You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રાઉન્ડ રિપોર્ટ: જાણો 'નરેન્દ્ર મોદી ચોક'ના નામ પર થયેલી હત્યાનું સત્ય
બિહારના દરભંગા બસ સ્ટેન્ડથી એનએચ 77 પર પાંચ-છ કિલોમીટર આગળ વધતા ડાબી બાજુ એક રસ્તો લોઆમ તરફ ઉતરે છે.
આ જ રસ્તે લગભગ દસ કિલોમીટર સુધી આગળ વધતા ભદવા ગામમાં 'નરેન્દ્ર મોદી' ચોક આવે છે.
વાસ્તવમાં આ કોઈ ચોક નથી, પરંતુ રસ્તાની બાજુમાં એક ખાનગી અને વિવાદીત જમીન પર લાગેલું એક બોર્ડ છે.
આ બોર્ડની સાથે વાંસ સાથે ડંડા પર લાગેલો ભારતીય જનતા પાર્ટીનો ઝંડો પણ છે.
આ બોર્ડ તેજ નારાયણ યાદવ નામના એક વ્યક્તિએ લગાવ્યું છે. તે ખુદને ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના કાર્યકર્તા ગણાવે છે.
ચર્ચાનું કારણ
આ બોર્ડની સાથે સમાંતર ત્રણ દુકાનોનાં બોર્ડ પણ છે. આ દુકાનો તેજ નારાયણ અને તેમના પરિવારના લોકો સાથે મળીને ચલાવે છે.
અહીં 15 માર્ચની રાત્રે અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. તેજ નારાયણના પિતા રામચંદ્ર યાદવ અને ભાઈ ભોલા યાદવ તેમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ હુમલામાં ઘાયલ રામચંદ્ર યાદવનું મૃત્યુ થઈ ગયું, પરંતુ ભોલા યાદવ ઘાયલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમને રવિવારે 18 માર્ચના રોજ વધારે સારવાર માટે દરભંગા મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાંથી પટના સ્થિત બિહારની સૌથી મોટી સરકારી હૉસ્પિટલ પીએમસીએચમાં રેફર કરવામાં આવ્યા હતા.
આ ઘટના થોડા દિવસો પહેલાં એટલા માટે હેડલાઇન્સમાં ચમકી હતી કારણ કે તેજ નારાયણ અને તેમનો પરિવાર આરોપ લગાવી રહ્યો છે કે 'નરેન્દ્ર મોદી ચોક'નું બોર્ડ લગાવવાને કારણે આ હુમલો થયો છે.
છેલ્લાં બે વર્ષોથી આ બોર્ડ લગાવ્યા બાદ જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. જોકે, પોલીસ આ ઘટનાને જમીન વિવાદનો મામલો જણાવી રહી છે.
'મન કી બાત'થી આગળ વધી વાત
તેજ નારાયણ અનેક દિવસો સુધી હરિયાણામાં રોજગારી માટે રહ્યા છે. તેની અસર તેમના હિંદી બોલવા પર પણ દેખાઈ રહી છે.
હરિયાણામાં રહેતા હતા, ત્યારે જ તે ભાજપના કાર્યકર્તા બન્યા હતા.
તેજ નારાયણ કહે છે, "રેડિયો પર 'મન કી બાત' સાંભળતા હતા. બધાના મનમાં વસી ગયું કે મોદી સારા માણસ છે.
"તેઓ આપણા દેશને આગળ સુધી લઈ જશે. તે બાદ જાન્યુઆરી 2016માં અમે ચોકનું નામ રાખ્યું."
તેઓ આરોપ લગાવે છે કે આ ઘટના માટે પિલખવારાના વારિશ મિયાંના છોકરાઓ અને અજાણ્યા લોકો જવાબદાર છે.
તેજ નારાયણે બીબીસીને જણાવ્યું, "પહેલો વિવાદ લગભગ રાતના આઠ વાગ્યે શરૂ થયો. બે બાઇક પર પાંચ લોકો આવ્યા હતા.
"તેમાં એક વારિશનો છોકરો હતો. આવતાની સાથે જ તેઓ બોલ્યા કે વડા પ્રધાન ચોક નામ કોણે રાખ્યું છે? તેઓ મોદીજીનું અપમાન કરવા લાગ્યા, મેં તેમને સમજાવવાની કોશિશ કરી."
"જેના પર બોલાચાલી થઈ. અમે ચારેય ભાઈઓ ત્યારે દુકાન પર હાજર હતા. અમે ત્યારે તેમને ભગાડી મૂક્યા. ત્યારબાદ તેઓ પ્લાન કરીને રાત્રે નવ વાગ્યો ફરી આવ્યા.
"પહેલાં તેમણે દુકાનોને આગ લગાડવાની કોશિશ કરી. પરંતુ અવાજ સાંભળીને મારા પિતા અને ભાઈ સામે આવ્યા તો તેમના પર હુમલો કરી દીધો."
તેજ નારાયણ આગળ કહે છે, "વાસ્તવમાં નિશાન પર અમે લોકો જ હતા. બોર્ડ લગાડ્યા બાદ દુનિયા અમારા જીવની પાછળ પડી ગઈ છે.
"બે મોટી ઘટનાઓ બની ચૂકી છે. જેમાં મારા ભાઈ અને પિતાનું મૃત્યું થઈ ચૂક્યું છે."
તેજ નારાયણના પિતા રામચંદ્રની હત્યા આ વર્ષે જ થઈ છે જ્યારે તેમના અન્ય એક ભાઈની હત્યા ડિસેમ્બર 20165માં થઈ હતી.
પોલીસ શું કહી રહી છે?
ઘટના બાદ પોલીસે તેજ નારાયણની પત્ની સુશીલા દેવીના નિવેદનના આધારે એફઆઈઆર દાખલ કરી છે, જેમાં ઘટનાનું કારણ જમીન વિવાદ દર્શાવવામાં આવ્યું છે.
પરંતુ સુશીલા દેવીના જણાવ્યા પ્રમાણે તેમણે પોલીસને ઘટનાનું કારણ ચોકના નામથી જોડાયેલો વિવાદ બતાવ્યું હતું, જે પોલીસે નોંધ્યું નથી.
તેમણે બીબીસીને જણાવ્યું, "હું રડી રહી હતી. મેં કહ્યું કે મોદી ચોકને કારણે ઝગડો થયો છે.
"પોલીસે શું નોંધ્યું તે મને ખબર નથી. ત્યારબાદ તેમણે મારું અંગૂઠાનું નિશાન લીધું અને ચાલ્યા ગયા."
ઘટના બાદ 16 માર્ચની રાત્રે દરભંગાના એસએસપી સત્યવીર સિંહે પ્રેસ કૉન્ફરન્સમાં ઘટનાનું કારણ જમીન વિવાદ દર્શાવ્યું હતું.
નરેન્દ્ર મોદી ચોકને કારણે હત્યા કરવાનું નિવેદન પરિવારો કરી રહ્યા છે તેને પોલીસ કઈ નજરથી જોઈ રહી છે?
તેના જવાબમાં એસએસપીનું કહેવું હતું, "આની તપાસ અમે લોકો કરી રહ્યા છીએ, પ્રથમ દ્રષ્ટિએ આવી કોઈ વાત સામે આવી નથી.
"બોર્ડ જ્યાં લાગેલું હતું ત્યાં જ લાગ્યું છે, તેમાં કોઈ વિવાદ નથી."
પરિવારની છાપ
આ જ પ્રેસ કૉન્ફરન્સમાં એસએસપીએ આગળ જણાવ્યું, "સ્થાનિક તપાસમાં અમને જાણવા મળ્યું છે કે રસ્તા પરથી પસાર થનારા લોકો સાથે તેમના ઝઘડા થતા હતા.
"ગામમાં પણ બધાની સાથે તેમની દુશ્મનાવટ છે. કોઈ વ્યક્તિગત દુશ્મની હશે, જેના કારણે આ ઘટના બની છે."
બીબીસી સાથેની વાતચીતમાં ભદવા ગામના લોકોએ પણ એસએસપીની વાતો સાથે સહમતિ દર્શાવી હતી.
ગામની એક મહિલાએ નામ નહીં છાપવાની શરતે કહ્યું, "એ પરિવાર બધા સાથે જબરદસ્તી કરે છે.
"રસ્તા પર જતાં લોકો સાથે ઝઘડા કરે છે, મહિલાઓ સાથે પણ મારપીટ કરે છે."
ભદવા ગામથી લગભગ ચાર કિલોમીટરના અંતર પર પિલખવારા ગામ છે.
તેજ નારાયણ આ ગામના મોહમ્મદ વારિશ હુસૈનના પુત્ર પર ઘટનાને અંજામ આપવાનો આરોપ લગાવી રહ્યા છે.
આ ગામ અને આસપાસના ગામના લોકોએ જણાવ્યું કે આ ચોકની ના તો આ વિસ્તારમાં કોઈ ચર્ચા છે કે ના તો એમણે એવું સાંભળ્યું છે કે આ ચોકને કારણે વિવાદ થતો રહ્યો છે.
પિલખવારા ગામના મોહમ્મદ શમસુલ હોદા કહે છે, "આ ગામમાં 'મોદી ચોક' વિશે કોઈ તણાવ નથી અને તેને લઈને કોઈ ચર્ચા પણ થતી નથી.
"હકીકત તો એ છે કે અમને ગામ લોકોને 'મોદી ચોક' અંગે હવે ખબર પડી."
શું કહે છે વારિશનો પરિવાર?
વારિશનો પરિવાર ઘટના બાદ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. પહેલા તો તે વાતચીત માટે તૈયાર જ ના થયો.
પછી કેટલાક સંબંધીઓ અને ગામલોકોના સમજાવ્યા બાદ બીબીસી સાથે વાત કરી.
વારિશની પુત્રી કેસર પરવીન કહે છે, "એ દિવસે ઘરમાં માત્ર અબ્બા હતા, ભાઈ કે બીજા લોકો ન હતા.
"અમને તો ઘટના અંગે બીજા દિવસે બાર વાગ્યે જાણ થઈ. થોડા દિવસો પહેલાં જ હું વૃદ્ધ પિતાનો ઇલાજ કરાવીને પૂનાથી ઘરે આવી છું. અમારા પરિવારને ફસાવવામાં આવી રહ્યો છે."
તે પોલીસ પર પરેશાન કરવાનો આરોપ પણ લગાવે છે, "દિવસે તો ઠીક પોલીસ રાત્રે પણ આવે છે.
"એક રાત્રે બાવીસ તો બીજી રાત્રે આઠ પોલીસ વાળા આવ્યા. પોલીસ રાત્રે આવીને મહિલાઓ, મારી વૃદ્ધ માતા અને ભાભીને પણ પરેશાન કરે છે.
"પોલીસ કહે છે મર્ડર કરનારા તમારા વ્યક્તિને બોલાવો. પોલીસ ધમકી આપે છે."
જોકે, દરભંગાના એસએસપી સત્યવીર સિંહ આ આરોપને નકારે છે.
કેસર પરવીન એક બીજી ઘટના અંગે પણ કહે છે, "ગઈ પાંચ નવેમ્બરના રોજ મોદી ચોકની પાનની દુકાન પર ઝઘડો થયો હતો.
"મારા ભાઈ મોહમ્મદ જાવેદ આલમે પાન માંગ્યું તો તેને પાન ના આપ્યું અને મારપીટ થઈ હતી.
"તેમણે મારા ભાઈને બહુ જ માર્યો, દરભંગા લઈ જઈને તેનું પ્લાસ્ટર કરાવવું પડ્યું. અમે કેસ પણ દાખલ કર્યો.
"પરંતુ પોલીસ તરફથી અત્યારસુધી કંઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી."
તેજ નારાયણ યાદવ પણ આ ઘટનાનો સ્વીકાર કરે છે, પરંતુ તેમના પ્રમાણે તે દિવસે પણ નરેન્દ્ર મોદીને વિશે ગમે તેમ બોલવાને કારણે ઝઘડો થયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો