સિવિલ હોસ્પિટલમાં બાળકોનાં મોત કેમ થયાં?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી ગુજરાતી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં નવ બાળકોનાં મૃત્યુ થયા છે.

મૃત્યુ પામેલાં બાળકોમાંથી ચાર બાળકો અમદાવાદનાં હતાં તેમજ અન્ય પાંચ બાળકો રાજ્યના જુદાજુદા જિલ્લાઓનાં હતાં.

વાલીઓનો આક્ષેપ છે કે વોર્ડમાં અપાતી સારવારમાં બેદરકારી દાખવવામાં આવે છે. ડૉક્ટર તથા નર્સનો સ્ટાફ પણ પૂરતો નથી.

તમને આ પણ વાંચવું ગમશે

પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. કે.એમ. મહેરિયાએ કહ્યું, "શનિવારે નવ બાળકોનાં મત્યુ થયાં છે.

જેમાંથી છ બાળકોનાં મૃત્યુ શ્વાસની તકલીફ જ્યારે ત્રણ બાળકોનાં મૃત્યુ ઇન્ફેક્શનને કારણે થયાં છે."

જે બાળકોનાં મૃત્યુ થયાં તેમાંથી ચાર બાળકોને સુરેન્દ્રનગર, લુણાવાડા, હિંમતનગર અને માણસાથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.

દરરોજ સરેરાશ ત્રણથી ચાર બાળકોનાં મૃત્યુ

સિવિલ હોસ્પિટલમાં બાળકોનાં મૃત્યુ મામલે બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા હેલ્થ કમિશનર જયંતી રવિ જણાવ્યું કે સરકારે આ ઘટનાની તપાસ માટે એક કમિટીની રચના કરી છે.

જો સ્ટાફ દ્વારા કોઈ બેદરકારી વર્તવામાં આવી હશે તો પગલાં લેવામાં આવશે.

જયંતિ રવિએ હોસ્પિટલની સારવાર અને સુવિધા અંગે માહિતી આપતા કહ્યું કે અમદાવાદની સિવિલ હોસ્પિટલના બાળ વિભાગમાં ૧૦૦ બાળકોને સારવાર મળી શકે તેવી વ્યવસ્થા છે.

જયંતિ રવિના કહેવા પ્રમાણે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સરેરાશ દરરોજ આશરે ત્રણથી ચાર બાળકોનાં મૃત્યુ થાય છે.

નવ બાળકોનાં મૃત્યુ પર વાત કરતા તેમણે કહ્યું કે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દિવાળી દરમિયાન ડૉક્ટર્સ રજા પર હશે.

તેથી તેમની સમયસર સારવાર થઈ ન હતી. જેથી તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતાં.

ડૉ. મહેરિયાના કહેવા પ્રમાણે, સરેરાશ દરરોજના ત્રણથી ચાર બાળકોનાં અહીં મૃત્યુ થાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ વિભાગનો મૃત્યુદર પાંચથી પણ ઓછો છે.

હોસ્પિટલમાં કેવી છે સ્થિતિ?

એક જ દિવસમાં નવ બાળકોનાં મોત બાદ સિવિલ હોસ્પિટલમાં અપાતી સુવિધાઓ પર સવાલો ઊભા થવા લાગ્યા છે.

વાલીઓએ સ્ટાફ અને ડૉક્ટર્સ ધ્યાન ન આપતા હોવાનો આરોપ લગાવ્યો છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતીએ બાળ વિભાગમાં દાખલ બાળકોનાં વાલીઓ જોડે વાત કરી.

જેમાં વાલીઓએ હોસ્પિટલની અસુવિધા અંગે તેમની વ્યથા વર્ણવી હતી.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા સોનીબેન દંતાણીએ કહ્યું, "મારી પૌત્રી અહીં દાખલ છે. તેના બાળકની ફૂડ પાઇપ રાત્રે એક વાગ્યાની આસપાસ નીકળી ગઈ હતી."

"પરંતુ આ પાઇપ સવારે નવ વાગ્યા સુધી પાછી લગાવવામાં આવી ન હતી."

"અહીંનો સ્ટાફ કહેતો રહ્યો કે ડૉક્ટર આવે પછી જ આ પાઇપ લગાવવામાં આવશે."

બીજા વાલી કલ્પેશ જાદવે બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે તેમની દીકરી અહીં વૉર્ડમાં દાખલ છે.

તેમણે કહ્યું કે સિવિલના આ વૉર્ડમાં સ્ટાફની અછત છે અને બધા જ દર્દીઓ પર પૂરતું ધ્યાન અપાતું નથી.

તેજસ ગોહિલ નામના એક વાલીએ કહ્યું કે બાળકના બ્લડ રિપોર્ટ માટે એક દિવસમાં એકથી વધુ વખત સેમ્પલ લેવામાં આવે છે.

અહીંનો સ્ટાફ બ્લડ સેમ્પલ ભૂલી જતો હોય એવું લાગે છે.

તો બીજી તરફ ડૉ. મહેરિયાએ કહ્યું કે નવજાત શિશુઓની સારવારમાં કોઈ કસર રાખવામાં આવી ન હતી.

વધુમાં જણાવ્યું, "મોટાભાગનાં બાળકોનાં મૃત્યુનાં કારણ પાછળ હાઈલાઇન મેમ્બ્રેન ડિસીઝ જવાબદાર છે."

"જેમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. અને બાળકનાં એક થી વધુ બોડી ઑર્ગન ફેઇલ થઈ જતાં હોય છે."

ગુજરાત સરકાર આ મામલે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરશે.

આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ એક બેઠક બોલાવી હતી અને અધિકારીઓને જરૂરી પગલાં ભરવા કહ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો