ગુજરાતમાં ધારાસભ્યનું પદ ત્યજીને કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં કેમ જતા રહે છે?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસના ધારાસભ્યોનો ભાજપમાં જોડાવાનો ક્રમ શરૂ થઈ ગયો છે. ખેડબ્રહ્માની બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે હાથનો સાથ છોડીને કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.

કૉંગ્રેસના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ જ પાર્ટી નથી છોડી રહ્યાં, પરંતુ અન્ય પદાધિકારીઓમાં પણ પાર્ટી તથા તેના નેતૃત્વ પ્રત્યે કચવાટ જોવા મળી રહ્યો છે.

વર્ષ 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર બની, તે પછી ગુજરાતમાં લગભગ 20 ધારાસભ્ય કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. જેના કારણે પાર્ટીને રાજ્યસભાની ચૂંટણીમાં પણ ફટકો પડ્યો હતો.

મધ્ય પ્રદેશ, આસામ, ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં પણ સ્થાનિક ક્ષત્રપ પાર્ટી છોડી રહ્યા છે, આ સિવાય અનેક કેન્દ્રીય નેતા પણ કૉંગ્રેસ છોડી ગયા છે, જેનો લાભ ભાજપને થઈ રહ્યો છે.

આંતરિક જૂથબંધીને કારણે પંજાબમાં પરાજય બાદ કૉંગ્રેસ પાર્ટી ગુજરાત, હિમાચલ પ્રદેશ તથા કર્ણાટકની ઉપર ધ્યાન કેંદ્રિત કરી રહી છે. કૉંગ્રેસના મતે તે ગુજરાતમાં ત્રણ દાયકાથી સત્તાથી વંચિત છે, જે તેની મોટી નબળાઈ બની રહી છે.

કૉંગ્રેસી કોટવાલભાજપમાં જોડાયા

મંગળવારે ખેડબ્રહ્માની બેઠક પરથી ત્રણ વખતના કૉંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે વિધાનસભામાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે વિધાનસભાનાં અધ્યક્ષ નીમાબહેન આચાર્યને પોતાનું રાજીનામું આપ્યું હતું.

યોગાનુયોગ નીમાબહેને કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને પાછળથી ભાજપમાં જોડાઈ ગયાં હતાં અને વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં છે.

રાજીનામાના ગણતરીના કલાકો બાદ તેઓ ગુજરાત ભાજપના મુખ્યાલય 'શ્રીકમલમ્' ખાતે ગયા હતા, જ્યાં ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે તેમને ભાજપમાં આવકાર્યા હતા. પત્રકારો સાથે વાત કરતી વેળાએ કોટવાલે કહ્યું હતું કે 'તેઓ ભલે ત્રણ વખતથી કૉંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાઈ રહ્યા હતા, પરંતુ તેમના હૃદયમાં મોદી જ હતા.'

તેમણે કૉંગ્રેસના નેતૃત્વ ઉપર તેમની અવગણના કરવાનો તથા ફરિયાદો નહીં સાંભળવાનો આરોપ મૂક્યો હતો. જોકે આ વાત નવી ન હતી, અગાઉ નરહરિ અમીન, કુંવરજી બાવળિયા, અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ તથા અન્ય નેતાઓએ પણ કૉંગ્રેસ છોડતી વખતે આવી જ વાત કહી હતી.

2019માં રાજ્યસભાની ચૂંટણી સમયે ઠાકોર તથા ઝાલાએ ભાજપના ઉમેદવારો એસ. જયશંકર તથા જુગલજી ઠાકોરના સમર્થનમાં ક્રૉસ વોટિંગ કર્યું હતું, ત્યારે કોટવાલ જ કૉંગ્રેસના નિરીક્ષક હતા. એ મતદાન પછી ઠાકોર અને ઝાલાએ કૉંગ્રેસ છોડી દીધી હતી.

શું કહે છે ભાજપ ને કૉંગ્રેસ?

કૉંગ્રેસના પ્રવક્તા નૈશદ દેસાઈના કહેવા પ્રમાણે, "આ બધું આગામી ચૂંટણીનું પ્રિ-પ્લાનિંગ છે અને તેના માટે જ માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે બેઠક પર કૉંગ્રેસ પાર્ટી સહેલાઈથી જીતી રહી છે, તેવી બેઠકના ધારાસભ્યને જ ભાજપ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે."

"ગુજરાતમાં 30 વર્ષથી પાર્ટી સત્તામાં નથી. આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં આવી રહી છે, એટલે કદાચ કોઈકને ડર હોય કે વધુ સમયથી પાવરથી વંચિત રહેવું પડી શકે છે. ધારાસભ્ય પાર્ટીની ટિકિટ અને ચૂંટણીચિહ્ન ઉપર ચૂંટાઈ આવ્યા હોય, ત્યારે તેમણે વિચારધારાને વળગી રહેવું જોઈએ અને નાસીપાસ ન થવું જોઈએ."

દેસાઈ સ્વીકારે છે કે પાર્ટી તેના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાળવી રાખવામાં ક્યાંકને ક્યાંક નિષ્ફળ રહી છે, સાથે જ ઉમેરે છે કે 'આ બધાની વચ્ચે 'ફાઇનાન્સ' તથા 'પાવર' જેવા પરિબળો પણ ભૂમિકા ભજવતા હોય તેવું લાગે છે.'

ગુજરાત ભાજપના સહ-પ્રવક્તા કિશોર મકવાણાએ આ આરોપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે, 'કૉંગ્રેસ પાસે કહેવા માટે કોઈ મુદ્દા નથી એટલે આ પ્રકારના આરોપ મૂકે છે.'

મકવાણાનું કહેવું છે, "કૉંગ્રેસ નેતા, નેતૃત્વ અને વિચારધારાવિહીન પાર્ટી બની ગઈ છે. તેના કાર્યકર્તા તો શું નેતા કે ધારાસભ્યને પણ કોઈ ફરિયાદ કરવી હોય કે હૃદયની વ્યથા ઠાલવવી હોય તો પણ કોઈ તેની પાસે કોઈ જગ્યા નથી, એટલે તેઓ પાર્ટી છોડી રહ્યા છે."

"બીજી બાજુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વમાં ભારત જે રીતે આગળ વધી રહ્યું છે. ગુજરાત તથા દેશનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, તેનાથી આકર્ષિત થઈને અન્ય પાર્ટીના નેતાઓ ભાજપ તરફ આકર્ષાય રહ્યા છે."

આ બધાની વચ્ચે વડગામની બેઠકના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અપવાદ છે. તેઓ કૉંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી ચૂક્યા છે. ગત વિધાનસભા ચૂંટણી સમયે કૉંગ્રેસે તેમની સામે ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો, એટલે કદાચ તેમની આ જાહેરાત અનપેક્ષિત પણ ન હતી.

લોકપ્રતિનિધિ જ નહીં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પક્ષના રાજ્યસ્તરના નેતૃત્વ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરી ચૂક્યા છે અને પાર્ટી છોડવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે પોતાના વૉટ્સઍપ સ્ટેટસમાં કેસરિયા ખેસવાળી તસવીર તથા ટ્વિટરના બાયોમાંથી કૉંગ્રેસની પદવી હઠાવતા તેઓ પણ પાર્ટી છોડશે, એવી અટકળો વહેતી થઈ છે. જ્યારે પાર્ટીના ફાયરબ્રાન્ડ પ્રવક્તા જયરાજસિંહ પરમાર તાજેતરમાં ભાજપમાં જોડાઈ ગયા હતા.

પરિણામોમાં પક્ષાંતરનું પરિબળ

2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં 14 કૉંગ્રેસી ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા, જેમાંથી પાર્ટીએ 11ને ટિકિટ આપી હતી, પરંતુ વિજય માત્ર બેનો જ થયો હતો.

2017માં વિધાનસભાની ચૂંટણીમાં પક્ષપલટાની ઉથલપાથલને કારણે 1.8 ટકા વોટ NOTA (ઉપરમાંથી કોઈ નહીં)માં ગયા, જ્યારે અપક્ષના વોટમાં દોઢ ટકા ઘટાડો થયો. આમ કૉંગ્રેસને અઢી ટકાનો વોટ સ્વિંગ વધુ મળ્યો તેમાં ભાજપ 99 બેઠક પર સમેટાઈ ગયો હતો.

ભૂપેન્દ્ર પટેલ પહેલાં વિજય રૂપાણીની સરકારમાં કૉંગ્રેસના પૂર્વ નેતા જયેશભાઈ રાદડિયા (જેતપુર), કુંવરજીભાઈ બાવળિયા (જસદણ) અને જવાહર ચાવડાને (માણાવદર) કૅબિનેટ મંત્રી, જ્યારે જયદ્રથસિંહ પરમાર (હાલોલ) અને ધર્મેન્દ્રસિંહ જાડેજા (જામનગર ઉત્તર) રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. ગત વિધાનસભામાં બાવળિયા ભાજપમાં જોડાયા તેના ગણતરીના કલાકોમાં તેમને પ્રધાનપદના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

હાલની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાઘવજી પટેલ (જામનગર-ગ્રામ્ય, કૅબિનેટ મંત્રી) અને જીતુભાઈ ચૌધરી (કપરાડા) તથા બ્રિજેશ મેરજા (મોરબી) મૂળ કૉંગ્રેસમાંથી આવ્યા છે.

ભાજપ વતી રાજ્યસભાની ચૂંટણી (2017) લડીને હારનારા બળવંતસિંહ રાજપૂતને (સિદ્ધપુર) જીઆઈડીસીના (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન) ચૅરમૅન બનાવવામાં આવ્યા છે. રાજપૂતનાં પુત્રીનું લગ્ન કૉંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ સાથે થયું છે. એ સમયે મહેન્દ્રસિંહ બાયડની બેઠક પરથી ધારાસભ્ય હતા.

2017ની રાજ્યસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસના ધારાસભ્યો છન્ના ચૌધી (વાંસદા), માનસિંહ ચૌહાણ (બાલાસિનોર), રામસિંહ પરમાર (ઠસરા), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય), ધર્મેન્દ્રસિંહ જાડેજા (જામનગર શહેર), પીઆઈ પટેલ (વીજાપુર) તેજશ્રીબહેન પટેલ (વિરમગામ), અમિત ચૌધરી (માણસા), કરમશી પટેલ (સાણંદ), સીકે રાઉલજી (ગોધરા) અને ભોળાભાઈ ગોહિલે (જસદણ) રાજીનામાં આપી દીધાં હતાં.

જેથી ગૃહનું સંખ્યબળ ઘટી ગયું હતું અને કૉંગ્રેસનું વિજયનું ગણિત ખોરવાઈ ગયું હતું અને 'કૉંગ્રેસના ચાણક્ય', અહમદ પટેલ ચૂંટાશે કે કેમ તેવો સવાલ ઊભો થયો હતો, પરંતુ છોટુભાઈ વસાવાની મદદથી હાઈ-વૉલ્ટેજ ડ્રામા બાદ તેઓ ઉપલા ગૃહમાં પહોંચવામાં સફળ રહ્યા હતા.

આવું જ દૃશ્ય 2020માં ભજવાયું હતું. એ સમયે પ્રદ્યમુનસિંહ જાડેજા (અબડાસા), બ્રિજેશ મેરજા (મોરબી), જેવી કાકડિયા (ધારી), આત્મારામ પરમાર (ગઢડા), અક્ષય પટેલ (કરજણ), વિજય પટેલ (ડાંગ), જીતુ ચૌધરી (કપરાડા)એ પોતાના ધારાસભ્યપદેથી રાજીનામાં અપાવી દીધાં હતાં અને બાદમાં તેમને વિધાનસભાની પેટાચૂંટણીમાં ટિકિટો પણ આપી હતી.

જોકે આ વખતે ભાજપ તેના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતાડવામાં સફળ રહ્યો હતો.

2019ની લોકસભા ચૂંટણી બાદ યોજાયેલી પેટાચૂંટણીઓમાં જનતાએ કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર (રાધનપુર) તથા ધવલસિંહ ઝાલાને (બાયડ) પેટાચૂંટણીમાં જાકારો આપ્યો હતો. જ્યારે જ્યારે વલ્લભ ધારવિયા (જામનગર-ગ્રામ્ય)એ ચૂંટણીજંગમાં જ ઉતરવાનું માંડી વાળ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો