You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એવા બેટ્સમેનો જેમણે છેલ્લા બોલે સિક્સ મારી હારને જીતમાં પલટી નાખી
ક્રિકેટના મેદાનમાં મેચની છેલ્લી ક્ષણોમાં હાર અને જીત વચ્ચે બે ટીમો ઝૂલતી હોય છે અને રોમાંચની સાથે તણાવ પણ ચરમસીમા પર હોય છે. ક્રીઝ પરના બેટ્સમેન પાસે તેની તમામ આવડત તથા શક્તિનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી.
બરાબર એ જ વખતે અટકળ અને અનુમાન વચ્ચે છેલ્લા બોલ પર ચમત્કારિક શોટ લગાવીને બેટ્સમેન જીત પર મહોર મારી દેતો હોય છે. ક્રિકેટમાં એવી ક્ષણો લાંબા સમય સુધી યાદ રાખવામાં આવે છે.
બીબીસી તેલુગુના સંવાદદાતા હૃદયવિહારીએ એવી ટ્વેન્ટી-20ની યાદગાર 10 મેચોની યાદી બનાવી છે.
• વર્લ્ડ ટ્વેન્ટી-20 સેમી ફાઈનલ, વર્ષઃ 2010
સ્થળઃ સેન્ટ લૂસિયા (કેરેબિયન ટાપુ દેશ), ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન
પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 186 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાની સાત વિકેટો પડી ગઈ હતી અને તેણે છેલ્લી ઓવરમાં 18 રન બનાવવાનાં હતાં.
માઈકલ હસી અને મિચેલ જોનસન ક્રીસ પર હતા. પાકિસ્તાન તરફથી છેલ્લી ઓવર કરી રહ્યા હતા સઈદ અજમલ.
પહેલો બોલ પર જોનસને એક રન લીધો હતો. માઈકલ હસી સ્ટ્રાઇક પર હતા. બાકીના પાંચ બોલમાં 17 રનની જરૂર હતી.
99.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંકવામાં આવેલા બીજા બોલ પર હસીએ છક્કો ફટકાર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી ચાર બોલમાં 11 રનની જરૂર હતી.
ત્રીજો બોલ થોડી વધારે ઝડપે ફેંકવામાં આવ્યો હતો, પણ હસીએ તેના પર વધુ એક સિક્સર ફટકારી હતી.
હવે ત્રણ બોલમાં પાંચ રન બનાવવાનાં હતાં.
ચોથો બોલ હસીના બેટ સાથે ટકરાવાની સાથે જ બાઉન્ડ્રી ભણી ચાલ્યો ગયો હતો.
હવે બે બોલમાં માત્ર એક રન બનાવવાનો હતો.
પાંચમા બોલ પર છગ્ગો ફટકારીને માઈકલ હસીએ ઓસ્ટ્રેલિયાને જીતાડી દીધું હતું.
• જાવેદ મિયાંદાદની સિક્સ
વર્ષઃ 1986, સ્થળઃ શારજાહ, ભારત વિરુદ્ધ પાકિસ્તાન
એ મુકાબલો રોમાંચક હતો.
છેલ્લી ઓવરમાં પાકિસ્તાની બેટ્સમેન જાવેદ મિયાંદાદ ક્રીઝ પર હતા. ભારતના ચેતન શર્મા બોલિંગ કરી રહ્યા હતા.
ભારતીય ટીમના પ્રશંસકોને મેચના છેલ્લા બોલ સુધી જીતની આશા હતી, પણ મિયાંદાદે છેલ્લા બોલમાં સિક્સર ફટકારીને પાકિસ્તાનને જીત અપાવી હતી.
પાકિસ્તાન માટે એ ક્યારેય ન ભૂલાય તેવી ક્ષણ હતી.
• સેલકોન મોબાઈલ કપ ફાઈનલ
વર્ષઃ 2013, સ્થળઃ ત્રિનિદાદ, ભારત વિરુદ્ધ શ્રીલંકા
ભારતને જીતવા માટે 202 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું.
છેલ્લી ઓવરમાં ભારતે 15 રન બનાવવાનાં હતાં અને 187 રનમાં તેની નવ વિકેટો પડી ચૂકી હતી.
કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ક્રીઝ પર હતા અને શ્રીલંકા તરફથી શમિંડા એરંગા બોલિંગ કરી રહ્યા હતા.
પહેલા બોલ પર ધોની કોઈ રન બનાવી ન શક્યા, પણ બીજા બોલે સિક્સર ફટકારી ત્યારે ભારતીય પ્રશંસકો ઝૂમી ઉઠ્યા હતા.
ત્રીજા બોલ પર ધોનીએ ચોક્કો ફટકાર્યો એ પછી ભારતે ત્રણ બોલમાં પાંચ રન બનાવવાનાં હતાં.
ચોથા બોલ પર ધોનીએ વધુ એક સિક્સર ફટકારી હતી અને ભારત વિજેતા બન્યું હતું.
•વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ શ્રીલંકા
વર્ષઃ 2008, સ્થળઃ ક્વીન્સ પાર્ક, ઓવલ ગ્રાઉન્ડ
વેસ્ટ ઈન્ડીઝે જીતવા માટે મેચના છેલ્લા બોલ પર છ રન બનાવવાનાં હતાં.
શિવનારાયણ ચંદ્રપોલ ક્રીઝ પર હતા અને ચામિંડા વાસ બોલિંગ કરી રહ્યા હતા.
છેલ્લા બોલ પર ચંદ્રપોલે હવાઈ શોટ લગાવ્યો. બોલ જયવર્ધનના માથા પર થઈને બાઉન્ડ્રી પાર કરી ગયો હતો.
ચંદ્રપોલે વેસ્ટ ઈન્ડીઝને જીતાડી દીધું હતું.
• શ્રીલંકા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
વર્ષઃ 2013, સ્થળઃ હમ્બનટોટા
વરસાદને કારણે મેચની ઓવર્સની સંખ્યા ઘટાડવામાં આવી હતી.
ન્યૂઝીલેન્ડે જીતવા માટે 23 ઓવર્સમાં 198 રન બનાવવાનાં હતાં.
છેલ્લી ઓવરમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેન મેક્કુલમ સ્ટ્રાઈક પર હતા.
ન્યૂઝીલેન્ડે છેલ્લા ચાર બોલમાં 17 રન કરવાનાં હતાં.
મેક્કુલમે પહેલા બોલ પર સિક્સર ફટકારી, પછી ચોગ્ગો અને ફરી સિક્સર ફટકારી હતી.
છેલ્લા બોલ પર એક રનની જરૂર હતી ત્યારે મેક્કુલમે વધુ એક સિક્સર ફટકારીને ન્યૂઝીલેન્ડને જીતાડ્યું હતું.
ટ્વેન્ટી-20 મેચમાં છેલ્લા બોલ પર સિક્સર
1. 2010માં ભારત વિરુદ્ધની મેચમાં શ્રીલંકાના ચમારા કપુદેગરાએ છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને તેમની ટીમને જીતાડી હતી.
2. 2012માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ઈયાન મોર્ગને છેલ્લા બોલમાં છગ્ગો ફટકારીને ઈંગ્લિશ ટીમને જીતાડી હતી.
3. 2010માં વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધની મેચમાં પાકિસ્તાનના ઝુલ્ફીકાર બાબરે છેલ્લા બોલ પર છગ્ગો ફટકારીને પાકિસ્તાનને જીતાડ્યું હતું.
4. 2014માં ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ્ઝ વચ્ચેની મેચમાં વી. સી. બાન્ડાએ છેલ્લા બોલે છગ્ગો ફટકારીને પોતાની ટીમને જીતાડી હતી.
5. 2018ની પાંચમી માર્ચે બાંગ્લાદેશ સામેની ફાઈનલ મેચમાં દિનેશ કાર્તિકે છેલ્લા બોલ પર છગ્ગો ફટકારીને ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો