You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10ને એક મહિનાના જામીન મળ્યા, શું છે કેસ?
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વડગામ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને પાટીદાર આગેવાન તેમજ એન. સી. પી.નાં નેતા રેશમા પટેલ સહિત 10ને મહેસાણાની કોર્ટે ત્રણ માસની સજા ફટકારી હતી.
જોકે જિજ્ઞેશ મેવાણી સહિત તમામને એક મહિનાના જામીન મળ્યા મળી ગયા છે.
જામીન મળ્યા બાદ જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે આ એક મહિના દરમિયાન અમે સેશન્સ કોર્ટમાં મહેસાણા કોર્ટના ચુકાદાને પડકારી શકીશું.
જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે કાનૂન અને બંધારણના દાયરામાં રહીનું મારું આંદોલન અને લડત સતત ચાલુ રહેશે.
અગાઉના ઘટનાક્રમની વાત કરીએ તો, તમામને કોર્ટે જેલની સજા સહિત એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, એનસીપીનાં નેતા રેશમા પટેલ સહિત કુલ 10 લોકોને સરકારી મંજૂરી વગર મહેસાણાથી ધાનેરા સુધી આઝાદી કૂચ યોજવા બદલ કોર્ટે જાહેરનામા ભંગ બદલ કસૂરવાર ઠેરવ્યાં હતાં.
અહેવાલ અનુસાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ જે. એ. પરમારની કોર્ટે ચુકાદો સંભળાવતાં નોંધ્યું હતું કે, "રેલી યોજવી એ ગુનો નથી. પરંતુ પરવાનગી વગર રેલી યોજવી એ ગુનો છે."
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર કોર્ટે નોંધ્યું હતું કે, "આજ્ઞાકારીપણાનો અભાવ ચલાવી લેવાય નહીં."
આ મામલે કુલ લોકો સામેલ હતા, જેમાંથી એકનું મૃત્યુ થઈ ચૂક્યું છે. અને એક ભાગેડુ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિજ્ઞેશ મેવાણીએ આ સજા મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "ગુજરાતના ઉના ખાતે દલિત અત્યાચારના એક વર્ષ નિમિત્તે ગુજરાતના ઉત્તર ગુજરાતના ધાનેરા તાલુકામાં દલિત સમાજના ભૂમિહીનોને ફાળવેલી જમીનમાં અસામાજિક તત્ત્વોના કબજાના વિરોધમાં અમે આઝાદી કૂચનું આયોજન કર્યું હતું. જે બાબતે પરવાનગી વગર રેલી યોજવાના ગુનામાં અમને ન્યાયાલય દ્વારા આ સજા ફટકારવામાં આવી હતી. પરંતુ અમને આશા હતી કે આ બાબતમાં અમુક પરિબળોને ધ્યાને લઈને અમને નિર્દોષ જાહેર કરાશે. અમે આ નિર્ણય સામે અપીલ કરીશું. અમને આશા છે કે અમને ન્યાય મળશે."
તેમણે આગળ કહ્યું હતું કે, "અમે જેમના માટે આ આઝાદી કૂચનું આયોજન કર્યું હતું તેમને હવે એ જમીનનો કબજો મળી ગયો છે અને તેઓ હવે એ જમીન ખેડી રહ્યા હોવાની વાતનો મને આનંદ છે. સરકાર મોટા મોટા આરોપીઓને સજા અપાવવા પ્રયત્ન નથી કરી રહી પરંતુ મારા જેવા અપક્ષ ધારાસભ્યને નેસ્તનાબૂદ કરવા માટે જેવી રીતે મથી રહી છે તેનાથી એવું પણ દેખાય છે કે તેઓને મારાથી કેટલો ડર છે, પરંતુ પહેલાં કીધું હતું તેમજ હમણાં પણ કહું છું હું નમીશ નહીં."
સજાને પડકારાશે
બચાવપક્ષના વકીલ એમ. એન. મલીક બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "2017માં ઊનાકાંડના સંદર્ભમાં જુલાઈ, 2017માં મહેસાણાથી ધાનેરા સુધી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ એક રેલીનું આયોજન કરાયું હતું. જેને પોલીસની પરવાનગી નહોતી મળી, તેમ છતાં રેલી યોજાતાં 10 લોકો સામે જાહેરનામા ભંગનો આરોપ કરવામાં આવ્યો હતો. તમામને આઈપીસીની કલમ 143 અંતર્ગત આ સજા ફરમાવવામાં આવી છે. જેની સામે અમે ઉપલી અદાલતમાં જઈશું "
આ સિવાય સંબંધિત કેસમાં ગુનેગાર ઠરેલાં રેશમા પટેલે આ અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, "અમે કોર્ટના આદેશને માથે ચઢાવીએ છીએ. પરંતુ અમે એવો કોઈ મોટો ગુનો કર્યો નથી કે આવી સજા થઈ શકે. ભાજપ સરકાર દ્વારા અમને પરેશાન કરવામાં આવ્યાં છે. ક્રાંતિકારી નેતાઓને કોર્ટની અંદર કેસ કરીને પરેશાન કરી માનસિક પીડિત કરવામાં આવે છે. ખોટા ગુના અને ખોટા પુરાવા ઊભા કરીને પરેશાન કરવામાં આવે છે. અમે આ લડાઈ કોઈ અમારા સ્વાર્થ માટે નથી લડ્યાં. બીજાના હક માટે લડ્યાં હતાં."
નોંધનીય છે કે ગત મહિને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની બે સમૂહો વચ્ચે દુશ્મનાવટ વધારવાના આરોપ હેઠળ આસામ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી.
જે બાદ આ મામલો ખૂબ ચગ્યો હતો. મેવાણીનો આરોપ હતો કે 'વડા પ્રધાનની ઑફિસમાં બેઠેલા ગોડસેના ભક્ત તેમની ધરપકડ પાછળ હતા.'
ગુજરાત સહિત સમગ્ર દેશમાં મેવાણીની ધરપકડ ખૂબ જ ચર્ચામાં રહી હતી અને કેટલાક વર્ગોમાં દેશના સત્તાધારી પક્ષ ભાજપ પર મેવાણી વિરુદ્ધ કાવતરું કરીને તેમને જેલહવાલે કર્યાના આરોપ લાગ્યા હતા. જોકે પક્ષના નેતાઓએ આ આરોપોને રદિયો આપ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો