ઓડિશાના 'માઉન્ટન મૅન' જેમણે બે પર્વતો ખોદી રસ્તો બનાવ્યો!

ઓડિશાના આદિવાસી જિલ્લા બહુલ કંધમહાલના રહેવાસી જલંધર નાયકે કહ્યું કે તેણે ક્યારેય 'બિહારના માઉન્ટન મેન' દશરથ માંઝી વિશે સાંભળ્યું નથી.

પરંતુ દશરથની જેમ જલંધર પણ છેલ્લાં બે વર્ષથી પોતાના ગામમાં પહાડ કાપીને રસ્તો બનાવવામાં વ્યસ્ત હતા.

તેઓ પોતાના ગામ ગુમસાહિને 15 કિલોમીટર દૂર ફૂલબની શહેર સાથે જોડવા માંગે છે.

ગુમસાહિ અને ફૂલબનીની વચ્ચે નાના મોટા પાંચ પહાડો આવેલા છે.

જેમાંથી જલંધર બે પહાડો કાપીને રસ્તો બનાવી ચૂક્યા છે.

છેલ્લાં બે વર્ષથી તે દરરોજ હથોડા, કોદાળી અને પાવડા લઈને સાત-આઠ કલાક સખત પરિશ્રમ અને કડક મહેનત કરીને પહાડ તોડી રહ્યા છે.

'ચારપૈડાં વાળી ગાડી પણ જઈ શકે'

ગામમાં રોડ, વીજળી, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાને કારણે ઘણા પરિવારો ગામમાંથી સ્થાળાંતર કરી અન્ય વિસ્તારોમાં વસવાટ કરવા જતા રહ્યા છે.

પરંતુ જલંધર તેમનું ગામ અને પોતાની ખેતી છોડીને ક્યાંય જવા માગતા નથી.

45 વર્ષના જલંધર કહે છે કે તેમણે આ બીડું એટલે ઝડપ્યું કે તેમનાં ત્રણ બાળકોનું જીવન સરળ થઈ શકે.

તેમના બાળકોને શાળા સુધી પહોંચવા માટે દરરોજ પાંચ પર્વતો ચડવા પડે છે.

આ કઠોર કામ જલંધર એકલા હાથે કરી રહ્યા છે તેમાં તેમને કોઈની મદદ મળી નથી.

થોડા સમય પહેલાં વિશ્વમાં જસંધરના આ ભગીરથ કાર્ય વિશે કોઈ જાણતું ન હતું.

આ મહિનાની શરૂઆતમાં ઓડિશાની ટીવી ચેનલ 'ન્યૂઝ વર્લ્ડ ઓડિશા'ના પત્રકાર શિવ બિશ્વાલે તેમના આ સાહસિક પ્રયાસની વાત દુનિયા સમક્ષ રજૂ કરી.

બિશ્વાલે બીબીસીને ફોન પર કહ્યું કે જલંધર દ્વારા બનાવેલા માર્ગ પર માત્ર મોટરસાયકલ જ નહીં પણ ચાર-પૈડાં વાળી ગાડી પણ જઈ શકે છે.

બિશ્વાલે કહ્યું, "મને આશ્ચર્ય એ વાતનું થયું કે પર્વતને કાપીને માર્ગ બનાવતી વખતે તેમણે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે એક પણ વૃક્ષ કપાઈ ન જાય."

આગળના રસ્તો પ્રશાશન બનાવશે

કંધમાહાલના કલેક્ટર વૃંદા ડીએ બુધવારે ફુલબની સ્થિત તેમની કચેરીએ જલંધર સાથે મુલાકાત કરી હતી.

તેમણે જલધંરના આ ભગીરથ કાર્યની પ્રશંસા કરી હતી.

કલેક્ટર વૃંદાએ જાહેરાત પણ કરી કે જલંધરને તેમની બે વર્ષની મહેનત માટે મનરેગા કોષમાંથી મજૂરી ચૂકવવામાં આવશે.

સાથે જ તેમણે સ્થાનિક અધિકારીઓને બાકી રહેલા સાત કિલોમીટરના રસ્તાનું કામ સરકારી ખર્ચે પૂર્ણ કરવાનો આદેશ પણ આપ્યો હતો.

જલંધરને મળ્યા પછી કલેક્ટર વૃંદાએ કહ્યું, "તેમની લગન અને નિષ્ઠા જોઈને હું દંગ થઈ ગઈ છું."

તેમણે ઉમેર્યું કે તેમના આ કાર્ય માટે કંધમહાલ પ્રશાશન તેમને આવનારા કંધમહાલ મહોત્સવમાં સન્માનિત કરશે.

કલેક્ટરને મળ્યા પછી જલંધર ખૂબ ખુશ છે કારણ કે આગળનો રસ્તો બનાવવાનું કામ હવે સરકાર પૂર્ણ કરશે.

જલંધરે જણાવ્યું હતું કે તેમના ગામમાં વીજળી, પાણી અને અન્ય સુવિધાઓ મળી રહે તે માટે તંત્રને રજૂઆત કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો