You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુ.કે.માં ગુજરાતી શીખીને શિક્ષિકાએ મેળવ્યું 6 કરોડનું ઇનામ
- લેેખક, સીન કોઘલાન
- પદ, બીબીસી ન્યૂઝના શિક્ષણ તથા પારિવારિક બાબતોના સંવાદદાતા
વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકને શોધવા માટેની સ્પર્ધામાં ઉત્તર લંડનનાં એક શિક્ષિકાને વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે.
બ્રેન્ટની એક સેકન્ડરી સ્કૂલમાં આર્ટ અને ટેક્સટાઈલ્સનો વિષય ભણાવતાં આંદ્રિયા ઝફિરાકોઉને આ માટે 7,20,00 પાઉન્ડ એટલે કે આશરે 6.51 કરોડ રૂપિયાના મૂલ્યનું ઈનામ જીત્યાં છે.
આંદ્રિયાએ તેમના વિદ્યાર્થીઓએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેની વાત કરી હતી.
જોકે, આ પુરસ્કાર સ્વીકારતી વખતે તેમણે સ્કૂલોમાં સૌથી ગરીબ વર્ગના સ્ટુડન્ટ્સ માટે કળાને વધુ મહત્ત્વ આપવાની હાકલ કરી હતી.
બ્રિટનનાં પહેલાં વિજેતા
આંદ્રિયા ઝફિરાકોઉ 170થી વધુ દેશોના ટીચર્સને પાછળ છોડીને આ પુરસ્કાર જીતનારાં બ્રિટનનાં પહેલાં શિક્ષિકા બન્યાં હતાં.
શિક્ષણ ક્ષેત્રે સખાવતનું કામ કરતી વાર્કે ફાઉન્ડેશન નામની સંસ્થાએ 2015થી આ પુરસ્કાર આપવાની શરૂઆત કરી છે.
આ પુરસ્કાર માટે 173 દેશોમાંથી 30,000થી વધુ નોમિનેશન્શ મળ્યાં હતાં.
શિક્ષણના વ્યવસાયને વધારે ઊંચો દરજ્જો આપવાના હેતુસર આ પુરસ્કાર આપવામાં આવે છે અને પુરસ્કારના વિતરણનો સમારંભ દુબઈમાં ઓસ્કર એવોર્ડની શૈલીમાં યોજવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મેએ આંદ્રિયા ઝફિરાકોઉને અભિનંદન આપતો વીડિયો મેસેજ મોકલ્યો હતો.
તેમાં થેરેસા મેએ જણાવ્યું હતું કે મહાન શિક્ષકો માટે "ઉલ્લાસભર્યો અભિગમ, કૌશલ્ય અને ઉદાર હૃદય" હોવું જરૂરી છે.
આંદ્રિયા ઝફિરાકોઉને સન્માનવા માટે યોજાયેલા સમારંભમાં બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આપેલા ભાષણમાં આંદ્રિયા ઝફિરાકોઉએ જણાવ્યું હતું કે સ્કૂલો સલામત સ્વર્ગ જેવી હોવી જોઈએ. તેમણે કળાના વિષયોના મૂલ્યોને સ્કૂલોમાં વધુ મહત્ત્વ આપવાની હાકલ પણ કરી હતી.
તેમણે કહ્યું હતું, "ખાસ કરીને ગરીબ વર્ગના લોકોના જીવન પરિવર્તન સંબંધે કળામાં જે તાકાત છે તેની આપણે મોટેભાગે અવગણના કરીએ છીએ."
આલ્પેર્ટન કમ્યુનિટી સ્કૂલનાં શિક્ષિકા આંદ્રિયાએ સ્થાનિક સમાજમાં તેમજ વિદ્યાર્થીઓ માટે કરેલા કામને વખાણવામાં આવ્યું હતું.
ગુજરાતી, હિન્દી, તમિલ ભાષા શીખ્યાં
લંડન બોરોમાં 130 અલગ-અલગ ભાષાઓ બોલાય છે અને બ્રિટનમાં વંશીય દૃષ્ટિએ આ વિસ્તારને સૌથી વધુ વૈવિધ્યસભર વિસ્તારો પૈકીનો એક ગણવામાં આવે છે.
આંદ્રિયા ઝફિરાકોઉએ જણાવ્યું હતું કે ઉત્તર લંડનના આ હિસ્સામાં વસતા વિવિધ પ્રકારની ભાષા બોલતા લોકો એક "સુંદર પડકાર" છે, જેનાથી ગુંજારવભર્યું વાતાવરણ સર્જાય છે.
આંદ્રિયા ઝફિરાકોઉ હિન્દી, ગુજરાતી અને તમિલ જેવી ભાષા શીખ્યાં હતાં. એ પછી સ્કૂલ સાથે સ્ટુડન્ટ્સને સાંકળવા માટે ઘરે-ઘરે ફર્યાં હતાં.
સ્ટુડન્ટ્સને સલામતીની ખાતરી કરાવવા અને સ્ટુડન્ટ્સ ઘરેથી સ્કૂલે તથા સ્કૂલેથી ઘરે સલામત રીતે પહોંચે એ પોલીસના સહકાર વડે સુનિશ્ચિત કરાવવા બદલ આંદ્રિયાને વખાણવામાં આવ્યાં હતાં.
આંદ્રિયા ઝફિરાકોઉએ લાંબા સમય સુધી શિક્ષિકા તરીકે જ કામ કરતાં રહેવું પડશે, કારણ કે પુરસ્કાર વિજેતાએ અવોર્ડ મળ્યા પછી કમસેકમ પાંચ વર્ષ સુધી શિક્ષણકાર્ય કરતા રહેવું જરૂરી છે.
વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકની સ્પર્ધાના આયોજક વાર્કે ફાઉન્ડેશનના સ્થાપક સની વાર્કેએ એવી આશા વ્યક્ત કરી હતી કે શિક્ષણ ક્ષેત્રે પ્રવેશવા ઇચ્છતા લોકોને આંદ્રિયા ઝફિરાકોઉનાં કાર્યોમાંથી પ્રેરણા મળશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો