You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુપી: એન્કાઉન્ટરમાં મુસ્લિમ અને દલિત હોય છે નિશાને?
- લેેખક, મોહમ્મદ શાહિદ
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશ પોલીસે છેલ્લા 10 મહિનામાં કથિત રીતે 1100 એન્કાઉન્ટર કર્યા છે. જેમાં 35થી વધુ કથિત આરોપીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા.
ફિલ્મી જણાતા આ આંકડા એકદમ વાસ્તવિક છે. વિસ્તારની દ્રષ્ટીએ દેશમાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં હાલ એન્કાઉન્ટરની બોલબાલા છે.
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાન પરિષદમાં તેનો શ્રેય પણ લીધો હતો. સાથે જ ઉમેર્યું હતું કે એન્કાઉન્ટર્સ ચાલુ જ રહેશે.
સમાચાર એજન્સી પીટીઆઈએ રાજ્યના મુખ્યમંત્રીને ટાંકતા જણાવ્યું કે 1200 એન્કાઉન્ટરમાં 40 ખતરનાક ગુનેગાર માર્યા ગયા હતા.
બીજી બાજુ, વિપક્ષ પણ સત્તારૂઢ ભાજપ પર નિશાન સાધી રહ્યું છે. સપાનું કહેવું છે કે, સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે એટલે ખામીઓને છૂપાવવા માટે એન્કાઉન્ટરની આડ લેવાઈ રહી છે.
સપાના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "ઉત્તર પ્રદેશના સત્તારૂઢ નેતાઓ બંધારણને નેવે મૂકીને કામ કરી રહ્યા છે.
"ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર છે, યુવાનો પાસે નોકરી નથી તથા ન્યાય માંગવા માટે લખનઉ આવનારાઓ પર લાઠીચાર્જ કરવામાં આવે છે."
બાળકો બન્યા નિશાન
ચાલુ વર્ષે 18મી જાન્યુઆરીના દિવસે મથુરામાં થયેલા એન્કાઉન્ટરમાં એક બાળકનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નોઇડા ખાતે એક કથિત અથડામણમાં મુસ્લિમ શખ્સને ગોળી વાગી હતી.
આથી, રાજ્ય સરકાર પર આરોપ લાગી રહ્યાં છે કે તે લઘુમતી સમુદાયના લોકોને ટાર્ગેટ કરી રહી છે.
ચૌધરી કહે છે, "લોકોને ટાર્ગેટ કરીને તેમની સાથે અન્યાય આચરવામાં આવી રહ્યો છે અને તેમને દંડિત કરવામાં આવી રહ્યાં છે.
"પછાત જાતિઓ, દલિતો, લઘુમતીઓ તથા ખેડૂતોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આથી સીબીઆઈ તપાસ થવી જોઈએ."
ભાજપનો વળતો પ્રહાર
આ આરોપો પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વિધાન પરિષદમાં કહ્યું હતું કે, આવી રીતે અપરાધીઓ પ્રત્યે સહાનુભૂતિ દેખાડવી દુર્ભાગ્યપૂર્ણ છે, જે લોકતંત્ર માટે હાનિકારક છે.
બીબીસી સાથે વાતચીતમાં યુપી ભાજપના મીડિયા પ્રભારી હરિશ્ચંદ્ર શ્રીવાસ્તવે કહ્યું, "અખિલેશ યાદવની સરકાર દરમિયાન ઉત્તર પ્રદેશમાં અરાજક્તાના માહોલ હતો.
"લોકો રસ્તા પર ખુલ્લી તલવારો કાઢીને નીકળતા હતા. માથાભારે લોકો જમીન પર કબજો કરી લેતા અને સપા સરકારના મુખ્યમંત્રીની કચેરીમાં બેસતા હતા."
પછાત, દલિત અને લઘુમતીઓને ટાર્ગેટ કરવામાં આવતા હોવાના વિપક્ષના આરોપને હરિશ્ચંદ્ર શ્રીવાસ્તવે નકારી કાઢ્યા હતા.
સાથે જ ઉમેર્યું હતું કે, મથુરા એન્કાઉન્ટરમાં બાળકની હત્યા માટે જવાબદાર ત્રણ પોલીસવાળાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ચોક્કસ સમુદાય પર નિશાન?
શું પોલીસ એન્કાઉન્ટર્સ રાજકીય રીતે પ્રાયોજિત તથા ચોક્કસ લોકોને ટાર્ગેટ કરવાના હેતુથી કરવામાં આવે છે?
તેના જવાબમાં ઉત્તર પ્રદેશ પોલીસના પૂર્વ આઈજી (ઇન્સ્પકેટર જનરલ) એસ. આર. દારાપુરીએ બીબીસીને જણાવ્યું કે મોટાભાગના એન્કાઉન્ટર્સ રાજકારણથી પ્રેરિત હોય છે તથા 90 ટકા એન્કાઉન્ટર્સ બનાવટી હોય છે.
દારાપુરી કહે છે, "સમાજનો જે વર્ગ સત્તાધારી પક્ષ માટે નકામો હોય અથવા તો જે વર્ગની ઉપર દબાણ લાવવાનું હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે."
"મારી જાણકારી પ્રમાણે એન્કાઉન્ટર્સમાં માર્યા ગયેલા મોટાભાગના આરોપીઓ મુસ્લિમ, અતિ પછાત કે દલિત હતા. કદાચ જ કોઈ સવર્ણ હતા.
પીડિત પરિવારો સાથે મળી ચૂકેલા એક પત્રકારે દાવો કર્યો હતો કે એન્કાઉન્ટર્સમાં મુસ્લિમોની હત્યા કરવામાં આવી છે અથવા ગોળી મારીને છોડી દેવામાં આવ્યા છે.
તેમને સારવાર પણ નથી આપવામાં આવતી. આ ઉપરાંત દલિત અને પછાત જાતિઓના લોકો છે."
તેમણે માગ કરી હતી કે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીઓ કયા સમુદાયના હતા તથા જેમને માત્ર પગમાં ગોળી મારીને છોડી દેવામાં આવ્યા હોય, તેવા આરોપીઓ કયા સમુદાયના હતા, તે અંગેના આંકડા ઉત્તર પ્રદેશ સરકારે બહાર પાડવા જોઈએ.
એન્કાઉન્ટરને ગુનાખોરીને નાથવાના એક હથિયાર તરીકે પણ જોવામાં આવે છે.
યુપીના પૂર્વ ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) પ્રકાશસિંહે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "ગુનાખોરીને નાબુદ કરવા માટે અનેક પગલા લેવાના હોય છે.
યુપીમાં થયેલા હજાર એન્કાઉન્ટરમાં 30થી 35 અપરાધીઓ માર્યા ગયા હોય તો તે કોઈ મોટો આંકડો નથી. આ એન્કાઉન્ટર્સ બનાવટી હોવાનો આરોપ મૂકવો અયોગ્ય ગણાશે."
ઉત્તર પ્રદેશમાં દરેક ચૂંટણી દરમિયાન ગુનાખોરી એક મુદ્દો હોય છે. દેશમાં સૌથી વધુ વસતિ ઉત્તર પ્રદેશમાં છે એટલે ત્યાં ગુનાખોરીનો આંક પણ ઊંચો છે.
પ્રકાશસિંહના કહેવા પ્રમાણે, રાજ્યમાં ગુનાખોરી વકરી ગઈ છે. એક કિસ્સાનો ઉલ્લેખ કરતા પ્રકાશસિંહ કહે છે કે, કેટલાક વર્ષ પૂર્વે એક તસવીર ચર્ચામાં આવી હતી.
જે માફિયા ડોન જેલના સળિયા પાછળ હોવો જોઇતો હતો, તે વિધાનસભામાં ફરી રહ્યો હતો અને એક વીઆઈપી પ્રધાનને મળવા પહોંચ્યો હતો.
ગુનેગારોના માનવાધિકાર
એન્કાઉન્ટર્સ દરમિયાન માનવાધિકારનો પ્રશ્ન ઉઠે છે. તાજેતરના એન્કાઉન્ટર્સ મુદ્દે પણ માનવાધિકાર પંચે યુપી સરકાર પાસેથી જવાબ માગ્યો છે.
પ્રકાશસિંહ કહે છે, "વધતી ગુનાખોરીને નાથવા માટે કડક પગલા લેવા જરૂરી હતા.
સામાન્ય સંજોગોમાં માનવાધિકાર લાગુ થાય છે, પરંતુ એક ગુનેગાર ગોળી ચલાવે એટલે તેના માનવાધિકાર સમાપ્ત થઈ જાય છે.
માનવાધિકારનો મતલબ એવો નથી કે કોઈ ગુનેગાર ફાયરિંગ કરે ત્યારે પોલીસવાળો સામી છાતીએ કહે કે ગોળી માર, અમે મરવા માટે જ ઊભા છીએ."
પ્રકાશસિંહ ઉમેરે છે કે, જ્યારે કોઈ ગુનેગારની ધરપકડ કરવામાં આવે ત્યારે તેની ઉપર અત્યાચાર ગુજારવામાં ન આવે, તેની પાસે હથિયાર ન હોય તો તેની ઉપર હુમલો ન કરવો, વગેરે તેના માનવાધિકાર હેઠળ આવે છે.
આત્મરક્ષામાં ફાયરિંગની વાત સાથે એસ. આર. દારાપુરી પણ સહમત છે, પરંતુ એન્કાઉન્ટર બનાવટી હોય તો?
તેઓ ઉમેરે છે, "હું પોલીસ તંત્રમાં હતો. મારું માનવું છે કે 90 ટકા એન્કાઉન્ટર્સ નકલી હોય છે.
મારું માનવું છે કે જવલ્લે જ સાચા એન્કાઉન્ટર થાય છે. મોટાભાગના એન્કાઉન્ટર વ્યવસ્થિત કે રાજ્ય પ્રાયોજિત હોય છે."
એન્કાઉન્ટર્સને કારણે ગુનાખોરી પર નિયંત્રણ લાવી શકાય ? આ સવાલ પર પ્રકાશસિંહ તથા દારાપુરી સહમત નથી. તેમનું કહેવું છે કે આ માટે પોલીસની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે.
દારાપુરી કહે છે, "પોલીસતંત્રની પણ સમસ્યાઓ છે. પોલીસકર્મીઓની સંખ્યા બહુ થોડી છે.
ઉપરાંત વીઆઈપી સુરક્ષા, પરીક્ષા ડ્યુટીમાં પણ પોલીસતંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. મૂળ કામ તો થતું જ નથી, જેના કારણે ગુનાખોરી પર કાબુ મેળવવો મુશ્કેલ બની જાય છે."
અગાઉ પણ એન્કાઉન્ટર્સ સંબંધિત વિવાદ થતા રહ્યા છે. સોહરાબુદ્દીન શેખ, ઇશરત જહાં, હાશિમપુરા એન્કાઉન્ટર ચર્ચિત રહ્યા હતા અને કોર્ટ સુધી પહોંચ્યા હતા.
ઉત્તર પ્રદેશમાં ચાલુ થયેલો એન્કાઉન્ટર્સનો ક્રમ આગળ પણ ચાલુ રહેશે કે નહીં, તે જોવું રહ્યું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો