ભૂજની અદાણી હોસ્પિટલમાં બાળકોનાં મૃત્યુનું સત્ય શું?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

21મી મેના દિવસે કચ્છના 'ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ'માં ચાર નવજાત બાળકોનાં મૃત્યુ થયાં હતાં, જેનાં કારણે કચ્છની જાહેર આરોગ્ય વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા ઊભી થઈ હતી.

ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ સ્વીકાર્યું છે કે GAIMSમાં સાધનો તો પૂરતા છે, પરંતુ સ્ટાફનો અભાવ છે.

જ્યારે હોસ્પિટલનું કહેવું છે કે ત્રણ તબીબોની સરકારી કમિટીએ તેમને 'ક્લિન ચિટ આપી છે.'

સાત મહિનામાં 111 બાળકોનાં મૃત્યુ

તા. 21મી મેના દિવસે અહીંની હોસ્પિટલમાં ચાર બાળકોનાં મૃત્યુ થતાં હોબાળો થયો હતો.

ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાનું કહેવું છે, "ગરીબ દર્દીઓને સારવાર મળતી નથી અને સરકાર જવાબદારી લેતી નથી એટલે બાળકોનાં મૃત્યુ થાય છે."

ભારે લોકવિરોધને પગલે રાજ્ય સરકાર દ્વારા બાળરોગ નિષ્ણાત ડૉ. ભાગ્યેશ વ્યાસ (જામનગર), ડૉ. હિમાંશુ જોશી (ગાંધીનગર) તેમજ સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. કમલ ગોસ્વામી (રાજકોટ)ની ત્રણ સભ્યોની સમિતિ નીમી હતી.

આ કમિટીએ હોસ્પિટલની મુલાકાત લઈને મે મહિના દરમિયાન મૃત્યુ પામેલાં બાળકોનાં કેસ પેપર્સ ચકાસ્યા હતા.

તબીબોએ હોસ્પિટલમાં ઉપલબ્ધ સવલતોની સમીક્ષા કરી હતી અને તબીબી તથા નર્સિંગ સ્ટાફ સાથે વાત કરી હતી.

છેલ્લા સાત મહિના દરમિયાન ભૂજની અદાણી હોસ્પિટલમાં 111 બાળકોનાં મૃત્યુ થયાં છે.

રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વે (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે - NHFS) ના તારણો અનુસાર વર્ષ 2015-16 દરમિયાન ગુજરાતનો બાળમૃત્યુ દર પ્રતિ હજારે 34 બાળકોનો છે. આ જ સમયગાળા દરમિયાન દેશની રાષ્ટ્રીય સરેરાશ પ્રતિ હજાર 41 છે.

જયંતિ રવિનાં જણાવ્યા અનુસાર, "નર્સિંગ સ્ટાફ ઓછો છે. એમને નવજાત શિશુની સારવાર માટે ટ્રેનિંગ આપવાની જરૂર જણાય છે, જે અમે નજીકના દિવસોમાં આપીશું."

બીબીસીએ આ સંદર્ભે GAIMSના ડાયરેક્ટર ડૉ. જ્ઞાનેશ્વર રાવનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે આ મુદ્દે ટિપ્પણી માટે ઉપલબ્ધ બન્યા ન હતા.

હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદનમાં જણાવાયું છે કે મે-2018 દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ પામેલાં બાળકો 'ગંભીર સ્થિતિમાં હતા તથા અલગઅલગ કૉમ્પ્લિકેશનનો ભોગ બન્યાં હતાં.'

કચ્છનો આધાર

ગુજરાતનો લગભગ 20 ટકા ભૌગોલિક વિસ્તાર કચ્છ જિલ્લા હેઠળ આવે છે, પરંતુ જિલ્લામાં 'અદ્યતન અને મુખ્ય' ગણી શકાય તેવી એકમાત્ર જનરલ હોસ્પિટલ GAIMS છે.

આજુબાજુનાં ગામડાઓમાંથી બીમાર નવજાત શિશુઓને 'વધુ અને આધુનિક' સારવાર મળે તે માટે ભૂજની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.

જોકે, આ હોસ્પિટલ સ્ટાફની તંગી સામે ઝઝૂમી રહી છે.

GAIMSના નિવેદનમાં કહેવામાં આવ્યું છે, 'અમે સરકાર સાથે મળીને આ હોસ્પિટલમાં ક્વોલિફાઇડ સ્પેશિયલ ડૉક્ટર્સને આકર્ષવા અને જાળવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.'

ભૂકંપ બાદ 2001માં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભૂજની આ સરકારી હોસ્પિટલનાં પુનઃનિર્માણ તથા આધુનિકીકરણ માટે રૂ. 150 કરોડની રકમ ફાળવી હતી.

કોર્ટના દ્વારે વિવાદ

2009માં ગુજરાત સરકારે 'ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ' સાથે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા તત્કાલીન જી. કે. જનરલ હોસ્પિટલને વિકસાવવાના કરાર કર્યાં.

આ કરાર હેઠળ હોસ્પિટલનો વહીવટ GAIMSને સોંપવામાં આવ્યો હતો.

મોઢવાડિયા કહે છે, "હાઈ કોર્ટે કમિટી બનાવવાનો આદેશ આપ્યો છે પણ 51 સભ્યોમાંથી 40 સભ્યો એવા છે કે જે આડકતરી રીતે ભાજપ સાથે સંકળાયેલા હોય."

ભૂજની સરકારી હોસ્પિટલ અદાણીને સોંપવા સંબંધિત જાહેર હિતની અરજી ગુજરાત હાઈ કોર્ટે કાઢી નાખી હતી, સાથે જ તેનું સંચાલન કેવી રીતે થશે તે અંગે કેટલીક માર્ગદર્શિકા આપી હતી.

તા. 26 જાન્યુઆરી, 2001ના દિવસે સવારે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જે લગભગ બે મિનિટ સુધી ચાલ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જિલ્લાના ભચાઉ તાલુકાનું ચોબારી ગામ હતું.

ભૂકંપથી થયેલા નુકસાન બાદ હોસ્પિટલનું પુનઃનિર્માણ કરવાની જરૂર ઊભી થઈ હતી.

અઢી કલાકે એક બાળકનું મૃત્યુ

જયંતિ રવિનાં કહેવા પ્રમાણે, ગુજરાતમાં દર વર્ષે 12 લાખ 50 હજાર જેટલી પ્રસૂતિ થાય છે, એટલે કે ગુજરાતમાં દરરોજ સરેરાશ 3425 બાળકોનો જન્મ થાય છે.

નીતિ આયોગનાં આંકડા પ્રમાણે, ગુજરાતમાં વર્ષ 2016 દરમિયાન બાળકોનો મૃત્યુદર પ્રતિહજારે 30નો હતો, જે 2015 દરમિયાન 33નો હતો. આ દર વર્ષ 2002માં આ 60નો હતો.

જયંતિ રવિ ઉમેરે છે કે, ગુજરાતનાં અંતરિયાળ ગામમાંથી બાળકોને સરકારી હોસ્પિટલ સુધી લાવવામાં આવે ત્યારે તેમની બીમારી કે ઇન્ફેક્શન વધી જાય છે, જેથી બાળક મૃત્યુ પામે છે.

આવું ન બને તે માટે સરકાર વિશેષ યોજના પર કામ કરી રહી છે.

ગુજરાતમાં બાળમરણનો દર જોતાં દૈનિક સરેરાશ નવ બાળકો મૃત્યુને ભેટે છે. મતલબ કે દર અઢી કલાકે એક બાળકનું મૃત્યુ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો