You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાર્લ માર્ક્સ : એ વ્યકિત જેના કારણે તમને મળે છે શનિ-રવિની રજા
તમને શનિ-રવિની રજાઓ ગમે છે? જાહેર રસ્તા પર ડ્રાઇવિંગ કરવું અને જાહેર પુસ્તકાલયોમાં વાંચવા જવું તમને ગમે છે?
અન્યાય, અસમાનતા અને શોષણનો અંત આવે તેવું ઇચ્છો છો ખરા?
જવાબ હા હોય તો કાર્લ માર્ક્સ વિશે તમારે જાણવું જોઈએ, કેમ કે આ બધી જ બાબતો શક્ય બને તે માટે તેઓ મથ્યા હતા.
વીસમી સદીના ઇતિહાસની થોડી જાણકારી ધરાવનારી વ્યક્તિ પણ સહમત થશે કે માર્ક્સની ક્રાંતિકારી રાજકીય વિચારધારા હલચલ મચાવતી રહી છે.
તેમના વિચારોને પ્રેરણારૂપ ગણીને આકરા સામાજિક પરિવર્તનો લાવવામાં આવ્યા, જેમાં મોટા ભાગે વિનાશક પરિણામો આવ્યા હતા.
માર્ક્સનું માનવીય પાસું
માર્ક્સના સિદ્ધાંતો એકહથ્થુ શાસન, સ્વતંત્રતાનો અભાવ અને સામુહિક હત્યાકાંડ સાથે જોડાઈ ગયા તેના કારણે માર્ક્સનું નામ ખરડાયું હતું.
જોકે માર્ક્સનું બીજું માનવીય પાસું પણ હતું અને તેમના વિચારોથી આવેલા પરિવર્તનોને કારણે દુનિયા વધુ રહેવાલાયક બની છે.
તમે જોશો તો ખ્યાલ આવશે કે માર્ક્સની કેટલીક વાતો ખરી ઊતરી છે: સુપર-રીચ લોકોનું એક નાનકડું જૂથ સમગ્ર દુનિયાના અર્થતંત્ર પર પકડ જમાવી દેશે; અસ્થિર મૂડીવાદી વ્યવસ્થામાં વારંવાર આવતી આર્થિક કટોકટીને કારણે માણસ સદાય ચિંતિત રહેશે અને ઔદ્યોગિકીકરણના કારણે માનવીય સંબંધો તદ્દન બદલાઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો તમને હજી પણ ખાતરી ના હોય કે કાર્લ માર્ક્સ આપણી ભલાઈના કેટલાક કાર્યો કરતા ગયા છે, તો આગળ વાંચો અને જાણો કે શા માટે 21મી સદીમાં પણ તેઓ ભૂલાયા નથી.
1. માર્ક્સ ઇચ્છતા હતા કે બાળકો શાળાએ જાય, મજૂરીએ નહીં
એમ જ હોવું જોઈએ એમ આપણે કહીશું, બરાબર? પરંતુ 1848માં કાર્લ માર્ક્સ 'કૉમ્યુનિસ્ટ મૅનિફેસ્ટો' લખી રહ્યા હતા, ત્યારે બાળમજૂરી ચલણમાં હતી.
ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન (2016)ના આંકડા પ્રમાણે, આજે પણ વિશ્વના દર 10માંથી એક બાળક મજૂરીએ જાય છે.
આમ છતાં મોટા ભાગના બાળકો આજે ફેક્ટરીના બદલે શાળાએ જતા થયા છે, તેનું શ્રેય માર્ક્સને જાય છે.
'ધ ગ્રેટ ઇકનોમિસ્ટ્સઃ હાઉ ધેઅર આઇડિયાઝ કેન હેલ્પ અસ ટુડે' એ નામનું પુસ્તક લખનારા લિન્ડા યુએ કહે છેઃ
"માર્ક્સ અને એન્ગલ્સે 1848માં 'કૉમ્યુનિસ્ટ મૅનિફેસ્ટો'માં દસ મુસદ્દા આપ્યા, તેમાં એક હતો બધા જ બાળકો માટે સરકારી શાળામાં શિક્ષણ અને કારખાનાઓમાંથી બાળમજૂરીની નાબૂદી."
બાળકો માટે આ અધિકાર માગનારા માર્ક્સ અને એન્ગલ્સ પ્રથમ નહોતા.
લિન્ડા ઉમેરે છે, "માર્ક્સવાદે તે વખતે ઊઠેલી સામુહિક માગમાં પોતાનો સૂર પૂરાવ્યો હતો."
"19મી સદીના પાછલા ભાગમાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત મનાવા લાગ્યું હતું અને કારખાનાઓમાં કિશોરની ભરતીની મનાઈ થઈ હતી."
2. તમારી પાસે મોકળાશનો સમય હોવો જોઈએ - ને કેવી રીતે ઉપયોગ કરવો તેની છૂટ હોવી જોઈએ એમ માર્ક્સ માનતા હતા
શું તમને અઠવાડિયાના સાતે દિવસ અને ચોવીસે કલાક કામ કરવાનું ગમે ખરું? લંચ બ્રેક મળે છે તેના વિશે શું માનો છો?
સમયસર નિવૃત્તિ મળે અને પેન્શનનો લાભ મળે એમ તમે ઇચ્છો છો ખરા?
ઉપરના સવાલોનો જવાબ 'હા' આપવાનો થાય તો તે માટે તમારે માર્ક્સનો આભાર માનવો રહ્યો.
લંડન સ્કૂલ ઓફ ઇકૉનૉમિક્સના પ્રોફેસર માઇક સેવેજ કહે છે, "તમને કલાકો સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવે ત્યારે તમારો સમય તમારો રહેતો નથી."
"તમારી જિંદગીનો દોર તમારા હાથમાંથી જતો રહે છે."
માર્ક્સે લખ્યું હતું કે કઈ રીતે મૂડીવાદી સમાજમાં ટકી જવા માટે મોટા ભાગના લોકોએ તેમની પાસે રહેલું એક માત્ર સ્રોત - એટલે કે શ્રમ - નાણાંના બદલામાં વેચવો પડે છે.
માર્ક્સના જણાવ્યા પ્રમાણે મોટા ભાગે આ સોદામાં સમાનતા નહોતી અને તેના કારણે શોષણ થતું હતું. વ્યક્તિને એવું લાગતું કે તે મૂળભૂત માનવીય બાબતોથી કપાઈ ગયો છે.
માર્ક્સ પોતાના સાથી કામદારોને વધારે વળતર મળે તેમ ઇચ્છતા હતા. તેઓ સ્વતંત્ર, સર્જનાત્મક અને ખાસ તો પોતાના સમયના માલિક બને તેમ તેઓ ઇચ્છતા હતા.
સેવેજ કહે છે, "માર્ક્સનું કહેવું એમ હતું કે આપણે જે કામ કરતાં હોઈએ તેના આધારે જીવનનું મૂલ્ય ના થવું જોઈએ. એવું જીવન હોવું જોઈએ, જેમાં ઘણા અંશે સ્વતંત્રતા હોય."
"જેમાં આપણે નક્કી કરી શકીએ કે હું કેવી રીતે જીવવા માગું છું. આજે આવી સ્થિતિ આદર્શ બની છે, જેને સૌ કોઈ ઝંખ્યા કરે છે."
સેવેજ ઉમેરે છે, "માર્ક્સની એક પ્રસિદ્ધ ઉક્તિ છે, જેમાં તેમણે કહ્યું છે કે, 'આપણે સવારે શિકાર કરીએ, બપોરે માછલી પકડીએ, સાંજે ઢોર ચરાવીએ અને ભોજન લીધા બાદ ટીકા કરીએ'.
માર્ક્સ આઝાદી અને મુક્તિ માટે તથા માણસ એકલવાયો ના થઈ જાય તેની સામે લડવામાં મક્કમ રીતે માનતા હતા,"
3. તમને જોબ સૅટિસ્ફૅક્શન (કાર્યસંતોષ) મળે એમ માર્ક્સ ઇચ્છતા હતા
'પોતે ઊભા કરેલા માળખામાં વ્યક્તિ પોતાને જોઈ શકે', તો વ્યક્તિ માટે તે કાર્ય આનંદનો સ્રોત બની શકે છે.
કામ એવું હોવું જોઈએ કે આપણને સર્જનાત્મકતા દાખવવાની તક મળે અને આપણામાં રહેલી સારપને આપણે દેખાડી શકીએઃ આ સારપ માનવતા, આપણી બુદ્ધિમતા કે આપણી કુશળતા ગમે તે હોઈ શકે છે.
પણ તમારું કામ અણગમતું હોય, તમારી લાગણીને દુભાવનારું હોય, તો તમે નિરાશ અને હતાશ થઈ જશો. એકલા પડી ગયા હોવાની લાગણી પણ અનુભવશો.
સિલિકોન વેલીના આજના કોઈ ફીલ-ગુડ ગુરુની આ પ્રેરણાત્મક વાતો નથી, પણ 19મી સદીના માર્ક્સના દિલમાંથી ઊઠેલી આ વાતો છે.
માર્ક્સે 1844માં લખેલા પુસ્તકો 'ઇકૉનૉમિક' અને 'ફિલોસોફિક મૅન્યુસ્ક્રિપ્ટ' બંનેમાં તેઓ એક એવા ઉમદા વિચારક દેખાઈ આવે છે, જેમણે જોબ સૅટિફૅક્શનને સુખી જીવનનું અનિવાર્ય અંગ ગણ્યું છે.
તેઓ સમજાવે છે કે આપણે કામમાં એટલો બધો સમય વિતાવીએ છીએ, કે તેમાંથી આપણને થોડો આનંદ મળે તે જરૂરી છે.
તમારા સર્જનમાં સૌંદર્ય હોવું જોઈએ અને તમારા ઉત્પાદન માટે તમને ગૌરવ થવું જોઈએ - તો જ તમને કામમાંથી સંતોષ મળશે અને જીવન સુખી થશે એમ તેઓ માનતા હતા.
માર્ક્સે નોંધ્યું હતું કે કામમાં ઝડપ, ઉત્પાદનમાં વધારો અને નફા ખાતર મૂડીવાદે દરેક કામને બહુ સિમિત (સ્પેશ્યલાઇઝ્ડ) કરી નાખ્યું છે.
તેના કારણે તમે વર્ષો સુધી, રોજેરોજ, દિવસમાં એક હજાર વાર, બસ એક સ્ક્રૂને આંટા ચડાવતા જ રહો છો...
બોલો, તેમાં તમને કઈ રીતે આનંદ અને જીવનનું સુખ મળશે?
4. પ્રજા પરિવર્તન લાવનારી બને એમ તેઓ ઇચ્છતા હતા
સમાજમાં કશુંક ખોટું ચાલી રહ્યું હોય - તમને લાગતું હોય કે તે અન્યાયી, અયોગ્ય અને અસમાન છે - તો તમારે અવાજ ઉઠાવવો રહ્યો, સૌને એકઠા કરીને વિરોધ જગાવવો રહ્યો અને પરિવર્તન માટે પ્રયાસો કરવા રહ્યા.
19મી સદીના બ્રિટનમાં નવી ઊભી થયેલી મૂડીવાદી વ્યવસ્થા બહુ શક્તિશાળી લાગતી હતી અને સત્તાહીન કામદાર સામે તે બહુ મજબૂત અને અડીખમ લાગતી હતી.
પરંતુ કાર્લ માર્ક્સને વિશ્વાસ હતો કે પરિવર્તન આવી શકે છે અને તેમણે અન્યને પણ પરિવર્તન માટે સક્રિય થવા પ્રેર્યા. તેમનો વિચાર ચારેબાજુ ફેલાઈ ગયો.
સંગઠિત રીતે થયેલા વિરોધ પ્રદર્શનોને કારણે ઘણા બધા દેશોમાં ઘણા બધા સામાજિક પરિવર્તનો આવ્યા: રંગભેદી નીતિઓ સામે કાયદા આવ્યા, વર્ગભેદ વિરોધી નિયમો બન્યા, સજાતીય સંબંધોની સૂગ ઓછી થઈ.
લંડનમાં માર્ક્સીઝમ ફેસ્ટિવલના આયોજકોમાંના એક લૂઇસ નિલસન કહે છે તે પ્રમાણે, "સમાજમાં પરિવર્તન માટે તમારે ક્રાંતિ કરવી પડે; સમાજમાં સુધારા માટે આપણે વિરોધ કરવો પડે."
"તેમના કારણે જ આમ આદમીને અધિકારો મળ્યા અને દિવસના આઠ કલાક કામની પાળી બની."
માર્ક્સને ઘણી વાર ફિલોસોફર કહેવામાં આવે છે, પણ નિલસન તે સાથે અસહમત થતા નિલસન કહે છે:
"તેના કારણે એવું લાગે કે તેમણે માત્ર ચિંતન કર્યું અને સિદ્ધાંતો તૈયાર કરીને તેને લખ્યા."
"પરંતુ માર્ક્સે પોતાના જીવનકાળમાં શું કર્યું, તે જોશો તો ખ્યાલ આવશે કે તેઓ એક ઍક્ટિવિસ્ટ પણ હતા.""તેમણે ઇન્ટરનેશનલ વર્કિંગમૅન્સ ઍસોસિયેશનની સ્થાપના કરી હતી અને હડતાળ પર ઊતરેલા ગરીબ મજૂરો માટે સમર્થન ઊભું કરવા તેઓ મથતા રહ્યા હતા."
"તેમણે નારો આપેલો કે 'દુનિયાના કામદારો, એક થાવ' એ ખરેખર લડત માટેનું આહ્વાન જ હતું. માર્ક્સનું સાચું પ્રદાન એ છે કે સ્થિતિમાં સુધારા માટે લડત આપવાનું આપણે શીખ્યા છીએ."
"વિરોધ પ્રદર્શન કરનારા પોતાને માર્ક્સવાદી કહેતા હોય કે ના કહેતા હોય, તેના પાયામાં માર્ક્સવાદી સિદ્ધાંતો છે."
નિલસન પૂછે છે, "મહિલાઓને મતાધિકાર કઈ રીતે મળ્યો?"
"એવું નહોતું કે સંસદમાં બેઠેલા પુરુષોને દયા આવી ગઈ, પરંતુ સ્ત્રીઓ સંગઠિત થઈ ને વિરોધ કર્યો તેના કારણે મતાધિકાર આપવો પડ્યો. શનિ-રવિની રજાઓ આપણને કેવી રીતે મળતી થઈ?"
"કેમ કે ટ્રૅડ-યુનિયનોએ તેની માગણી સાથે હડતાળ પાડી હતી. આમ આદમીના લાભ ખાતર કઈ પણ મેળવવું હોય તો શું કરવું પડે વિચારો?"
સામાજિક પરિવર્તનો માટે સંઘર્ષનો માર્ક્સનો મંત્ર ખરેખર અસરકારક થયો હતો તેમ લાગે છે, કેમ કે બ્રિટનના રૂઢિવાદી રાજકારણી ક્વિન્ટિન હોગે 1943માં કહેલુંઃ "આપણે સુધારા કરીએ, નહીં તો તે ક્રાંતિ કરશે."
5. શાસકો અને ઉદ્યોગપતિઓની દોસ્તી વિશે તેમણે તમને સાવધ કરેલા... અને મીડિયા પર નજર રાખવાનું પણ કહેલું
શાસકો અને વિશાળ ઉદ્યોગગૃહો વચ્ચેની સાંઠગાંઠ તમને કેવી લાગે છે?
ચીનને પાછલા બારણેથી ગુગલે ચાવી આપી દીધી તે જાણીને તમને અકળામણ થાય છે?
મતદારોની માનસિકતા પર અસર કરે તેવી પદ્ધતિ ઊભી કરનારી કંપનીને ફેસબુકે તેના યૂઝર્સના પર્સનલ ડેટા આપી દીધા તેનું શું?
માર્ક્સ અને એન્ગલ્સે 19મી સદીમાં જ આવું થશે તેની સામે ચેતવણી આપી દીધી હતી.
તે વખતે સોશિયલ મીડિયા નહોતું, પરંતુ બ્યૂએનોસ એરિસ યુનિવર્સિટીના ક્રિમિનૉલૉજીના પ્રોફેસર અને ન્યૂ યૉર્ક યુનિવર્સિટીના રિસર્ચ ફેલો વેલેરિયા વેગ વેઈસ કહે છે તે પ્રમાણે, આ ભયસ્થાનને પામી જનારા અને તેનું વિશ્લેષણ કરનારા તેઓ પહેલા હતા.
વેગ વેઈસ કહે છે, "સરકારો, બૅન્કો, ઉદ્યોગગૃહો અને સામ્રાજ્યવાદી પરિબળો વચ્ચે સહકારનું નેટવર્ક ઊભું થયું હતું તેનો તેમણે (માર્ક્સ અને એન્ગલ્સે) ઊંડો અભ્યાસ કર્યો હતો."
"તેમણે છેક 15મી સદીથી આ સાંઠગાંઠ ચાલતી હતી તે તપાસ્યું હતું."
તેઓએ શું તારણ કાઢ્યું હતું? અણછાજતી કોઈ વાત જો બિઝનેસ કે રાજ્યના હિતમાં હોય તો તેના સમર્થનમાં કાયદા કરાતા હતા -
જેમ કે સામ્રાજ્યવાદને મજબૂત બનાવવા માટે ગુલામીને કાયદેસર કરાઈ હતી એમ વેગ વેઈસ કહે છે.
નવાઈની વાત છે કે મીડિયા વિશેના માર્ક્સના એકદમ સચોટ નિરીક્ષણો આજે 21મી સદીમાં પણ એટલાં જ ચોટદાર લાગે છે.
"જનમત જગાવવામાં અખબારોની ભૂમિકાનું મહત્ત્વ માર્ક્સ સમજી ગયા હતા. આજે આપણે ફેક ન્યૂઝ અને મીડિયામાં ફેલાવાતા જૂઠની વાતો કરીએ છીએ... પણ માર્ક્સ એ જમાનામાં તેનું વિચારવા લાગ્યા હતા," એમ તેઓ ઉમેરે છે.
"તે વખતે પ્રગટ થતા લેખોનો અભ્યાસ કરીને તેમણે તારણ કાઢેલું કે ગરીબ લોકો દ્વારા થતા ચીલાચાલુ અપરાધો અને ગુનાખોરીની ઘટનાઓને વધારે પડતી ચગાવવામાં આવતી હતી."
"જ્યારે વ્હાઇટ કોલર ક્રાઇમ (છેતરપિંડી) અને રાજકીય કૌભાંડો વિશે અછડતો ઉલ્લેખ જ થયા કરતો હતો," એમ વેગ વેઈસ કહે છે.
સમાજમાં ભાગલા પાડવા માટેનું સાધન પણ અખબારો બની જતા હતા.
"ઇંગ્લીશ લોકોની રોજગારી આઇરિશ લોકો છીનવી રહ્યા છે એવું લખવું, શ્વેતની સામે અશ્વેતને ખડા કરી દેવા, સ્ત્રી અને પુરુષમાં લડાઈ કરાવવી, ઇમિગ્રન્ટ્સ સામે સ્થાનિકોની લાગણી ભડકાવવી...
આવું બધું ચાલતું રહેતું હતું. સમાજના વંચિત વર્ગો આ રીતે એકબીજા સામે લડતા રહેતા હતા, ત્યારે શક્તિશાળી લોકો પોતાનું ધાર્યું કર્યા કરતા હતા," એમ વેગ વેઈસ ઉમેરે છે.
સૌથી રસપ્રદ વાત એ છે કે મૂડીવાદ પહેલાં જ માર્ક્સવાદ શબ્દ આવી ગયો હતો.
આ વાત કદાચ ગળે નહીં ઊતરે, પણ આ વિચારોઃ દુનિયા મૂડીવાદ વિશે સભાન થઈ તે પહેલાં માર્ક્સવાદ વિશે પ્રચાર શરૂ થઈ ગયો હતો.
લિન્ડા યુએ કહે છે કે 'મૂડીવાદ' એ શબ્દ, આધુનિક અર્થતંત્રના જનક ગણાતા એડમ સ્મિથે નહોતો આપ્યો. તેમણે બજારનું 'અદૃશ્ય પરિબળ' એ રીતે વાત સમજાવી હતી.
મૂડીવાદ શબ્દ છેક 1854માં પહેલીવાર વિલિયમ મેક્પીસની નવલકથા વૅનિટી ફેરમાં પ્રયોજાયો હતો.
લિન્ડા કહે છે, "કૅપિટલના (મૂડીના) માલિકો એટલે કૅપિટલિસ્ટ એવી રીતે નવલકથામાં શબ્દપ્રયોગ થયો હતો."
"તેથી કદાચ પ્રથમવાર અર્થતંત્રની બાબતમાં તેનો ઉપયોગ કાર્લ માર્ક્સે કર્યો હતો. તેમણે 1867માં કૅપિટલ (દાસ કૅપિટલ)માં તેનો ઉલ્લેખ કર્યો હતો.
તે પછી માર્ક્સવાદના વિરોધાર્થી શબ્દ તરીકે તે શબ્દ વપરાતો રહ્યો. તે અર્થમાં માર્ક્સવાદ મૂડીવાદની પહેલાં આવ્યો હતો."
(આ લેખ મે-2018માં પ્રથમ વખત પ્રકાશિત થયો હતો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો