You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'વર્લ્ડ હૅપીનેસ રિપોર્ટ'- 156 દેશોમાંથી ભારત કયા સ્થાને?: દૃષ્ટિકોણ
- લેેખક, અનિલ જૈન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
આપણા દેશમાં છેલ્લા દોઢ દાયકાથી એટલે કે જ્યારથી નવી ઉદારીકણની નીતિઓ લાગુ થઈ છે, ત્યારથી સરકારી આંકડાઓના આધારે દેશની અર્થવ્યવસ્થાનું ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે.
આર્થિક વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે થતાં સર્વે પણ દર્શાવતાં રહે છે કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકસી રહી છે.
વળી દેશમાં અબજપતિઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ સમગ્ર બાબતો પરથી એક ચિત્ર બને છે કે ભારતના લોકો સતત ખુશાલી તરફ આગળ વધી રહ્યા છે.
પણ વાસ્તવિકતા આ નથી. કેમકે તાજેતરમાં જ જાહેર થયેલા 'વર્લ્ડ હૅપીનેસ રિપોર્ટ-2018'માં ભારતનો ક્રમ 133મો હતો. જ્યારે ગત વર્ષે તે 122મો હતો.
156 દેશોના આ સર્વેમાં ભારતનું સ્થાન ઘણું નીચું છે. તે આફ્રિકાના કેટલાક પછાત દેશો જેવું છે.
તમને આ પણ વાંચવું ગમશે
રિપોર્ટમાં સૌથી રસપ્રદ વાત એ છે કે આ સૂચકાંકમાં ચીનની સાથે સાથે પાકિસ્તાન, ભૂટાન, નેપાલ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને મ્યાનમાર પણ ભારતથી આગળ છે.
જેનો અર્થ કે ભારત કરતા નાના પાડોશી દેશો વધુ ખુશાલ છે. આ દેશોના નાગરિકો ભારતના લોકો કરતાં વધુ ખુશ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે વર્લ્ડ હૅપીનેસ રિપોર્ટ?
સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા 'સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક' દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વે કરીને 'વર્લ્ડ હૅપીનેસ રિપોર્ટ' જાહેર કરે છે.
સર્વે અંતર્ગત અર્થશાસ્ત્રીઓની ટીમ સમાજમાં સુશાસન, માથાદીઠ આવક, સ્વાસ્થ્ય, આયુષ્ય, વિશ્વાસ, સામાજિક સહયોગ,સ્વતંત્રતા, ઉદારતા વગેરે માપદંડોના આધારે તમામ દેશોના નાગરિકો કેટલા ખુશ છે તેનું મૂલ્યાંકન કરે છે.
પરંતુ એક વાત ઘણી મહત્ત્વપૂર્ણ છે કે કેટલાક મોટા દેશોની જેમ આપણા દેશના નીતિ-નિયમો પણ આજ સુધી એ વાસ્તવિકતાને ગળે નથી ઉતારી શક્યા કે દેશનો જીડીપી વધારવાથી ખુશાલ સમાજ નથી બની જતો.
ભારત કરતાં પાકિસ્તાન વધુ ખુશ
પણ આ કોયડો રસપ્રદ છે કે પાકિસ્તાન (75), નેપાળ (101) અને બાંગ્લાદેશ (115) દેશો કેમ આ રિપોર્ટમાં ઉપર કેમ છે.
આપણે આ દેશોની સ્થાયી અથવા આપદાગ્રસ્ત દેશો તરીકે ગણના કરીએ છીએ.
આ રિપોર્ટ એવું પણ દર્શાવે છે કે માત્ર આર્થિક સમૃદ્ધિ જ સમાજમાં ખુશાલી ન લાવી શકે.
આથી આર્થિક સમૃદ્ધિનું પ્રતિક ગણાતા અમેરિકા (18), બ્રિટન (19) અને સંયુક્ત આરબ અમીરાત (20) પણ વિશ્વના ટોચના દસ દેશોમાં સ્થાન નથી મેળવી શક્યા.
આર્થિક વૃદ્ધિ ખુશીનો માપદંડ?
જો આ રિપોર્ટ તૈયાર કરવાની રીત અને માપદંડો પર સવાલ કરવામાં આવે, તો પણ રિપોર્ટની કેટલીક બાબતો વિચારવા લાયક છે.
કોઈ પણ દેશની વૃદ્ધિને માપવાનો માપદંડ તેનો જીડીપી છે. પણ તે મામલે ઘણા સવાલ છે.
કેમકે જીડીપી અર્થવ્યવસ્થાની ગતિને સૂચિત કરે છે પણ તેનો લાભ સામાન્ય માણસ સુધી પહોંચ્યો કે નહીં તે નથી જાણી શકાતું.
વળી જીડીપી માત્ર ઉત્પાદન-વૃદ્ધિના અનુસંધાને દેશનું ચિત્ર રજૂ કરે છે.
તાજેતરના હૅપીનેસ રિપોર્ટમાં ફિનલૅન્ડ વિશ્વનો સૌથી ખુશ દેશ છે.
ગત વર્ષે તેનું સ્થાન પાંચમું હતું પણ આ વખતે તે ટોચ પર છે.
ફિનલૅન્ડનું ઉદાહરણ
ફિનલેન્ડને વિશ્વના સૌથી સ્થિર, સૌથી સુરક્ષિત અને સૌથી સુશાસિત દેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ત્યાં સૌથી નિમ્ન સ્તરે ભ્રષ્ટાચાર છે અને સામાજિક સ્તરે તે પ્રગતિશીલ છે.
અહીંની પોલીસ સૌથી ઈમાનદાર અને વિશ્વાસુ છે.
તમામ નાગરિકને મફતમાં આરોગ્ય સુવિધા મળે છે. ખુશી માટે આ સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ છે.
વર્ષ 2018ના રિપોર્ટમાં સૌથી ખુશાલ દેશોમાં ફિનલેન્ડ બાદ ક્રમશઃ નોર્વે, ડેન્માર્ક, આઇલૅન્ડ, સ્વિત્ઝર્લૅન્ડ, નેધરલૅન્ડ, કેનેડા, ન્યૂઝિલૅન્ડ, સ્વીડન અને ઑસ્ટ્રેલિયાનો ક્રમ છે.
આ તમામ દેશોમાં માથાદીઠ આવક ઘણી વધુ છે. એટલે કે ભૌતિક સમૃદ્ધિ, આર્થિક સુરક્ષા અને વ્યક્તિની પ્રસન્નતા વચ્ચે પ્રત્યક્ષ સંબંધ છે.
આ દેશોમાં ભ્રષ્ટાચાર પણ ઓછો છે અને સરકાર તરફથી સામાજિક સુરક્ષા પણ સારી મળે છે.
આથી લોકો પર સામાજિક સુરક્ષાનું દબાણ ઓછું છે. જેને પગલે તેમને જીવનમાં નિર્ણયો લેવાની સ્વતંત્રતા છે.
ભારત ખુશ ન હોવાનું કારણ?
ભારતની સ્થિતિ આ માપદંડો મામલે સારી નથી. તેમ છતાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઈરાન કરતા પણ ખરાબ સ્થિતિ આશ્ચર્યજનક છે.
આ વાસ્તવિકતાનું કારણ કદાચ એ હોઈ શકે કે ભારતમાં વિકલ્પ તો ઘણા છે પણ તમામ લોકોની તેના સુધી પહોંચ નથી. આથી લોકોમાં અસંતોષ છે.
આથી વિપરીત કેટલાક દેશોમાં મર્યાદિત વિકલ્પો ઉપલબ્ધ છે. પણ લોકોને તેના વિશે બરાબર જાણકારી નથી આથી તેઓ તેમના મર્યાદિત દાયરામાં જ ખુશ છે.
આમ ભારતમાં જેટલી આર્થિક અસમાનતા છે, તેના કારણે પણ લોકોમાં અસંતોષ અથવા નિરાશા પેદા થાય છે.
જેને પગલે ભારતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ પાછળ ખર્ચ વધુ થાય છે. પણ સ્વાસ્થ્યના માપદંડોના આધારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ આપણા કરતાં સારી સ્થિતિમાં છે.
વિશ્વમાં અવ્વલ
કોઈ પણ દેશની સમૃદ્ધિ તેના નાગરિકોના સ્તરે હોય તો તે અર્થપૂર્ણ છે.
જ્યારે ભારત અને ચીન લોકોની ખુશી કરતા રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને વેગ આપવાના દિશામાં વધુ ભાર આપી રહ્યા છે.
આથી એ આશ્ચર્યની વાત નથી કે લાંબા સમય સુધી જીડીપીની દૃષ્ટિએ અવ્વલ રહેલ ચીન 'વર્લ્ડ હૅપીનેસ રિપોર્ટ'માં 85મા ક્રમે છે.
પણ ભારતનો ક્રમ ચોંકાવનારો અને ચિંતાજનક પણ છે. કેમકે ભારતીયોનો જીવન મંત્ર 'સંતોષી જીવ સદા સુખી' રહ્યો છે.
પણ પરિસ્થિતિ મુજબ ખુદને ઢાળી લેવા અને અભાવમાં ખુશ રહેનારા સમાજ તરીકેની આપણી વિશ્વવ્યાપી ઓળખ રહી છે.
વિશ્વમાં ભારત જ સંભવતઃ એકમાત્ર એવો દેશ છે જ્યાં કોઈને કોઈ દિવસે ત્રીજ-તહેવાર-વ્રત અને ધાર્મિક-સાંસ્કૃતિક ઉત્સવ લોકો મનાવતા જ રહે છે.
જેમાં મગ્ન રહેનાર ગરીબ વ્યક્તિ પણ પોતાની સારી તકલીફો અને દુઃખને પોતાનું નસીબ માનીને ખુશ રહેવાની કોશિશ કરે છે.
'સાંઈ એટલું આપો'...અથવા...'દિલ માંગે મોર'
આ ભારત ભૂમિ પર વર્ધમાન મહાવીરે અપરિગ્રહનો સંદેશ આપ્યો છે.
આજ ધરતી પર બાબા કબીર પણ થયા. જે એટલું જ ઇચ્છતા કે તેમના પરિવારની રોજિંદી જરૂરિયાતો પૂરી થઈ જાય.
અને દરવાજે આવનાર કોઈ પણ સાધુ-ફકીર ભૂખ્યો ન જાય.
પણ વિશ્વને યોગ અને આધ્યાત્મથી પરિચિત કરનારા આ દેશની સ્થિતિમાં જો ઝડપથી કોઈ પરિવર્તન આવી રહ્યું છે અને લોકોની ખુશાલીનું સ્તર નીચું આવી રહ્યું હોય, તો તેના કારણ સામાજિક મૂલ્યોમાં ઘટાડો, ભોગવાદી જીવનશૈલી અપનાવવા અને સાદગીના પરિત્યાગ સાથે જોડાયેલા છે.
આશ્ચર્યની વાત એ પણ છે કે આધુનિક સુખ સુવિધાયુક્ત ભોગવિલાસનું જીવન જીવી રહેલા લોકો કરતા અભાવગ્રસ્ત લોકો ખુશ હોય છે.
જોકે, હવે એવા લોકોની સંખ્યા વધી રહી છે જેમનો વિશ્વાસ 'સાંઈ એટલું આપો'ના વલણની જગ્યાએ 'દિલ માંગે મોર'નું વધુ પાલન કરી રહ્યા છે.
સુખ સુવિધાના આધુનિક સાધન
આ બધું જો એક નાન વર્ગ સુધી જ મર્યાદિત રહે, તો કોઈ વાંધો નહોતો.
પણ મુશ્કેલ ત્યારે થઈ જ્યારે 'યથા રાજા તથા પ્રજા'ની પ્રકારે આ જ મૂલ્યો આપણા સામૂહિક અથવા રાષ્ટ્રીય જીવન પર હાવી થઈ રહ્યા છે.
જે લોકો આર્થિકરૂપે નબળા છે અથવા જેમની આવક મર્યાદિત છે, તેમના માટે બૅન્કોએ 'ઋણ કૃત્વા, ધૃતં પીવતે'ની જેમ ક્રેડિટ કાર્ડ અને ધિરાણની જાળ બિછાવી પોતાના ખજાના ખોલી રાખ્યા છે.
લોકો આ મોંઘા વ્યાજદરોનું ધિરાણ અને ક્રેડિટ કાર્ડની મદદથી સુખ-સુવિધાના આધુનિક સાધનો ખરીદી રહ્યા છે.
શાનશૌકતની તમામ વસ્તુઓની દુકાનો અને શૉપિંગ મોલ્સ પરની ભીડ જોઈએ આ વાચાળ સ્થિતિનું અનુમાન લગાવી શકાય છે.
દરેક બાજુ લાલસાનું તાંડવ જ જોવા મળે છે. તૃપ્ત થઈ ચૂકેલી લાલસા કરતા અતૃપ્ત લાલસા ઘણી ખતરનાક હોય છે.
મૂડીવાદ
દેશભરમાં વધી રહેલા અપરાધ-ખાસ કરીને યૌન અપરાધનું આ કારણ આ જ છે.
જે વિસ્તારોને બજારવાદ સ્પર્શ નથી કરી શક્યો ત્યાં અપરાધોનો ગ્રાફ નીચો હોવા માટે પણ આ જ પરિબળ જવાબદાર છે.
આ બધું અભાવોનું મહિમા-મંડન કરવાની વાત નથી, પણ તે એક મૂડીવાદના આધારે પેદા થયેલી અનૈતિક સમૃદ્ધિ અને તેના સહ-ઉત્પાદોની રચનાત્મક ટીકા છે.
ભારતીય આર્થિક દૃષ્ટિકોણ અને જીવન પદ્ધતિની સર્વથા પ્રતિકૂળ 'મૂડી જ જીવનનું કલ્યાણ છે'ના સૂત્ર પર આધારિત ઉદારીકરણની આર્થિક નીતિઓ અને વૈશ્વિકરણથી પ્રેરિત બજારવાદના આગમન બાદ સમાજમાં બાળપણથી જ સારા માર્ક્સ લાવવા, કારકિર્દી બનાવવા, નાણાં કમાવવા અને સુવિધા-સંસાધનો મેળવવાની સ્પર્ધા શરૂ થઈ ગઈ છે.
ગરીબી અને બદહાલી
વળી આ સ્પર્ધામાં જે નિષ્ફળ જાય છે તે નિરાશાનો શિકાર બને છે. પણ જે સફળ થાય છે તે પોતાની માનસિક શાંતિ ગુમાવી બેસે છે.
લોકો એકલા રહેવાનું વધુ પસંદ કરવા લાગતા સંયુક્ત કુટુંબનું ચલણ ઘટ્યું છે આથી વડીલના સાનિધ્યની શીતળ છાયાથી પણ લોકો વંચિત થઈ ગયા છે.
સંયુક્ત કુટુંબની બાબત વ્યક્તિને જીવનનો અર્થ માત્ર સફળ થવું જ નહીં પણ સમભાવથી જીવવું તે વાત સમજવામાં મદદરૂપ થઈ શકતી હતી.
વધતી આત્મહત્યા, નશાખોરી, ઘરેલું કંકાસ, રોડરેજ અને અન્ય ગુનાહિત ઘટનાઓમાં વધારો આના દુષ્પરિણામરૂપે જોવા મળી રહ્યું છે.
કુલ મળીને સંયુક્ત સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના જ વર્લ્ડ હૅપીનેસ રિપોર્ટમાં ભારતમાં દર વર્ષે કથળતી સ્થિતિ આ વાસ્તવિકતા તરફ ઈશારો કરે છે કે અભાવો અને બદહાલીના મહાસાગરમાં સમૃદ્ધિના કેટલાક ટાપુ ઊભા થઈ જવાથી આખો મહાસાગર સમૃદ્ધ ન થઈ જાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો