કર્ણાટક ચૂંટણી: મોદી અને ગાંધી બન્ને શા માટે બેબાકળા?

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી

કર્ણાટકમાં જેટલું નાટક થવાનું હતું એ થઈ ગયું છે. રાહુલ ગાંધીની 'ટેમ્પલ રન' પૂરી થઈ ચૂકી છે અને કર્ણાટક જ નહીં, નેપાળના મંદિરોમાં પણ નરેન્દ્ર મોદી ઝાલર-કરતાલ વગાડી ચૂક્યા છે.

અલબત, સસ્પેન્સ હજુ યથાવત છે. પરિણામ નહીં આવે અને એ પછી પણ કોઈને સ્પષ્ટ બહુમતિ નહીં મળે તો સસ્પેન્સ વધુ લાંબું ખેંચાશે.

આ સંજોગોમાં અનુમાન કરવાને બદલે કર્ણાટક વિધાનસભાની આ ચૂંટણીને ખાસ બનાવતી તથા ભાવિ રાજકારણ પર અસર કરનારી બાબતોની ચર્ચા કરવી બહેતર ગણાશે.

પહેલી વાત તો એ છે કે કર્ણાટકની જનતાએ પાછલાં ત્રીસ વર્ષમાં કોઈ એક પક્ષને સતત બે વખત બહુમતિ આપી નથી. 1983 અને 1988માં સતત બે વખત ચૂંટણી રામકૃષ્ણ હેગડે જ જીતી શક્યા હતા.

કર્ણાટકના મતદારો રાજકીય નેતાઓ પ્રત્યે નિર્દય અભિગમ વ્યક્ત કરતા રહ્યા છે.

મહત્ત્વપૂર્ણ વાત એ પણ છે કે 2014 પછી દેશમાં જેટલી વિધાનસભાઓની ચૂંટણી થઈ છે એ તમામમાં મોટાભાગના મતદારોએ સત્તા પરિવર્તનની તરફેણમાં મતદાન કર્યું છે.

એ સંદર્ભમાં વિચારીએ તો સિદ્ધરમૈયા સામે મોટો પડકાર આ ટ્રેન્ડને તોડવાનો છે. તેઓ એવું કરી શકશે તો તેમની ગણતરી નિશ્ચિત રીતે મોટા નેતાઓમાં થવા લાગશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાસેથી કર્ણાટક છીનવી લેવા માટે આકરી મહેનત કરી છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસની ટૂંક સમયમાં 'પી પી પી' થઈ જવાની છે. એટલે કે કોંગ્રેસ પુડ્ડુચેરી, પંજાબ અને પરિવાર પૂરતો મર્યાદિત રહી જશે.

નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના પ્રમુખ અમિત શાહ કોંગ્રેસ પાસેથી કર્ણાટક છીનવી નહીં શકે તો રાહુલ ગાંધીની સ્થિતિ મજબૂત થશે.

કોંગ્રેસનો ખજાનો ખાલી

કોંગ્રેસ નાણાકીય અછતનો સતત સામનો કરી રહી છે. કોંગ્રેસના ખજાનચી મોતીલાલ વોરા સ્વીકારી ચૂક્યા છે કે તેમનો પક્ષ ઓવરડ્રાફ્ટ પર ચાલી રહ્યો છે.

સૌથી મોટા પક્ષ તરીકે ઊભરવા છતાં કોંગ્રેસ મણિપુર અને ગોવામાં સરકાર રચી ન શક્યો તેનું એક મોટું કારણ પૈસાની અછત પણ હતી.

પંજાબ અને કર્ણાટક જેવાં બે માલદાર રાજ્યો કોંગ્રેસ પાસે રહે તો 2019ની સંસદીય ચૂંટણીમાં કોંગ્રેસ બીજેપીની નાણાકીય તાકાતનો મુકાબલો કરી શકે છે.

બીજેપી દેશનો સૌથી વધુ માલદાર પક્ષ બની ચૂક્યો છે તેમાં હવે કોઈ શંકા નથી.

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામનો પ્રભાવ 2019ના મહા-મુકાબલા પર પડશે એવું તો બધા કહી રહ્યા છે, પણ એ પહેલાં આ વર્ષે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ માટે અનુકૂળ કે પ્રતિકૂળ વાતાવરણ સર્જાશે એ પણ ઘણા અંશે કર્ણાટકનું પરિણામ નક્કી કરશે.

આ ત્રણેય રાજ્યોમાં બીજેપી સત્તા પર છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તો લાંબા સમયથી બીજેપીનું શાસન છે.

રાહુલ ગાંધી આ રાજ્યોમાં સફળતા મેળવશે તો વિરોધ પક્ષના નેતા તરીકે તેમની સ્વીકૃતિ વધશે.

અન્યથા શરદ પવાર અને મમતા બેનર્જી જેવા લોકો રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી લડવા આસાનીથી તૈયાર નહીં થાય.

નરેન્દ્ર મોદી-અમિત શાહની પણ પરીક્ષા

નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં વીસથી વધુ ચૂંટણી સભાઓને સંબોધી હતી અને અમિત શાહે ત્યાં લાંબા સમય સુધી ધામા નાખ્યા હતા.

તેનું કારણ કર્ણાટકની ચૂંટણી બીજેપી માટે મહત્ત્વપૂર્ણ છે એટલું જ નથી, પણ મોદી અને શાહ આ જ રીતે ચૂંટણી લડે છે.

કર્ણાટકમાં ત્રિકોણીય ચૂંટણી જંગ ખેલાયો હતો અને ત્રિકોણીય જંગમાં બીજેપી હંમેશા લાભમાં રહે છે. આ વખતે પણ એવું થશે કે નહીં એ જોવાનું રહેશે.

એચ. ડી. દેવેગૌડાને 'કિંગમેકર' ગણાવવામાં આવી રહ્યા છે.

દેવેગૌડાનો પક્ષ 25થી વધુ બેઠકો જીતશે તો રાષ્ટ્રીય રાજકારણમાં તેમનું કદ વધશે અને એવું નહીં થાય તો પિતા-પુત્રની જોડીએ નવેસરથી વિચારવું પડશે.

રાષ્ટ્રવાદ વિરુદ્ધ પ્રાંતવાદ

સિદ્ધારમૈયાએ બીજેપીના 'હિંદુ રાષ્ટ્રવાદ'નો સામનો કરવા માટે 'કન્નડ ગૌરવ'નું કાર્ડ જોરશોરથી આગળ ધર્યું હતું. આ ખેલમાં નવું કંઈ નથી.

કોંગ્રેસ ગુજરાતીઓનું અપમાન કરે છે કે તેમનાથી નફરત કરે છે એવું પુરવાર કરવાનો પ્રયાસ બીજેપીએ ગુજરાતની ચૂંટણીમાં કર્યો હતો.

એવી જ રીતે સિદ્ધારમૈયાએ એ જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ 'કન્નડ ગૌરવ'ના ઝંડાધારી છે અને બીજેપી તેની સંસ્કૃતિ કર્ણાટક પર થોપવા ઇચ્છે છે.

ઝંડાનો મામલો હોય કે કન્નડ ભાષાને વધારે મહત્ત્વ આપવાની વાત હોય, સિદ્ધારમૈયાએ આક્રમકતા દાખવી હતી.

પ્રાંતીય અસ્મિતાનું રાજકારણ બીજેપીના હિંદુ રાષ્ટ્રવાદને ટક્કર આપી શકે છે કે નહીં એ જોવાનું રસપ્રદ થઈ પડશે.

જ્ઞાતિગત સમીકરણને તોડવાનું કામ બીજેપીની સફળ વ્યૂહરચના બની રહ્યું છે. દલિતોમાંથી જાટવોને બાદ કરતા બીજાને પોતાની તરફેણમાં કરવા કે ઓબીસીમાં યાદવોને એકલા પાડી દેવાનું એ જાણે છે.

આ વખતે સિદ્ધારમૈયાએ લિંગાયતોને હિંદુ ધર્મથી અલગ લઘુમતીનો દરજ્જો આપવાનું રાજકારણ છેડ્યું હતું. એ કેટલું સફળ થતું તેની ખબર પરિણામ પછી પડશે.

કર્ણાટકની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી તથા અમિત શાહ હારે કે રાહુલ ગાંધી, કોઈ પોતાની હાર થયાનું સ્વીકારશે નહીં એ નક્કી છે. હા, જીતનું શ્રેય કેન્દ્રીય નેતાગીરીને જ મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો