સરકારનું એક વર્ષ: 'માત્ર યોગીના દિવસો બદલાયા'

    • લેેખક, શરત પ્રધાન
    • પદ, બીબીસ ગુજરાતી માટે

બાર મહિના પહેલાં યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો હતો.

એ સમયે એવું પ્રતીત થઈ રહ્યું હતું કે ભારતના સૌથી મોટા પ્રદેશમાં કંઈક નવું થવાનું છે.

ઇતિહાસમાં પહેલીવાર કોઈ કેસરી કપડાં ધારણ કરેલા સાધુ રાજ્યની સૌથી મોટી સત્તા પર બિરાજમાન થયા હતા.

આજે યોગી આદિત્યનાથને આ ખુરસી પર બિરાજમાન થયે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે.

વચનોની લ્હાણી

19 માર્ચ 2017ના રોજ જ્યારે યોગીએ મુખ્યમંત્રી પદ ગ્રહણ કર્યું ત્યારે વચનોની લ્હાણી કરી દીધી હતી.

તેમણે તેમનાં પહેલાં ભાષણમાં લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ હવામાં વાત નથી કરી રહ્યા અને ખરેખર ઉત્તર પ્રદેશની કાયાપલટ કરી દેશે.

ત્યારે પણ લોકોને એ વાતની સમજ હતી કે રાજ્યની દરેક સમસ્યા પાછળ મૂળ કારણ ભ્રષ્ટાચાર છે.

તમને આ પણ વાંચવું ગમશે

જનતાના મગજમાં એવું હતું કે રાજ્યને લાંબા સમય પછી એક પ્રામાણિક વ્યક્તિ મુખ્યમંત્રી તરીકે મળી છે.

લોકોમાં એવી ધારણા બંધાઈ હતી કે હવે રાજ્યના દિવસો બદલાશે.

દિવસો બદલાયા

દિવસો તો બદલાયા પણ માત્ર યોગી આદિત્યનાથ માટે.

ગોરખનાથ મંદિરના મહંત જે જાહેરમાં જનતાને દર્શન આપતા હતા અને તેમની સમસ્યા સાંભળતા હતા.

હવે તેઓ બ્લેક કમાન્ડોની સુરક્ષામાં એક કિલ્લામાં અંદર રહેવા લાગ્યા છે.

એ આદિત્યનાથ જે વાસ્તવિક સ્થિતિને સમજવા માટે ખુદ જમીન પર રહેતા હતા, હવે નીચેનાં દ્રશ્યો જોવા હેલિકોપ્ટરનો ઉપયોગ કરવા લાગ્યા છે.

સુરક્ષાકર્મીઓ અને નોકરશાહીથી હંમેશા ઘેરાયેલા આદિત્યનાથ હવે "ફિલ્ટર્ડ" સૂચનાઓ પર નિર્ભર થઈ ગયા છે.

હાં, એમની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં જ સિમિત રહેનારા સાધુઓ ભાજપના રાષ્ટ્રીય સ્તરના "સ્ટાર કૅમ્પેનર" બની ગયા છે.

મઠાધીશ

વર્ષો સુધી મઠાધીશ હોવાના કારણે પોતાની વાત મનાવવાની તેમને આદત પડી ગઈ છે અને બીજાની વાત સાંભળવાની નહીં.

મઠના ભક્તોને તો દિવસને પણ રાત કહેવાની આદત હતી. પરંતુ લોકશાહીમાં એક સર્વોચ્ચ પદ પર બેસીને મઠાધીશ બની રહેવું શક્ય નથી.

પરંતુ સ્વાર્થી, ભ્રષ્ટ અને કામ ન કરનારા નેતાઓ અને નોકરશાહી સમય સાથે હાવી થતા ગયા.

યોગી અને જનતા વચ્ચે અંતર વધતું ગયું

જે વાહવાહીની બીમારીએ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને બહુજન સમાજવાદી પાર્ટીની માયાવતીને ડૂબાડી દીધી. એ જ બીમારી યોગીને પણ ઘેરી રહી છે.

યોગી આદિત્યનાથની સરકારને પણ ઉધઈ લાગી રહી છે, જેનાથી તેઓ બેખબર છે.

"હાં, મુખ્યમંત્રીજી" સાંભળવાની આદત નથી એટલે જ્યારે કોઈ વાસ્તવિકતાનો અહેસાસ કરાવવા પ્રયાસ કરતું તો એ વ્યક્તિ દુશ્મન બની જતી.

એટલી હદ સુધી કે જ્યારે તેમના પોતાના શહેર ગોરખપુરના સરકારી હોસ્પિટલમાં 70 બાળકો ઑક્સિજનની અછતના કારણે મૃત્યુ પામ્યાં, ત્યારે તેમણે દોષનો ટોપલો મીડિયા પર ઠાલવ્યો.

ખોટા સમાચાર ફેલાવવા માટે મીડિયાને દોષી ઠેરવ્યું હતું અને એ ડીએમનો બચાવ કર્યો હતો જેઓ દુર્ઘટના માટે જવાબદાર હતા.

દોષીનો બચાવ

તેમના પ્રિય ડીએમને ત્યારે પદ પરથી બરખાસ્ત કર્યા જ્યારે પાણી માથા ઉપરથી વહેવા લાગ્યું. DMની લાપરવાહીનો પરચો તેમને પેટા ચૂંટણીમાં એ સીટ હારીને ચૂકવવો પડ્યો.

એવી જ રીતે યોગીએ પોતાની આંખો પર પટ્ટી બાંધીને તેમના સહયોગી તેમજ યૂપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને નોકરશાહોના જૂઠાણાઓને સત્ય માની લીધુ કે તેમના પ્રદેશના રોડ રસ્તા ખાડામુક્ત બની ગયા છે.

જ્યારે કે વાસ્તવિકતા એ છે કે લખનઉ છોડીને બીજાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ પર આજે પણ મોટા મોટા ખાડા છે.

કાયદો વ્યવસ્થા

કાયદા વ્યવસ્થાને સુધારવા માટે તેમણે ઍન્કાઉન્ટર કરાવવાનો રસ્તો સાચો માની લીધો અને થોડાંક જ મહિનાઓમાં 1100થી વધારે ઍન્કાઉન્ટર કરાવી દીધાં.

એ વાત અલગ છે કે ઍન્કાઉન્ટરમાં મરનારાઓની સંખ્યા માત્ર 43 છે અને એમાં પણ કેટલાક નાના ક્રિમિનલ્સ છે.

જોકે, ઍન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા આરોપીઓ ઇનામી બદમાશ કહેવાય છે. પરંતુ એમાં એવા પણ છે જેમના પર ઇનામની જાહેરાત તેમના ઍન્કાઉન્ટર થયાના થોડાક દિવસો પહેલાં જ કરવામાં આવી હતી.

અને કેટલાક એવા પણ હતાં જે જેલમાંથી જામીન પર બહાર નીકળ્યા હતા અને તેમનું ઍન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતુ.

ઍન્કાઉન્ટરની હોડ પણ ત્યાં સુધી ચાલી જ્યાં સુધી લખનઉમાં 22-23 ફેબ્રુઆરીના દિવસે એક વિશાળ ઇન્વેસ્ટર સમિટનું આયોજન ન કરવામાં આવ્યું.

ઇન્વેસ્ટર સમિટ

એ સાચું છે કે યૂપીમાં આટલા મોટા પાયે ઇન્વેસ્ટર સમિટ પહેલાં ક્યારેય નથી થઈ જેના આયોજન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોય.

પરંતુ જ્યારે એ વાત બહાર આવી કે પ્રદેશના વાર્ષિક બજેટ સમાન જ સમિટમાં સાઇન કરેલા એમઓયુ પણ 4 લાખ 28 હજાર કરોડના છે, એ સ્પષ્ટ થઈ ગયું કે દાળમાં કંઈક કાળું છે.

નહીં તો ધનરાશીની આવી મેચિંગ વ્યવસ્થા હોવી શક્ય નથી.

બીજી તરફ મુકેશ અંબાણી, કુમાર મંગલમ બીરલા, ગૌતમ અદાણી, આનંદ મહિન્દ્રા જેવા મોટા ઉદ્યોગપતિઓ આ સમિટનો ભાગ બન્યા હોવાથી યોગીનું નાક તો ઊંચુ થયું.

પરંતુ એ ખબર પડતા પણ વાર ન લાગી કે આ બધા જ ઉદ્યોગપતિઓ બીજા પ્રદેશોમાં પણ આ પ્રકારની ઇન્વેસ્ટર સમિટમાં આવા જ મોટા મોટા વચનો આપે છે.

પેટા ચૂંટણીના પરિણામો

પ્રતિષ્ઠા ઊભી થવામાં ભલે સમય લાગતો હોય પરંતુ ઓછી થવામાં સમય નથી લાગતો અને એવું જ થયું.

ગોરખપુર જ્યાંથી તેઓ ખુદ સતત પાંચ વાર લોકસભા સીટથી જીતતા આવ્યા છે, જ્યાંથી તેમના ગુરુ મહંત અવેદ્યાનાથ ત્રણ વખત જીત્યા હતા, ત્યાં 2018માં માર્ચમાં યોજાયેલી પેટાચૂંટણીમાં પોતાના જ સભ્યને જીતાડી ન શક્યા.

તેમણે કોઈ જ ખામી છોડી ન હતી. ભારે પ્રચાર કર્યો હતો. દોઢ ડઝનથી પણ વધારે જનસભાઓ કરી હતી.

તેમણે વાસ્તવિકતામાં હકીકત સમજવા પ્રયાસ કર્યો હોત, જનતા સાથે સંવાદ બનાવી રાખ્યો હોત, પોતાની જાતને બાંધી ન રાખી હોત, દિલદિમાગમાં તાળા ન માર્યા હોત અને સૌથી વધારે જરૂરી પોતાની વિચારસરણીને આટલી સિમિત ન કરી દીધી હોત અને તેમણે તેમના જ નારા "સબકા સાથ-સબકા વિકાસ"ને જ લાગુ કર્યો હોત તો આટલું જલદી આટલું બધું ખોવું ન પડત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો