દૃષ્ટિકોણઃ નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ માટે કૈરાનાની ‘ના’નો અર્થ શું?

    • લેેખક, જયશંકર ગુપ્ત
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ઉત્તર પ્રદેશમાં કૈરાના સંસદીય બેઠક અને નૂરપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે, જે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સામે એકઠા થયેલા વિરોધપક્ષોનો હાથ ઉપર છે.

કૈરાનામાં બીજેપીના સંસદસભ્ય હુકુમ સિંહના મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠક પરથી તેમનાં પુત્રી મૃગાંકા સિંહ ચૂંટણી લડ્યાં હતાં. તેમનાં મુખ્ય પ્રતિસ્પર્ધી રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)નાં તબસ્સુમ હસન હતાં.

તબસ્સુમ હસનને સમાજવાદી પાર્ટી (એસપી), કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નો પરોક્ષ ટેકો હતો.

ઉત્તર પ્રદેશમાં દલિત લાગણીના સ્વરૂપે બહાર આવેલી ભીમ આર્મીએ તેમને પ્રત્યક્ષ ટેકો આપ્યો હતો.

ભીમ આર્મીના જેલમાં કેદ પ્રમુખ ચંદ્રશેખર આઝાદ રાવણે લખેલો હસ્તલિખિત પત્ર વહેંચવામાં આવ્યો હતો, જેમાં એકત્રિત વિરોધ પક્ષના ઉમેદવારને ટેકો આપવાની અપીલ કરવામાં આવી હતી.

બીજી તરફ નૂરપૂર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં એસપીના ઉમેદવાર નઈમ-ઉલ-હસનને કોંગ્રેસ, બીએસપી અને આરએલડીએ ટેકો આપ્યો હતો.

નૂરપુરમાં બીજેપીનાં ઉમેદવાર અવનિ સિંહ તેમની હાર થશે એવું ધારીને મતગણતરી કેન્દ્રમાંથી બહાર નીકળી ગયાં હતાં.

ભાજપ માટે પ્રતિષ્ઠાનો મુદ્દો

ગોરખપુર અને ફૂલપુર સંસદીય પેટાચૂંટણી પછી હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશની કૈરાના સંસદીય બેઠક અને નૂરપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી બીજેપી તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે પ્રતિષ્ઠાનો મુદ્દો હતી.

આ ચૂંટણી પ્રતિષ્ઠાનો મુદ્દો એટલા માટે હતી કે તમામ વિરોધ પક્ષો એક થઈને પણ ભાજપને હરાવી નહીં શકે તો 2019માં તેમના માટે જીતવાની શું આશા રહેશે?

ઉત્તર પ્રદેશમાં વિરોધ પક્ષની એકતાને વધુ વ્યાપક બનાવવા માટે ચૌધરી અજિત સિંહનાં આરએલડીનાં ઉમેદવાર તબસ્સુમ હસનને વિરોધ પક્ષે સંયુક્ત ઉમેદવાર બનાવ્યાં હતાં.

શું તમે આ વાંચ્યું?

કોંગ્રેસે શરૂઆતમાં આનાકાની બાદ તબસ્સુમ હસનને ટેકો જાહેર કર્યો હતો. એ જ રીતે નૂરપુરમાં એસપીના ઉમેદવાર નઈમ-ઉલ-હસનને અન્ય પક્ષોએ ટેકો આપ્યો હતો.

ચૌધરી અજિત સિંહ અને તેમના દીકરા જયંત ચૌધરી માટે કૈરાનાની પેટાચૂંટણી રાજકીય અસ્તિત્વનો મુદ્દો બની ગઈ હતી. તેથી તેમણે તેમની તમામ તાકાત તેમાં લગાવી દીધી હતી.

એસપીના લોકોએ ચૌધરી ચરણસિંહના જમાનામાં સફળ સાબિત થયેલા જાટ-મુસ્લિમ-યાદવ સમીકરણને ફરી સફળ સાબિત કરવા તેમની ભરપૂર મદદ કરી હતી.

બીએસપી લોકસભા કે વિધાનસભાની પેટાચૂંટણી લડતી નથી. પ્રારંભે થોડી શંકા પછી માયાવતીએ તેમના પક્ષના નેતાઓ, સંયોજકોને આરએલડી તથા એસપીના ઉમેદવારોને સમર્થનનો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો.

પરિણામ દર્શાવે છે કે વિરોધ પક્ષની આ વ્યૂહરચના સફળ રહી છે.

બીજેપીના જોરદાર પ્રયાસ

જોકે, સૌથી વધુ તૈયારી તો ભાજપે કરી હતી. ગોરખપુર અને ફૂલપુરમાં પોતાની હાર માટે અતિઆત્મવિશ્વાસને જવાબદાર ગણાવનાર બીજેપીએ કૈરાના તથા નૂરપુરમાં જીતવા માટે કોઈ કસર છોડી ન હતી.

યોગી આદિત્યનાથ કેબિનેટના અર્ધાંથી વધુ પ્રધાનો, સંસદસભ્યો, વિધાનસભ્યો અને બીજેપીના કેન્દ્રીય નેતાઓએ ત્યાં ધામા નાખ્યા હતા.

મતદાનના એક દિવસ પહેલાં અધૂરા એક્સપ્રેસવેના ઉદ્ઘાટનના નામે રોડ શો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૈરાના નજીકના બાગપતમાં મોટી જાહેરસભાને સંબોધી હતી.

મતદાતાઓને આકર્ષવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોહમ્મદ અલી ઝીણાની તસવીરનો મુદ્દો જોરશોરથી ઉઠાવવા છતાં હિંદુ વિરુદ્ધ મુસ્લિમનો માહોલ બન્યો ન હતો.

હિંદુ એકતાના પ્રયાસમાં બીજેપીએ ગુર્જર, લોધા, રાજપૂત, સૈની અને કશ્યપ જેવી જ્ઞાતિઓના મતદારોને પોતાના તરફ આકર્ષ્યા હતા, પણ જાટ-જાટવ (દલિત) મતદારો તેનાથી દૂર રહ્યા હતા.

એસપીના યાદવ મતદારો ભાજપની તરફેણ કરે એવો સવાલ જ ન હતો.

ઈવીએમ બગડ્યાંની ફરિયાદ

મતદાનના સમયે ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને વિરોધ પક્ષના ટેકેદાર દલિત-મુસ્લિમોની બહુમતીવાળા વિસ્તારોમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) બગડી ગયાંની ફરિયાદો મળી હતી.

વિરોધ પક્ષે આક્ષેપ કર્યો હતો કે ઈવીએમમાં ખામીના નામે બૂથ જામ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેથી રોજા કરતા મુસ્લિમ મતદારો લાંબા સમય તડકામાં લાઈનમાં ઊભા રહેવાને બદલે ઘરે પાછા ચાલ્યા જાય.

આ પ્રકારના ફરિયાદો દલિત મતદારોની બહુમતી ધરાવતા મતદાન કેન્દ્રોમાં પણ નોંધાઈ હતી.

ચૂંટણી પંચે 30 મેએ કૈરાનામાં 73 મથકો પર ફરી મતદાન કરાવ્યું હતું, પણ ઈવીએમ ખરાબ હોવા છતાં તબસ્સુમ હસનને તેમની જીતની ખાતરી હતી.

તેમણે કહ્યું હતું કે તેમની સરસાઈ થોડી ઘટી શકે છે, પણ જીત તો પાક્કી જ છે.

પરિણામે તેમને સાચાં સાબિત કર્યાં છે.

સહાનુભૂતિના મતની આશા

ગોરખપુર-ફૂલપુર પછી હવે કૈરાના અને નૂરપુર પેટાચૂંટણીમાં એકત્રિત વિરોધ પક્ષની મોટી જીત દર્શાવે છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં 80માંથી 73 બેઠકો જીતેલો પક્ષ તેનું પુનરાવર્તન નહીં કરી શકે.

કેન્દ્ર તથા રાજ્ય સરકારની નીતિઓ અને પોકળ સૂત્રો સાબિત થઈ રહેલાં તેમનાં ચૂંટણી વચનોનો હિસાબ ચૂકતે કરવાના મૂડમાં મતદાતાઓ હોય એવું લાગે છે.

શેરડીના ખેડૂતોની લાચારી, દલિત અત્યાચાર અને બળાત્કારની વધતી ઘટનાઓના શિકાર લોકો સંગઠિત વિરોધ પક્ષની પાછળ એકઠા થતા જોવા મળી રહ્યાં છે.

આ પેટાચૂંટણીનું પરિણામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના વિકલ્પરૂપે ભાજપના બીજા પોસ્ટર બોય તરીકે ઊભરી રહેલા યોગી આદિત્યનાથના રાજકીય ભાવિ માટે ખતરાનો સંકેત સાબિત થઈ શકે છે.

સવા વર્ષ પહેલાં મોટી જીત મેળવીને યોગી આદિત્યનાથ સત્તારૂઢ થયા હતા. તેમની પોતાની સંસદીય બેઠક ગોરખપુર અને નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યની ફૂલપુર બેઠક બીજેપીના હાથમાંથી સરી પડી હતી.

હવે કૈરાના અને નૂરપુરની બેઠકો પણ બીજેપીના હાથમાંથી નીકળી ગઈ છે ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું છે કે યોગી આદિત્યનાથના રાજમાં બધું યોગ્ય રીતે ચાલતું નથી.

કૈરાના એ સંસદીય મતવિસ્તાર છે, જ્યાં આદિત્યનાથ અને તત્કાલીન સંસદસભ્ય હુકુમ સિંહે મળીને 'હિંદુઓના પલાયન' ને રાજકીય મુદ્દો બનાવ્યો હતો.

અલબત, વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લહેર હોવા છતાં મૃગાંકા સિંહ ખરાબ રીતે હાર્યાં હતાં, પણ તેમાંથી કશું શીખ્યા વિના તેણે સંસદીય પેટાચૂંટણીમાં પણ મૃગાંકા સિંહને ઉમેદવાર બનાવ્યાં હતાં.

બીજેપીએ એવું વિચાર્યું હશે કે પિતાના મૃત્યુને કારણે મૃગાંકા સિંહને સહાનુભૂતિના થોડા મત મળી જશે.

ચૌધરી અજિત સિંહને બળ મળ્યું

આ પેટાચૂંટણીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ચૌધરી અજિત સિંહ અને તેમના આરએલડીના રાજકીય અસ્તિત્વને થોડું બળ આપ્યું છે.

એટલું જ નહીં, આરએલડી અને એસપી વચ્ચે વધેલાં રાજકીય અંતરને ઓછું કરવામાં કૈરાના તથા નૂરપુરની પેટાચૂંટણી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ ઉપરાંત અખિલેશ યાદવ અને તેમના 'ફોઈ' માયાવતી વચ્ચે રાજકીય સંબંધની કેમિસ્ટ્રી પણ વધારે મજબૂત થતી જોવા મળી રહી છે.

જાટ ખેડૂતો અને મુસ્લિમો વચ્ચેનો ભૂતકાળનો ભાઈચારો છેલ્લી કેટલીક ચૂંટણીમાં તૂટતો દેખાતો હતો.

એ ભાઈચારો કૈરાના તથા નૂરપુરની પેટાચૂંટણીમાં અગાઉની માફક મજબૂત થતો જોવા મળ્યો છે.

આ બાબત આગામી દિવસોમાં માત્ર ચૂંટણી સંબંધી રાજકારણ માટે જ નહીં, પણ આ વિસ્તારમાં સાંપ્રદાયિક સદભાવ ફરી મજબૂત કરવામાં પણ સફળ સાબિત થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો