સ્વીડનથી સુરત: માતાને શોધી રહેલાં કિરણને 32 વર્ષે મળ્યો ‘અકલ્પનીય આઘાત’

    • લેેખક, શૈલી ભટ્ટ
    • પદ, બીબીસી સંવાદદાતા

કિરણ ગુસ્તાફસન તેના ભાઈ-બહેનો સાથે સ્વીડનના એક સુંદર શહેરમાં મોટા થયાં. કિરણને હંમેશા એવું લાગતું રહેતું કે, તેમનાં બહેન એલન અને ભાઈ બીયોર્ન એકબીજા સાથે જે રીતે જોડાયેલાં છે, તેવું જોડાણ તેમની સાથે નથી.

તેમના પ્રેમાળ માતા-પિતાએ તેમને તમામ સુખ-સગવડ ભરેલું જીવન આપ્યું હતું. છતાં કિરણને પોતાના જીવનમાં કોઈ ખાલીપો અનુભવાતો હતો.

તેમના માતા-પિતાએ તેમને કહ્યું હતું કે તેમને ગુજરાતનાં સુરતનાં એક અનાથાશ્રમમાંથી દત્તક લીધાં હતાં.

સ્વીડનના માલમોમાંથી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કિરણે કહ્યું, “હું જ્યારે સ્વીડન આવી ત્યારે લગભગ ત્રણ વર્ષની હતી. ભારતમાં વીતેલું મારું બાળપણ મને યાદ નથી.”

“જે વકીલ મને દત્તક આપવાની પ્રક્રિયામાં શામેલ હતા તેમની અને તેમના પત્ની સાથે હું 14 માર્ચ, 1988ના દિવસે સ્વીડન પહોંચી. અમે ગોથનબર્ગના લેન્ડવેટર એરપોર્ટ પર ઊતર્યા અને હું ત્યાં મારા પાલક માતાપિતાને પહેલીવાર મળી.”

સ્વીડનના એ ગુસ્તાફસન પરિવારે જે સહજતાથી બાળકનો ઉછેર થાય તેવી જ રીતે કિરણને ઉછેર્યાં.

કિરણનું કહેવું છે તેમને ક્યારેય ત્યાં અજાણ્યું કે અજુગતું નહોતું લાગ્યું. તેમના માતા મારિયા વેરનાન્ટ એક નિવૃત્ત શિક્ષક છે. તેના પિતા ચેલ્લ ઓકયા ગુસ્તાફસન બિઝનેસમેન અને ફોટોગ્રાફર છે.

કિરણ કહે છે, “મારા માતાપિતાએ મને ક્યારેય હું અલગ હોવાની લાગણી નથી થવા દીધી. તેમણે મને હંમેશા હું જે છું તેના પર ગર્વ કરતાં શીખવાડ્યું છે. તેમણે મને જે આપ્યું છે તે શ્રેષ્ઠ છે તેનાથી વધુ કંઈ ન હોઈ શકે.”

છતાં કિરણ તેમના સ્વીડીશ માતા મારિયામાં પોતાની જાતને જોઈ શક્તાં નથી. તેમને લાગે છે મારિયા સાથેના સંબંધમાં તે ઊંડાણ અથવા એવું જોડાણ નથી જે એક મા-દીકરીના સંબંધમાં હોય.

શરૂ થઈ એક શોધ

કિરણને તેમને જન્મ આપનારાં માતા બાબતે ઘણા સવાલો હતાં, જેનાથી તે પરેશાન રહેતાં હતાં.

તેમણે વર્ષ 2000માં આ સવાલોના જવાબ શોધવાની કવાયત શરૂ કરી અને તેમના આખા સ્વીડીશ પરિવાર સાથે પહેલીવાર સુરત આવ્યાં. પરિવારે પણ તેમને પોતાની ઓળખ શોધવાની આ યાત્રામાં ખુશીથી સાથ આપ્યો.

તે સુરતના ઘોડદોડ રોડ પર આવેલા નારી સંરક્ષણ ગૃહમાં ગયાં, જ્યાંથી તેમને દત્તક લેવામાં આવ્યાં હતાં.

કિરણ કહે છે, “આખા પરિવારે સાથે આ યાત્રા એટલે કરી કે બધા મારા મૂળને ઓળખી શકે, સમજી શકે.”

વર્ષ 2005માં કિરણ ફરી સુરત આવ્યાં. આ વખતે તે સોશિયોલૉજી અને માનવ અધિકારના વિષયોના અભ્યાસના ભાગ રૂપે સુરત પહોંચ્યાં હતાં.

આ બે મુલાકાતો બાદ તેમના મનમાં વધારે પ્રશ્નો થયાં.

સ્વીડન પાછા જઈને તેમણે આ શોધ ચાલુ રાખી. તેમણે એ સમયના છાપાં અને અન્ય દસ્તાવેજો વાંચ્યા, અનાથાશ્રમ વિષે વધુ માહિતી લીધી.

અંતે 2010માં તેમણે પોતાના પરિવારને કહ્યું કે તે પોતાની માતાને શોધવા માગે છે.

માતા-પિતાએ તેમના એ નિર્ણયને આવકાર્યો અને કહ્યું તેમને કિરણ પર ગર્વ છે અને તેમના માટેનો પ્રેમ એટલો જ છે.

પણ પોતાને જન્મ આપનારાં માતાને કેવી રીતે શોધવા એ અંગે કિરણને માહિતી નહોતી.

સમય પસાર થતાં જન્મ આપનારાં માતાને શોધવાના વિચારને કિરણે પાછો ધકેલી દીધો હતો પણ મનમાં માતાને મળવાની તીવ્ર ઇચ્છા કિરણ છોડી શક્યાં નહોતાં.

ભણવાનું પૂરું કરીને કિરણ હાલ સ્વીડનમાં કરીઅર કાઉન્સિલર તરીકે કામ કરે છે.

વર્ષ 2016માં કિરણ કોપનહેગનમાં અરૂણ દોહળેનું એક લેક્ચર સાંભળવા ગયાં હતાં.

અરૂણ દોહળે નેધરલેન્ડની એક એનજીઓ અગેઇન્સ્ટ ચાઈલ્ડ ટ્રાફિકિંગ (ACT)ના સ્થાપક છે. દોહળે પોતે એક જર્મન દંપત્તિના દત્તક સંતાન છે.

દોહળે બાળકોની ગેરકાયદેસર તસ્કરીના વિરોધમાં કામ કરે છે. તે લેક્ચરમાં તેમણે પોતાના મૂળને શોધવા અંગે વાત કરી અને કહ્યું કે તે શક્ય છે.

તેમણે પોતે ભારતમાં પોતાની જન્મ આપનારી માતાને શોધવા માટે એક મોટી કાનૂની લડાઈ લડી હતી.

કિરણના મનમાં ફરી એક વાર માતાને શોધવાની ઇચ્છા પ્રબળ થઈ.

તેમણે અરૂણ દોહળે સાતે ઈ-મેઇલથી 2017માં સંપર્ક કર્યો. અરૂણે તેને સલાહ આપી અને પુણેના અંજલિ પવાર સાથે સંપર્ક કરાવ્યો જે ચાઇલ્ડ પ્રોટેક્શન ક્ષેત્રે કામ કરે છે.

ફરી એક વાર ભારતમાં

પવારે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે દોહળે અને કિરણ પાસેથી માહિતી લઈને તેમણે સૌપ્રથમ સુરતના અનાથાશ્રમનો સંપર્ક કર્યો. પણ અનાથાશ્રમે કોઈ સહકાર આપ્યો નહીં.

કિરણે કહ્યું, “મારે તેમને CARA (Central Adoption Resource Authority) ગાઈડલાઈન વિષે જણાવવું પડ્યું જે મને અધિકાર આપે છે કે હું દત્તક લેવાયા પહેલા મારા માતા-પિતા કોણ હતાં તેની માહિતી જાણી શકું.”

અંજલિ કહે છે, “કાગળિયામાં જે નોંધાયું છે તે મુજબ કિરણ જ્યારે 1 વર્ષ 11 મહિનાનાં હતાં ત્યારે તેમના મમ્મીએ તેમને આ અનાથાશ્રમમાં મૂક્યાં હતાં. પણ તે નિયમિત રીતે કિરણને મળવા આવતાં. કિરણને દત્તક આપવામાં આવશે તેની તેમના માતાને જાણ હતી. આથી જ તેમણે અનાથાશ્રમમાં તે જ્યાં કામ કરતાં હતાં તે જગ્યાનું સરનામું આપી રાખ્યું હતું.”

પવારને જાણકારી મળી કે કિરણનાં માતા સિંધુ ગોસ્વામી સુરતમાં ઘરોનાં કામ કરતાં હતાં. અંજલિએ એ પરિવારોની મુલાકાત લીધી જ્યાં સિંધુ કામ કરતાં હતાં, પણ તેમને સિંધુ ન મળ્યાં.

કિરણ એપ્રિલ મહિનામાં ફરી ભારત આવ્યાં આ વખતે તેમની સાથે તેમના મિત્ર હાના હતાં. કિરણે પર એ પરિવારની મુલાકાત લીધી જેના ઘરનું સરનામુ સિંધુએ અનાથાશ્રમમાં આપ્યું હતું.

તેમણે અધિકારીઓ અને સામાજિક કાર્યકરોના થોડા દબાણ બાદ થોડી-ઘણી માહિતી આપી. પણ તે કિરણનાં માતાને શોધવા માટે પૂરતી નહોતી. તેમને એ પણ નહોતી ખબર કે સિંધુ અત્યારે ક્યાં છે કે તે જીવીત છે કે નહીં.

એ દિવસો કિરણ માટે કપરા હતાં. અલગ-અલગ લોકોને મળવામાં તે લગભગ દર વખતે ભાંગી પડતાં અને રડતાં.

આશ્ચર્ય અને આઘાત

એ સમયે અંજલિએ અનાથાશ્રમમાંથી એ રજિસ્ટર મેળવ્યું જેમાં કિરણના જન્મપ્રમાણપત્રની એન્ટ્રી હતી. પણ આ રજિસ્ટરમાંથી જે મળ્યું તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તેમાંથી જાણવા મળ્યું કે કિરણનો એક જોડીયો ભાઈ છે.

32 વર્ષે પહેલી વાર પોતાના સગા જોડીયા ભાઈ વિષે પહેલીવાર જાણવાના એ અનુભવને યાદ કરતાં કિરણ કહે છે, “આ આખી વાત જ અવિશ્વસનીય હતી. અધૂરપના કોઈની સાથેના જોડાણના જે પણ સવાલો હતા, તેનો જવાબ મળી ગયો હતો. હું આઘાતમાં હતી પણ એ ઘટના અદભૂત હતી.”

એક સ્થાનિક સામાજિક કાર્યકર્તાની મદદથી કિરણ તેમની મિત્ર હાના, અંજલિ સાથે ભાઈની ભાળ મેળવવામાં લાગી ગયાં.

જે બહુ અઘરું નહોતું. જાણવા મળ્યું કે કિરણના ભાઈને પણ સુરતના એક પરિવારે દત્તક લીધો છે. અને તે એક બિઝનેસમેન છે.

ભાઈ સાથે મુલાકાત અને વિદાય

અંજલિએ કહ્યું કે, “એ મુલાકાત સરળ નહોતી. વધુ એક વાત જાણવા મળી કે તેના પરિવારે ક્યારેય આ દીકરાને નહોતું જણાવ્યું કે તેને દત્તક લેવામાં આવ્યો છે. તેના પિતા અવઢવમાં હતાં કે શું આટલા વર્ષે તેને આ વાત જણાવવી યોગ્ય રહેશે

લાંબી ચર્ચા પછી તેના પિતાએ માન્ય રાખ્યું કે તેઓ પોતાના દીકરાને જણાવશે કે તેને દત્તક લીધો હતો. અને કિરણ તેને મળી શકશે.

કિરણને બરાબર એ ઘટના યાદ છે જ્યારે તે 32 વર્ષે પોતાના ભાઈને મળ્યાં. આ મુલાકાત સુરતમાં કિરણના ભાઈના ઘરે થઈ. કિરણ સાથીઓ સાથે ચાલતાં-ચાલતાં એ ગલી સુધી પહોંચ્યાં, ડાબે વળીને સામે જ ઘર હતું. ઘરનો દરવાજો કિરણના ભાઈએ પોતે જ ખોલ્યો.

એકબીજાને જોઈને તેઓ કંઈ પણ ન બોલ્યાં. કિરણના ભાઈએ બધાને આઈસક્રીમ આપ્યો.

કિરણે કહ્યું, “તેણે મને એક ઘડિયાળ ગિફ્ટ કરી. તે ખૂબ પ્રેમાળ હતો. અમારી આંખો એકબીજા જેવી છે, પણ તેની આંખમાં એક દુખ હતું. અંજલિના એક સવાલના જવાબમાં તેણે કહ્યું કે તેને એકલું લાગે છે.”

તેઓ બીજા દિવસે ફરી મળ્યા. સેલિબ્રેટ કર્યું. જ્યાં તે બંને ઘણા ભાવુક હતાં.

તેમણે કહ્યું, “અમે બંને એકબીજાને મળ્યા છતાં હજી ઘણા સવાલો છે. હજી ક્યાંક ખટક છે. મને મારા ભાઈ પર ગર્વ છે અને હું તેને પ્રેમ કરું છું.”

કિરણને અચાનક જ તેમનો જોડીયો ભાઈ તો મળી ગયો પણ માતા માટેની તેમની શોધ હજી ચાલુ જ છે.

સિંધુ ગોસ્વામી જેમના ઘરે કામ કરતાં હતાં તેવા એક પરિવાર પાસેથી કિરણને સિંધુનો એક ફોટોગ્રાફ મળ્યો.

આ તસવીર તેને આ શોધ જાળવી રાખવાની પ્રેરણા આપે છે.

ફોટોગ્રાફ વિષે વાત કરતાં કિરણ કહે છે કે, “હું અને મારી મમ્મી એકદમ સરખા લાગીએ છીએ.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો