You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની શાળાઓ સુધારવા 'એક તક'ની અરવિંદ કેજરીવાલની અપીલ સામે ભાજપે શું કહ્યું?
ગુજરાત સ્થાપના દિવસે દિલ્હીના મખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે ગુજરાતના ભરૂચમાં એક રેલીને સંબોધી હતી. કેજરીવાલે દિલ્હીમાં સફળ રહેલા ગવર્નન્સ મૉડેલને ગુજરાતમાં લાગુ કરવાની વાત કરી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે રાજ્યમાં રાજકારણ તેજ થવા પામ્યું છે.
હાલમાં જ ભરૂચસ્થિત ભારતીય ટ્રાઇબલ પાર્ટી તથા આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. બંને પાર્ટીના શીર્ષસ્થ નેતાઓએ ગુજરાતના સ્થાપના દિવસે પહેલી મેના રોજ ભરૂચ નજીક વાલિયા ખાતે આદિવાસી સભાને સંબોધિત કર્યું હતું.
અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં ગુજરાતની સરકારને શાળાઓ, શિક્ષણ, પેપર લીક કેસ સહિત અનેક મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો.
અરવિંદ કેજરીવાલે ગુજરાતની શાળાઓની પરિસ્થિતિ અંગે ટીકા કરી હતી.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "ગુજરાતમાં 6,000 સરકારી શાળાઓ મર્જરના નામે બંધ કરી દીધી છે. કેટલીય શાળાઓની પરિસ્થિતિ ખંડેર જેવી છે. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધર છે. જે રીતે અમે દિલ્હીમાં શાળાઓ બદલી એ રીતે આપણે તેને બદલી શકીએ છીએ."
"દિલ્હીની સરકારી શાળાઓમાં પણ પહેલા આવું જ હતું. પણ આજે સાત વર્ષ બાદ દિલ્હીની સરકારી શાળાઓ શાનદાર બની ગઈ છે."
તેમણે દાવો કર્યો કે દિલ્હીમાં ચાર લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી નામ કાઢીને દિલ્હી સરકારની શાળાઓમાં દાખલ થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, દિલ્હીમાં જજ અને રીક્ષાવાળાના ગરીબોનાં બાળકો એક જ બેન્ચ પર સાથે ભણી રહ્યાં છે. આ બાબા સાહેબ આંબેડરનું સપનું હતું. મેં પ્રતિજ્ઞા લીધી છે કે બાબા તેરા સપના અધુરા, કેજરીવાલ કરેગા પુરા. આ વરસે દિલ્હીમાં પાસ ટકાવારી 99.7 ટકા રહી છે.
તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે, "અમને એક મોકો આપો. જો અમે આ અવસરમાં શાળાઓને ન સુધારીએ તો અમને બહાર કરી દેજો".
"ગુજરાતની ભાજપ સરકારે પેપર લીકમાં વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો"
તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પડકાર આપતા કહ્યું કે, "એકવાતે તો ગુજરાતની ભાજપ સરકારને માનવી પડે, તેમણે આખી દુનિયામાં પેપર લીકમાં વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. દુનિયાના બધા રેકૉર્ડ તોડી નાખ્યા. હું ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પડકાર આપું છું કે તેઓ પેપર લીક વગર કોઈ એક પરીક્ષા કરી બતાવે."
દિલ્હીમાં પ્રથમ સફળતા મળ્યા બાદ ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પંજાબમાં ભારે બહુમતી સાથે સરકાર બનાવી છે.
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આદિવાસી પ્રભુત્વવાળા વિસ્તારમાં પ્રચાર તેજ કર્યો છે.
ગુજરાતમાં આદિવાસીઓની વસતી 1 કરોડ જેટલી છે અને 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આદિવાસી પ્રભુત્વવાળી 27 બેઠકોમાંથી કૉંગ્રેસને 15 બેઠકો પર જીત મળી હતી.
ગત મહિને આમ આદમી પાર્ટીએ આંતરિક સરવેમાં ગુજરાતમાં આગામી ડિસેમ્બરમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાં 58 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.
આમ આદમી પાર્ટી અનુસાર સરવેમાં એવો ઇશારો મળ્યો હતો કે ગ્રામિણ વિસ્તારના અને શહેરના મધ્યમ વર્ગના મતો મળવાની શક્યતા છે.
કેજરીવાલે કટાક્ષ કરતા કહ્યું કે, "દેશના બે સૌથી અમીર ગુજરાતી છે અને દેશના સૌથી ગરીબ પણ ગુજરાતના આદિવાસી છે. દાહોદમાં છોટા ઉદેપુર, અરવલ્લી, ડાંગમાં અતિ ગરીબ આદિવાસી રહે છે."
"ગુજરાતીઓ લાગણીશીલ છે અને હું પણ બહું લાગણીશીલ છું"
કેજરીવાલે ગુજરાતીઓના વખાણ કરતા કહ્યું હતું કે, "ગુજરાતના લોકો બહુ લાગણીશીલ હોય છે. ગુજરાતના લોકો એકવાર કોઈને પ્રેમ કરે તો જીવનભર પ્રેમ નિભાવે છે. હું તમને કહેવા આવ્યો છું કે કેજરીવાલ દિલથી કામ કરે છે."
"કેજરીવાલ પણ બહુ લાગણીશીલ છે અને કેજરીવાલ પણ એકવાર પ્રેમ કરે તો જીવનભર પ્રેમ નિભાવે છે."
ગુજરાતમાં વહેલી ચૂંટણી વિશે કેજરીવાલે કહ્યું, "તમે સાંભળ્યું હશે કે ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી રહી છે. તેઓ આમ આદમી પાર્ટીથી ડરેલા છે. અમે દિલ્હીમાં સરકાર બનાવી, પછી પંજાબમાં સરકાર બનાવી, અબ ગુજરાત કી બારી હૈ. હવે ગુજરાતમાં સરકાર બનાવવી છે તો તેઓ કહે છે કે આપને ટાઇમ ન આપો. ડિસેમ્બર સુધી એમને સમય મળી ગયો તો ગુજરાત હાથમાંથી જશે."
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં કહ્યું, ''ભાજપવાળા કહે છે કેજરીવાલે વીજળી ફ્રી કરી નાખી. ઈમાનદાર છું માટે કરું છું તમે બેઈમાન છો માટે નથી કરતા. દિલ્હીમાં કટ્ટર ઈમાનદાર સરકાર છે, હું પૈસા ખાતો નથી અને ખાવા દેતો નથી. દરેક વસ્તુમાં મેં રૂપિયા બચાવ્યા, ભ્રષ્ટાચાર બંધ કર્યો એ રૂપિયામાંથી વીજળી ફ્રી કરી.''
''ઇમાનદારીનો એક જ માપદંડ છે. જે નેતા ફ્રીમાં વીજળી આપે તે ઇમાનદાર અને જે મોંઘી આપે તે બેઇમાન છે.''
"કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે."
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલે કેજરીવાલને દેશની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવતા ટ્વીટ કર્યું છે, "ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે."
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ "દિલ્હી મૉડલ"ના મથાળા સાથે એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયો દિલ્હીમાં પાણીના પ્રશ્ન અંગેનો છે.
જેમાં કતારમાં પાણીની ડોલ સાથે બવાના જેજે કોલોનીનાં રહેવાસી ગણાવતાં મહિલા કહી રહ્યાં છે કે અમારી દિલ્હી સરકાર કહે છે કે, "દિલ્હીમાં સ્વચ્છ પાણી છે. પરંતુ અમે અહીં 15-16 વર્ષથી રહીએ છીએ. અમારા વિસ્તારમાં પાણી નથી. અમે રોજ સવારે ચાર-પાંચ વાગ્યે જાગીને બીજા બ્લૉકમાંથી પાણી ભરવા જઈએ છીએ. દિલ્હી સરકારને અમારી વિનંતી કે અમને પાણી પૂરું પાડવામાં આવે"
'આપથી ડરી ગયો છે ભાજપ' - આમ આદમી પાર્ટીનો આરોપ
આમ આદમી પાર્ટીએ ભાજપ ગુજરાત પ્રમુખ સી.આર.પાટીલના આરોપનો જવાબ આ રીતે આપ્યો હતો, "ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલભાઉને પૂછવાનું કે, શું બાળકોને આધુનિક શિક્ષણ વ્યવસ્થા આપવી દેશ માટે ખતરો છે? શું બાળકોને ઉદ્યોગસાહસિકતાના પાઠ ભણાવવા દેશ માટે ખતરો છે? શું બાળકોને શાળાઓમાં માનવતા અને દેશભક્તિના પાઠ ભણાવવા દેશ માટે ખતરો છે?"
આમ આદમી પાર્ટીનો આરોપ છે કે "સુરત મહાનગરપાલિકામાં ધરણા પર બેઠેલા આમ આદમી પાર્ટીના નગરસેવકો સાથે પોલીસનું અમાનવીય વર્તન કરવામાં આવ્યું. મહિલા નગરસેવકોના કપડાં ફાડી નાખવામાં આવ્યા અને પુરુષ નગરસેવકોનાં ગળાં દબાવી ગાળો આપીને મારવામાં આવ્યા."
ગુજરાત આપના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે, "અરવિંદ કેજરીવાલની સફળ જાહેરસભા બાદ ડરના કારણે ભાજપ થરથરી! ભાજપ ગુજરાત અધ્યક્ષ @CRPaatilના ઇશારે સુરતના AAP કાઉન્સિલરો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. ભાજપ એ ભૂલી ગઈ કે આમ આદમી પાર્ટીના દેશભક્તોએ તાનશાહી સરકારોની લાકડીઓ ખાઈને જ દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવી. હવે ગુજરાતનો વારો છે."
ત્યારે ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, "કેજરીવાલ એક કટ્ટર ઈમાનદાર અને દેશભક્ત વ્યક્તિ છે. દેશની જનતા માટે ખૂબ સારું વિચારે છે, કેજરીવાલ લોકોને શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી પાણી જેવી વ્યવસ્થા આપે છે. ગુજરાત માટે માજી બુટલેગર ખતરારૂપ છે. ગુજરાતની જનતા માજી બુટલેગરને સબક શીખવાડી ગુજરાતમાં એક ઈમાનદાર સરકાર બનાવવા જઈ રહી છે."
તો જવાબમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું કે, "આ ડર સારો છે. કોઈ રાજ્ય સરકારના કાર્ય પર ટિપ્પણી કરવી સામાન્ય વાત છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જમીની સ્તર પર કાર્યશૈલી અને સરકારની સાથેસાથે સંગઠનની શક્તિને જોઈને કેજરીવાલનું ગભરાવું સ્વાભાવિક છે. આ ડર સારો છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો