Top News: ગુજરાત બાદ હવે પંજાબમાં હુક્કાબાર પર પ્રતિબંધ

એનડીટીવીના અહેવાલ મુજબ પંજાબ સરકારે હુક્કા બાર કાયમી ધોરણે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત રાજ્ય આ પહેલાં હુક્કા બાર પર પ્રતિબંધ મૂકી ચૂક્યું છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

પંજાબ સરકાર અત્યારસુધી હંગામી ધોરણે હુક્કા બાર સામે નિર્દેશો કરી રહી હતી. જે બાદ હવે કાયમી ધોરણે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય કાયદો બન્યા બાદ રાજ્યભરમાં હુક્કા બાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી જશે.

હુક્કાબાર સામેનો ખરડો વિધાનસભામાં લાવવામાં આવશે, જો ગૃહ તેને પાસ કરશે તો તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે.

હવે ગુજરાત બાદ પંજાબ એવું રાજ્ય બનશે જેમાં હુક્કા બાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય.

કર્ણાટક: લિંગાયતને અલગ ધર્મની માન્યતા

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ કર્ણાટકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને જોતાં રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લિંગાયત સમાજને અલગ ધાર્મિક દરજ્જો આપવાનું નક્કી કર્યું છે.

સોમવારે સિદ્ધારમૈયાના નેતૃત્વમાં મળેલી કેબિનેટે નાગમોહન દાસ કમિટિના રિપોર્ટની ભલામણને સ્વીકારતા લિંગાયત સમાજને અલગ ધર્મ તરીકેની માન્યતા આપવાનું નક્કી કર્યું છે.

હવે કર્ણાટક આ ખાસ દરજ્જા માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે અરજી કરશે.

લિંગાયત સમાજ દ્વારા વર્ષોથી તેમને અલગ ધર્મનો દરજ્જો આપવાની માગણી કરવામાં આવી રહી હતી. જે માગણી વર્ષોથી પેન્ડિંગ પડી હતી.

કર્ણાટકમાં લિંગાયતની વસતિ રાજ્યની કુલ વસતિના 17 ટકા છે. જે રાજકીય પક્ષો માટે એક મોટી મતબેંક છે.

સિદ્ધારમૈયાની સરકારનો આ નિર્ણય વિધાનસભા ચૂંટણી પહેલાંનો સૌથી મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. જેની અસર આગામી વિધાનસભા પર પણ પડવાની શક્યતા છે.

હવે બિહાર માટે સ્પેશિયલ સ્ટેટ્સની માગણી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે કહ્યું છે કે બિહારને સ્પેશિયલ સ્ટે્ટસ આપવાની માગને અમે હજી પણ વળગી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે 13 વર્ષ પહેલાં કરેલી માગણીને એક સેકન્ડ માટે પણ હું ભૂલ્યો નથી.

નીતિશ આરજેડી દ્વારા બિહારના સ્પેશિયલ સ્ટેટ્સ મામલે મૌન રહેવાના સવાલનો જવાબ આપી રહ્યા હતા.

આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ એનડીએમાંથી પોતાને અલગ કરી લીધી છે.

જે બાદ આરજેડી સતત નીતિશ કુમાર સામે સવાલો ઊભા કરીને આ મામલે જવાબ માગી રહી હતી.

નીતિશ કુમારે કહ્યું કે 2005માં આ મામલે વડા પ્રધાનને પત્ર લખ્યા બાદ અમે સતત કેન્દ્ર સામે આ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ.

કેજરીવાલે ગડકરીની માફી માગી

એનડીટીવીના અહેવાલ મુજબ અરવિંદ કેજરીવાલે વધુ એકવાર માફી માગી છે.

પંજાબના રાજકારણી બિક્રમસિંહ મજીઠીયાની માફી માગ્યા બાદ હવે તેમણે નીતિન ગડકરીની માફી માગી છે.

ગડકરીને તેમણે ભારતના સૌથી વધારે ભ્રષ્ટાચારી નેતાઓમાંના એક ગણાવ્યા હતા.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કેજરીવાલે માફી માગતા કહ્યું છે કે મારે તમારા સામે કોઈ વ્યક્તિગત વાંધો નથી. મને પણ મારા નિવેદનનો અફસોસ છે. આ વિવાદને અહીં જ આપણે પૂર્ણ કરીએ અને કોર્ટ કેસને બંધ કરી દઈએ.

માફી માગ્યા બાદ કેજરીવાલ અને ગડકરી બંનેએ કોર્ટમાં માનહાનિના દાવાને પરત ખેંચી લેવા માટે અરજી કરી છે.

હવે કેજરીવાલ પોતાની સામે થયેલા 33 જેટલા માનહાનિના કેસોનો કોર્ટની બહાર જ નિકાલ કરવા માગે છે. જેથી તેઓ તેમની સામે કેસ કરનાર નેતાઓની માફી માગી રહ્યા છે.

મનસેએ મુંબઈમાં ગુજરાતીઓની દુકાનો તોડી

રવિવારે રાત્રે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના કાર્યકર્તાઓએ મુંબઈ-અમદાવાદ હાઈવે પર કેટલીક દુકાનોના ગુજરાતી સાઇનબૉર્ડ્સ તોડી નાખ્યાં હતાં.

મનસેના થાણે વિસ્તારના પદાધિકારી અવિનાશ જાદવના કહેવા પ્રમાણે, હાઇવે પર વીસ જેટલા સાઇનબૉર્ડ્સ તોડી પાડવામાં આવ્યા હતા અથવા તો ફાડી નાખવામાં આવ્યા હતા.

સમાચાર સંસ્થા પીટીઆઈ સાથે વાતચીતમાં જાદવે કહ્યું, "વસઈ અને થાણે મહારાષ્ટ્રમાં આવેલા છે, ગુજરાતમાં નહીં."

"અમે ગુજરાતી સાઇનબૉર્ડ્સ નહીં ચલાવી લઈએ." જાદવે ઉમેર્યું હતું કે, તેમનો વિરોધ ચાલુ રહેશે."

વસઈ પોલીસ કંટ્રોલ રૂમના કહેવા પ્રમાણે, આ પ્રકારની ઘટના ઘટી છે. જોકે, આ મતલબની કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

શનિવારે મુંબઈના શિવાજી પાર્ક ખાતે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.

ઠાકરેએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમની સરકારના ઠાલાં વચનોથી દેશ ત્રાસી ગયો છે. તેમણે વિપક્ષને એક થવાની પણ હાંકલ કરી હતી.

ઠાકરેએ કહ્યું, "દેશને 197માં પહેલી, 1977માં બીજી (કટોકટી પછી) આઝાદી મળી. 2019માં 'મોદી-મુક્ત ભારત'એ ત્રીજી આઝાદી હશે."

ઠાકરેના કહેવા પ્રમાણે, મોદી સરકારનું પતન થાય અને નોટબંધીના મુદ્દે તપાસના આદેશ આપવામાં આવે તો તે આઝાદી પછી દેશનું સૌથી મોટું કૌભાંડ નીકળશે.

રાજ ઠાકરેએ કહ્યું, "રામ મંદિર બનવું જોઈએ, પરંતુ તેનો ઉપયોગ મત મેળવવા કે સમાજનું વિભાજન કરવા માટે ન થવો જોઈએ."

રેલી પૂર્વે રાજ ઠાકરેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. જો કે, તેમણે આ મુલાકાતને 'સૌજન્ય મુલાકાત' ગણાવી હતી.

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ ન થયો

સોમવારે લોકસભામાં નરેન્દ્ર મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થઈ શક્યો ન હતો.

લોકસભામાં ભારે હોબાળો થતાં ચર્ચા થઈ શકી ન હતી. ગૃહને દિવસભર માટે મોકૂફ કરી દેવાયું હતું.

સોમવારે સતત 11મા દિવસે લોકસભામાં હોબાળો થયો હતો.

ટીડીપી (તેલુગુ દેશમ્ પાર્ટી), વાયએસઆર કોંગ્રેસ, ટીઆરએસ તથા એઆઈએડીએમકેના સાંસદો વેલમાં ધસી ગયા હતા.

ગૃહપ્રધાન રાજનાથસિંહના કહેવા પ્રમાણે, સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા કરાવવા માટે તૈયાર છે.

'ઝી ન્યૂઝ કોનક્લેવ' દરમિયાન ભાજપના અધ્યક્ષ અમિત શાહને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ચિંતિત છે?

જેના જવાબમાં શાહે કહ્યું, "એનડીએ સરકાર પર કોઈ જોખમ નથી. અમારી પાસે બહુમતીના આંકડા છે, એ વાત તેઓ પણ જાણે છે."

ટીડીપીએ પણ પ્રસ્તાવ માટે નોટિસ આપી દીધી છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને આરજેડી જેવા પક્ષો આ પ્રસ્તાવના સમર્થનમાં છે.

અગાઉ શુક્રવારે બન્ને પક્ષોએ મૂકેલા પ્રસ્તાવ ગૃહમાં રજૂ થઈ શક્યા ન હતા.

ભારે શોરબકોર પછી ગૃહની કાર્યવાહી સોમવાર સુધી મુલતવી રાખી દેવાઈ હતી.

તમને આ પણ વાંચવું ગમશે

જૂની 500-1000 રૂપિયાની નોટોની ઇંટ

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, આરબીઆઈએ કહ્યું છે કે નોટબંધી બાદ જૂની 500 અને 1000 રૂપિયાની 99 ટકા નોટો જમા થઈ છે.

આરબીઆઈએ એક આરટીઆઈમાં આપેલા જવાબમાં જણાવ્યું હતું કે જૂની નોટોને રિસાઇકલ નથી કરતી પણ તેનો નાશ કરે છે.

હાલમાં, આરબીઆઈ દ્વારા જુદીજુદી 59 બ્રાંચમાં સૉફેસ્ટિકેટેડ કરન્સી વેરિફિકેશન એન્ડ પ્રોસેસિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નોટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને તેનો નાશ કરવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ નોટોને પહેલા ટુકડા કરવામાં આવે છે. બાદમાં તેની બ્રિક્સ બનાવાય છે.

અંતે આ બ્રિક્સનો કેવી રીતે નાશ કરવો તેની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે.

ધ હિન્દુના અહેવાલ મુજબ ગુજરાતની મુલાકાતે આવેલા નીતિ આયોગના વાઇસ ચેરમેને ગુજરાત શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પાછળ હોવાનું કહ્યું હતું.

ડૉ. રાજીવ કુમારે કહ્યું હતું કે રાજ્ય ઔદ્યોગિકરણમાં હરણફાળ ભરી રહ્યું છે તેમાં કોઇ બેમત નથી, પરંતુ શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં તે અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું જ પાછળ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નીતિ આયોગના વાઇસ ચેરમેન ડૉ. રાજીવકુમારની ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી.

ડૉ. રાજીવકુમારે જણાવ્યું, "આ મુદ્દે મેં ગુજરાત સરકાર સાથે ચર્ચા પણ કરી હતી.

"મને ગુજરાત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે તેમણે રાજ્યના વર્ષ 2018-19ના બજેટમાં શિક્ષણ-આરોગ્ય પાછળ વધુ નાણાકીય ફાળવણી કરી છે."

નવગુજરાત સમયના અહેવાલ મુજબ ડૉ. રાજીવકુમારે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં નીતિ આયોગ ખેડૂતોને કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે ત્રણ વિકલ્પોની જાહેરાત કરશે.

આ ત્રણ વિકલ્પો પૈકી દરેક રાજ્ય પોતાની અનુકૂળતા મુજબના વિકલ્પ અપનાવીને ખેતપેદાશોના ભાવો ખેડૂતને મળી રહે તેવા પ્રયાસો કરી શકશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો