તેમ છે.

અખબારના રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે આ રિપોર્ટ પ્રમાણે વિદેશમાં નોકરી કરી રહેલાં પાકિસ્તાનના લોકો, પોતાના દેશમાં જે પૈસા મોકલતા હતાં તેનું પ્રમાણ ઘટ્યું છે.

આ સાથે પાકિસ્તાનની આયાત વધી છે અને ચાઇના-પાકિસ્તાન ઇકનૉમિક કૉરિડોરમાં આવતી કંપનીઓ દ્વારા ઇન્વેસ્ટમેન્ટના કારણે વિદેશી હુંડિયામણ વપરાય રહ્યું છે. ચાઇના-પાકિસ્તાન કૉરિડોર 60 અબજ ડૉલરનો પ્રોજેક્ટ છે.

વિશ્વ બૅંકે ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, લૉન ભરવા અને કરન્ટ અકાઉન્ટ ડેફિસિટને પહોંચી વળવા માટે પાકિસ્તાનને 17 અબજ ડૉલરની જરૂર પડશે.

પાકિસ્તાનનો તર્ક એવો હતો કે વિદેશોમાં વસતાં અમીર પાકિસ્તાનીઓને જો સારા નફાની લાલચ આપી શકીએ તો તેઓ પોતાના દેશને મદદ કરશે.

પાકિસ્તાનની કેન્દ્રીય બૅંકના એક અધિકારીએ ફાઇનાન્સિયલ ટાઇમ્સને કહ્યું હતું કે જો પ્રવાસી પાકિસ્તાનીઓને સારા નફાની ઑફર આપવામાં આવે તો દેશમાં પૈસા મોકલશે.

પાકિસ્તાન સંકટમાં

અધિકારીએ કહ્યું હતું કે પ્રવાસીઓ પાસે પાકિસ્તાનને એક અબજ ડૉલરની જરૂર છે. પાકિસ્તાનનું દેવું ચીન પાસે વધી રહ્યું છે.

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે જૂનમાં પૂર્ણ થતાં આ નાણાંકીય વર્ષ સુધીમાં ચીન પાસે પાકિસ્તાને લીધેલી લૉનની રકમ પાંચ અબજ થઈ જશે.

અમેરિકાનો કમાન્ડ ડોનલ્ડ ટ્રમ્પના હાથમાં આવી ગયા બાદ પાકિસ્તાનને મળતી આર્થિક મદદમાં અમેરિકાએ કાપ મૂક્યો છે.

હાલમાં અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોએ કહ્યું છે કે પાકિસ્તાન અને અમેરિકાના સંબંધ સંપૂર્ણ રીતે વણસી ગયા છે.

તેમનું કહેવું છે કે આવતાં વર્ષ સુધીમાં પાકિસ્તાનને કરાઈ રહેલી મદદમાં વધારે કાપ મૂકાશે.

પાકિસ્તાન અને અમેરિકાના બગડેલાં સંબંધોના કારણે ચીનનું મહત્ત્વ વધી ગયું છે, એટલે કે પાકિસ્તાનની ચીન પરની નિર્ભરતા વધી રહી છે.

આઈ.એમ.એફ.ના તારણ પ્રમાણે, પાકિસ્તાન પર લૉનનું ભારણ સતત વધી રહ્યું છે. 2009 થી 2018 દરમિયાન પાકિસ્તાન પર વિદેશ લૉનનું ભારણ 50 ટકા જેટલું વધ્યું છે.

2013માં પાકિસ્તાનને આઈ.એમ.એફે. 6.7 અબજ ડૉલરનું પેકેજ આપ્યું હતું.

ચીન પાસે લૉન લઈને ચીન પાસે જ સામાનની ખરીદી

ચીન માટે પાકિસ્તાનમાં તેમનો સીપીઇસી પ્રોજેક્ટ મહત્ત્વનો છે. ચીન નથી ઇચ્છતું કે પાકિસ્તાન એવા કોઈ આર્થિક દુષ્ચક્રમાં ફસાઈ જાય કે જેનાથી ચીનના આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટને હાનિ થાય.

આ મહિનાની શરૂઆતમાં જ પાકિસ્તાનના આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડી દેવાયું હતું.

આઈ.એમ.એફ.એ કહ્યું છે કે આવતાં નાણાંકીય વર્ષમાં પાકિસ્તાનનો વૃદ્ધિદર 4.7 ટકા રહેશે, જ્યારે પાકિસ્તાન છ ટકા જેટલો માનીને ચાલે છે.

પાકિસ્તાનના આર્થિકો વિશ્લેષકોનું માનવું છે કે માત્ર ચીનની મદદથી આર્થિક સંકટમાંથી બહાર આવવું શક્ય નથી. આ સંકટમાંથી બહાર આવવા માટે પાકિસ્તાન સાઉદી અરબની મદદ પણ માંગી શકે છે.

ડૉન સમાચારપત્રના રિપોર્ટમાં લખ્યું છે કે સીપીઇસી પ્રોજેક્ટના કારણે પાકિસ્તાનને ચીની મશીનની આયાત કરવી પડે છે અને તેમાં મોટો ખર્ચ થઈ રહ્યો છે, જેના કારણે ચાલુ નાણા ખાધ (કરન્ટ એકાઉન્ટ ડેફિસીટ) વધી રહી છે.

બીજી તરફ ક્રૂડ ઓઇલની વધી રહેલી કિંમતો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે જોખમી છે.

અનપેક્ષિત વેપાર ખાધ

પાકિસ્તાનની વેપાર ખાધ પણ સતત વધી રહી છે. આયાત વધી રહી છે અને નિકાસ સતત ઓછી થઈ રહી છે. ગયાં વર્ષે પાકિસ્તાનની વેપાર ખાધ 33 અબજ ડૉલર હતી. આ ખાધ પાકિસ્તાન માટે અનપેક્ષિત હતી.

વેપાર ખાધ વધવાનો અર્થ એવો થાય છે કે દુનિયામાં પાકિસ્તાની ઉત્પાદકોની માગ સતત ઘટી રહી છે અથવા અન્ય વિદેશી ઉત્પાદકો સામે ટકી શકવા સક્ષમ નથી.

પાકિસ્તાનમાં આયાત કર ચૂકવનારની સંખ્યા પણ સીમિત છે.

ધી એક્સપ્રેસ ટ્રિબ્યુનના એક અહેવાલ પ્રમાણે, 2007માં પાકિસ્તાનમાં આયાત કર ભરનારની સંખ્યા 21 લાખની હતી, જે 2017માં ઘટીને 12 લાખ 60 હજાર થઈ ગઈ છે.

કહેવાય છે કે આ વર્ષે આ સંખ્યામાં હજુ ઘટાડો નોંધાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો