'રાહુલ ગાંધી કોંગ્રેસમાં આંતરિક લોકશાહીની વાત કરે છે, પરંતુ...'

    • લેેખક, રશીદ કિદવઈ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

કોંગ્રેસના 84મા મહાધિવેશન દરમિયાન રાહુલ ગાંધીએ તેમના પિતા રાજીવ ગાંધીની યાદ અપાવી દીધી.

રાજીવ ગાંધીએ પણ કોંગ્રેસનાં સંગઠન તથા રાજકારણમાં આમૂલ પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું.

ત્યારે મોટો સવાલ એ ઊભો થાય છે કે જે બાબતમાં રાજીવ ગાંધી નિષ્ફળ રહ્યા, તે બાબતમાં રાહુલ ગાંધી સફળ થશે ?

શું તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પાર્ટીના સામાન્ય કાર્યકર્તાઓ વચ્ચે ઊભી થયેલી દિવાલને તોડી શકશે.

શું તેઓ નિર્ધનો તથા ધનવાનો વચ્ચેની ખાઈ પૂરી શકશે?

તમને આ પણ વાંચવું ગમશે

કેન્દ્રમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં સરકાર બનશે, ત્યારે ખેડૂતો તથા યુવાનોના જીવનમાં પરિવર્તન લાવવાના તેમના વચનની કસોટી થશે. આ બાબતમાં હજુ સમય લાગશે.

એ પહેલા રાહુલ ગાંધીએ પુરવાર કરવું પડશે કે તેઓ વરિષ્ઠ નેતાઓને નારાજ કર્યા વગર તેમની ટીમ તથા કાર્યસમિતિમાં યુવાનોને વધુ સારું સ્થાન આપી શકે તેમ છે.

સોનિયા અને રાહુલ

બોલવું હંમેશા સરળ હોય છે અને પાળવું મુશ્કેલ.

રાહુલ ગાંધી હંમેશા પાર્ટીમાં આંતરિક લોકશાહીની હિમાયત કરતા રહ્યાં છે, પરંતુ પાર્ટીની કાર્યસમિતિના તમામ 24 સભ્યોને તેમણે 'નૉમિનેશન' દ્વારા પસંદ કર્યા છે.

આ અધિવેશનની ખાસ વાત એ રહી કે કમ સે કમ 2019 સુધી સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીની 'જુગલબંધી' ચાલુ રહેશે.

કોંગ્રેસની જૂની તથા નવી પેઢી માટે આ એક રાહતજનક બાબત ગણી શકાય.

એનડીએથી અંતર જાળવનારા વિરોધપક્ષો માટે પણ આ સ્થિતિ સાનુકૂળ બની રહેશે.

એક તબક્કે એવું લાગતું હતું કે સોનિયા ગાંધી રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેશે, પરંતુ હવે એવું લાગે છે કે સોનિયાએ તેમના નિર્ણય પર પુનર્વિચાર કર્યો છે.

કડવી વાસ્તવિક્તા

બે કારણસર આમ થયું હોય તેમ જણાય છે. એક તો એ કે માતા તરીકે તેઓ પુત્ર રાહુલને સફળ બનાવવા માગે છે.

બીજું એ કે તેમને લાગતું હશે કે સોનિયા ફેક્ટરને કારણે દ્રમુક, આરજેડી, તૃણમુલ, એનસીપી, સપા, બસપા, લેફ્ટ તથા અન્ય પાર્ટીઓ કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે.

પરંતુ તુનકમિજાજી મમતા બેનર્જી, માયાવતી તથા અખિલેશ યાદવ, એમ. કરુણાનિધિ, લાલુપ્રસાદ યાદવ અને શરદ પવાર જેવા દિગ્ગજો વચ્ચેનો ગજગ્રાહ કડવી વાસ્તવિક્તા છે.

વર્ષ 1975-77ની યુતિ સરકાર સમયે જયપ્રકાશ નારાયણ તથા સંયુક્ત મોરચા સરકારોમાં ડાબેરી નેતા હરકિસનસિંહ સુરજીતને જેવું સન્માન મળતું, તેવું જ સન્માન મહદંશે સોનિયા ગાંધીને મળી રહ્યું છે.

તેમના નામ ઉપર પરસ્પર વિરોધી પાર્ટીઓ પણ એક થઈ જાય તેવી શક્યતા છે.

તાકતવર અને પ્રાસંગિક

એ પણ સમજવું ઘટે કે રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધીએ ખુદને સત્તાધીશ તરીકે નહીં, પરંતુ સત્તાના સંરક્ષક તરીકે પ્રોજેક્ટ કર્યાં છે.

2004 થી 2014 દરમિયાન સોનિયા ગાંધીએ દેખાડી દીધું કે તેઓ વડાંપ્રધાન બન્યા વગર પણ તાકતવર અને પ્રાસંગિક રહી શકે છે

રાહુલ ગાંધીએ પણ 48 વર્ષની ઉંમરે મનમોહનસિંહની સરકારમાં પ્રધાન બનવાનું ટાળ્યું હતું.

હજુ પણ રાહુલ ગાંધી ખુદને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ નથી કર્યા અને તેમાં કોઈ ઉતાવળ પણ નથી કરી રહ્યા.

બીજી બાજુ, નરેન્દ્ર મોદી વિરોધી દળોનું નેતૃત્વ લેવામાં રાહુલ ગાંધી ખચકાઈ રહ્યાં છે, જે તેમના માર્ગનો સૌથી મોટો અવરોધ છે.

મોદી સામે મુકાબલો

વર્ષ 1951-52થી લઈને અત્યારસુધીની તમામ લોકસભા ચૂંટણીઓ કોઈ ચહેરાને કેન્દ્રસ્થાને રાખીને જ લડવામાં આવી છે.

1951-52, 1957 તથા 1962ની ચૂંટણીમાં કોંગ્રેસની સફળતાનું મોટું કારણ પંડિત નહેરુ હતા.

ઇંદિરા ગાંધીએ પણ આજીવન રાષ્ટ્રીય રાજકારણનાં પરિદૃશ્યમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.

રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી તથા સોનિયા ગાંધીના જીવનમાં પણ આવા તબક્કા આવ્યા. જોકે, પી.વી. નરસિંહ્મારાવ તથા મનમોહનસિંહ ક્યારેય ચમકી ન શક્યા.

આજના સમયના વિપક્ષની સ્થિતિ જોતા કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ પાસે મોદીની સામે ઉતરી શકે તેવો દિગ્ગજ નેતા નથી.

વિપક્ષની નબળાઈ

2019ની ચૂંટણી દરમિયાન આ બાબત વિપક્ષની સૌથી મોટી નબળાઈ બની રહેશે.

ઇંદિરા ગાંધીની જેમ જ મોદી પણ દરેક ચૂંટણીને 'મારી વિરુદ્ધ બધાય'ની ચૂંટણીમાં ફેરવી નાખવાની તથા તેને જીતવાની ક્ષમતા ધરાવે છે.

ઇંદિરા ગાંધીએ જોયું કે સમાજવાદી વિચારસરણી ધરાવતા નેતાઓ તથા પછાત વર્ગના નેતાઓ લોહિયા સાથે સામંજસ્ય સાધવા પ્રયાસ કરી રહ્યા છે.

તે સમયે ઇંદિરાએ 'મહિલા હોવાની' તથા 'શાલીન પૃષ્ઠભૂમિ'નો આધાર લીધો હતો.

1967માં 20મી જાન્યુઆરીએ ઇંદિરા ગાંધીએ કહ્યું હતું કે, મહિલા હોવું એ તેમની શક્તિ છે.

અન્ય એક ભાષણમાં તેમણે કહ્યું કે 'આખો દેશ મારો પરિવાર છે' ત્યારે કેટલાંક લોકોએ તેમને 'મધર ઇંડિયા' કહ્યાં હતાં.

એ અરસામાં જ જયપુર ખાતે યોજાયેલી એક જાહેરસભામાં ઇંદિરા ગાંધીએ ત્યાંના મહારાણી ગાયત્રી દેવી તથા પૂર્વ રાજવી પરિવારો પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

1962ની લોકસભા ચૂંટણીમાં મહારાણી ગાયત્રી દેવીનો ભારે સરસાઈ સાથે વિજય થયો હતો.

કોંગ્રેસનો ઇતિહાસ

સ્વતંત્ર પાર્ટીનાં સમર્થક ગાયત્રી દેવી ઇંદિરા ગાંધીના પ્રખર વિરોધીઓમાંથી એક હતા. તેઓ જનસંઘ સાથે પણ નિકટતા ધરાવતા હતા.

ઇંદિરા ગાંધી મતદાતાઓને એક સવાલ પૂછતા, "જઈને તમારા મહારાજાઓ અને મહારાણીઓને પૂછો કે જ્યારે તમે રાજ કરતા હતા, ત્યારે તમે તમારી જનતા માટે શું કર્યું? અંગ્રેજો સામેની લડાઈમાં તમે શું ફાળો આપ્યો હતો?

દાયકાઓ પછી મોદીએ તેમની 'ચાવાળાની ગરીબ પૃષ્ઠભૂમિ'નો ઉપયોગ કોંગ્રેસના 'સંપન્ન નેતૃત્વ'ના વિરોધમાં ઉપયોગ કર્યો. મણિશંકર ઐય્યરના નિવેદનને કારણે પણ મોદીને ખાસ્સો લાભ થયો હતો.

કોંગ્રેસનું 84મું મહાધિવેશન અનેક બાબતોને કારણે યાદગાર બની રહ્યું. મંચ પર એવું એક પણ બેનર ન હતું, જે કોંગ્રેનો ઇતિહાસ દેખાડી શકે.

મંચ પર મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, સરકાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ કે ઇંદિરા ગાંધી કોઈની તસવીર ન હતી.

યથાસ્થિતિવાદી વલણ

વરિષ્ઠ નેતાઓને બેઠક વ્યવસ્થાના આધારે રાહુલ ગાંધીની પસંદ-નાપસંદના સંકેત મળે તેવી શક્યતા હોવાને કારણે તેમને મંચ પર સ્થાન આપવામાં આવ્યું ન હતું.

આ બેઠકમાં પાર્ટીની કાર્યસમિતિના તમામ 24 પદાધિકારીઓને 'નૉમિનેટ' કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

જેને કારણે પાર્ટીમાં પરિવર્તન લાવવાના પ્રયાસોની ઉપર કોંગ્રેસના જૂના અને દિગ્ગજ નેતાઓનું યથાસ્થિતિવાદી વલણ ભારે પડ્યું હોય તેમ જણાય છે.

હાલમાં પાર્ટી સામે જે પડકારો છે, તેની ઉપર ચર્ચા કરવાની છૂટ પાર્ટીના નેતૃત્વે આપી ન હતી.

વિચારધારા સંબંધિત સવાલો જેમ કે, જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની હોય ત્યાં મુખ્યપ્રધાન તરીકેને ચહેરો જાહેર કરવો જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

ઈવીએમનો વિરોધ કરવો કે નહીં ? બેલેટ પેપર વ્યવસ્થા ફરી લાગુ કરવાની માગ કરવી કે નહીં, તેવો સવાલ પણ હતો.

મમતા બેનર્જી તથા માયાવતી જેવાં સાથી પક્ષોને ઈવીએમનો મુદ્દો પસંદ પડે તેવી શક્યતા હતી.

પરંતુ એ પહેલા કોંગ્રેસે તેના જ લાખો સમર્થકોને પૂછવું જોઈએ કે તેમને ઈવીએમ પર શંકા છે કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો