કર્ણાટક વિધાનસભાની હાર છોડી 'મિશન લોકસભા'ના કામે લાગ્યો ભાજપ

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બેંગલુરૂથી, બીબીસી ગુજરાતી માટે

કર્ણાટકમાં સરકાર બનાવવાથી ચૂકી જતાં ભાજપે હવે મિશન લોકસભાની ચૂંટણી માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે. ભાજપનું માનવું છે કે કર્ણાટકમાં ગઠબંધનની નવી સરકાર વધારે સમય સુધી ટકી શકશે નહીં.

જેડીએસ નેતા અને કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેવા વાળા એચ. ડી. કુમારસ્વામીએ કહ્યું છે કે તેઓ શપથ લેવાના એક કે બે દિવસની અંદર વિધાનસભામાં બહુમતી સાબિત કરી દેશે.

ગૃહની અંદર બહુમતી સાબિત કર્યા બાદ કુમારસ્વામી બી. એસ. યેદિયુરપ્પાનું સ્થાન લઈ લેશે.

યેદિયુરપ્પા માત્ર 55 કલાક માટે મુખ્યમંત્રી બની શક્યા હતા અને જ્યારે તેમને લાગ્યું કે તેઓ સરકાર બનાવવા માટે જરૂરી 113ના આંકડા સુધી પહોંચી શકશે નહીં, ત્યારે તેમણે વિશ્વાસમત પહેલાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ગૃહની અંદર વિશ્વાસમત દરમિયાન શર્મિંદગીને પાછળ છોડીને ભાજપ હવે 2019ની લોકસભા ચૂંટણી માટે સફળ પ્રચારનો રસ્તો શોધવાનો પ્રયાસ કરવા લાગ્યો છે.

28માંથી 25 સીટ જીતવાનું લક્ષ્ય

કર્ણાટકમાં ભાજપના પ્રવક્તા ડૉક્ટર વમન આચાર્યએ બીબીસીને જણાવ્યું, "અમે વર્તમાન સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યા નથી. થોડા મહિનાઓમાં આ સરકાર આપોઆપ તૂટી પડશે. અમે આગામી લોકસભા ચૂંટણીમાં 28માંથી ઓછામાં ઓછી 25 સીટ જીતવા પર પોતાનું ધ્યાન લગાવી રહ્યા છીએ."

યેદિયુરપ્પા આગામી અઠવાડિયાથી પ્રચાર પ્રવાસ શરૂ કરવા જઈ રહ્યા છે. ડૉ. આચાર્યએ કહ્યું, "અમે લોકોને જણાવીશું કે કોંગ્રેસ અને જેડીએસે જનમતનું અપમાન કર્યું છે."

કર્ણાટક વિધાનસભાની 224 બેઠકમાંથી કોંગ્રેસ અને જેડીએસએ મળીને 117 બેઠક પ્રાપ્ત કરી છે. ચૂંટણી બાદ આ ગઠબંધનને રાજ્યપાલે પહેલાં સરકાર બનાવવા માટે આમંત્રિત ન કર્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

ગઠબંધનની જગ્યાએ રાજ્યપાલે યેદિયુરપ્પાને સરકાર બનાવવા પ્રસ્તાવ આપ્યો કેમ કે ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી.

કોંગ્રેસે ભાજપ પર હોર્સ ટ્રેડિંગ એટલે કે ધારાસભ્યોની ખરીદીના આરોપ લગાવ્યા હતા.

તેમનું કહેવું હતું કે ભાજપ તેમના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ ભાજપ અધ્યક્ષ અમિત શાહે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે જો કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને હોટેલમાં બંધ ન કરતી તો ભાજપને વિશ્વાસમત મળી જતો.

'કોંગ્રેસનો અસ્તબલ વેચાયો'

આ તરફ અમિત શાહે ભાજપ પર લાગેલા હોર્સ ટ્રેડિંગના આરોપોને પણ નકાર્યા અને કહ્યું, "તેઓ અમારા પર હોર્સ ટ્રેડિંગના ખોટા આરોપો લગાવી રહ્યા છે જ્યારે તેમનો (કોંગ્રેસનો) તો અસ્તબલ જ વેચાઈ ગયો છે."

અમિત શાહે આ બધી વાતો એ માટે કહેવી પડી કેમ કે વિધાનસભામાં વિશ્વાસમત થતા પહેલાં 14મેના રોજ કોંગ્રેસે એક ફોન રેકોર્ડિંગ જાહેર કર્યું હતું.

વિશ્વાસમતના દિવસે પણ કોંગ્રેસે આ પ્રકારનાં બે રેકોર્ડિંગ જાહેર કર્યા જેમાં ભાજપ નેતાઓને કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપના પક્ષમાં મત આપવાની વાત કહેવામાં આવી રહી હતી.

આ રેકોર્ડિંગથી એ પણ સ્પષ્ટ થાય છે કે ભાજપ નેતા કોંગ્રેસ ધારાસભ્યોને મંત્રી પદ અને અન્ય ભેટની લાલચ આપી રહ્યા હતા.

કોંગ્રેસ નેતા વી. એસ. ઉગરપ્પાએ પહેલું રેકોર્ડિંગ જાહેર કરતાં કહ્યું હતું કે તેમાં જે ભાજપ નેતાનો અવાજ સાંભળવા મળી રહ્યો છે તે ખનન મામલાના આરોપી જનાર્દન રેડ્ડીનો છે.

ત્યારબાદ અન્ય બે રેકોર્ડિંગમાં કોંગ્રેસે આરોપ લગાવ્યા કે તેમાં યેદિયુરપ્પાનો અવાજ પણ સામેલ છે. સાથે જ કર્ણાટકના ભાજપ પ્રભારી મુરલીધર રાવનો અવાજ પણ છે.

આ વચ્ચે કુમારસ્વામીએ નવી સરકારના ગઠનના સંબંધમાં સોમવારે સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વરિષ્ઠ નેતાઓ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો