સાઉદી અરબમાં પહેલીવાર મહિલાઓએ સ્ટેડિયમમાં ફૂટબૉલ મેચ જોઈ

જેદ્દાહના એક સ્ટેડિયમમાં મેચ જોવા માટે મહિલા દર્શકો પણ પહોંચી. તેમણે સ્ટેડિયમના 'ફેમિલી ગેટ'થી પ્રવેશ કર્યો અને 'ફેમિલી સેક્શન'માં બેસીને મેચ જોવાનો આનંદ માણ્યો.

સાઉદી અરબ માટે આ એક ઐતહાસિક ક્ષણ હતી.

આ દેશમાં દાયકાઓથી મહિલાઓ પર અનેક પ્રકારની પાબંદીઓ છે.

તમને આ વાંચવું પણ ગમશે:

તેમાંથી કેટલીકને છેલ્લાં કેટલાંક દિવસોમાં દૂર કરવામાં આવી છે.

મહિલાઓ માટે કાર શોરૂમ પણ

આ મહિનામાં સાઉદીની મહિલાઓ કુલ ત્રણ સ્ટેડિયમ્સમાં જઈને મેચ જોઈ શકશે.

આ તમામ સામાજિક સુધારા પાટવી કુંવર (ક્રાઉન પ્રિન્સ) મોહમ્મદ સલમાનની આગેવાની હેઠળ સાઉદી અરબમાં કરવામાં આવી રહ્યા છે.

શુક્રવારે સાઉદી અરબમાં વધુ એક બદલાવ આવ્યો. જેદ્દાહમાં જ સંપૂર્ણપણે મહિલા ગ્રાહકો માટે જ સમર્પિત હોય તેવો દેશનો પ્રથમ કાર શોરૂમ શરૂ કરવામાં આવ્યો.

આ વર્ષે જુન મહિનાથી મહિલાઓને પહેલી વખત કાર જાતે ચલાવવાની છૂટ પણ મળી જશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ પાબંદી હટાવી લેવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઐતિહાસિક દિવસ

જેદ્દાહના સ્ટેડિયમમાં મહિલા દર્શકોના સ્વાગત માટે મહિલા કર્મચારીઓ હાજર હતી.

મહિલા દર્શકોએ તેમની પસંદગીની ટીમનું જોરશોરથી સમર્થન કર્યું.

જોકે, મહિલા પ્રશંસકો અને કર્મચારીઓએ તેમનાં પારંપારિક પરિધાન - અબાયા પહેરેલાં હતાં.

આ દરમિયાન સોશિઅલ મીડિયા પર જે હેશટેગ ટ્રેન્ડમાં રહ્યું તેનો અર્થ હતો, 'લોકો સ્ટેડિયમ્સમાં મહિલાઓના પ્રવેશનું સ્વાગત કરે છે'. આ હેશટેગ મારફતે માત્ર બે કલાકમાં જ હજારો સંદેશા લખવામાં આવ્યા.

જેદ્દાહમાં રહેનારાં 32 વર્ષીય ફૂટબૉલ ફેન્સ લામયા ખ઼ાલિદ નાસિરે સમાચાર સંસ્થા એએફપીને કહ્યું કે તેમને આ બાબત પર ગર્વ છે અને તે મેચ માટે ઉત્સાહિત છે.

તેમણે કહ્યું, "એ સ્પષ્ટ છે કે અમે બહેતર ભવિષ્ય તરફ આગળ વધી રહ્યાં છીએ. હું આ મોટા પરિવર્તનની સાક્ષી બનીને ખ઼ૂશ છું."

જેદ્દાહની રૂવાયદા અલી કાસિમે કહ્યું કે સાઉદી અરબ બુનિયાદી પરિવર્તનની ચરમસીમાએ છે અને આ સાઉદી રાજ્ય માટે ઐતિહાસિક દિવસ છે.

સાઉદીમાં મહિલાઓ માટે કડક નિયમો છે

સાઉદી સરકારે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે મહિલાઓ શનિવાર અને આગામી ગુરુવારે રમાનારી મેચ જોવા માટે પણ જઈ શકશે.

સાઉદી અરબના શાહી પરિવાર અને ધાર્મિક સંસ્થાઓ 'વહાબિયત'નું પાલન કરે છે. જેમાં મહિલાઓ માટે ઇસ્લામી નિયમો ઘણા કડક છે.

સાઉદી અરબમાં મહિલાઓને એકલા મુસાફરી કરવાની છૂટ નથી.

મુસાફરી દરમિયાન તેમની સાથે પરિવારના એક પુરુષ સભ્યનું હોવું જરૂરી છે.

મોટાભાગની રેસ્ટોરાં અને કેફેમાં બે વિભાગ હોય છે. એક પુરુષો માટે અને બીજો પરિવાર માટે. મહિલાઓને પરિવાર વિભાગમાં જ પતિ અથવા પરિવાર સાથે બેસવાની છૂટ છે.

સાઉદી અરબમાં મહિલાઓ શું નથી કરી શકતી?

સાઉદી અરબમાં મહિલાઓ હજી પણ મહિલાઓ પોતાના પરિવારના પુરુષોની પરવાનગી વિના આ કામો નથી કરી શકતી.

  • પાસપોર્ટ માટે અરજી
  • વિદેશ યાત્રા
  • લગ્ન
  • બેંકનું ખાતું ખોલવું
  • કોઈ ચોક્કસ પ્રકારનો વેપાર શરૂ કરવો

હાલમાં થઈ રહેલા આ સુધારા આધુનિકીકરણની એ મોટી પ્રક્રિયાનો એક ભાગ છે, જે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને રાજ્યને ઉદાર બનાવવાના હેતુથી શરૂ કરી છે.

ડિસેમ્બરમાં જ સિનેમા પર દાયકાઓ જુની પાબંદી પણ હટાવી લેવાઈ છે. જેથી ક્રાઉન પ્રિન્સના વિઝન પ્રમાણે દેશનાં મનોરંજન ઉદ્યોગમાં તેજી લાવી શકાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો