ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કેટલી મુશ્કેલીઓ છે?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના કારણે હાલ રાજકીય હલચલ વધી ગઈ છે. સત્તાધારી પક્ષ ભાજપ કોઈપણ રીતે આ મોકો છોડવા નથી માગતો.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગત મહિને ગુજરાત પ્રવાસ કર્યો હતો.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન 12 હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા છે.

હવે તેઓ 16 ઑક્ટોબરના રોજ ફરી ગુજરાત આવી રહ્યા છે.

બીજી તરફ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બન્ને પક્ષ પૂરતું જોર લગાવી રહ્યા છે.

એક નજર એવી ઘટનાઓ પર જે ગુજરાતના રાજકારણ પર અસર કરી શકે છે

જય શાહ પર આરોપ

અમિત શાહના પુત્ર જય શાહ અચાનક વિવાદોમાં આવ્યા છે.

એક ન્યૂઝ વેબસાઈટે દાવો કર્યો છે કે જય શાહની કંપનીનું ટર્નઑવર એક વર્ષની અંદર 16,000 ગણું વધ્યું છે.

વિરોધી પક્ષો આ મામલાની તપાસ માટે માગણી કરવા લાગ્યા છે.

કૉંગ્રેસના પ્રવક્તા કપિલ સિબ્બલે વેબસાઈટમાં પ્રકાશિત થયેલા સમાચારના સંદર્ભમાં આરોપ લગાવ્યો છે કે, વર્ષ 2015-16માં જય શાહની કંપનીનો વાર્ષિક કારોબાર 50,000 રૂપિયાથી વધીને 80.5 કરોડ રૂપિયા સુધી પહોંચવાની તપાસ થવી જોઈએ.

કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલે ભાજપ તરફથી આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું હતું, "અમિત શાહની છબી ખરડવાનો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે."

આ મામલે સરકારનું વલણ કેવું રહેશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે આ પ્રકારના આરોપ પક્ષની છબી પર અસર કરી શકે છે.

અમિત શાહ ગુજરાતના મોટા નેતા છે અને તેમની સાથે જોડાયેલા કોઈપણ વિવાદની ગુજરાત ભાજપ પર અસર થવી સ્વાભાવિક છે.

દલિતો પરના હુમલા

ગુજરાતના આણંદ જિલ્લામાં પહેલી ઑક્ટોબરના રોજ ગરબા આયોજનમાં સામેલ થવા પર એક ટોળાએ દલિત યુવક જયેશ સોલંકીને ઢોર માર મારતા તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટના પહેલા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના લિંબોદરા ગામમાં મૂછ રાખવા બાબતે 17 અને 24 વર્ષના બે દલિત યુવકો સાથે મારામારી કરવામાં આવી હતી.

તેમને મૂછ ન રાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

દશેરાના દિવસે અમદાવાદમાં 300 દલિત પરિવારોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. આ ઘટનાઓને લઈને સત્તાધારી પક્ષ ભાજપ નિશાના પર છે.

રાજ્યની કુલ વસતિ 6 કરોડ 38 લાખ આસપાસ છે, જેમાં દલિતોની વસતિ 35,92,000 આસપાસ છે.

વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર ગુજરાતમાં દલિતોની વસતિ 7.1 ટકા છે. જ્યારે સમગ્ર ભારતમાં આ ટકાવારી 16.6 ટકા છે.

રાજ્યમાં દલિતોનું પ્રતિનિધિત્વ ખાસ વધારે નથી, પરંતુ ચૂંટણી સમયે દરેક મતનું મૂલ્ય હોય છે.

અહેમદ પટેલનો વિજય

ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં આયોજિત થયેલી રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલના વિજયથી ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો.

ભાજપે આ ચૂંટણીમાં પોતાની તમામ શક્તિઓ ખર્ચી નાંખી હતી, પરંતું અહેમદ પટેલ છેલ્લે બાજી મારી ગયા હતા.

રાજ્યસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ તોડવાનો આરોપ ભાજપ પર લાગ્યો હતો.

શંકરસિંહ વાઘેલાએ પણ તેવા જ સમયે પક્ષ છોડ્યો હતો ઉપરાંત, તેમના સમર્થક ધારાસભ્યોએ પણ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.

ભાજપ રાજ્યસભા ચૂંટણીમાં કૉંગ્રેસને હરાવીને તેનું મનોબળ તોડવા માગતી હતી.

કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ જો પોતાના ગઢમાં ચૂંટણીમાં પરાજય મેળવે તો કૉંગ્રેસ માટે તે એક મોટો આઘાત સાબિત થવાનો હતો.

અહેમદ પટેલના વિજય બાદ ગુજરાતમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓનું મનોબળ જરૂરપણે વધ્યું છે.

પાટીદાર અનામતનો મુદ્દો

ગુજરાતમાં પાટીદાર અનામતનો મુદ્દો હજુ સુધી શાંત નથી થયો.

પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલ રાજકીય રૂપે સક્રિય છે.

તેમની માગણી સ્વીકારનારા કોઈપણ પક્ષને સાથ આપવાની વાત તેઓ અગાઉ પણ કહી ચૂક્યા છે.

તો બીજી તરફ પાટીદારોમાં ભાજપ પ્રત્યે ગુસ્સો હજુ યથાવત્ છે. અમિત શાહે પહેલી ઑક્ટોબરના રોજ 'ગુજરાત ગૌરવ યાત્ર' શરૂ કરી હતી, પરંતુ યાત્રા શરૂ થતાં પહેલાં તેમને પાટીદાર યુવાનોનો વિરોધ સહન કરવો પડ્યો હતો.

અમિત શાહે સભાને સંબોધન કયું ત્યારે કેટલાક યુવાનોએ નારાં લગાવવાની શરૂઆત કરી હતી.

બાદમાં હાર્દિક પટેલે આરોપ મૂક્યો હતો કે પોલીસે તે યુવાનો સાથે મારપીટ કરી છે. 'આમ આદમી પાર્ટી' અને હાર્દિક પટેલ વચ્ચેની નિકટતા વધી રહી છે.

ગુજરાતમાં પાટીદારોનો દબદબો રહ્યો છે, પહેલાં કૉંગ્રેસ અને હવે ભાજપને આ સમાજે સમર્થન આપ્યું છે.

જો કે પાટીદાર અનામતના મુદ્દા બાદ આ સમાજ સત્તાધારી પક્ષો વિરોધ કરતો આવ્યો છે.

કૉંગ્રેસથી અલગ થયેલા શંકરસિંહ વાઘેલા પાટીદારોના કેટલાક મત પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. જો કે અનામત ન મળવા પર અને હાર્દિક પટેલને થયેલી જેલની સજાના કારણે પાટીદારોમાં ઉભરી આવેલી નારાજગીનું નુકસાન ભાજપને થઈ શકે છે.

જીએસટીના કારણે વેપારીઓમાં નારાજગી

એક જુલાઈથી લાગુ થયેલા 'વસ્તુ તેમજ સેવા કર' (જીએસટી) બાદ દેશમાં આર્થિક મંદીના સમાચારો આવી રહ્યા છે.

'રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા'એ નાણાંકીય વર્ષ 2018 માટે આર્થિક વિકાસનું અનુમાન પહેલાંથી ઘટાડી 6.7 ટકા કર્યું છે.

કાપડના વેપારીઓમાં પણ જીએસટી બાબતે નારાજગી યથાવત્ છે. સુરતમાં જુલાઈમાં ટેક્સટાઈલ વેપારીઓએ જીએસટીના વિરોધમાં પ્રદર્શન પણ કર્યું હતું.

કાપડ પરનો જીએસટી હટાવવાની માગણી તેમણે કરી હતી.

જીએસટીના કારણે કાપડ મોંઘું થાય તો વેપાર પર તેની વિપરિત અસર થવાની ચિંતા આ વેપારીઓએ વ્યક્ત કરી હતી.

આ વર્ષે જૂનના અંત સુધીમાં ટેક્સટાઈલની 682 મીલો બંધ થઈ હતી.

બજારમાં મંદીના કારણે બેરોજગારી અને મોંઘવારી વધવાના કારણે હાલ સરકારનો વિરોધ થઈ રહ્યો છે.

નાણાંમંત્રી અરૂણ જેટલીએ અર્થવ્યવસ્થા જલદી વ્યવસ્થિત થવાની વાત કરી છે, પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આ સુધારાની કોઈ ખાસ આશા જણાતી નથી.

આ વાતની ગંભીરતા જોતા સરકારે જીએસટીના નિયમોમાં ફેરફાર કર્યો છે અને ગુજરાતના વેપારીઓને આકર્ષવા તેમને કેટલીક સુવિધાઓ પણ આપવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો