શું પુરૂષો કરતાં મહિલાઓ વધુ સારી ડ્રાઇવર હોય છે?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

આ સ્ટોરીનું શિર્ષક મેં અમારા ન્યૂઝ રૂમમાં કહ્યું ત્યારે મને સંખ્યાબંધ સવાલો પૂછવામાં આવ્યા હતા.

એક સાથી પુરુષ કર્મચારીએ કહ્યું હતું, "આવું તે કંઈ હોય? યુવતીઓ તો ઇન્ડિકેટર મારફત સંકેત આપ્યા વિના ઘણીવાર ફટાક કરતાં લેન બદલી નાખતી હોય છે."

બીજા સાથી પુરુષ કર્મચારીએ એમ કહ્યું હતું, "મહિલાઓને પાર્કિંગ માટે કહેવામાં ન આવે ત્યાં સુધી જ આ વાત સાચી ગણાય."

એ બન્ને સાથે સહમત થતાં ત્રીજા સાથીએ કહ્યું, "ડ્રાઇવિંગ કરતી વખતે મારે જ્યારે અચાનક બ્રેક લગાવવી પડી છે ત્યારે 100માંથી 95 કિસ્સામાં મારી આગળ કાર ચલાવતી મહિલાની ભૂલ જવાબદાર હોય છે."

મહિલાઓના ડ્રાઇવિંગ બાબતે ચર્ચા થતી હોય ત્યારે આ પ્રકારની કમેન્ટ્સ સામાન્ય બાબત છે.

મહિલાઓ વધુ સાવધ

જોકે, દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા 2017માં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કરવામાં આવેલા દંડના આંકડા અલગ કથા કહે છે.

દિલ્હી ટ્રાફિક પોલીસના આંકડા અનુસાર પુરુષો માને છે એટલી ખરાબ રીતે મહિલાઓ કાર ચલાવતી નથી.

એ આંકડાઓ અનુસાર મહિલાઓ કાર ચલાવતી વખતે પુરુષોની સરખામણીએ ઓછી ભૂલો કરે છે.

દિલ્હી પોલીસના ટ્રાફિક વિભાગનાં જોઇન્ટ કમિશનર ગરિમા ભટનાગરના જણાવ્યા અનુસાર મહિલાઓ ડ્રાઇવિંગના નિયમોનું વધુ સારી રીતે પાલન કરતી હોય છે. વળાંક અને ક્રોસિંગ પર વધુ સાવધ રહેતી હોય છે.

શું કહે છે દિલ્હી પોલીસના આંકડા?

દિલ્હી ટ્રાફિક પોલીસના કેટલાક આંકડા પર નજર કરોઃ

• ટ્રાફિકના નિયમના ભંગ બદલ 2017માં 26 લાખ લોકોને દંડ ફટકાર્યો હતો. તેમાં માત્ર 600 મહિલાઓ હતી.

• એ 600 પૈકીની 517 મહિલાઓને ઝડપભેર કાર ચલાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

• 44 મહિલાઓને ટ્રાફિક સિગ્નલ તોડવા બદલ દંડવામાં આવી હતી.

• જોકે, નશો કરેલી હાલતમાં કાર ચલાવવા બદલ એક પણ મહિલાને દંડ કરવામાં આવ્યો નથી.

મહિલાઓ દ્વારા કાર ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવાનું, કાર ચલાવતી વખતે થયેલા અકસ્માતો અને ઓવરટેકિંગ સંબંધી કિસ્સાઓનો આ આંકડાઓમાં સમાવેશ નથી.

અલબત, ગરિમા ભટનાગરના જણાવ્યા અનુસાર, આ આંકડાઓ સાબિત કરે છે કે મહિલાઓ વધુ સાવધાનીપૂર્વક કાર ચલાવતી હોય છે.

મહિલાઓ બહેતર ડ્રાવર?

સવાલ એ છે કે પુરુષોની સરખામણીએ મહિલો બહેતર ડ્રાઇવર હોય છે?

આ સવાલના જવાબમાં ગરિમા ભટનાગર કહે છે, "આંકડાઓ પરથી એવો અર્થ કાઢી શકાય નહીં. આ આંકડાઓ દિલ્હીના એ વિસ્તારોના છે, જ્યાં ટ્રાફિક પોલીસના જવાનો ફરજરત હોય છે."

"ઘણી જગ્યાએ કાર ચલાવતી વખતે ભૂલ કરવા છતાં મહિલાઓ પકડાતી નથી. તેથી આ આંકડાઓ સંપૂર્ણ ચિત્ર રજૂ કરતા નથી."

કેટલી મહિલાઓ કાર ચલાવે છે?

મહિલાઓ કેવું ડ્રાઇવિંગ કરે છે એ જાણવા માટે રસ્તા પર કેટલી મહિલાઓ વાહન ચલાવે છે એ જાણવું જરૂરી છે.

દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગના આંકડા અનુસાર, દિલ્હીમાં દરેક 75 પુરુષ ડ્રાઇવરની સરખામણીએ એક મહિલા ડ્રાઈવર છે, જેની પાસે કાર ચલાવવાનું લાયસન્સ છે.

દિલ્હીમાં માત્ર 11 ટકા મહિલાઓના નામે કાર રજિસ્ટર્ડ છે.

આ બન્ને આંકડાઓ એ જાણવા માટે પૂરતા છે કે રસ્તા પર કાર લઈને નીકળતી મહિલાઓનું પ્રમાણ પુરુષો કરતાં ઘણું ઓછું છે.

તેથી ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ મહિલાઓને ફટકારવામાં આવતા દંડનું પ્રમાણ ઓછું છે.

ગરિમા ભટનાગર કહે છે, "મહિલાઓની સરખામણીએ પુરુષો વધારે આક્રમકતાપૂર્વક વાહન ચલાવતા હોય છે એ નક્કી છે."

"તેઓ મુખ્યત્વે ટુ-વ્હિલર ચલાવતા હોય છે, જેમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનની શક્યતા વધુ હોય છે."

2018માં અત્યાર સુધીના આંકડા પણ લગભગ 2017 જેવા જ છે. વર્તમાન વર્ષમાં પણ મહિલા ડ્રાઈવરો ટ્રાફિકના નિયમોનું ઓછું ઉલ્લંઘન કરી રહી છે.

વિશ્વમાં કેવી સ્થિતિ છે?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબલ્યુએચઓ)ના 2016ના આંકડા અનુસાર, દર વર્ષે પાંચ કરોડ લોકો માર્ગ દૂર્ઘટનાનો શિકાર બને છે. એ પૈકીના 10 લાખ લોકોનાં મૃત્યુ થાય છે.

આ અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં સૌથી ઓછી માર્ગ દૂર્ઘટનાઓ નોર્વેમાં થાય છે. નોર્વેમાં આવા અકસ્માતોમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા બહુ ઓછી છે.

નોર્વેમાં 2017માં હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે વાહન ચલાવતી વખતે મહિલાઓની સરખામણીએ પુરુષોનું ધ્યાન વધુ ભટકતું હોય છે.

નોર્વેની ટ્રાન્સપોર્ટ ઇકોનોમિક્સ સંસ્થાએ 1100 લોકોને આવરી લઈને આ સર્વેક્ષણ કર્યું હતું.

બીજું સર્વેક્ષણ બ્રિટનના હાઇડ પાર્કમાં કરવામાં આવ્યું હતું. હાઇડ પાર્કનો ચોક સૌથી વધુ વ્યસ્ત ચોક માનવામાં આવે છે.

એ સર્વેક્ષણના તારણ અનુસાર, ડ્રાઇવિંગના સંદર્ભમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ ઘણી બાબતોમાં બહેતર હોય છે.

આ સર્વેક્ષણ કારની સ્પીડ, ઈન્ડિકેટરનો ઉપયોગ, સ્ટિયરિંગ કન્ટ્રોલ અને કાર ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી વગેરે જેવા સંદર્ભે કરવામાં આવ્યો હતો.

આ સર્વેક્ષણમાં મહિલાઓને 30માંથી 23.6, જ્યારે પુરુષોને 19.8 માર્ક્સ મળ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો