You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડી વિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય કેમ લીધી?
સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન અબ્રાહમ બેંજામિન ડી વિલિયર્સે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો હતો. તેમણે ટ્વીટ કરી આ જાણકારી આપી હતી.
વીડિયોમાં તેમણે ક્રિકેટ સાઉથ આફ્રિકા અને સુકાની ડુપ્લેસીનો આભાર માનતા કહ્યું કે તેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યા છે. જોકે, તેઓએ એમ પણ કહ્યું હતું કે તેઓ ઘરેલું ક્રિકેટ રમતા રહેશે.
વીડિયોમાં તેમણે કહ્યું, ''સમય આવી ગયો છે કે યુવાનોને અવસર મળે. મારી ઊર્જા પૂર્ણ થઈ ગઈ છે અને મને લાગે છે કે હવે આગળ વધવાનો સમય છે."
"ઇમાનદારીથી કહું તો હું થાકી ગયો છું. આ મુશ્કેલ નિર્ણય મેં વિચારીને લીધો છે અને હું સારા ફોર્મ દરમિયાન સંન્યાસ લેવા ઇચ્છુ છું.''
ડી વિલિયર્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે લીગમાં ભાગ લીધો હતો.
ડી વિલિયર્સનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
ડી વીલિયર્સની ગણના હાલ મહાન બેટ્સમેનોમાં થાય છે.
સાઉથ આફ્રિકાના સુકાની રહી ચૂકેલા ડી વિલિયર્સે પોતાના દેશ માટે 114 ટેસ્ટ મેચોની 91 ઇનિંગ્સમાં 50.66ની સરેરાશથી 8765 રન ફટકાર્યા છે.
જેમાં 22 સદી અને 46 ફિફ્ટીનો સમાવેશ થાય છે. ટેસ્ટમાં તેમનો હાઇસ્કોર 278 છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમજ તેમણે 228 વનડે મેચ રમી છે, જેમાં 53.50ની સરેરાશથી 9,577 રન ફટકાર્યા છે.
વનડેમાં તેમના નામે 25 સદી અને 53 ફિફ્ટી નોંધાયેલી છે. વનડેમાં તેમનો ટોપ સ્કોર 176 રનનો છે.
તે સિવાય ટી20માં પોતાના દેશ માટે ડી વિલિયર્સે 78 મેચ રમી છે અને 1672 રન ફટકાર્યા છે.
ટી20માં તેમણે 26.12ની સરેરાશથી રન ફટકાર્યા છે. રમતનાં સૌથી નાના ફોર્મેટમાં તેમના નામે 10 ફિફ્ટી છે અને અણનમ 79 ટૉપ સ્કોર છે.
રમતોના મહારાજા
છેલ્લાં 14 વર્ષથી ક્રિકેટની દુનિયામાં પોતાની પ્રતિભાના આધારે રાજ કરી રહેલા સાઉથ આફ્રિકાના ક્રિકેટર એબી ડી વિલિયર્સ ક્રિકેટ જ નહીં પરંતુ અન્ય રમતોમાં પણ પોતાની પ્રતિભા દેખાડી ચૂક્યા છે.
ડી વિલિયર્સ ગોલ્ફ, રગ્બી, બેડમિન્ટન, સ્વિમિંગ સાથે જ ટેનિસ પણ રમતા હતા.
રગ્બી તેમની શાળામાં સૌથી વધુ પ્રખ્યાત હતી, જેથી તેઓ તેની સાથે જોડાયા હતા.
તેઓ સાઉથ આફ્રિકાની રાષ્ટ્રીય જૂનિયર હોકી ટીમમાં પણ પસંદગી પામી ચૂક્યા છે. પરંતુ ત્યારબાદ માત્ર તેઓ ક્રિકેટ જ રમ્યા હતા.
આજે પણ ડી વિલિયર્સના નામે આ રેકોર્ડ્સ નોંધાયેલા છે
- ટેસ્ટ ક્રિકેટમાં એબી ડી વિલિયર્સ સાઉથ આફ્રિકાના ત્રીજા સર્વાધિક રન બનાવનાર બેટ્સમેન છે. તેમના નામે 8,765 ટેસ્ટ રન છે. તેમનાથી આગળ ગ્રીમ સ્મિથ(9,265) અને જેક કાલિસ(13,289) છે.
- 9,577 રનો સાથે ડી વિલિયર્સ બીજા સર્વાધિક વનડે રન બનાવનાર સાઉથ આફ્રિકન ખેલાડી છે. આ યાદીમાં પ્રથમ સ્થાને 11,579 રન સાથે જેક કાલિસ છે.
- ટી20માં ડી વિલિયર્સના નામે 1,672 રન છે અને અહીં પણ તેઓ સાઉથ આફ્રિકન ટીમમાં બીજા સ્થાને છે. જેપી ડ્યુમિનિ 1,822 રનો સાથે ટોચ પર છે.
- ડી વિલિયર્સ વનડે મેચોમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ક્રિકેટર છે. તેમણે 2015માં વેસ્ટ ઇન્ડિઝ સામે જ્હોનિસબર્ગ વનડેમાં માત્ર 16 બોલમાં આ કારનામો કર્યો હતો.
- આ મેચમાં તેમણે સદી ફટકારી હતી, તે પણ માત્ર 31 બોલમાં જ. આ રીતે તેઓ ઝડપી સદી ફટકારનારા ક્રિકેટર પણ બન્યા.
- આ જ મેચમાં ડી વિલિયર્સે વનડેની એક ઇનિંગ્સમાં સૌથી વધારે 16 સિક્સ ફટકારવાના રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો