દેશની સુરક્ષા માટે ભાજપના સાંસદ દ્વારા રક્ષા મહાયજ્ઞ

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

દેશને આંતરિક અને બહારની શક્તિઓથી બચાવવા માટે ભાજપના પૂર્વ દિલ્હીથી સાંસદ મહેશગિરી રાષ્ટ્ર રક્ષા મહાયજ્ઞનું આયોજન કરી રહ્યા છે.

આ મહાયજ્ઞ 18 માર્ચે શરૂ થશે અને 25મી માર્ચે પૂર્ણ થશે.

યજ્ઞમાં ઉપયોગમાં લેવા માટે જળ, માટી, ઘી અને અન્ય સામગ્રીની વ્યવસ્થા દેશના લોકો પાસેથી જ કરવાની યોજના છે.

રાષ્ટ્ર રક્ષા મહાયજ્ઞની વિધિ

સૌથી પહેલાં મહાયજ્ઞમાં કુંડની સ્થાપના માટે જળ અને માટીની જરૂર પડશે.

તેના માટે ખુદ ગૃહમંત્રીએ સૌથી પહેલી વ્યવસ્થા કરી છે. બુધવારે ડોકલામ, સિયાચિન, પુંછ અને વાઘા બોર્ડર પર દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહે રથ રવાના કર્યા છે.

ભાજપના સાંસદ મહેશગિરીએ તેની જાણકારી આપતા બીબીસીને કહ્યું કે રાજનાથ સિંહે જે રથ રવાના કર્યા છે કે સાંકેતિક છે.

વાસ્તવમાં, તેમના કાર્યકર્તાઓ ખુદ સરહદો પર જઈને ત્યાંથી માટી અને જળ લઈ દિલ્હી પરત ફરશે.

મહેશગિરીના જણાવ્યા પ્રમાણ, "સિયાચિન અને ડોકલામથી જળ-માટી સામાન્ય માણસ લાવી શકે નહીં આ માટે આઇટીબીપીના ડીજીનો સંપર્ક કરવામાં આવ્યો છે કારણ કે તેમને પણ આ યજ્ઞમાં હિસ્સો મળી શકે.

દેશની સરહદો પરથી એકત્ર કરવામાં આવેલી માટીથી રક્ષા મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવશે. મહાયજ્ઞની બધી તૈયારીઓ શ્રી યોગિની પીઠમ તરફથી કરવામાં આવી રહી છે.

ચાર ધામથી માટી લાવવાની વિધિ

સીમાથી જોડાયેલા વિસ્તારો સિવાય દેશના ચાર ધામ બદ્રીનાથ, દ્વારકાધીશ, જગન્નાથ અને રામેશ્વરમથી પણ માટી લાવવામાં આવશે. ચાર માર્ચ સુધી જળ માટી લાવવાની વિધિ પૂર્ણ કરી લેવામાં આવશે.

કુંડની વ્યવસ્થા બાદ વારો આવશે આહુતિ માટે ઘી એકઠું કરવાનો, તેના માટે શરૂ કરવામાં આવશે 'ઘી રથ યાત્રા' અભિયાન.

તેના માટે દેશના વિવિધ શહેરોમાં રથ મોકલવામાં આવશે. શ્રી યોગિની પીઠમના કાર્યકર્તાઓ રથમાં દરેક ઘરેથી એક ચમચી ઘી એકત્ર કરશે. આ ઘીનો ઉપયોગ યજ્ઞમાં કરવામાં આવશે.

તમે ઇચ્છો તો પેટીએમ દ્વારા 11 રૂપિયા દાન કરીને પણ તમારા નામનું ઘી દાન કરી શકો છો.

'નહેરુ યુગમાં થયો હતો આવો યજ્ઞ'

મહાયજ્ઞમાં મા પરામ્બા ભગવતી બગલામુખીની આરાધના કરવામાં આવશે. મહેશગિરીના જણાવ્યા પ્રમાણે ભગવતી બગલામુખી રાજ વ્યવસ્થાની દેવી છે.

વેદ પુરાણમાં પણ તેમનો ઉલ્લેખ છે. મહેશગિરીના જણાવ્યા પ્રમાણે, "ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્મા બધા મા બગલામુખીના ઉપાસક હતા. ગ્વાલિયર પાસે દતિયામાં તેમની પીઠ છે."

દેશના ઇતિહાસમાં ક્યારેય આવો યજ્ઞ થયો હતો કે નહીં તેના જવાબમાં મહેશગિરી કહે છે કે બગલામુખી દતિયા પીઠમાં ભારત-ચીન યુદ્ધ દરમિયાન ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નહેરુએ પણ આ યજ્ઞ કરાવ્યો હતો. એ સમયે 51 કુંડમાં યજ્ઞ થયા હતા.

જોકે, નહેરુના સમયમાં આવો કોઈ યજ્ઞ થયો હોય તેનું કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી.

લાલકિલ્લામાં થશે મહાયજ્ઞ

ભારતનો એ યુદ્ધમાં પરાજય થયો હતો તો આ જ યજ્ઞને ફરીથી કરવાથી રાષ્ટ્રની રક્ષા કેવી રીતે થશે?

આ સવાલના જવાબમાં મહેશગિરી કહે છે કે નહેરુના એ યજ્ઞ બાદ તુરંત જ ચીનની સેના સરહદ છોડીને પરત જતી રહી હતી. ચીન ઇચ્છતું સેનાને દેશમાં અંદર મોકલી શકતું હતું.

મહાયજ્ઞ દિલ્હીના લાલકિલ્લા મેદાનમાં થશે. 1,111 બ્રાહ્મણ તેમાં ભાગ લેશે. તેની શરૂઆત પંડિત બ્રહ્મ ઋષિ ચન્દ્રમણિ મિશ્રા કરશે. જેઓ ભગવતી બગલામુખીના ઉપાસક છે. યજ્ઞમાં અંદાજે 2.25 કરોડ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવશે.

યજ્ઞનો ઉદેશ શું હશે?

દેશમાં ના તો ગૃહયુદ્ધનો માહોલ છે કે ના તો ચૂંટણીનો. દેશમાં લોકસભાની ચૂંટણીઓ 2019માં થવાની છે. તો પછી આ યજ્ઞનો ઉદ્દેશ શું છે?

મહેશગિરીના જણાવ્યા પ્રમાણે આ યજ્ઞમાં સંકલ્પો લેવામાં આવશે તે બાદ દેશ તેની રીતે જ સુરક્ષિત થઈ જશે.

  • મહિલાઓના સમ્માનનો
  • બંધારણની રક્ષાનો
  • દરેક નાગરિકે મતદાન કરવાનો
  • પર્યાવરણ બચાવવાનો
  • સ્વચ્છ ભારત રાખવાનો
  • ભ્રષ્ટાચારથી મુક્તિનો
  • આતંકવાદ, સંપ્રદાયવાદ અને જાતિવાદથી મુક્તિનો સંકલ્પ

આ સંકલ્પ મિસ્ડ કૉલ દ્વારા પણ લઈ શકાશે. રાષ્ટ્ર રક્ષાના આ મહાયજ્ઞમાં આહુતિ આપવા માટે દેશના વડાપ્રધાનથી લઈને સામાન્ય લોકોને પણ આમંત્રણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો