અમદાવાદ: જ્યારે 'શહીદ' ચકલી માટે બન્યું સ્મારક...

    • લેેખક, કલ્પિત ભચેચ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. એક સમયે 'ઘર ચકલી'ના હુલામણા નામથી ઓળખાતું અને દરેક ઘર આંગણમાં દેખાતું આ પક્ષી આજે કેટલાય શહેરી વિસ્તારોમાંથી લગભગ લુપ્ત થઈ રહ્યું છે.

ભૂતકાળ બની ભુલાઈ રહેલી ચકલીનું એક સ્મારક અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં 'ઢાળની પોળ'માં આવેલું છે.

આ સ્મારકની તખ્તીમાં 1974ના નવનિર્માણ-રોટી રમખાણ આંદોલનનો ઉલ્લેખ છે.

બીજી માર્ચ, 1974ના રોજ સાંજે પાંચ વાગ્યે પોલીસ ગોળીબારમાં એક ચકલી 'શહીદ' થઈ હોવાનું તેમાં લખાયેલું છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ ચકલીને શ્રદ્ધાંજલિ અર્પતા પોળના રહીશોએ અહીં તેનું સ્મારક બનાવી દીધું હતું. લોકોએ ચકલીની સ્મશાનયાત્રા પણ યોજી હોવાનું કહેવાય છે.

આ સ્મારક અંગે સ્થાનિક રહીશ હેમેન્દ્ર ભટ્ટે બીબીસીને જણાવ્યું કે આ પોળમાં પાંચ જેટલી પરબડી અને ચબૂતરા આવેલા છે.

"જે દિવસે આ ઘટના બની એ પછી બે દિવસ સુધી ચબૂતરા પર પક્ષીઓ આવ્યા નહોતા."

તેમણે કહ્યું કે આ સ્મારક જયેન્દ્ર પંડિતે સ્થાનિકોને સાથે રાખીને બંધાવ્યું હતું.

જ્યારે તેમને આ સ્મારકની તખ્તીમાં 'ભૂખી ચકલી' કેમ લખવામાં આવ્યું એ પૂછ્યું તો ભટ્ટે કહ્યું, "એ ચકલી ત્યારે ચબૂતરા પર ચણવા આવી હતી.

"એ ચણતી હતી તે વખતે જ તેને પોલીસની ગોળી વાગી હતી."

ચકલીને લઈને થતા કાર્યક્રમો પર તેમણે કહ્યું હતું કે થોડા વર્ષોથી આ કાર્યક્રમો થતાં નથી કારણકે લોકો ધીમેધીમે પોળમાંથી બહાર રહેવા જતા રહ્યા છે.

જોકે, આજે જર્જરિત થઈ ગયેલા હેમેન્દ્ર ભટ્ટે જણાવ્યું કે એક સ્વૈચ્છિક સંસ્થાએ આ સ્મારકનું રિનોવેશન ચાલી રહ્યું છે.

સ્મારકોનું રિસ્ટોરેશન કરતા એનજીઓ મહિલા હાઉસિંગ ટ્રસ્ટના ભારતી ભોંસલેએ જણાવ્યું, "તેઓ કૉમ્યુનિટી ફંડિંગથી કામ કરે છે.

"આ જ રીતે આ ચકલીના સ્મારકનું પણ બે અઠવાડિયામાં રિસ્ટોરેશન કરવામાં આવશે.

"આ માટે અમદાવાદના સૅપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની મદદ લેવાઈ છે."

ક્યાં ગઈ ચકલીઓ?

ચકલીઓ જંગલમાં રહેવા કરતાં માનવ વસ્તીની વચ્ચે રહેવાનું પસંદ કરે છે.

જોકે, વર્લ્ડ વાઇલ્ડ ફંડના કહેવા પ્રમાણે, "શહેરી માનવ વસ્તીમાં છેલ્લા બે દાયકાથી ચકલીઓની વસ્તી ઘટી રહી છે.

"આ ગાળામાં શહેરી વિસ્તારોમાં મોટાપાયે બાંધકામની પ્રવૃત્તિઓ થઈ છે અને આધુનિક બાંધકામોમાં ચકલીઓ માટે માળો બનાવી શકે તેવી કોઈ જગ્યા રહેતી નથી.

"ઉપરાંત શહેરી વિસ્તારોમાં ચકલીઓ દાણા ચણી શકે તેવી હરિયાળી જગ્યાઓમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે.

"જંતુનાશક દવાઓ તથા શહેરી વિસ્તારોમાં નાખવામાં આવેલાં માઇક્રોવેવ ટાવર્સ પણચકલીઓની ઘટતી જતી વસ્તી માટે જવાબદાર છે.

ચકલી નર છે કે માદા?

હાઉસ સ્પેરોનું વૈજ્ઞાનિક નામ 'પેસર ડૉમેસ્ટિક્સ' છે.

તેમની વસ્તીનો પાક્કો અંદાજ મેળવવો મુશ્કેલ છે, પરંતુ શહેરી વિસ્તારોમાં તેમનો વસ્તી ઘટાડો ઉડીને આંખે વળગે છે.

સામાન્ય રીતે ચકલીની ઊંચાઈ સોળ સેન્ટિમીટર હોય છે. તે પાંખ ફેલાવે એટલે તેની પહોળાઈ 21 સેન્ટિમીટર જેટલી હોય છે.

હાઉસ સ્પેરોનું કદ એક ટેનિસ બોલ જેટલું અને વજન 25થી 40 ગ્રામ જેટલું હોય છે.

બાહ્યા દેખાવ નર અને માદા ચકલીને સરળતાથી જુદા પાડે છે. નર ચકલી (ચકો)ના ગળા પર કાળો કાંઠલો હોય છે અને તેનો દેખાવ તપખીરિયા રંગનો હોય છે.

જ્યારે માદા ચકલી આછા તપખીરિયા રંગની હોય છે.

ચકલીઓને કેવી રીતે બચાવી શકાય?

છેલ્લા કેટલાક વર્ષોથી સ્પેરો બોક્સ દ્વારા શહેરી વિસ્તારોમાં ચકલીઓની વસ્તી વધારવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

WWF તથા અન્ય સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ આ અભિયાનમાં જોડાતા હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો