માતાએ દીકરાને કર્યો 'પુનર્જીવિત', આવી રીતે બન્યું શક્ય

    • લેેખક, સાગર કાસાર
    • પદ, બીબીસી સંવાદદાતા, પૂણે

બે વર્ષ પહેલા કેન્સરને કારણે મૃત્યુ પામેલા પુત્રને તેમની માતાએ કોશિશ કરીને 'પુનર્જીવિત' કરી દીધો છે.

ખરેખર વાત એમ છે કે, પૂણેના 49 વર્ષીય રાજશ્રી પાટિલે 'સરોગેટ મધર'ની મદદથી પોતાના અપરિણીત પુત્રના જોડિયાં બાળકોને જન્મ અપાવ્યો.

આ કોઈ ચમત્કાર નહીં પણ વિજ્ઞાનનું કામ છે, જેનાથી એક માયૂસ માતાના ચહેરા પર સ્મિત આવ્યું.

પ્રથમેશના જોડિયાં બાળકોનો જન્મ તેમના શુક્રાણુઓની મદદથી કરાવવામાં આવ્યો.

તેમના શુક્રાણુઓને મૃત્યુ પહેલા જ સાચવી લેવાયા હતા.

'મારો પ્રથમેશ મને પાછો મળી ગયો'

પૂણેના સિંઘડ કોલેજમાં અભ્યાસ બાદ રાજશ્રીના પુત્ર પ્રથમેશ વર્ષ 2010માં વધુ અભ્યાસ માટે જર્મની જતાં રહ્યા.

જોકે, વર્ષ 2013માં ખબર પડી કે તેમને 'બ્રેન ટ્યુમર' થયું છે, જે જોખમી સ્તરે પહોંચી ગયું હતું.

આ સમયે તેમના વીર્યને સંરક્ષિત કરી લેવાયા હતા. બાદમાં આ વીર્યનો 'સરોગસી' માટે ઉપગોય કરવામાં આવ્યો.

જેથી 35 વર્ષીય 'સરોગેટ મધરે' એક બાળકી અને બાળકને જન્મ આપ્યો.

તમને આ પણ વાંચવું ગમશે

રાજશ્રી પાટિલે બીબીસીને જણાવ્યું, "મને મારો પ્રથમેશ પાછો મળી ગયો. હું મારા પુત્રને ઘણો જ પ્રેમ કરતી હતી.

"તે અભ્યાસમાં તેજસ્વી હતો અને જર્મનીમાંથી તે ઇજનેરીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો હતો.

"આ જ સમયે તેને ચોથા તબક્કાનું કેન્સર હોવાની ખબર પડી. ડૉક્ટરોએ સારવાર શરૂ કરતા પહેલા તેના વીર્યને સંરક્ષિત કરી લેવા માટે કહ્યું હતું."

પ્રથમેશે તેમની માતા અને બહેનને પોતાના મૃત્યુ બાદ આ વીર્યના નમૂનાનો ઉપયોગ કરવા માટેના હક આપ્યા હતા.

રાજશ્રીને એ વાતનો જરાય અંદાજ ન હતો કે આની મદદથી તે તેમના પુત્રને ફરીથી પાછો મેળવી શકે છે.

મૃત પુત્રના સંરક્ષિત વીર્યને પરિવાર બહારની વ્યક્તિના શુક્રાણુઓ સાથે ફલિત કરવામાં આવ્યા.

ત્યાર બાદ તેને એક નજીકના સંબંધીના ગર્ભમાં રાખવામાં આવ્યા હતા.

27 વર્ષના જવાન પુત્રના મૃત્યુ પર રાજશ્રી રડ્યા નહોતા. તેમણે પુત્રના શુક્રાણોનો સરોગસી માટે ઉપયોગ કર્યો.

12મી ફેબ્રુઆરીએ પ્રથમેશના જોડિયા બાળકોનો જન્મ થયો હતો.

તેમની દાદી રાજશ્રીએ બાળકોને ભગવાનનો આશીર્વાદ ગણીને બાળકનું નામ પોતાના પુત્ર પ્રથમેશ પરથી 'પ્રથમેશ' રાખ્યું અને બાળકીનું નામ 'પ્રીશા' રાખ્યું.

જર્મની સુધીની સફર

પોતાના પુત્રને પરત મેળવવા માટે રાજશ્રીએ જર્મની સુધીની સફર કરી.

તેમણે જર્મની જઈને પુત્રનું વીર્ય સંરક્ષિત કરવા માટે જરૂરી તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી.

પૂણે પરત આવીને તેમણે સહયાદ્રી હૉસ્પિટલમાં 'આઈવીએફ' (ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન)પદ્ધતિની મદદ લીધી.

આઈવીએફના નિષ્ણાત ડૉક્ટર સુપ્રિયા પુરાણિક કહે છે, "આઈવીએફ પ્રક્રિયા અમારા માટે રોજિંદુ કામ છે. "

"પણ આ કેસ ઘણો જ અલગ હતો કેમકે, આ કેસમાં એક માતાની લાગણીઓ જોડાયેલી હતી.

"રાજશ્રી કોઈ પણ કિંમતે પોતાના પુત્રને પાછો મેળવવા માંગતા હતા.

"સમગ્ર ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન રાજશ્રીનું વલણ ઘણું જ સકારાત્મક રહ્યું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો