You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિપાહ વાયરસથી મૃત્યુ પહેલાં નર્સે પતિને લખ્યો હૃદયસ્પર્શી પત્ર
જીવનના અંતિમ સમયમાં પોતાના પરિવારનો સાથ કોણ ન ઇચ્છતું હોય, પણ કેરળનાં એક નર્સના નસીબમાં એ પણ ન હતું.
નિપાહ વાયરસનો ભોગ બનેલા દર્દીઓની સારવાર કરતાં-કરતાં એ નર્સ પોતે વાયરસની ઝપેટમાં આવી ગયાં હતાં.
31 વર્ષની વયનાં લિની પુથુસેરી નામનાં એ નર્સે તેમના પતિને સંબોધીને એક લાગણીભર્યો પત્ર લખ્યો હતો અને દુનિયાને અલવિદા કરી ગયાં હતાં.
લિની પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કેરળના પ્રવાસન પ્રધાને એ પત્ર ફેસબૂક પર શેર કર્યો હતો. એ પછી પત્ર વાયરલ થયો હતો અને લોકો લિનીની સેવાભાવનાને વખાણવા લાગ્યા હતા.
પ્રેમભર્યો પત્ર
લિનીએ પત્રમાં લખ્યું હતું, "હું એકદમ મૃત્યુની ક્ષણો નજીક છું. મને નથી લાગતું કે હું તમને જોઈ શકીશ. આપણાં બાળકોની સંભાળ રાખજો. તેમને તમારે સાથે અખાતી દેશમાં લઈ જવાં જોઈએ. તેમને એકલાં ન છોડવાં જોઈએ. અત્યંત પ્રેમપૂર્વક."
નિપાહ વાયરસથી ગ્રસ્ત પહેલાં દર્દીની કોઝીકોડની પેરમબરા હોસ્પિટલમાં સારવાર કરી રહેલી ટીમમાં લિની સામેલ હતાં.
તમે આ વાંચ્યું કે નહીં?
દર્દીની સારવાર દરમ્યાન લિની પણ વાયરસની ઝપેટમાં આવી ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાનો જીવ બચશે નહીં એવી ખબર પડી ત્યારે લિનીએ એક આકરો નિર્ણય કર્યો હતો.
આકરો નિર્ણય
લિનીએ તેમના પતિ તથા બે બાળકોને ખુદથી દૂર રાખ્યાં હતાં અને તેમને છેલ્લા શ્વાસ સુધી મળ્યાં ન હતાં.
લિનીના અંતિમ સંસ્કારમાં પણ તેમનો પરિવાર સામેલ થઈ શક્યો ન હતો. લિનીના પતિ સજીશ બહેરીનમાં કામ કરે છે.
લિનીએ લખેલો પત્ર બહાર આવ્યા પછી કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને જણાવ્યું હતું કે નર્સ લિનીની નિસ્વાર્થ સેવાને હંમેશા યાદ રાખવામાં આવશે.
નિપાહ વાયરસનો ખતરો
કેરળમાં નિપાહ વાયરસનો ખતરો દરરોજ વધી રહ્યો છે. અત્યાર સુધી 12 લોકો આ વાયરસની લપેટમાં આવી ચૂક્યાં છે, જેમાંથી 10 લોકો મૃત્યુ પામ્યાં છે અને બે દર્દીની સારવાર ચાલી રહી છે.
નિપાહ વાયરસને કારણે કોઝીકોડમાં તાજેતરમાં જ એક પરિવારનાં ત્રણ સભ્યો મૃત્યુ પામ્યા હતા.
પશુઓમાંથી ફેલાયેલો આ વાયરસ એક માણસથી બીજા માણસમાં પણ ફેલાઈ શકે છે એવું જણાવવામાં આવી રહ્યું છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, નિપાહ વાયરસ ઝડપથી ફેલાઈ રહેલો વાયરસ છે. તેને કારણે પશુઓ અને માણસો ગંભીર બીમારીમાં સપડાય છે.
નિપાહ વાયરસ વિશે સૌથી પહેલાં જાણકારી 1998માં મલયેશિયાના કમ્પંગ નિપાહમાંથી મળી હતી. એ કારણે જ વાયરસને નિપાહ નામ આપવામાં આવ્યું હતું.
એ સમયે ભૂંડ નિપાહ વાયરસનાં વાહક બનતાં હતાં, પરંતુ એ પછી નિપાહના ફેલાવા વિશે જ્યાંથી માહિતી મળી હતી તેમાં વાયરસને લાવવા-લઈ જવાનું કોઈ માધ્યમ ન હતું.
2004માં બાંગ્લાદેશનાં કેટલાક લોકો નિપાહ વાયરસની ઝપેટમાં આવ્યાં હતાં.
એ લોકોએ ખજૂરના ઝાડમાંથી નીકળતું પ્રવાહી ચાખ્યું હતું અને એ પ્રવાહી સુધી નિપાહ વાયરસને ફ્રૂટ બેટ નામના ચામાચિડિયાંએ પહોંચાડ્યો હતો.
સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા મુજબ, નિપાહ વાયરસનું ઇન્ફેક્શન એન્સેફ્લાઇટિસ સાથે જોડાયેલું છે, જેનાથી દિમાગને નુકસાન થાય છે.
બીમારીનાં લક્ષણ
આ બીમારીના દર્દી માથામાં દુખાવો, ધૂંધળી દૃષ્ટિ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ કરે છે.
એ લક્ષણો દર્દીને 24થી 48 કલાકમાં કોમામાં પહોંચાડી શકે છે. ઇન્ફેક્શનની પ્રારંભિક અવસ્થામાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
1998-99માં આ વાયરસ ફેલાયો ત્યારે તેની ઝપેટમાં 265 લોકો આવી ગયા હતા.
હોસ્પિટલમાં દાખલ થયેલા એ પૈકીના લગભગ 40 ટકા દર્દીઓ એવા હતા, જેમને નર્વ્ઝ સંબંધી ગંભીર બીમારી થઈ હતી અને એ લોકો બચી શક્યા ન હતા.
સામાન્ય રીતે માણસોમાં આ વાયરસ ઈન્ફેક્શનની ઝપેટમાં આવેલાં ચામાચિડિયાં, ભૂંડ કે અન્ય લોકોથી ફેલાય છે.
મલયેશિયા અને સિંગાપુરમાં આ વાયરસ ભૂંડો મારફત ફેલાયો હોવાની માહિતી મળી હતી, જ્યારે ભારત તથા બાંગ્લાદેશમાં આ વાયરસનો ચેપ દર્દીના અન્ય લોકો સાથે સંપર્કમાં આવવાથી ફેલાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો